કોલંબસે કામવાળી શોધવા જ દરિયો ખેડ્યો… – રમેશ ચાંપાનેરી 10


પરણેલાને પૂછો તો ખબર પડે કે આ કામવાળીનો પ્રશ્ન એટલો ભારે કે જાણે માથા ઉપર ગોવર્ધન પર્વત ન પડ્યો હોય? બાંધેલી કામવાળી જો એક જ દિવસ ન આવી હોય તો ખલ્લાસ… ઘરમાં જાણે સુનામી આવી જાય. આંધીમાં આખું ઘર હલી નીકળે. પતિ પલકમાં કોડીનો થઇ જાય. જાણે વાઈફને વગર નવરાત્રીએ દશામા ન પધાર્યા હોય? હસબંધની હાલત તો ઠંડા ભજીયા જેવી થઇ જાય. ધડાધડ હસબંધને અલ્ટીમેટમ આપવા માંડે કે, “ઝટ જાઓ, કામવાળી લેતા આવો, રસોડે ન રાંધુ રે…” તારી ભલી થાય તારી…

મને તો ક્યારેક એવું થાય કે, આ લોકો પતિને સમજે છે શું? શું આપણને બહારના કોઈ ટેન્શન જ નહી હોય કે ઘરના મધપૂડામાં પણ હાથ નાંખવાના? આજે પાટીદારના આંદોલનનો પ્રશ્ન કેટલો મોટો છે? એ કોણ જોવાનું? સોનિયા ગાંધી જો કોઈ ભાજપના બહેનને મળે, તો લોકો એવી હો હા આ આ… કરે કે નાગના રાફડામાં ચકલી ન ઘુસી ગઈ હોય? એ પણ કોણ જોવાનું? એક કામવાળી ન આવે એમાં તો એવી હળગે કે પાડોશી આવીને જાણે બચી કરી ગયો હોય. પેલા કહે તેમ સાવ સાચી વાત છે કે, “પતિ થયો એટલે પતી ગયો.” સાલો નથી બહાર જપ મળતો કે નથી ઘરમાં જપ મળતો. ક્યાંક વેજીટેરિયન ટેન્શન તો ક્યાંક નોન વેજીટેરિયન ટેન્શન… પણ જ્યાં જુઓ ત્યાં ટેન્શન જ ટેન્શન… ને એમાં આ કામવાળીનું ટેન્શન એટલે એવું ઘરમાં પગ પડે ત્યાંથી બધું બળવા લાગે. તારા કપાળમાં કાંદો ફોડું…

પછી તો ટેવાઈ જવું પડે બોસ….! સમજી લેવાનું કે ભાત ખાવો હોય તો દાળ પણ રાખવી પડે. એમ જીવવું જ હોય તો ટેન્શન પણ રાખવા પડે. ટેન્શન વગરનું મગજ એટલે ખાંડ વગરનો ફાલૂદો… એ ભલે ઇસ્ટમેન કલર લાગે, પણ ટેસ્ટી ન લાગે… પણ જોવા જાવ તો ચમનીયાનો પ્લસ પોઇન્ટ એ છે કે, એ સ્વયં જ એક ટેન્શનનો દેવતા… ૨૪ કલાક પીધેલ રહેતા પીન્ડકની માફક એ પોતે જ ૨૪ કલાક ટેન્શનમાં રહે.. ને એવો રહે કે પ્રેમથી ‘હેલ્લો’ કરવા જઈએ તો પણ, ઢેફું લઈને મારવા દોડે.. જોનારને તો એમ જ લાગે કે ચમનીયો ગાંડો છે. પઅઅઅણ ગાંડો નહિ, એ આપણને ગાંડા કરી નાંખે. ખડડૂસ્સ છે ખડડુસ..

