બે માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ટી. સી. મકવાણા 13


૧. હેપ્પી બર્થ ડે!

સતત ત્રણ રાતોથી તે સુતો નહતો, અચાનક જ બે દિવસ પહેલા તેના મેનેજરે તેને નોકરી પરથી છુટ્ટો કર્યો હતો, તે પણ કોઈ નોટીસ વગર. એકાઉંટ વિભાગમાંથી બધો જ હિસાબ કરી દેવામાં આવ્યો હતો. તે જાણતો હતો કે આ વર્ષે કંપની પાસે નવા ઓર્ડર નથી, વળી તેની ઉમર પણ વધારે હતી એટલે નવી ભરતી કરેલ યુવાનો જેવી ચપળતા તે દાખવી શકતો ના હતો. પણ તે યુવાન હતો ત્યારે મેનેજરના કહેવાથી જ બીજી કંપનીમાં સારી તક મળતી હોવા છતાં તેણે જતી કરી હતી. અને મેનેજર પણ કંપનીના માલિક પાસે તેની વફાદારીના ગાણાં ગયા કરતા. પણ બે દિવસ પહેલા બધુજ ભુલાઈ જવાયું. અને મેનેજરે તેને પાણીચું પકડાવી દીધું.

હજુ છોકરો છોકરી ભણતા હતા, ધંધાનો કોઈ અનુભવ ન હતો, અને ભાઈ બહેનમાંથી કોઈ પણ મદદ કરી શકે તેવું નહોતું. ઉપરથી મોંઘવારી પણ એટલી હતી કે ૨૦ વર્ષની નોકરીમાં કશી બચત થઇ નહોતી. તેણે ઘરનાને કશી વાત કરી નહોતી, અને મનમાં ને મનમાં મુંજાતો હતો, વળી આજે તેની બર્થ ડે પણ છે, ઘરના બધાજ તેની બર્થ ડે ની ઉજવણીની દોડાદોડીમાં પડ્યા હતા. તેનું મોઢું પડી ગયું હતું. પણ કેક કાપવાના સમયે પત્નીનું ધ્યાન તેના મુખ પર ગયું, પણ ઉદાસીનું કારણ તે સમજી શકી ન હતી., ત્યાં નાના દીકરાનો અવાજ આવ્યો પપ્પા મોઢું હસતું રાખો હું ફોટો પાડું છું, તેણે પરાણે, માંડ માંડ મોઢું હસતું કર્યું, મનમાં વિચાર ચાલી રહ્યો હતો, આજે તેની બર્થ ડે છે, અને બર્થ ડે હમેશા હેપ્પી જ હોય. બર્થ ડે કદી સેડ ન હોય. પછી ભલેને ગમે તેવું દુખ આવી પડ્યું હોય.

૨. પુરુષ જાત !?!

આજ સવારથી ઘરમાં ખુશનુમા માહોલ હતો, વ્યોમ અને ધરાનું આજે વાર્ષિક પરિક્ષાનું રીઝલ્ટ હતું. વ્યોમ ધોરણ ૫ અને ધરા ધોરણ ૩મા એક જ સ્કુલમાં ભણતા હતા. ગયા વર્ષે વ્યોમને ૭૮ ટકા આવ્યા હતા, અને પપ્પાએ વચન આપેલ કે વ્યોમને ૮૦ ટકા આવશે તો સાઇકલ લઇ દેશે, તેથી વ્યોમ વધારે ખુશ હતો. રીઝલ્ટ આવી ગયું ભાઈ બહેન બન્ને હંસી મજાક કરતા ઘેર આવ્યા, પપ્પાએ વ્યોમનું રીઝલ્ટ જોયું ૮૨ ટકા જોઇને તે ખુશીથી ઉછળી પડ્યા. વ્યોમને બાથમાં લીધો, પછી ધરાને રીઝલ્ટનું પૂછ્યું. ગયા વખતે તે વ્યોમ કરતા ૨ ટકા ઓછા લાવેલ.એટલે આ વખતે પણ તેવી જ આશા લઇને તેઓ બેઠા હતા.

ધરા ખુબ ખુશ હતી, પપ્પા મારા ૯૩ ટકા આવ્યા, હું સ્કુલમાં પ્રથમ આવી પપ્પા ધરાની ખુશીને ચાર ચાંદ લાગી ગયા હતા, તે મનમાં પપ્પા શું ગીફ્ટ આપશે તે વિષે વિચારી રહી હતી,

સારું, પપ્પા બોલ્યા ચોરી તો નહોતી કરીને?

ધરા તો ડઘાઈ જ ગઈ, તેની આંખમાં આંસુ આવી ગયા, તે કિચન તરફ દોડી.તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, તેના મનમાં ભૂતકાળ વલોવાવા લાગ્યો, તે અને ભાઈ સાથે વાંચતા ત્યારે ભાઈને તરસ લાગે ત્યારે પોતે વાંચતી હોય તો પણ મમ્મી પોતાને જ ઉભી કરતી, રસોઈની નાની મોટી મદદ પણ ધરાએ જ કરવી પડતી. મમ્મી ઘણી વખત તેની સહેલી જોડે પુરુષ જાત, પુરુષ જાત વગેરે વાતો કરતી.અને પુરુષ જાત બહુ ખરાબ હોય તેવી વાતો થતી. અત્યારે પોતે કિચનમાં આવી ત્યારે પણ મમ્મીતો પપ્પા પાસે જ બેઠી હતી. તેના મનમાં એવું ઠસાવવામાં આવેલ કે પુરુષ જાત ખરાબ હોય છે. તો મમ્મી હજી પણ પપ્પા પાસે છે, અને મારી પાસે આવતી નથી તો મમ્મી પણ પુરુષ જાત હશે? આ બાબત તેના કુમળા મનમાં અજંપો લાવી રહી હતી.

– ટી. સી. મકવાણા


13 thoughts on “બે માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ટી. સી. મકવાણા

  • પારખી પારેખ

    બન્ને ટચુકડી કથાઓ ખુબ સારી. ‘પુરુષ જાત’ હજી આપળી ભારતીયોની માનસિકતામાં કેટલું જુનવાણીપણું છે તે દેખાડે છે. લેખકને અભિનંદન.

  • Kalidas V. Patel {vagosana}

    મકવાણાભાઈ,
    આપની બંને વાર્તાઓ મજાની રહી. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

    • Triku C Makwana

      કાલિદાસભાઇ,
      આપને મારી વાર્તા ગમે તે જાણી ખુશી થઇ.

  • Triku C. Makwana

    જીગ્નેશભાઇ આપે આપની વેબ સાઇટ પર તક આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર, વાન્ચકો પોતનો પ્રતિભાવ આપશે તો ખુશી થશે.

  • vidyut oza

    પુરુષ જાત !! હજુ પણ ગુજ્જુઓનુ વર્તન આવુ જ હોય છે…!!!!!!!!!!!!!!!!!!!