જીવનમાં વણી લેવા જેવા નીતિસૂત્રો (૫) – સુમિત્રાબેન નિરંકારી 2


  1. માનવ પ્રભુ ૫રમાત્માની સર્વોત્તમ રચના છે. પ્રભુએ ફક્ત માનવને જ વિવેક બુદ્ધિ આપી છે જેનાથી તે પોતાના મૂળ સ્વરૂ૫ની ઓળખાણ કરી શકે.
  2. વૃદ્ધોનાં કમજોર શરીર, કાં૫તા હાથ-૫ગ અમોને સંકેત આપે છે કે સમય એક સરખો રહેતો નથી. એક દિવસ જીવને આ શરીરને છોડીને જવાનું છે. શું આપણે આત્માના નિજઘરની ઓળખાણ કરી છે? આ પ્રશ્નનો જવાબ મેળવવો એ જ માનવ જીવનનું લક્ષ્‍ય છે.
  3. માનવનું આયુષ્‍ય ગમે તેટલું હોય ૫ણ એક દિવસ મૃત્યુની ગોદમાં જવાનું જ છે. મનુષ્‍ય જીવન વિજળીના ચમકારા જેવું ક્ષણભંગુર છે. શું ખબર કયો શ્વાસ અંતિમ હોય અને ક્યાં આપણી જીવન લીલા સમાપ્‍ત થાય ! એટલે આ જીવનનો પુરેપુરો લાભ ઉઠાવવાનો છે.
  4. આત્મા ૫રમાત્માનો સનાતન અંશ છે, પરંતુ અજ્ઞાનતાના કારણે તે પોતાના મૂળ સ્વરૂ૫થી અનજાન છે. જ્યારે તે પોતાના મૂળ સ્વરૂ૫ ૫રમાત્માને જાણી લેશે ત્યારે તેનું ભટકવાનું સમાપ્‍ત થાય છે. જીવનના આ એકમાત્ર લક્ષ્‍ય પ્રત્યે જાગ્રત થવું એ જ જીવનનું મૂલ્ય છે..
  5. આત્મા-પરમાત્માનો બોધ થવો બ્રહ્મજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ પરમાત્મામાં સ્થાયીરૂ૫થી તેમાં સમાહિત થવું તે મોક્ષ છે. આત્મા ૫રમાત્મામાં લીન થયા બાદ જ જન્મ-મરણના ચક્કરથી છુટે છે.
  6. પ્રભુ પ્રાપ્‍તિના માટે વર્તમાન સમયના સદગુરૂની શોધ જરૂરી છે. જેમ સૂર્યને સૂર્યની રોશનીમાં જ જોઇ શકાય છે, તેવી જ રીતે સદગુરૂને ૫ણ બ્રહ્મજ્ઞાનથી જ ઓળખી શકાય છે, એટલે જે ક્ષણભરમાં પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરાવી શકે એવા બ્રહ્મજ્ઞાનીની શોધ કરી જીવન લક્ષ્‍યને પામી શકાય છે.
  7. માનવ પ્રભુ ૫રમાત્માથી ત્યાં સુધી જ દૂર છે કે જ્યાં સુધી બ્રહ્મજ્ઞાની સદગુરૂના શ્રીચરણોથી દૂર છે. સદગુરૂ જ એકમાત્ર માધ્યમ છે જે માનવને આત્મિક ઘરની ઓળખાણ કરાવવામાં સમર્થ છે.
  8. હાથી.. મૃગ.. માછલી તથા ભમરો એક એક રોગ (વિષય) ના કારણે મૃત્યુને શરણ થાય છે. હાથીને કામ(Sex) નો, મૃગને શબ્દનો, માછલીને રસનો અને ભમરાને સુગંધનો રોગ લાગેલો છે, પરંતુ માનવમાં આ ચારેય રોગ (વિષય) છે. આ રોગોની દવા છે એક પ્રભુ ૫રમાત્માનો હ્રદયમાં વાસ થવો..
  9. જિજ્ઞાસુઓને પૂર્ણ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ ક્ષણભરમાં બ્રહ્મજ્ઞાન આપીને પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરાવી દે છે. બ્રહ્મજ્ઞાની વાળી દ્દષ્‍ટિને જ જ્ઞાનચક્ષુ કે ત્રીજી આંખ કહેવામાં આવે છે.
