વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૯}


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

શમ્મી નીકળી ગયો પછી પણ સેતુમાધવન ક્યાંય સુધી પોતાની ચેરના બેકરેસ્ટ પર માથું ઢાળીને બેઠો રહ્યો. સામે પડેલી એશ ટ્રેમાં બુઝાયેલી સિગારના આઠ ઠૂંઠા પડ્યા હતા. સેતુમાધવનને અચાનક જ ખાંસી ઉપડી. સિગાર બંધ ન થાય તો શક્ય એટલી કટ ડાઉન કરવાની સલાહ ડોકટરે આપી હતી. એને અનુસરવાની વાત તો બાજુએ રહી બલકે માધવનને રહી રહીને લાગતું હતું કે સલાહ માનવી જરૂરી હતી ખરી?

હહ.. મનમાં ધરબી રાખેલી કડવાશ મોઢામાં પ્રસરી ગઈ : જીવવું? શા માટે? કોને માટે જીવવું?

એ પ્રશ્ન સાથે તલપ કચડવાની બદલે વધુ એક સિગાર જલાવી. એની નજર સામે તાદશ થઇ ઉઠ્યો સવારનો પ્રસંગ. મધુરિમાની માનસિક અવસ્થા દિનબદિન બગડતી જતી હતી. એને માટે રાખવામાં આવતા નર્સિંગ સ્ટાફની સંખ્યા વધતી જાય તો પણ એનો અર્થ નહોતો. કારણ સીધું હતું, મધુરિમાનું વર્તન જ એવું રહેતું કે મોંમાંગ્યા પગાર આપવા પછી પણ નહીવત સમયમાં નર્સ ને આયાઓ નોકરી છોડીને ભાગી જતી રહેતી. યુવાન સ્ત્રીને જોઈ નથી ને મધુરિમાને પાગલપણાનો હુમલો આવતો, યુવાન નર્સ જોતાવેંત એ પાગલ થઇ જતી.

પેશન્ટની સારવારમાં શારીરિક ચુસ્તતા ધરાવતી છોકરીને જ નોકરીમાં રાખવી એ તો એમ્પ્લોયમેન્ટ એજન્સીનો મંત્ર હતો, એટલે નર્સિંગ બ્યુરોમાંથી આવતી નર્સ મોટે ભાગે યુવાન જ રહેતી . મધુરિમાના વર્તને તો માઝા મૂકી હતી. ને વળી નવી રાખેલી નર્સ યુવાન હતી. નર્સિંગ બ્યુરો દ્વારા જ મોકલાયેલી જરૂરીયાતમંદ નાની ઉંમરની છોકરીને જોઇને તો મધુરિમા વધુ ભડકી જતી એવું તો રોજ જ થતું રહેતું.

પોતાના પિતાના સમયના થોડાં જૂનાં માણસો સિવાય તમામને શકની નજરથી મધુરિમા જોતી રહેતી. એના મનમાં ડર બેસી ગયો હતો કે જાણે કોઈ એને મારી નાખવાના કાવતરારૂપે જ નોકરીમાં આવે છે. અને એને લાવનાર બીજું કોઈ નહીં પણ એનો પતિ જ છે. બધા તો ઠીક પણ સહુથી વધુ અવિશ્વાસ હોય તો એ હતો સેતુમાધવન, એનો પતિ.

‘મને બધી ખબર છે, આ બધી ટોળકી શેને માટે રાખી છે!!’ મધુરિમા વિના કોઈ કારણે મનઘડંત આક્ષેપબાજી કરતી રહેતી ને માધવન પાસે એ મૂંગે મોઢે સહન કર્યા વિના કોઈ વિકલ્પ પણ ન રહેતો. મધુરિમાને કેમ સમજાવવી કે શારીરિક રીતે સજ્જ હોય તે જ મહિલાઓને નર્સિંગ બ્યુરો ભરતી કરે, તો જ તો એ પેશન્ટ સંભાળી શકે.

