ગોવા : ૧૯૭૦ સુધી.. – પી. કે. દાવડા 9


૧૯૬૧ના ડિસેમ્બરમા ગોવા પોર્ચુગીસ શાસનથી મુક્ત થઈ ભારતમા ભળી ગયું. લગભગ આઠ વર્ષ પછી ૧૯૬૯ના ડિસેમ્બરમા મારી બદલી ગોવામા થઈ. ગોવામા “ઝુવારી ફર્ટીલાઈઝર લીમીટેડ” ના નિર્માણનું કામ “લાર્સન એન્ડ ટુબ્રો” ને મળેલું. હું ત્યારે “લાર્સન એન્ડ ટુબ્રો” માં સિવિલ એંજીનીઅર તરીકે કામ કરતો હતો. એ વખતે મુંબઈથી ગોવા જવા એક બસ સર્વિસ હતી, એક ship service હતી અને પૂનાથી બદલી કરી એક મીટરગેજ રેલ્વે હતી. રોજ Vasco Express નામની એક જ ગાડી બપોરે બે-અઢી વાગે મડગાંવ પહોંચતી.

ગોવાના ત્રણ મુખ્ય શહેર છે. પણજી રાજધાની છે, મડગાંવ વેપારનું મથક છે અને વાસ્કો બંદર છે.

એ સમયના ગોવાની આજે કલ્પના પણ કરવી મુશ્કેલ છે. વાસ્કો જેવું પ્રખ્યાત શહેર પણ બપોરે એટલું સુમસામ રહેતું કે જાણે શહેરમા કોઈ વસ્તિ જ ન હોય. બપોરે ૧૨-૦૦ થી ૪-૦૦ બધી દુકાનો બંધ રહેતી.

તમે જો બાર વાગ્યા પછી પાંચ મિનિટ રહીને જાવ, અને દુકાનદાર દુકાન બંધ કરવાની તૈયારીમા હોય ત્યારે કોઈ ચીજ માગો, તો એ ધડિયાળ સામે જોઈ ના પાડી દે અને ચાર વાગે આવવાનું કહે!! મુંબઈમા કે અમદાવાદમા તમે આવી કલ્પના પણ ન કરી શકો.

પણજીમા Airport હોવાથી ત્યાં થોડી ટેક્ષીઓ હતી. મડગાંવ અને વાસ્કોમા ટેક્ષી ભાગ્યે જ જોવા મળતી. Public Transport માટે ખખડધજ બસ હતી અને Pinion rider તરીકે લઈ જવા Motor cycles હતી. બસના રૂટસ તો નક્કી હતા પણ બસસ્ટોપ જેવું કંઈ પણ ન હતું. હાથ બતાડો એટલે ઊભી રાખીને પેસેંજરને લઈ લે. કંડક્ટર “રાવ” બોલે તો ડ્રાઈવર ઊભી રાખે અને “વઝ” બોલે તો ચલાવે. ટીકીટ પંચ કરવા કંડકટર એક ખીલીને એક દોરીથી બાંધી રાખી શર્ટના બટનમાંથી લટકાવી રાખતા.

હું મડગાંવમા સ્ટેશન પાસે રહેતો. Vasco Express આવે તો તેનો અવાજ ઘરમા સંભળાતો. રોજ આ ગાડીમા સારી quality નું દૂધ આવતું, અને સ્ટેશનની બહાર જ વેંચાતું. સોમ થી શનિ, મારી પત્ની દૂધ લઈ આવતી, રવિવારે હું લઈ આવતો. એક રવિવારે અમે ૩-૦૦ વાગ્યાના શો મા પિક્ચર જોવા જવાનું નક્કી કર્યું. ગાડી થોડી મોડી થઈ હતી, હવે દૂધનું શું કરવું. અમે તપેલી લઈને નીક્ળ્યા અને સ્ટેશન પાસેના પહેલા મકાનનો દરવાજો ખટખટાવ્યો. એક ૩૦-૩૫ વર્ષની મહિલાએ દરવાજો ઊઘાડ્યો. એને અંગ્રેજી કે હીંદી સમજાતું ન હતું. મને જે થોડું કોંકણી આવડતું હતું એનાથી મેં સમજાવ્યું એટલે એણે તરત જ તપેલી અને પૈસા લઈ લીધા અને અમને જાવ મજા કરો એ મતલબનું કંઈક કહ્યું. અમે જ્યારે પાછા આવ્યા ત્યારે એમના husband પણ આવી ગયેલા. એમણે અંગ્રેજીમા કહ્યું કે અમને મદદ કરવાનો મોકો આપ્યો એથી અમે ખૂબ ખુશ થયા છીએ. દૂધ બગડી ન જાય એ માટે અમે એને ગરમ કર્યું છે, અને હજી તે થોડું ગરમ છે. મને તમારું સરનામું આપો તો હું અરધા કલાકમા પહોંચાડી જઈશ. મેં કહ્યું કે હું લઈ જઈશ પણ તે ન માન્યા.