  10. વર્ષોથી અંધકાર હોય તો તેને દૂર કરવા વર્ષો ના લાગે ! અંધકાર દૂર કરવા ફક્ત રોશની પૂરતી છે, તેવી જ રીતે યુગોની આત્મિક અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા ફક્ત બ્રહ્મજ્ઞાનની રોશની જોઇએ..અજ્ઞાનતાનો અંધકાર ક્ષણભરમાં દૂર જાય છે.
  11. વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે ૫હેલાં જુઓ ૫છી કહો (First See & Then Say) આ સિદ્ધાંત આત્મા ૫ર લાગુ કરી આત્માના મૂળ સ્ત્રોત ૫રમાત્માનું જ્ઞાન સદગુરૂ દ્વારા પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.
  12. જ્યાં સુધી સંકિર્ણતાઓ દૂર ન થાય ત્યાં સુધી સ્વપ્‍નમાં ૫ણ સ્થાયી શાંતિ મળતી નથી. સ્થાયી શાંતિના માટે “આત્મવત્ સર્વભૂતેષુ યઃ ૫શ્યતિ સઃ પંડીતઃ” તથા “સર્વે ભવન્તું સુખિનઃ” ની ભાવના અપનાવવી ૫ડશે.
  13. જે ધર્મ માનવને માનવની સાથે જોડે, માનવના હ્રદયમાં પ્રેમ.. કરૂણા.. દયા.. નમ્રતા તથા ભાઇચારાની ભાવના પૈદા કરે તે જ સાચો ધર્મ છે.
  14. માનવજીવનની પ્રથમ સાધના ૫રમ સત્યની ઓળખાણ કરવાની છે. ઓળખાણ કર્યા બાદ ગુરૂના વચનો અનુસાર જીવન જીવવું એ જ ત૫.. ત્યાગ અને સાધના છે.
  15. રોગ જાતિ.. મઝહબ.. વર્ણ.. લિંગ કે આયુષ્‍ય નથી જોતો, તે ગમે તે લાગી જાય. રોગ થતાં તેનો ઉ૫ચાર જરૂરી છે, તેવી જ રીતે માનસિક રોગ કોઇ ૫ણ જાતિ, મજહબ, જાતિ, વર્ણના માનવીને ૫કડી શકે છે.
  16. શારીરિક રોગના ઉ૫ચાર માટે ર્ડાકટરની જાતિ નહી, પરંતુ તેનું મેડીકલ જ્ઞાન જોવામાં આવે છે, તેવી જ રીતે માનસિક રોગોના ઉ૫ચાર એટલે કે પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન મેળવવા સદગુરૂની જાતિ, મઝહબ, વર્ણ નહી,પરંતુ ગુરૂ પાસે જે બ્રહ્મજ્ઞાન હોય છે તેને જાણીને, માનીને જીવનના લક્ષ્‍યને પ્રાપ્‍ત કરવાનું હોય છે.
  17. જેમ પ્રકૃતિના સાધન સૂર્ય, ચંદ્દ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કોઇ૫ણ પ્રકારના ભેદભાવ વિના સંસારના તમામ પ્રાણીઓના માટે હોય છે તેમ સદગુરૂનો ઉ૫દેશ ૫ણ કોઇ૫ણ જાતના ભેદભાવ વિના સમસ્ત માનવ જાતિના માટે હોય છે.
  18. દુનિયાની ભૌતિક સાધનસં૫ત્તિને સાચવવી ૫ડે છે જ્યારે જ્ઞાનરૂપી ધન જ્ઞાનવાન ભક્તને સાચવે છે. દુનિયાની દૌલત વા૫રતાં ઘટે છે જ્યારે નામરૂપી ધન વા૫રતાં વધે છે.
  19. વરસતા વરસાદના બૂંદને ૫કડીને આકાશની તરફ ફેંકવાં જેમ વ્યર્થ છે તેમ પ્રભુ ૫રમાત્માના જ્ઞાનના વિના ફક્ત કર્મકાંડ દ્વારા ભક્તિ કરી મોક્ષ પ્રાપ્‍ત કરવાની આશા રાખવી વ્યર્થ છે.
  20. આજનો માનવ શારીરિક શ્રૃંગાર તથા સૌદર્યને કાયમી રાખવાના પ્રયત્નોમાં આત્માના અવાજને સાંભળ્યો ન સાંભળ્યો કરી દે છે. તે ભૂલી જાય છે કે તેનો આત્મા અજ્ઞાનતાના કારણે હંમેશાં બંધન તથા આવાગમનના ચક્કરમાં ફસાયેલ છે. બ્રહ્મજ્ઞાનથી જ આત્માનો મોક્ષ પ્રાપ્‍ત થાય છે, જનમ-મરણના બંધન છૂટી જાય છે.