એ દલીલ તો ત્યારે થાય જો મધુરિમા માને કે પોતે માનસિકરીતે બીમાર છે, પણ ના, એ તો પોતાની જાતને પેશન્ટ જ માનવા તૈયાર નહોતી. એના મનમાં શક ઘર કરી ગયો હતો કે એને પાગલ ખપાવી સેતુમાધવન મારી નાખવા જ માંગતો હતો. એવી એક સવાર અને નર્સિંગ માટે બદલીમાં આવેલી યુવાન છોકરી. ગરીબ , જરૂરીયાતમંદ ઘરની હશે ત્યારે જ આવી હશે ને!! પહેરેલાં વસ્ત્રો એવા લાગતાં હતા જાણે હેંગર પર ટાંગ્યા હોય ! સુકલકડી કાયા ને ઉંડી ઉતરી ગયેલી આંખો પરથી સહેજે અનુમાન થઇ શકતું હતું કે ઘરમાં નક્કી હાલ્લાં કુશ્તી કરતાં હોવાના. જાણે કોઈ સ્ટ્રોથી લોહી પી ગયું હોય એવી માયકાંગલી કાયા સાબિતી હતી કે છોકરી બે ટંક જમી પણ નહીં શકતી હોય.

કોઈ દિવસે આ બધી ગડભાંજમાં ન પડતા માધવનને શું સુઝ્યું તે એ છોકરીને સવારે આવે ત્યારે ચાનાસ્તો આપવાની વાત મુકાદમ લાલુને કરી, માણસાઈ ભરેલીવાત, ને એ વાત મધુરિમાને કાને પડી ને એ ભડકી.

‘કેમ હવે બાકી રહી ગયું હોય તેમ અહીં મારા ઘરમાં મારી સામે ઐયાશી કરવાનો છે? એટલે રાખી છે ને આને?’ અને પછી ગાળગલોચની અવિરત લહાણી.

પહેલાં તો વાત ઘર કરી ગયેલા વહેમની હતી. હવે કેટલાય સમયથી મારું ઘર, મારો સ્ટુડીઓ, મારું ફાર્મ… મધુરિમા દરેક ચીજની આગળ માલિકીભાવ પ્રસ્થાપિત કરતી રહેતી એ વાત શૂળની જેમ ચૂભતી હતી.

મધુરિમાની હાલત છેલ્લાં કેટલાય સમયથી કથળતી તો જતી જ હતી અને એમાં પાણીની જેમ વેરાતાં જતાં પૈસા. બાકી રહ્યું હોય તેમ ઉપરાઉપરી ફ્લોપ શો. પોતે જિંદગીની સૌથી મોટી ભૂલ આ પાગલને પરણી ને કરી હતી એનો અહેસાસ તો જિંદગી રોજેરોજ કરાવતી રહી હતી છતાં પ્રસરતી સિદ્ધિ અને કીર્તિના વર્તુળના કવચને કારણે જીરવવી અઘરી પણ નહોતી લાગી જે હવે અચાનક જ લાગવા માંડી હતી. ટોચના મુકામ પર પહોંચ્યા પછી છેલ્લાં થોડા સમયથી ફરી ગયો હતો. જે નામના સિક્કા પડતાં હતા તે નામ જ ચળકાટ ગુમાવતું રહ્યું હતું. હતાશાની તીવ્રતા અનુભવાતી રહી ફ્લોપ ફિલ્મોની હારમાળાથી, પહેલીવાર એવું બન્યું જતું કે ફાઈનાન્સ મેળવવામાં તકલીફ પડી હોય.

સેતુમાધવનના મગજમાં ચાલી રહેલા વિચારોના ઘોડાપૂરનો ઘૂઘવાટ એટલો જબરદસ્ત થતો ચાલ્યો કે એણે બે હથેળી સખતપણે માથા પર દાબીને રીલેક્સ થવાનો નાકામિયાબ પ્રયત્ન કર્યો. છતાં એ કોલાહલ શમવાનું નામ જ નહોતો લેતો.