એ વખતે ગોવાની પ્રજા કેવી હતી તેનો એક બીજો પ્રસંગ યાદ આવે છે. અમે દર રવીવારે તાજું શાક લેવા માર્કેટમા જતાં. ત્યાં એક બાર-ચૌદ વર્ષના ખૂબ જ રૂપાળા છોકરા પાસેથી શાક લેતા. એક રવિવારે મારી પત્નીની તબિયત સારી ન હોવાથી હું એકલો જ શાક લેવા ગયો. મને એક્લો જોઈ પેલા છોકરાએ મને પૂછ્યું, “મેડમ કંઈ?” (મેડમ ક્યાં?). મેં કહ્યું કે એ બિમાર છે. અચાનક એ છોકરો દુકાન છોડીને ભાગવા લાગ્યો એટલે મેં બાજુની દુકાનવાળાને પૂછ્યું કે એ અચાનક ક્યાં ગયો. મને જવાબ મળ્યો, “એ ચર્ચમા ગયો છે. તમારી પત્ની જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી, એક મીણબત્તી સળગાવીને હમણા પાછો આવસે.”!!

બીમારીની વાત આવી તો ત્યાંની મેડીકલ પ્રેકટીસની વાત કરી લઉં. એ વખતે ત્યાં ડોકટર ફક્ત દર્દીને તપાસીને Prescription લખી આપતા. તાવ સેંટીગ્રેડમાં માપતા (આપણે ફેર્હેનાઈટમા માપીએ છીએ). Priscription લઈ તમારે ફાર્મસીમા જવું પડતું. ત્યાં એ તમને પીવાની દવા બાટલીમા બનાવી આપતા અને ખાવાના પડીકા અથવા ગોળી અલગથી આપતા. જો ઈંજેકન Prescribe કર્યું હોય તો તમારૂં સરનામુ લઈ તમારે ઘરે Injection આપવા નર્સને મોકલે. એ જમાનામા મુંબઈમા આ બધું કામ તમારા ફેમિલી ડોકટરના દવાખાનામા થઈ જતું.

મારા અઢાર મહિનાના અનુભવમા મેં જોયું કે લોકો ખૂબ જ ભલા અને પ્રેમાળ હતા. Crime rate લગભગ શૂન્ય કહી શકાય. એકવાર અમારા પ્રોજેકટમા હળતાળ થયેલી. અમારા ચીફ એંજીનીઅર મુખ્ય પ્રધાન પાસે પોલિસ-પ્રોટેકશન માગવા ગયા. મુખ્ય પ્રધાને કહ્યું, તમારા ગોવા બહારથી લાવેલા ૭૦૦૦ મજૂરો હળતાળ પર છે. મારી પાસે વાસ્કોમા પ્રત્યેક શીફટ્મા આઠ લાઠીવાળા, અને ત્રણ રાઈફલવાળા પોલિસ અને એક રીવોલવર વાળો ઈંસ્પેકટર છે. બંદુકો અને રીવોલ્વર સારી હાલતમા હશે કે કેમ તે પણ કહેવાય નહિં. મારી સલાહ છે કે તમે જાતે જ કોઈ વ્યવસ્થા કરી લો. અમારી કંપનીએ મદ્રાસથી એક સો પ્રાઈવેટ સિક્યુરીટીવાળાને બોલાવી કામે લગાડ્યા!!

