સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ.. – નેહા પંચાલ 8


સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ.. શીર્ષક આપમેળે જ જાણે કાંઈ કેટલાય ઉદાહરણો આંખ સામે ઉજાગર કરી જાય છે! નારીની પોતાની આગવી ગરિમા છે, એક મા તરીકે, એક પત્ની તરીકે, એક બહેન તરીકે, એક દીકરી તરીકે – ડગલે ને પગલે પુરુષ જીવનમાં નારીઓનો અવિભાજ્ય રીતે ફાળો રહેલો હોય છે. નારી જીવનનાં દરેક તબક્કે, જન્મથી લઈને મરણ સુધી ત્યાગ અને બલિદાનની પ્રેરણામૂર્તિ તરીકે હાજર હોય છે પુરુષો માટે!! અને હા, આ ત્યાગ અને બલિદાનના બદલામાં જે સ્ત્રીઓ મેળવે છે તેનું મૂલ્ય કોઈ જ આંકી શકે તેમ નથી. એ છે પ્રેમ અને વિશ્વાસ – જે દરેક ક્ષણ તેના જીવનને ચેતનવંતુ રાખે છે!

આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન હોય, કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા – એમની પત્નીઓનો એમના જીવનમાં અમૂલ્ય ફાળો રહ્યો છે. પત્ની તરીકે પુરુષોનાં જીવનમાં અર્ધાંગિની બનીને સ્ત્રી જે પાત્ર ભજવે છે તે ખરેખર સરાહનીય છે. ભારતના જગવિખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પત્ની અંજલીએ આપેલું બલિદાન પણ જગજાહેર છે. વ્યવસાયે તબીબ એવા અંજલીએ પતિના સાથ માટે પોતાનું તબીબી ક્ષેત્ર છોડીને પડછાયાની જેમ સચિનને સતત સાથ આપતા જીવન વ્યતીત કરી રહ્યાં છે. આ ગૌરવવંતુ ઉદાહરણ વિશ્વને સમજાવવા કોઈ શબ્દોની જરૂર નથી. આ સિવાય રોજીંદા જીવનમાં આપણી આસપાસ સ્ત્રીઓના એવા કંઈ કેટલાય ઉદાહરણો છે જેઓ એક પત્ની તરીકે સફળતાપૂર્વક પતિનો સાથ આપી રહી છે.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના માતા પૂતળીબાઈએ તેમના જીવનમાં જે સંસ્કારસિંચન કર્યું હતું એ પણ એક મા તરીકેનો અતિઉત્તમ દાખલો આપણા ઈતિહાસમાં લખાયો છે. મા તરીકે એક બાળકને સફળ પુરુષ કે સ્ત્રી બનાવવા જે પ્રયત્નો અને ત્યાગ એક સ્ત્રી કરે છે તેને વર્ણવવા શબ્દો ખૂટી પડે, સ્વરૂપવાનની માતા ગુણસુંદરી અને શિવાજીની માતા જીજાબાઈ જેવા ઉદાહરણો જ પૂરતાં છે એ સફળ પુરુષોના કે જેમની માતાઓના અથાગ પ્રયત્નોની વાચા મળી છે તેમના સફળ પુત્રોને.. પુત્રના જીવનમાં બહાદુરી, શૂરવીરતા, પ્રામાણિકતા, પ્રેમ, બલિદાન જેવા અનેક ગુણોનું સિંચન માતા સંતાનના જીવનમાં કરે છે. નેપોલિયન જેવો સમ્રાટ પણ કહી ગયો છે – એક સુમાતા સો શિક્ષકની ગરજ સારે છે. અનન્ય અખંડ અને અદ્રુત એવી જનનીને વર્ણવવા કવિ બોટાદકરે કહ્યું છે, ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ!’ તો કવિ પ્રેમાનંદે ગાયું, ‘ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર!’

આ તમામ ઉદાહરણો જોતા એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે સ્ત્રી વગર પુરુષનું જીવન અધૂરું છે, જીવનમાં ડગલે ને પગલે માં, બહેન, શિક્ષિકા, પ્રેમિકા, પત્ની એ તમામ તરીકે સફળ ભૂમિકા ભજવનાર નારીઓ પુરુષનાં જીવનનું અવિભાજ્ય અંગ છે. સ્ત્રી વિના ‘સફળ પુરુષ’ જ નહીં, પરંતુ પુરુષની જ કલ્પના કરવી અઘરી છે! ભારતમાં વર્ષ ૨૦૧૧ના વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ પ્રત્યેક ૧૦૦૦ પુરુષોએ માત્ર ૯૪૦ સ્ત્રીઓ જ છે, જે ખરેખર ચિંતાજનક છે. ભારતના ગૌરવવંતા અને વૈભવી વારસામાં મળેલા સફળ પુરુષોના ઉદાહરણો જેવા પુરુષો તૈયાર કરવા માટે ભારતને આ આંકડાઓમાં બદલાવ લાવવાની જરૂર છે. આ ઉપરાંત ભારતનો મહિલાઓનો સાક્ષરતા દર કે જે ૬૪.૯% છે તેને પણ વધારવાની તાતી જરૂર છે. શિક્ષિત મહિલા સફળ પુરુષો માટે જ નહીં, પણ સુસંસ્કૃત સમાજ માટેની પણ ચાવી છે.