છેલ્લી ફિલ્મ ફ્લોપ થઇને ગોસિપ પર નભતાં અખબારોએ ચામડી ઉતરડી લીધી હતી. જ્યાં જ્યાં એ પહોંચતો એ પહેલાં એનો હાથ ટૂંકો થઇ જતો. નવા કોઈ ફાઈનાન્સર પાસે પહેલ કરે એ પહેલા અખબારનો રીપોર્ટ પહોંચી જતો. જેને કારણે બનતું એવું કે વાત માંડે એ પહેલા તો ફાઈનાન્સર નિર્ણય લઇ ચૂક્યો હોય એની જાણ થતી. પહેલીવાર જિંદગી અકારી લાગી રહી હતી. હવે તો એક જ વિકલ્પ બાકી હતો, એક વધુ સાહસ અન્યથા પછી….

જરૂર હતી પેલા મેજિક ટચની જેને એક સમયે પોતે મામૂલી આસિસસ્ટંટ રાજા હતો છતાં શોમેન લેખાતા મહેરાને આંજી નાખ્યો હતો. હવે સેતુમાધવનને તારવા એ રાજાની પંટરબાજી જરૂરી હતી જે હવે મલ્ટી સ્ટારર ફિલ્મ પૂરવાર નહોતી કરી શકવાની. ફરી એક વાર નવી બાજી, નવી શરૂઆત જરૂરી હતી.

આ છોકરીની આંખમાં કશુંક તો હતું. સેતુમાધવને પોતે જ ઉભા થઈને ફરીવાર વિડીઓ રેકોર્ડર ઓન કરી એકનો એક સીન બે ત્રણવાર જોઈ નાખ્યો: જો કે આ છોકરીને લઈને પોતે એક જોખમ તો ખેડી જ રહ્યો હતો, અંદરથી કોઈ બોલ્યું. શમ્મી વત્તે ઓછે અંશે સાચો પણ હતો. આ છોકરી પહેલી દ્રષ્ટિએ હરગીઝ હિરોઈન મટીરિયલ લાગે નહીં, ને છતાંય જો લેવી હોય તો સહુથી મહત્વનું કામ તો એને હિરોઈન ક્લાસ બનાવવાનું હતું. સેતુમાધવને એક સીન પોઝ કરી ફરી એના નાકનકશો જોવા માંડ્યા. નાજુક કહી શકાય તેવાં ફીચર્સ ચરબીના આવરણમાં ઢંકાઈ જતા હતા, પરંતુ બાજી વાચાળ આંખો મારી જતી હતી. એક્ટિંગનો કક્કો ન જાણનાર છોકરી જન્મજાત આર્ટીસ્ટ હોય તેમ માત્ર પાંચ મિનીટનો સીન જે રીતે કર્યો હતો એ પરફોર્મન્સ સમજ બહારનું હતું, એને જે બખૂબીથી સીન ભજવ્યો હતો જાણે કે કોઈ તાલીમબદ્ધ મેચ્યોર્ડ આર્ટીસ્ટ. પ્લસ પોઈન્ટ્સ તો પહેલી નજરે સમજાય હતા પણ હવે વારો હતો માઈનસ પોઈન્ટનો. એને અવગણવા એટલે રીતસરની આત્મહત્યા.

છોકરી થોડી ઓવરવેઇટ તો હતી જ, સેતુમાધવનના મગજે નોંધ્યું પણ ઘઉંવર્ણી ત્વચા એને કાળી બનાવતાં હતા. ઉમદા કલાકાર નીવડે ખરી પણ એ પહેલા લૂકસ માટે તો મહેનત કર્યા વિના છૂટકો જ નહોતો.

સેતુમાધવને મનોમન આખો પ્લાન વિચારી લીધો હોય તેમ એના ચહેરા પર છવાયેલી હળવાશ કહી દેતી હતી.

બીજે જ દિવસે સવારના પહોરમાં જ શમ્મીએ બોસ દ્વારા સોંપાયેલું કામ પૂરું કરવાનું હોય તેમ રિયાને જાણ કરવા ફોન કર્યો.