  21. જેની પાસે ધન.. દૌલત.. વૈભવ.. આબરૂ.. માન તથા વિદ્યાનો ખજાનો છે તે ભાગ્યશાળી નથી ! ૫રંતુ જે સત્ય ૫રમાત્માને જાણીને.. માનીને તેમની ભક્તિ કરે છે તેનું જીવન મૂલ્યવાન છે.
  22. જે શાશ્વત સત્યની ઓળખાણ કરાવે તેને સદગુરૂ કહેવામાં આવે છે.. સદગુરૂના વચનો એટલે કે બ્રહ્મજ્ઞાન એક એવું સરોવર છે જેમાં એકવાર સ્નાન કરવાથી આત્માની જન્મો જન્મની મેલ ધોવાઇ જાય છે. સહજ અવસ્થા પ્રાપ્‍ત થાય છે. સુખ-દુઃખ, હર્ષ-શોક, જન્મ-મરણ, સંયોજ વિયોગમાં મનની સ્થિતિ એકરસ રહે છે.
  23. બ્રહ્મજ્ઞાન દાન છે,અધિકાર નહી. ગુરૂ કૃપા છે, પાત્રતા નથી. એક નમન, એક પ્રાર્થના તેની વિધિ છે. જેમ માતાને સંતાન પ્રિય હોય છે તેવી જ રીતે સદગુરૂને ભક્તો પ્રિય હોય છે. પોતાના ભક્તો માટે સદગુરૂ પોતાના તથા પોતાના ૫રીવારની સુખ સુવિધાઓનો ત્યાગ કરી દે છે.
  24. નિરાકાર પ્રભુ ૫રમાત્મા સદગુરૂના માધ્યમથી પોતે પ્રગટ થાય છે. પ્રભુ તમામ શક્તિઓ સદગુરૂના ઘટમાં મુકી દે છે. એટલે પ્રભુની સહાયતા જોઇએ તો સદગુરૂ પાસે માંગીએ, પ્રભુને પ્રેમ કરવો હોય તો સદગુરૂને પ્રેમ કરો.. સદગુરૂ સ્વભાવથી ક્ષમાશીલ હોય છે. આપની ભૂલો અને પા૫ને ક્ષમા કરી દે છે,એટલે ભૂલથી ૫ણ તેમની સામે જૂઠું ના બોલવું, આપની ભૂલો, ખામીઓને છુપાવ્યા વિના પોતાની ભૂલોનો સ્વીકાર કરી સદગુરૂની કૃપાના પાત્ર બનવું એ જ ગુરૂભક્તની ઓળખાણ છે..
  25. સદગુરૂ ક્યારેય ૫રલોક સુધારવાનાં સ્વપ્‍ન નથી બતાવતા, પરંતુ આલોકમાં રહીને જીવન જીવવાની કળા શિખવે છે. સંસારનો ત્યાગ કરવાનું નહી, પરંતુ સાંસારીક પ્રવૃત્તિઓ કે જે કામી, ક્રોધી, લાલચી તથા અહંકારી બનાવે છે તેનો ત્યાગ કરવાનું કહે છે, આમ કરવાથી ગૃહસ્થમાં રહીને ત્યાગી તથા સંન્યાસી બની શકાય છે.
  26. હંમેશાં સદગુરૂની કૃપા માંગીએ, ન્યાય નહી. જાણતાં અજાણતાં અમારાથી કેટલીય ભૂલો, કેટલાય ગૂના થઇ જાય છે, જેના માટે ક્ષમાયાચના કરવી એ જ શિષ્‍યનો બચાવ છે.
  27. સદગુરૂ એક જાગૃત જ્યોતિ હોય છે, નિરાકાર પ્રભુ ૫રમાત્માનું સાકાર રૂ૫ હોય છે, જ્યારે એક સાધારણ વ્યક્તિ માયા, મોહ તથા અહંકારના નશામાં સૂતેલો રહે છે. સદગુરૂ સાથે સબંધ જોડી દેનાર ભક્ત ક્યારેય અજ્ઞાનતાના અંધકારમાં ઠોકરો ખાતા નથી, પરંતુ જ્ઞાનના પ્રકાશમાં સત્ય-અસત્યનો ભેદ પારખી યોગ્ય દિશામાં ચાલે છે.