પ્રત્યેક ગલીમા એક બે બાર હતા. લોકો ફેણી છૂટથી પીતા પણ ક્યાંયે લથડિયાં ખાતો માણસ જોવા મળતો નહિં. બારની વાત નીકળી છે તો બીજી એક હસવું આવે એવો પ્રસંગ કહું. એક બારમા મારા મિત્રએ જોયું કે બારનો માલિક આગલી વ્યક્તિએ પીધેલા ગ્લાસને ધોયા વગર બીજી વ્યક્તિને એમા શરાબ આપતો. મારા મિત્રે એને પૂછ્યું કે તે આવું કેમ કરે છે, તો તેણે જવાબ આપ્યો, “સાહેબ સ્પીરીટ પોતે જ Anti septic છે, પાણીથી ધોવાથીતો એ વધારે contaminate થઈ જાય!!!”

આવી જ બીજી હસવા જેવી વાત એ હતી કે તમે વાળ કપાવવા “બારબેરીયા”મા જાવ તો તમને રીવોલ્વીંગ ખુરસી બર બેસાડી પોતાને સફેદ કપડું લપેટે (તમને નહિં). સાધનોમા એની પાસે એક કાતર, એક કાંસકો અને એક રેજર!! પોતે તમારી ડાબી બાજુ ઊભો રહી શરૂ કરે, એ સાઈડ પતી જાય એટલે ખુરશી ફેરવે (પોતે ત્યાંજ ઊભો રહે), આમ ૩૬૦ ડીગ્રી ખુરસી ફેરવીને પ્રક્રીયા પૂરી કરે, પોતે ત્યાંજ ઊભો રહે!!!

ગોવાની ગલીઓમા સાંજે લટાર મારવા નીકળો તો તમને અનેક ઘરોમાંથી આવતું સુરીલું ગોવન સંગીત અને ગીતો સંભળાય.

ગોવામા વેજીટેરીઅન થાળી મંગાવો તો તેમા “નુસ્તે”(માછલી) આવે. તમે એને કહો કે મને વેજીટેરીન થાળી જોઈએ તો એ કહેસે આ વેજીટેરીઅન થાળી જ છે.(મચ્છીને ત્યાં નોન-વેજ મા ન ગણતા).

ગોવાની માછીમાર સ્ત્રીઓ ખૂબ જ તંદુરસ્ત અને સારી ઊંચાઈવાળી હતી. એક આપણને અસામાન્ય લાગે એવી વાત એ જોવા મળતી કે સ્ત્રીઓ (ખાસ કરીને માછીમાર સ્ત્રીઓ) પુરુષોની જેમ ઊભી ઊભી જ પેશાબ કરતી.

લોકો કોંકણી ભાષા બોલતા પણ એમા પોર્ચુગીસ શબ્દોની છાંટ હતી, દા.ત. માચીસને “ફોસ” કહેતા. એકંદર પ્રજા મળતાવળી અને આનંદી હતી. થોડી આળસુ ખરી. ગોવાની ખરી રોનક “કાર્નીવલ” વખતે જોવા મળતી. લોકોનો ઉત્સાહ શ્બ્દોમા વર્ણવી ન શકાય એવો જોવા મળતો.

ગોવાના બધાજ બીચ ખૂબ જ સુંદર અને સ્વચ્છ હતા, લોકો જરાય ગંદકી ન કરતા. થોડા હીપ્પી દેખાતા પણ એમનો કોઈ ઉપદ્રવ ન હતો, બીચના દુરના ખૂણામા એ પડ્યા રહેતા.

હું કહી શકું મે મારા જીવનના એ ખૂબ જ આનંદમા પસાર થયેલા ૧૮ મહિના હતા. પંદર વર્ષ પછી જ્યારે ફરી પર્યટક તરીકે ગયો ત્યારે મને આમાની એક પણ ચીજ જોવા ન મળી!!