લિવિંગરૂમની ગેલેરીમાં દિલથી ઉછેરેલાં નાનકડાં લીલાછમ ખૂણો સર્જવા સજાવાયેલા ઝાડપાનને પાણી પાઈ રહેલી શકુબાઈએ ફોન ઉપાડ્યો.

‘હલો રિયાજી સે બાત કરાયે….’ શમ્મીએ સીધી જ શરૂઆત કરી.

‘બેબી તો નહીં હૈ, વોહ તો મદ્રાસ ગઈ હૈ…’ કોઈ પ્રકારની સૂચના નહોતી છતાં શકુબાઈ બોલી, શમ્મી જરા વિચારમાં પડ્યો: આ તો કોઈ ઘરકામ કરનાર હશે, એને તો શું ખબર હશે કે ક્યારે પાછી આવશે, છતાં ચાન્સ લઇ લેવો હોય તેમ સાહજિક જ પૃચ્છા કરી લીધી : ‘કબ આયેગી કોઈ પતા હૈ?’

‘નકો…’ બાઈએ પોતાના લહેકામાં જ સુણાવી : ‘અબ તો બેબી વહાં ફિલ્મ મેં કામ જો કરેગી… તો રુકેગી ના… પર આપ કૌન બોલતે?’ બાઈ પાસે જવાબ તો ન મળ્યો પણ પ્રશ્નના ઉત્તરમાં સામે પ્રશ્ન થયો.

શકુબાઈએ જે માહિતી આપી એ સાંભળીને તો શમ્મીના કાનમાં ધાક પડી ગઈ. એણે જે સાંભળ્યું તે સાચું હતું કે પછી ભ્રમ? આ છોકરીને ફિલ્મ મળી ગઈ? એનો અર્થ બોસની આંખો પારખુ ઝવેરીની તો ખરી.

જો આ વાત સાચી હોય તો બોસની લો બજેટ ફિલ્મ પાછી બેકફૂટ પર. પણ જે હોય તે સાચી વાત તો હવે બોસને જણાવ્યે જ છૂટકો, એ તો ફાઈનાન્સની તજવીજમાં પડ્યા છે એવા સંજોગોમાં આ માહિતી એમના માટે અત્યંત મહત્વની તો ખરીને!! પણ આ સમાચાર એમને જણાવવા કેમ? ફોન પર? કે પછી?? શશીએ રીસીવર હાથમાં લઇ નંબર ડાયલ કર્યો ને યાદ આવ્યું કે બોસ તો અત્યારે મોર્નિંગ વોકમાં હશે. જો કે એ મોર્નિંગ વોક સાથે કામને લગતી વાતો પણ ત્યાંથી જ નીપટાવતા એટલે એક લેન્ડલાઈનનું ડબલું તો પડ્યું હોવાનું શમ્મીને યાદ હતું પણ એ નંબર અત્યારે એન્ગેજ આવી રહ્યો હતો. અરે હા, પણ હવે તો બોસ સાથે નવા નવા આવેલા મોબાઈલ ફોન સાથે રાખતા હોય છે ને!! શમ્મીને ચમકારો થયો.

શમ્મીએ આદતથી મજબૂર લેન્ડલાઈનથી જ બોસના મોબાઈલ પર ફોન કર્યો. બોસના મોબાઈલ પર રીંગ જતી રહી પણ રીસીવ ન થયો ત્યારે યાદ આવ્યું કે ઇનકમિંગ કોલના રૂપિયા આઠ ખર્ચે એ સેતુમાધવન નહીં. દક્ષિણ ભારતીય લોકો જેટલા પોતાની સમયપાલનની શિસ્ત માટે પ્રખ્યાત એટલા જ તેમની કંજૂસી માટે પણ જાણીતાં ખરાં, એ વાત તો જગજાહેર હતી ને!!