આ બધાં પરણેલાના સિમ્પન્સ કહેવાય. પરણેલાના મગજનું એમ.આર.આઈ. કરાવીએ, તો એવું નિદાન નીકળે કે, ભાઈના મગજના ગોખલામાં ખાલી ડબ્બો જ છે. મગજ તો લગનની ચોરીમાં જ તવાયને ટેણ થઇ ગયેલું. શાદી બહુત બૂરી ચીજ હૈ વાંઢેશ.!. જેના લગન થઇ ગયાં, એ પછી અનામતમાં પણ કામ ન લાગે, ને કોઈની જમાનતમાં પણ કામ ન લાગે. ભલ-ભલાના સિન-સિનેરીયા બદલાઈ જાય. જુઓ ને, ચમનીયો જ્યાં સુધી કુંવારો હતો, ત્યાં સુધી તો, એ પાંચમાં પૂછાતો. પણ જેવા લગન થયાં કે ફળિયાનું કુતરું પણ હવે એને જોઇને ભસે. આખ્ખેઆખી ઈમેજ કકડભૂસ થઇ ગઈ. બિચ્ચારાને મરઘો બોલે તે પહેલાં ઘરવાળીના ટોણા સાંભળવા મળે છે કે “મરદ જેવા મરદ થઈને એક કામવાળી નથી શોધાતી? ધૂળ નાંખી તમારા જીવતરમાં…”

જો કે એમાં જવાબદાર પણ એ ‘જ. એ વેવલો લગન પહેલા ઘરવાળીને કહી આવેલો કે, આપણે ત્યાં તો કામવાળી ત્રણ ટાઈમ આવે. ને આવી ને જોયું તો અલ્લાયો.! સમ ખાવાની પણ કામવાળી નહિ. ને સુહાગરાતે જ વાઈફે કામવાળીની વાત છેડી. એમાં તો એવું હુલ્લડને શરુ થયું કે, જાણે બેડરૂમમાં આતંકવાદી ન ઘૂસી ગયો હોય? લગન વચન ની વખાર બની ગઈ. એ રાતે તો એને એમ થયું કે કોઈની કામવાળીનું હરણ કરી લાવું. મને કહે, “જો કોઈ મને એક કામવાળી શોધી આપે તો, હું કોઈપણ હડકાયા કૂતરાને બચી કરવા તૈયાર છું… તારી ભલી થાય તારી ચમનીયા.

આ કામવાળીના મામલામાં આજે પણ એને ખાધા વગર કબજિયાત રહે છે. મને કહે, ‘પેલી શનિની દશા તો સારી! સમય આવે એટલે ઉતરી પણ જાય. પણ જ્યારથી આ “કામવાળી” નો ડખો ઉભો થયો છે, ત્યારથી તો જાણે સોના-રૂપા-તાંબા ને લોખંડની બધી એક સાથે ભેગી મળીને દશા બેઠી છે. ઘરવાળી માટે જો ટેન્ડર બહાર પાડીએ, તો, ઢગલો ટેન્ડર આવે. પણ કામવાળીની શોર્ટેજ જ એટલી કે, ઓન આપીએ તો પણ કોઈ ટેન્ડર લેવા ન આવે!” દલાલો કહે, ઘરવાળી જેવી જોઈએ તેવી લાવી આપું. પણ… કામવાળી માટે તોબા… હું જેટલું ઘરવાળી માટે નથી રખડ્યો, એટલું કામવાળી માટે ભટક્યો છું. પણ… હરામ બરબાર જો કોઈ કામવાળી મળતી હોય તો! જો કે આમ તો ધારું તો કામવાળીનો ઢગલો કરી દઉં. પણ આપણને સાલા આપણા સંસ્કાર આડા આવે. આપણે કંઈ રાક્ષસ થોડાં છે કે, કોઈની કામવાળી ઉઠાવી લાવીએ?

લંડન જતી વેળા પાડોશીએ પૂછ્યું પણ કે, ‘બોલ ચમનીયા, તારા માટે લંડનથી શું લાવું?’ મેં કહ્યું, ‘દોસ્ત… તારે જો મારા ઉપર ઉપકાર જ કરવો હોય તો આવતી વખતે પાંચ-છ ‘ઈમ્પોર્ટેડ કામવાળી’ લેતો આવજે. એક બે હું રાખીશ અને વધે તો આપણે ભાડે ફેરવીશું. તારી ભલી થાય તારી ચમનીયા, તારા કપાળમાં કાંદો ફોડું?

