વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪} 2


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

‘અરે, મમ્મી તમે? આટલી સવારે?’ માધવીના આશ્ચર્યનો પાર નહોતો. આ સત્ય હકીકત હતી કે સપનું? બિલ્ડીંગનો વોચમેન મિશ્રા સામાન મહેમાનનો સમાન લઈને ઉભો હતો. એને વિશ્વાસ ન આવતો હોય તેમ આંખો ચોળી. હજી રાત્રે તો મમ્મી સાથે ફોન પર વાત કરી, તો આમ અચાનક?

રાત્રે રાજ સાથે થયેલી વાતથી સંતોષ જ એવો વળ્યો કે કેટલાય દિવસથી વેરણ થઇ ગયેલી નિદ્રાદેવીએ મન મૂકીને મહેર કરી દીધી હોય તેમ માધવી ઊંઘતી રહી જો ડોરબેલના અવાજે ન ઉઠાડી હોત.

‘અરે બેટા, મને અહીં જ ઉભી રાખીશ કે અંદર આવવા દઈશ?’ જેવો કાને અવાજ પડ્યો ને માધવી ચોંકી, ના… આ મમ્મી તો નહોતી, તો કોણ? બારણામાં ઉભેલી સ્ત્રી શકલ સૂરતથી તો આબેહુબ માને મળતી આવતી હતી પણ… લાલ બોર્ડરવાળી વ્હાઈટ હેન્ડલૂમ સાડી, કોઈક અજબ તેજથી ચમકતો ચહેરો, જે કદાચ મુસાફરી અને થાકને લીધે કરમાયો હોય એમ લાગતું હતું. એકાદી સફેદ લટ ધરાવતાં કાળાવાળ ઢીલાં અંબોડાની જેમ ગૂંથ્યા હતા અને કપાળમાં રૂપિયા જેવો મોટો ચાંદલો.

‘ઓહ, હા હા, આવો ને…’ માધવીએ જોયું, સાથે સામાનમાં હતી એક બેગ અને તેના ખભે ઝૂલી રહેલું એક મોટું હેન્ડબેગ જેવું પર્સ.

ના, આ મમ્મી ક્યાંથી હોય? ચહેરે મહોરે આબેહુબ મળતી આવતી સ્ત્રી લાગતી તો જરૂર હતી મમ્મી જેવી, પણ ન તો ચહેરા પર મમ્મી કરતી એવો હળવો મેકઅપ હતો, ન મેનીક્યોર કરેલાં પોલીશ્ડ નખ, અને હા, મમ્મી સિલ્ક કે શિફોન સાડી જ પહેરતી, ક્યારેય કોટન સાડીમાં પણ નહોતી જોઈ. ને આટલો મોટો ચાંદલો? …આ અજનબી મહેમાને માધવીને વિસ્મયમાં તો જરૂર મૂકી દીધી હતી છતાં બેગ લઇ અંદર તેને આવકારતી હોય તેમ અંદર દોરી લાવી.

માધવીની પાછળ પાછળ પેલી મહિલા પણ દોરવાઈ. અંદર આવીને ઘર જોઈ રહી હોય તેમ ઉભા ઉભા જ આજુબાજુ દ્રષ્ટિ ફેરવી રહી હતી.

‘તમે આરતી માસી ને??’ અચાનક મગજમાં ઝબકારો થયો, માધવીએ માત્ર અટકળ કરી હતી. તે પણ એકદમ સાચી.

‘ચાલો, પ્રભુની મહેરબાની કે તેં મને ઓળખી તો ખરી!’ આરતીમાસી સ્મિત વેરતાં બોલ્યા : પણ એમાં તારો શું વાંક? તેં તો મને જોઈ જ નથી ને!

‘ના, સાવ એવું પણ નહીં, મેં તમને જોયા છે, પણ આમ તમને આ પ્રકારે મળવાની તો કઈ રીતે વિચારાય?’ માધવી હળવું સ્મિત ફરકાવી કિચન તરફ વળી. સવાર થવામાં વાર નથી. ચા મૂકી દઉં…’

એની પાછળ વિના કોઈ પ્રયોજન આરતીમાસી દોરવાયા; તેં મને ઓળખી કઈ રીતે? આરુષિએ મારા વિશે કોઈ વાત કરી છે?

‘ના, વાત તો ખાસ નહીં પણ મેં જોયા છે તમને આલ્બમમાં, તમે ને મમ્મી સ્કૂલ યુનિફોર્મમાં… ને મમ્મીડેડીના વેડિંગ આલ્બમમાં…. ને મને હમેશા નવાઈ એ લાગતી કે તમે કદીય અમારે ઘરે આવતાં કેમ નહોતા?’ માધવીએ ચાની ટ્રે સેટ કરી. ચાલો, બહાર બાલ્કનીમાં ચા પીવાનો પ્રોગ્રામ થઇ જાય, એ પહેલા તમારે ફ્રેશ થવું હોય તો… અને બાથરૂમ તરફ ઈશારો કર્યો.

ચાના કપમાંથી ઉઠતી વરાળ અને ચમચીના રણકાર સાથે ભળતી જતી સાકરની જેમ માસી ભાણેજ વચ્ચે ક્યારેય ન મળ્યા હોય તેવી દૂરી ગણતરીની પળમાં વિસરાતી ગઈ.