બોસની વ્હીસ્પરીંગ પામ્ઝ કોઈ ઝાઝી દૂર તો હતી નહીં, શમ્મી પાંચ મિનીટમાં તો બોસની સામે હતો. બોસ તો ગાર્ડનની લીલીછમ લોનમાં ચાલતાં ચાલતાં કોર્ડલેસ ફોન પર કોઈ સાથે વાતમાં મગ્ન હતા, જેવો ફોન પત્યો એટલે શમ્મી નજીક આવ્યો. એ હજી કંઇક કહે એ પહેલા તો સેતુમાધવન શરુ થઇ ગયા.

‘ફિલ્મ લો બજેટ ભલે છે પણ કોઈ ગાફેલગીરી નહીં ચાલે શમ્મી…. આ વખતે બાફના તૈયાર છે. આ આખી વાત તું તારી પર્સનલ મેટર સમજ. તારે જેને અપોઈન્ટ કરવા હોય તેને કર…’

પાણીનાં છંટકાવથી ભીનાં તાજાં ઘાસ પર રોજ સવારે પૂરો એક કલાક ચાલવાનો માધવનનો નિયમ વર્ષોથી રહ્યો હતો. એ દરમિયાન પણ કામ તો ચાલતું જ રહેતું , ફોન પર.

ઘરના નોકરોને પણ કડક સૂચના હતી કે સર બોલાવે ત્યાં સુધી પાસે ફરકવું પણ નહીં, સવારમાં ત્રણ કપ કોફીના એમ જ થઇ જતા અને દિવસ માથે ચઢે તે પહેલાં, અડધું ઓફિસ વર્ક લંચ પહેલાં પતી જતું. પણ આજે વાત જરા જુદી હતી. શમ્મીએ પોતાની વાત કહેવાનો મોકો મળે એની રાહ જોતા બોસ સાથે જ રાઉન્ડ લેવા માંડ્યા.

‘સર, ડૉક્ટર કોઠારી મળવા માંગે છે….’ માત્ર ને માત્ર સેતુમાધવનની સવારની ડ્યૂટીમાં તહેનાત રહેતો રાજેશ ત્રીજીવાર યાદ દેવડાવવા આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો ગંભીરતાનો.

‘એકદમ અરજન્ટ હોય તો મોકલ નહીં તો દફા કર…’ હજી સેતુમાધવનનું વાક્ય પૂરું નહોતું થયું ને ત્યાં તો ડૉક્ટર કોઠારી આવતા દેખાયા : પૂરો કલાક ખાઈ જવાનો આ વેદિયો… સેતુમાધવનના મગજમાં ચાલી રહેલો વિચાર ડૉકટરે પકડી પડ્યો હોય તેમ પાસે આવી ચૂક્યા હતા.

‘ગુડ મોર્નિંગ મિસ્ટર સેતુમાધવન, હું વધુ સમય નહીં બગાડું… મને ખબર છે તમારી સવાર….’

‘કમ ટુ ધ પોઈન્ટ ડૉક્ટર…’ ન ચાહવા છતાં સેતુમાધવનના અવાજમાં ચીઢ છલકાઈ : લોકો વિના કારણે બકવાસ શું કામ કરતા હશે?

ડોક્ટર કોઠારીએ જરા ત્રાંસી નજર શમ્મી પર નાખી.

‘અરે ડૉક્ટર, શમ્મી ઘરનો માણસ છે, તમે તમારે બોલવા માંડો, હજી બહુ કામ બાકી છે.’ માધવને ડૉક્ટર કોઠારી જલ્દી પતાવે એટલે પણ શમ્મીને જોડે રાખવામાં ડહાપણ માન્યું હતું. સેતુમાધવને ડૉક્ટરને બેસવાનો વિવેક કર્યો ને પોતે પણ બેઠો.

‘સર, આપ પતાવી લો, ત્યાં સુધીમાં હું અંદરથી એકાદ બે જરૂરી ફોન કરી લઉં…’ શમ્મી પોતે જ મામલાની નજાકત જોઈ ખસી ગયો.

રોજ મધુરિમાને માટે વિઝીટે આવતાં ડૉક્ટર કોઠારીએ તો મધુરીમાને આઉટ ઓફ સ્ટેશન લઇ જવાના મતના હતા. : જેટલો સ્ટ્રેસ અહીં રહેવાથી લાગે છે, એ કદાચ બહાર અજાણી જગ્યાએ જવાથી ન રહે, બાકી આ રોગનો કોઈ ઈલાજ પણ ક્યાં હતો.