હું તો આજે પણ કહું છું કે, કોલંબસ અમેરિકા નહિ, કામવાળી શોધવા જ દરિયો ખેડવા ગયેલો હશે… મારી જેમ એની વાઈફે, આઈ મીન આપણી ભાભી ‘ફિલીપા મોનીઝ પેરીસ્ટરેલો’ એ (બૂચા એ આપણી ભાભી નહિ થાય. થાય તો વડદાદી થાય. ગમે તેમ શું પાટિયા ફીટ કરે છે?) ધધડાવ્યો હશે કે, જાતને બહુ સાહસિક માનતા હોય તો એકાદ કામવાળી તો લવાતી નથી! બસ ખલ્લાસ. મર્દાનગી ઉપર આવી ચેઈલેન્જ થાય, અને કોલંબસ બેસી રહે? પડ્યો દરિયામાં અને નીકળી પડ્યો ‘ઈમ્પોર્ટેડ’ કામવાળી શોધવા. પણ કરમ એવા ફૂટેલા કે કામવાળી શોધવાને બદલે અમેરિકા શોધી લાવ્યો.

મને તો હવે એવો ડર લાગે છે કે, પુરુષોને ઘરમાં પોતા મારવાનો વખત નહિ આવે તો સારું. આ તે કંઈ જે તે ત્રાસ છે? સાલી સશક્તિકરણની તો આપણને જરૂર છે. એમાં પાછુ ઘરણમાં સાપ કાઢ્યો હોય, એમ સરકારે નવું બ્યુગલ વગાડ્યું કે, ફૂલ ટાઈમ ઘરનોકર રાખવો હોય તો ૯૦૦૦ રૂપિયાનો પગાર અને મેટરનીટી લીવ પણ આપવી પડશે. બસ. આવી ગયા અચ્છે દિન! તારી ભલી થાય તારી!

સુંદરકાંડમાં લખ્યું છે કે, ભાગ્યમાં હોય તો જ સંત મળે. એમ ભાગ્યમાં હોય તો જ કામવાળી પણ મળે. કામવાળી વગર વાઈફનું મોઢું તો એવું થઇ જાય કે, કે જાણે રેસલીંગમાં મુક્કા ખાઈને ના આવી હોય? રોટી-કપડાં અને મકાનની માફક કામવાળી પણ હવે આજના મધ્યમ વર્ગની પ્રાથમિક જરૂરીયાત બની ગઈ. કામવાળી માટે હવે અલુણા કરવાના અને દેવલા મનાવવા માટે અખંડ દીવા બાળવાના દિવસો હવે દૂર નથી લાગતા!

એક ભાઈએ તો એની વાઈફને એમ કહ્યું કે, તને જ્યારે કામવાળી જોઈએ ત્યારે તું મને કહેજે. હું ચપટીમાં કામવાળી હાજર કરી દઈશ. પેલી કહે, ‘એ ધંધો તો તમે કરતાં જ નહીં. તમને ખબર છે ને કે, આ ઘરમાં પહેલાં હું કામવાળી તરીકે જ આવી હતી. અને તમે મને ઘરવાળી બનાવી દીધી. એ ભૂલ હવે પાછી નથી કરવી.’ તારા કપાળમાં કાંદો ફોડું!


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “કોલંબસે કામવાળી શોધવા જ દરિયો ખેડ્યો… – રમેશ ચાંપાનેરી

  • Kalidas V. Patel {Vagosana}

    રમેશભાઈ,
    કોલંબસની ક્યાં માંડો છો , યાર ! પેલો હિલેરી અને તેનસીંગ આખો હિમાલય નહોતા ચડ્યા … પણ જો એકાદી કામવાળી હાથ આવી હોય તો ? જેવાં એમનાં નશીબ ત્યારે ! … ખૂબ જ સુંદર રજૂઆત. મન-મગજ તર બતર થઈ ગયાં. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • gopal

    રમેશભાઈ ચાઁપાનેરી ને ભાઈ જિગ્નેશ,
    કામવાળીના લેખે તો મજ્હા કરાવી દીધી ભઈલા!
    ગોપાલ

  • લતા ભટ્ટ

    સરસ હાસ્યલેખ, રમેશભાઇ અભિનંદન…,સદભાગ્યે મારે કામવાળી સારી મળી ગઇ છેે એ રીતે મારી ઇર્ષા થઇ શકે એને લાયક તો ખરી જ હું..

  • Maheshchandra Naik ( Canada)

    સરસ રજુઆત હાસ્ય સહિત વાસ્તવિક વાત કરીને ઘણુ કહેવાયુ…..

  • kirit harakhlal bhagat

    COLUMBAS NI PATNI E TENE KAMWALI BAI LAVAVA MOKALYO HATO.
    COLUMBUS BARABAR SAMJI NA SHAKYO ANE KAMWALI NE BADLE “KAM”WALI SHODHVA AMERICA PAHOCHI GAYELO.