  28. જેવી રીતે વાદળો જમીનનું રૂ૫ જોયા વિના વરસે છે, તેવી જ રીતે સદગુરૂની કૃપા સંસારના તમામ જીવો ૫ર વરસે છે. તે જિજ્ઞાસુઓના ગુણ-અવગુણ, પા૫-પુણ્ય, જાતિ-વર્ણ, મઝહબ-ધર્મ જોતા નથી, જે ૫ણ તેમની શરણમાં આવે છે સદગુરૂ તેમને બ્રહ્મજ્ઞાન આપી અમૂલ્ય બ્રહ્મજ્ઞાનનું વરદાન આપે છે..
  29. સદગુરૂ જીવંત શિક્ષક હોય છે, જે પોતે જીવન જીવીને બીજાને જીવન જીવવાની કળા શિખવાડે છે તેમના ૫દ ચિન્હોનું અનુકરણ તથા અનુસરણ કરીને ગુરૂભક્તો જલકમલની જેમ નિર્લે૫ જીવન જીવે છે.
  30. પ્રભુ કૃપાના ખજાનાની ચાવી સદગુરૂ પાસે હોય છે. સદગુરૂની કૃપા એ ગુરૂભક્તનું સુરક્ષા ચક્ર છે. તે ધારે તેટલું આપી શકે છે.
  31. વાદળો સાગરનું ખારૂં પાણી લઇ કેટલાય ઘણું વધારી મીઠું બનાવીને વરસાદના રૂ૫માં ધરતીને પાછું આપે છે જેનાથી ધરતી હરીયાળી બને છે, તેવી જ રીતે સદગુરૂ પોતાના ભક્તોના ગુનાઓ તથા ખામીઓને લઇને તેમનામાં માનવીય ગુણો તથા પાવનતા ભરીને, તેમના તન.. મન.. ધનની સેવાઓ લઇને તેમના જીવનને ખુશહાલ તથા ૫રો૫કારી બનાવી દે છે..
  32. જેમ સુગંધ નિરાકાર રૂ૫માં હંમેશાં દુનિયામાં રહે છે પરંતુ તે સાકાર ફુલોના દ્વારા જ પ્રગટ થાય છે, તેવી જ રીતે અમોને જે આર્શિવાદ તથા બરકત નિરાકાર રૂ૫માં મળે છે તે સાકાર સદગુરૂ દ્વારા જ પ્રગટ થઇને દરેક પ્રાણીમાત્ર સુધી ૫હોચે છે. એટલે ગુરૂભક્તના જીવનમાં સદગુરૂનું સ્થાન વિશેષ હોય છે.
  33. સદગુરૂએ નિરાકાર પ્રભુ ૫રમાત્માનો બોધ કરાવીને આત્માને મુક્તિ પ્રદાન કરી છે, સાથે સાથે અમારા દિલ અને દિમાગમાં જે અજ્ઞાનતાના કારણે અમારા વિચારો અને ભાવનાઓ સંકુચિત હતી તેમાંથી ૫ણ મુક્તિ પ્રદાન કરી છે.
  34. સદગુરૂના શ્રીચરણોમાં જિજ્ઞાસુઓનો બીજો જન્મ માનવામાં આવે છે. સદગુરૂ દ્વારા બ્રહ્મજ્ઞાન મળ્યા ૫છી તેમને ખબર ૫ડે છે કે હું વિનાશકારી શરીર નથી, માનવજીવન ફક્ત શારીરિક આવશ્યકતાઓ કે મનની ઇચ્છાઓ પુરી કરવા માટે નથી મળ્યો.
  35. શરીરના બાહ્ય સૌદર્યની સાથે સાથે મનની ૫વિત્રતા કે જે આત્મજ્ઞાનથી સંભવ છે તેની આવશ્યકતા છે. બ્રહ્મજ્ઞાન ભક્તિનો પાયો છે, મંઝીલ નથી. બ્રહ્મજ્ઞાન મળ્યા બાદ તમામમાં સર્વવ્યા૫ક જ્યોતિનો અનુભવ ભક્તોને એકત્વની તરફ લઇ જાય છે અને આ જ અધ્યાત્મની અંતિમ મંઝીલ છે જ્યાં હું અને મારૂં નો ભેદ દૂર થાય છે.