– પી. કે. દાવડા


Leave a Reply to Shailesh MehtaCancel reply

9 thoughts on “ગોવા : ૧૯૭૦ સુધી.. – પી. કે. દાવડા

  • Dilip Bhatt

    Pujya davda,let your memory be pure of your past,I beg of you to erase your last only 2 lines,therefore declair a free man. Dilip bhatt always remain a servant of the load .and thank you for your present thoughts.Take Care

  • Dilip Bhatt

    100 years my ancestors under British raj was send to east Africa as slaves.,and British bought me 1970 as a refuge at the age of 20.i am no 65.l was taught English by portuges in Uganda as English was less spoken by Gujarati ,due to proud Gujaratis as per mahamata Gandhi values.values of in goa and Portugal in Lagos elders are respected,young children good manners,offering to less wellbeing,respect for ganapati,values hinguculture,despite their finance crises ,support not well off ,i have been to goa for 5 years and last 10 years to Lagos.i am proudly performing gayatri havan in a kutir in London 4am .Bharatmata me jayVanda Matram,akhand Bharatmata ki ja.happy 1st
    Navaratri .Take Care.dilip p bhatt.survent of the Loard

  • હર્ષદ રવેશિયા

    દાવડાસાહેબ,

    સુંદર વર્ણન કર્યું આપે ગોવા શહેરનું…

    આજનું ગોવા ગંદુ, ગીચતા ભરેલું અને ગુનાખોરી ભરેલું છે…

    કહેવાય છે જ્યાં વિકાસ થાય ત્યાં બધી બદિ આવી જાય…

    દક્ષિણ ગુજરાત સાથે જોડાયેલા દમણ અને સેલવાસ-દાદરા-હવેલીના પણ હાલ-હવાલ તેવાજ છે..

    હર્ષદ રવેશિયા

  • DINESH MODI

    દાવદા સાહેબ ઘનો આભાર, ગોવા વિશે માહિતિ પહેલિ વાર મલિ .આનન્દ થયો.

  • Natubhai Modha

    દાવડા સાહેબ, મેં પંજીમની ફૂટપાથ પર રામેશ્વર હોટલની ફૂટપાથ પર ચીફ મીનીસ્ટર મિ.બાંદેકરને રસ્તાના છોકરાઓ સાથે ક્રિકેટ રમતા સગી આંખે જોયા છે.ઉપરાંત જૂના સમયમાં (પૉર્ટુગીઝ) લોકો ઘર ઉઘાડા રાખીને ટીપોય પર પૈસા રાખીને સૂતા તો પણ ચોરીનું નામ નહોતું. દાતણ કે બ્રશ કરતા કરતા રસ્તા પરના વરંડામાં ન અવાતું. એક ખાસ મૉડેલની મર્સીડીઝ ટેક્ષીમાં પંજીમથી મડગાંવ જતાં.સીનેમા હૉલમાં પાયજામો પહેરીને જતા તો પ્રવેશ ન મળતો.સવારે નાસ્તામાં આજે પણ લોકો સૂકા પાંઉ જે ઉંડા તરીકે પ્રચલિત છે તે વેચવા સાયકલ પર ફેરિયા વહેલી સવારે પોં પોં કરતા નિકળે છે. મારા લગ્ન 1965 માં પંજીમમાં અમારી જ બ્રાહમણ (ગુજરાતી) જ્ઞાતિમાં થયા ત્યારે રસ્તા પરની સ્ટ્રીટ લાઈટના અજવાળામાં સૂતેલું કૂતરું પણ નજરે ન દેખાતું. આજે તમારા ધંધાની જગાએ પાર્કીંગ મેળવવા ત્રણ ચક્કર કાપવા પડે છે. તમારી જેમ મારી યાદો ઘણી છે. મીની માઈનોર ગાડી ત્યારે રૂ. 8000/-મા મળતી. આજે બધું નવું નકોર થઈ ગયું છે. યાદો માત્ર જૂની જ રહી ગઈ.