પુરુષ જીવનમાં અવિરત અમૂળ્ય અને અદ્રુત એવો ભાગ ભજવનાર તમામ સ્રીઓને નમન!

– નેહા પંચાલ

ઓપન બરોડા નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ નેહાબેન પંચાલનો આ નિબંધ ‘સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ..’ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવી છે. અક્ષરનાદ પર આ નેહાબેનની દ્વિતિય કૃતિ છે, એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.


8 thoughts on “સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ.. – નેહા પંચાલ

  • Pradip Modha

    નમસ્કાર નેહાબહેન, આજે મે જયારે આપનો નિબંધ વાંચ્યો ત્યારે જાણે કે મારા જીવનમાં એ સ્ત્રીઓ (માતા,બહેન,કાકી,પત્ની) જે સાચેજ મને ડગલે ને પગલે પ્રત્યક્ષ કે પરો્ક્ષ રૂપે માત્ર સાથ સહકાર જ નહી પણ પોતાની મર્યાદા (કેપેસીટી) થી પણ વધારે ફાળો આપેલ છે. અરે હું તો એમ કહુ તો પણ ખોટુ નથી કે એક માં બાળકને જન્મ આપે છે, પણ એ બાળક ને જીદંગી જીવવા માટે એક સ્ત્રીની ખૂબજ જરૂર હોય છે. પછી એ દાદી હોય કે બહેન હોય ફોઇ હોય કે માસી હોય પ્રિયતમા હોય કે પત્ની હોય. પ્રેમ, દયા, કરૂણા, સાહસ આ બધા રૂપે એક સ્ત્રી જ પુરુષના પડછાયા રૂપે રહે છે.

  • Kalidas V. Patel {vagosana}

    નેહાબેન,
    બહુ જ ઉત્તમ નિબંધ આપ્યો. આભાર. ખરેખર, સ્ત્રી વગર કોઈ પણ પુરુષ અધૂરો જ છે … પછી તે મહાન હોય કે સામાન્ય પુરુષ
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • H S PAREKH

    સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ….

    નેહાબેનની વાત સંપૂર્ણતયા સાચી…એક વાર નહિ પણ અનેકાનેક વાર. આ મુદ્દે અગાઉ પણ ઘણી વાર અનેક વિદ્વત્ જનો દ્વારા સમર્થન થઇ ચૂક્યું છે…અને સર્વસ્વીકૃત રહ્યું છે.

    પણ, હવે એ જાણવું રસપ્રદ રહેશે કે શું સ્ત્રીના (સફળ સ્ત્રીના) જીવનમાં પુરુષનાં હાથની વાત કરીએ તો એ સામાન્ય સ્વીકૃતિ પામશે? !

    સ્ત્રી અને પુરુષ જો સમર્પણ ભાવે તન-મન-ધનથી એકબીજામાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ એકમેકના જીવનમાં વણાઈ જાય તો જ સફળતાની સીડીના પગથિયા ચડી શકાય.

    આ પુરુષ પ્રધાન સમાજમાં સફળતાની સીડી ચડી આગલી હરોળમાં માનવંતુ સ્થાન શોભાવેલ ((ભૂતકાળમાં) અને હાલમાં શોભાવતી મહિલાઓના જીવન કવનમાં આવેલાં ચડાવ ઉતાર અને તેમનાં પુરુષોનાં યોગદાન અંગે ગંભીર અભ્યાસ થવો ઘટે. સમાજોપયોગી તારણો જરૂર મળશે.

    હિમતભાઇ પારેખ, અમદાવાદ,

  • yogesh Mistry

    નેહા બેન સાચિ વાત સ્ત્રિ જે ત્યાગ આપ્યો શે તે કોઇ ન અપિ સકે એમા એક હુ અમે દુબઈ કામ થિ આવ્યા ને ઘરે સ્ત્રિ મારા પત્નિ અને મમા ને એ સ્સેલા ૯ મહિના થિ રહે જ સે…..તે એક ઉમ્દુ ઉદાહરન.