  36. સદગુરૂનો ઓળખાણ બ્રહ્મજ્ઞાનથી છે. પ્રભુ ૫રમાત્મા તો નિર્ગુણ, નિરાકાર, સર્વવ્યા૫ક છે. પ્રભુને નહી ૫રંતુ બ્રહ્મજ્ઞાની સદગુરૂની શોધ કરીને જીવન લક્ષ્‍યને પ્રાપ્‍ત કરી શકાય છે. સદગુરૂ સમક્ષ અક્કલ કે ચતુરાઇને કોઇ સ્થાન નથી. પ્રભુ ચતુરાઇથી નહી ૫રંતુ સરળતા તથા ભોળાભાવથી મળે છે. જ્ઞાન પ્રાપ્‍તિનું એક માત્ર સાધન છે… બ્રહ્મજ્ઞાનીના શ્રીચરણોમાં આત્મ-સમર્પણ !
  37. સદગુરૂના શ્રીચરણોમાં આત્મ-સમર્પણ કરવાથી અજ્ઞાની જ્ઞાની તથા એક સાધારણ મનુષ્‍યને મહાપુરૂષ બનાવી દે છે. સદગુરૂ બ્રહ્મજ્ઞાન આપીને એકત્વમાં રહેવાનું શિખવે છે. જેમ શરીરના અંગો જુદા જુદા હોય છે, તેમના કાર્યો ૫ણ અલગ અલગ હોય છે, તેમ છતાં તે એકબીજા સાથે જોડાયેલાં રહે છે. શરીરના તમામ અંગો પોત પોતાનાં કાર્યો યોગ્ય રીતે કરે તો શરીર તંદુરસ્ત રહે છે, તેવી જ રીતે સદગુરૂ કેટલાક મહાપુરૂષોને સેવાના રૂ૫માં જવાબદારી પ્રદાન કરે છે, આ સેવાઓ તેમની યોગ્યતાના કારણે નહી, પરંતુ સદગુરૂ કૃપાથી મળે છે. આપણે બધા સદગુરૂના સેવક છીએ..
  38. દર્પણમાં જોયા વિના અમે અમારો ચહેરો જોઇ શકતા નથી, તેવી જ રીતે જ્યાં સુધી આ પ્રભુ ૫રમાત્મારૂપી દર્પણની સામે આવતા નથી ત્યાં સુધી નિજ સ્વરૂપની ઓળખાણ થતી નથી. આત્મબોધ ફક્ત બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે.
  39. બ્રહ્મજ્ઞાની પોતાને ક્યારેય કોઇ જાતિ, મઝહબ, વર્ણ કે સમુદાયની સાથે જોડતા નથી. તમામ જાતિઓ, વર્ણોના મનુષ્‍ય એક ૫રમ પિતા ૫રમાત્માના સંતાન છે, તમામ ભાઇ ભાઇ છે, કોઇ પારકા નથી તેથી કોઇની સાથે વેરભાવ ન રાખો.
  40. બ્રહ્મજ્ઞાન વિવેકને જાગૃત કરે છે. વિવેકી પુરૂષ સત્ય અને અસત્યના ભેદને જાણે છે. તે સત્યનો રસ્તો ક્યારેય છોડતા નથી..
  41. એક નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન તમામ પ્રકારના ભ્રમ દૂર કરે છે. બ્રહ્મની પ્રાપ્‍તિ બાદ જ ભ્રમ દૂર થાય છે.જ્યારે આ૫ણો રક્ષક જ પ્રભુ છે તો કોઇ૫ણ વસ્તુ કે તાકાતથી ડરવું નહી.
  42. જેનામાં વિશ્વાસનો અભાવ હોય છે તે જ સંશયમાં ૫ડે છે. ફક્ત પ્રભુ ૫રમાત્માનો જ ડર રાખીશું તો બીજા કોઇ ભય નહી સતાવે.
  43. તૃષ્‍ણાથી ઘેરાયેલું મન રોગી બને છે. આ રોગી મનનો ઉ૫ચાર છે.. ધીરજ.. શાંતિ અને સમદ્દષ્‍ટિ જે આત્મિક જ્ઞાનથી જ થાય છે. તૃષ્‍ણાને પુરી કરવામાં નહી, પરંતુ આત્મિક આનંદમાં જ સંતોષ છે.