‘આ મને ઓર્ડીનરી ડિપ્રેશનનો કેસ લાગતો નથી. આટલાં વર્ષો સુધી કોઈ સુધારો જ ન જોવા મળે તે તો સમજ્યા પણ હવે મને લાગે છે કે એન્ટીડિપ્રેસન્ટ મેડિસીન પણ નાકામ થતી ચાલી છે…’

‘ડૉક્ટર, કમ ટુ ધ પોઈન્ટ પ્લીઝ… હજી તો કેટલાય કામ પતાવવાના છે ને ત્યાં સવાર સવારમાં…’ સેતુમાધવન ભયંકર ચિડાયો હતો. અત્યારે બાફના સાથે ફાઈનાન્સની ચાલી રહેલી વાત કેમેય કરીને પૂરી કરવાની હતી ને આ ડૉક્ટર સામે આવીને અડીંગો જમાવી બેસી ગયો.

આટલાં બધા વર્ષોમાં પહેલીવાર ડૉક્ટર કોઠારીના ચહેરા પર અણગમો તરી આવ્યો : ‘માધવન જી , બિઝનેસ તો થતો રહેશે પણ મામલાની નજાકત સમજો.. આ રોગ વકરતો જાય છે. હમણાં જ એની પર રીસર્ચ ચાલી રહી છે , એ પ્રમાણે આ રોગના પેશન્ટ અચાનક ખુશીથી પાગલ થઇ જતા હોય ને બીજા જ કલાકે પોક મૂકી ને રડતાં હોય એમ બને, પણ સહુથી નાજુક વાત તો એ છે કે તેમને આત્મહત્યા કરવાના વિચાર વિના કોઈ કારણે આવી જાય છે. ક્યાંક એવું ન બને કે…’ ડોક્ટર કોઠારીએ સિફતથી પોતાને જે વાત કરવી હતી કરી દીધી : ‘કાલે ઉઠીને મધુરિમા કોઈક પાર્ટીમાં મહાલીને આવ્યા પછી રાત્રે જાતે જ સ્લીપિંગ પિલ્સનો ઓવરડોઝ લઇ લે… કે પછી કાંડા કાપી નાખે તો? એનું પરિણામ વિચારી શકો છો?’ ડૉકટરે જરા આંખો ઝીણી કરી સેતુમાધવન સામે જોયું : ‘લોકો તો એ જ કહેશે ને કે એ તો એકદમ ખુશ હતી.. જે થયું તે પછી ઘરમાં, માધવન સાથે જ થયું હોવું જોઈએ… પછી પોલીસના લફરાં, વિચારી લો..’

‘હ્મ્મ…’ સેતુમાધવન વિચારમાં પડી ગયો. ડૉક્ટરની વાત નાખી દેવા જેવી તો નહોતી જ.

‘તો પછી તમારો સુઝાવ શું છે?’

‘મારો મત તો છે કે એકવાર યુ.એસ જવું જોઈએ… આજકાલ બહુ સારી રીસર્ચ ચાલી રહી છે.’ ડોક્ટર કોઠારીના અવાજમાં હળવો પાશ સમજાવટનો હતો.

‘લગભગ ચાર છ મહિનાની સારવારમાં…’ ડોક્ટર કોઠારી હજી બોલવું પૂરું કરે એ પહેલા તો સેતુમાધવને વાત કાપી : ‘ચાર છ મહિના?’ એના ગણતરીબાજ દિમાગે ખર્ચનો અંદાજ માંડવા માંડ્યો હતો.

‘ને જો હજી રીસર્ચ જ ચાલી રહી હોય તો તો ટ્રીટમેન્ટના નામે તો અખતરા જ થશે માધુરી પર….’ સેતુમાધવનની દલીલમાં વજૂદ તો હતું જ.

