ચાર ગઝલરચનાઓ.. – તખ્તસિંહ સોલંકી 14


૧.

હું એ સમયને કરગરી શક્તો નથી,
કે જે કદી પાછો ફરી શક્તો નથી.

હોડી, હલેસા, જળ, હવાથી શું વળે?
હિંમત વગર માલમ તરી શક્તો નથી.

થાકી ગયો છે પગ છતાં ઉભો છું હું,
હું ધ્રુવનો તારો ખરી શક્તો નથી.

દુઃખો અહીંના જોઈને ઈશ્વર હવે,
માનવ સ્વરૂપે અવતરી શક્તો નથી.

તું રાતભર બસ વાત કર અજવાસની
આ ચાંદ જો આજે ઠરી શક્તો નથી.

૨.

નાનકડો તું કાગળ લખને,
બાકી છે તે આગળ લખને.

વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને.

પતંગીયા રૂપે મળશું જા,
ફૂલો જેવું તું સ્થળ લખને.

શબ્દોના સાગર ક્યાં મળશે?
ઝરણા જેવી ખળખળ લખને.

વર્ષો મૂંગા રહેવા દે તું,
‘તખ્ત’ મિલનની બે પળ લખને.

૩.

ધારો તમે એવું કશું ક્યાં થાય છે?
જ્યાં આંખ ખોલો ને બધું બદલાય છે.

છૂટી ગયું છે બાળપણ જે ગામમાં,
થોડી કમી એની હવે વરતાય છે.

આપી શકું શું નામ આ સંબંધને
તું તો નિરંતર પ્રેમનો પર્યાય છે.

ગીતા કહે છે કૃષ્ણ જો અર્જુનને
એવા અવાજો કાનમાં પડઘાય છે.

તું લાખ યત્નો કર, તરડાયા પછી,
એ કાચ પાછો ‘તખ્ત’ ક્યાં સંધાય છે?

૪.

એક દિ’ સૂરજ ઢળ્યાની વાત છે,
ને તમે સામા મળ્યાની વાત છે.

સામટા તારા હતા ને ચાંદ જે,
એકલા હાથે લળ્યાની વાત છે.

આપણી વચ્ચે કશુંય ક્યાં હતું?
વાત ચગડોળે ચડ્યાની વાત છે.

જિંદગી અવસર બની ગઈ એટલે!
એકબીજામાં ભળ્યાની વાત છે.

ધોધ આંસુનો વહ્યો છે આંખથી
બર્ફ જેવું પીગળ્યાની વાત છે.

રાતભર ક્યાં આપણે બોલ્યા હતા?
ગોખમાં દિવો બળ્યાની વાત છે.

‘તખ્ત’ અમસ્તી નથી બનતી ગઝલ
ટેરવે છાલા પડ્યાની વાત છે.

– તખ્તસિંહ સોલંકી
સંપર્ક – A-77 કૈલાશ પાર્ક, સમતા, વડોદરા – ૨૩. મો. ૯૯૭૯૧ ૫૨૮૮૧

તખ્તસિંહભાઈ સોલંકીએ તેમની અનેક સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવી છે, તેમાંથી આજે ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વડોદરાના સમતા વિસ્તારમાં રહેતા તખ્તભાઈની ગઝલ છંદબંધારણને વરેલી, રચનાની શિસ્તમાં બંધાયેલ સુંદર ભાવસભર ગઝલરચનાઓ છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ રચનાઓ છે, તખ્તસિંહભાઈનું અક્ષરનાદ પર સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ચાર ગઝલરચનાઓ.. – તખ્તસિંહ સોલંકી