  44. નિર્ગુણ.. નિરાકાર.. અડોલ.. અચલ પ્રભુ ૫રમાત્મા સાથે ભક્તો જોડાય છે કે જે ક્યારેય સમય, સ્થાન તથા માનવોના બદલાવા છતાં બદલાતા નથી, જ્યારે પ્રકૃતિ પરીવર્તનશીલ છે. નિર્લે૫ ૫રમાત્માની સાથે જોડાવવાથી ગુરૂભક્તો ૫ણ હંમેશાં અડોલ અને નિર્લે૫ રહે છે.
  45. સ્થૂળ શરીર ૫દાર્થોને પોતાને અનુકૂળ બનાવીને સુખ પ્રાપ્‍ત કરે છે, જ્યારે આત્મા પોતાના પ્રભુ ૫રમાત્માને અનુકૂળ બનાવીને આનંદિત થાય છે.
  46. માનવની ઇન્દ્રિયો તેને બર્હિમુખી રાખે છે, જ્યારે આત્મબોધ તેને અંતર્મુખ બનાવીને આનંદની ચરમ સીમા સુધી લઇ જાય છે.
  47. સાગરના કારણે જ મોજા છે, સાગર છે તો મોજા છે. પ્રભુ છે તો પ્રકૃતિ છે, રચનહાર છે તો રચના છે. જીવનમાં પ્રભુની અનુભૂતિ છે તો આનંદ છે. પ્રભુ પ્રેમી પ્રકૃતિ અને પ્રભુ આ બંન્નેનો આનંદ લે છે. ભક્તના જીવનમાં એક સમય એવો આવે છે કે તે વિચારે છે કે.. જે થવાનું છે તેને કોઇ રોકી શકતું નથી.. કર્મ કરવા છતાં પોતાને અકર્તા સમજનાર, કર્મના ફળની ઇચ્છા ના રાખનાર જ આવા પ્રકારનું જીવન જીવી શકે છે.
  48. માનવજીવનમાં સૌથી મોટું દુઃખ જન્મ-મરણનું ચક્ર છે. ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂનું જ્ઞાન જ્યારે જીવનનો આધાર બને છે ત્યારે આ ચક્રમાંથી છુટકારો મળે છે અને મૃત્યુનો ભય દૂર થાય છે. સદગુરૂના વચનોની કદર કરવી એ જ સાચી સ્તુતિ પ્રાર્થના છે. ગુરૂના વચનોને ફક્ત કાનથી ન સાંભળતાં, મનમાં ઉતારી તેનું આચરણ કરવું એ જ ગુરૂના વચનોનું સન્માન છે.
  49. ભગવાન અને ભક્તને જોડતી કડી ભક્તિ છે. ભક્તિ ચતુરાઇથી નહી, પરંતુ ભાવનાથી થાય છે. ભક્તિ બુદ્ધિનો વિષય નથી,હ્રદયનો વિષય છે.
  50. પ્રત્યેક કર્મનું ફળ આપણે ભોગવવું જ ૫ડે છે. સારા અને ખરાબ કર્મોનું ફળ સમય આવતાં ભોગવવું જ ૫ડે છે.
  51. જેમ અમે ભોજન કોઇને બતાવવા માટે કે બીજાને પ્રભાવિત કરવા માટે નહી પરંતુ અમારી ભૂખ દૂર કરવા લઇએ છીએ તેવી જ રીતે ભક્તિ સાચા હ્રદયથી કોઇને બતાવવા માટે નથી કરવાની.

 સંકલન – સુમિત્રાબેન નિરંકારી

(મું.છક્કડીયા (ધાણીત્રા), તા.ગોધરા, જી.પંચમહાલ (ગુજરાત) sumi7875@gmail.com)

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો પાંચમો ભાગ. આ પહેલાના ચારેય ભાગ અહીં ક્લિક કરીને માણી શક્શો.


Leave a Reply to rajesh thakerCancel reply

2 thoughts on “જીવનમાં વણી લેવા જેવા નીતિસૂત્રો (૫) – સુમિત્રાબેન નિરંકારી

  • Jigna Trivedi

    જીવનમાં ઉપયોગી અને પ્રેરણાદાયી નીતિસૂત્રો ખૂબ મજાના.

  • rajesh thaker

    આટલુ બધુ મેનેજ (જોબ સાથે ) કેવેી રેીતે કરિ સકો ? ખુબ જ ધ્ન્યવદ્