‘ના સાવ એવું તો નહીં…’ ડૉકટરનો અવાજ જરા પડી ગયો. : ‘આ તો ચાન્સ લેવાની વાત છે, બાકી તો.. તમારી પર…’

ઘડી બે ઘડી તો ચૂપકીદી ચવાયેલી રહી. ડૉક્ટરની વાતે સેતુમાધવનને વિચાર કરતો તો મૂકી દીધો ને ત્યાં તો બાજુમાં પડેલો કોર્ડલેસ ફોન રણક્યો.

‘ગુડ મોર્નિંગ માધવન..’ સામે છેડે ફાઈનાન્સર બાફનાજી હતા. જેને ફોન પર મળવું મુશ્કેલ હોય તેનો ફોન સામેથી આવ્યો એ જ શુભ શુકન લાગ્યા સેતુમાધવનને.

‘મેં વિચાર કર્યો ને મારા લોકોનો મત પણ છે કે એક નાનું રોકાણ કરવામાં વાંધો નથી પણ વ્યાજની ટકાવારી….’ બાફના નાણાં ધીરવા તો તૈયાર હતો પણ વ્યાજ વિષે ફોન પર ફોડ પાડવા માંગતો હોય તેમ ન લાગ્યું.

‘અરે, બાફનાજી…. એ તો આપણે સમજી લઈશું. તમે જે કહેશો બરાબર જ હોવાનું ને!! એવું હોય તો આજે લંચ પર બાકીની વાતો સમજી લઈએ.’ સેતુમાધવનની છાતી પર રહેલો પથ્થર એક જ ઘડીમાં ઉતરી ગયો હોય તેમ એનો ચહેરો ખીલી રહ્યો. ફોન મૂકીને એ બે ઘડી વિચારી રહ્યો.

‘હા, તો ડૉક્ટર, તમે એમ કહેતા હતા ને કે મધુરિમાને યુ.એસ લઇ જવી જોઈએ, મને લાગે છે તમે યોગ્ય જ કહો છો.. કેટલો સમય લાગે આ ટ્રીટમેન્ટમાં…’ સેતુમાધવનના આ અણધાર્યા યુ ટર્ને ડૉક્ટર કોઠારીને ચમકાવી દીધા : ‘ખરો માણસ છે, હજી બે ઘડી પહેલાં જેને અખતરા જેવી માનતો હતો તે ટ્રીટમેન્ટ માટે એકદમ તૈયાર પણ થઇ ગયો?’

ઘરમાં વર્ષોથી આવનાર ડૉક્ટર કોઠારીને તો ખ્યાલ સુધ્ધાં ન આવ્યો કે સેતુમાધવન માટે એક જ ફોનથી દિશા ઉઘડી ગઈ હતી.

ચાલો આ તો સારું જ થયું, ડૉકટર કોઠારીના ગયા પછી સેતુમાધવનના હોઠ પર હળવું સ્મિત ફરકી રહ્યું, મધુરિમા ચાર છ મહિના માટે બહાર હોય એટલે બીજા કોઈ ટેન્શન વિના આ ફિલ્મ પૂરી તો થાય, બાકી રોજ ઘરમાં ચાલતાં કંકાસે તો મનની શાંતિ ખોરવી નાખી હતી. હવે એક તરફ મધુરિમા આઉટ ઓફ ઇન્ડિયા રહેશે તો ફિલ્મ શાંતિથી પૂરી કરી શકાશે..

સેતુમાધવનને દિવસ શુકનવંતો લાગી રહ્યો હતો . એને ક્યાં ખબર હતી કે લો બજેટ ફિલ્મ વાળી હિરોઈન તો મદ્રાસ ઉડી ગઈ તેવા મનહૂસ સમાચાર આપવા જ તો શમ્મી દોડી આવ્યો હતો. હવે ફરી નવી હિરોઈન શોધ અભિયાન ફરી આદરવાનું હતું.

ક્રમશ:

આજે માણો વેર વિરાસત નવલકથાનો ઓગણીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.

આપનો પ્રતિભાવ આપો....