‘પણ, મને એ ન સમજાયું કે માસી આમ સાવ અચાનક તમે મારે ઘરે?’ મનમાં ક્યારનો ઘોળાઈ રહેલો પ્રશ્ન છેલ્લે તો માધવીના હોઠ પર આવી જ ગયો. તમે ક્યારેય અમારે ઘરે આવ્યા હોવાનું પણ યાદ નથી. ને મારું આ અડ્રેસ તમને કેમ કરી ને મળ્યું?

‘અરે, માધવી ખરી છે તું તો! દીકરીને ઘરે આવવા માટે કોઈ મુર્હર્ત થોડું જોવડાવું પડે? આ તો આરુષિ સાથે વાત વાતમાં ખબર પડી કે તું મુંબઈમાં છે, એટલે થયું કે કોઈવાર મુંબઈ જવાનું થશે તો મળીશ તો ખરી જ ને! ને તારી એ વાત પણ સાચી કે કદીયે તમારી સાથે તમારા ઘરે રહેવા આવવાનો પ્રસંગ બન્યો જ નહીં. કારણ બીજું તો કંઈ નહીં પણ તારા ડેડી રહ્યા ઇન્ડિયન ફોરેન સર્વિસમાં, આરુષિ ને વિશ્વજિત પરણીને હજી તો ઉતર્યાં હતા ત્યાં તો તારા ડેડીનું પહેલું પોસ્ટીંગ રાહ જોતું હતું. એ પછી એક નહીં તો બીજું, તમે લોકો ઇન્ડિયામાં ક્યાં રહ્યા જ છો તે મેળ થાય…’ માસીએ સાહજિકતાથી કહ્યું, ‘પણ તારી મમ્મીએ મારા ફોટા આલ્બમમાં બતાવ્યા સિવાય કંઈ નથી કહ્યું મારા માટે?’ પીવાઈ રહેલી ચાનો કપ ટેબલ પર મૂકતાં બોલ્યા.

પાસે જવાબ જેવું કંઈ હતું જ શું કે માધવી બોલે? એમ કહે કે મમ્મીએ કદીય તમારા વિષે કોઈ વાત નથી કરી? સિવાય કે તમે કોઈ આશ્રમ સાથે સંકળાયેલા છો.

‘ક્યાંથી કરે?’ પોતાના પ્રશ્નનો ઉત્તર પોતે જ આપી દેવો હોય તેમ માસી બોલ્યા, એમના અવાજમાં હળવો નિશ્વાસ હતો જે કદાચ માધવી સુધી પહોંચ્યો જ નહીં.

‘મારું જીવન આશ્રમ સાથે, એટલે સમાજથી, પોતાના લોકોથી કટ ઓફ થઇ જવાય ને!’ આરતીમાસી હળવું હળવું સ્મિત ફરકાવતાં રહ્યા.

‘ઓહ ઓકે, મમ્મીએ તમારા વિષે વધુ કંઈ ક્યારેય નહોતું કહ્યું… પણ સારું થયું તમે આવ્યા, મને ખબર નહીં તમને જોઈને થયું કે મમ્મી જ આવી..’ લાંબી સફરમાં એક્લયાત્રીને કોઈ સાથી મળી જાય ને ખુશ થઇ જાય તેમ માધવી ખુશ થઇ ગઈ હતી. પણ અચાનક બીજી જ મિનિટે તેના ચહેરા પર એક કાળી વાદળી છવાઈ જતી લાગી : ન જાણે અહીં કેટલા દિવસનું રોકાણ કરી ને આવ્યા હશે આ માસી…. ને એવા સંજોગોમાં પોતાની પરિસ્થિતિ સમજી ગયા તો?

‘કોઈ સમસ્યા છે?’ ચહેરો વાંચી લેવાની કોઈ વિદ્યા જાણતા હોય તેમ આરતી માસી બોલ્યા.

‘ઓહ ના રે ના, કેમ તમે એવું ધારી લીધું?’ સ્વસ્થ હોવાનો દેખાવ કરીને માધવી બાજી સંભાળવાનો મિથ્યા પ્રયાસ કરી રહી.

‘ખબર નહીં, બસ એવું લાગ્યું એટલે પૂછી લીધું. પણ એક વાત કહું?’ આરતીમાસીના ચહેરા પર રમી રહેલું મીઠું સ્મિત જરા નાનું થયું ને પછી વિલય થઇ ગયું: ‘આપણામાં કહેવાય છે કે મા ને માસી બેઉ સરખા. કદાચ આરુષિ તારી સાથે નથી પણ તું જો ચાહે તો મને તારા દિલની વાત નિસંકોચ કરી શકે છે. એમ સમજ મમ્મી છે તારી સાથે…’

‘હા, એ વાત તો સાચી પણ કોઈ સમસ્યા જ નથી…’ માધવીએ વાત ચાતરી જવાનો પ્રયત્ન કર્યો ને તેમાં સફળ પણ થઇ હોય તેમ માસીના ચહેરા પરના ભાવ પરથી જણાતું હતું. બંને અચાનક જ ચૂપ થઇ ગયા ને થોડી ક્ષણો પસાર થઇ ગઈ, માધવી ઉઠી. મેઈન ડોર પાસે પડેલું અખબાર લઈને પછી ફરી. અખબાર વાંચવાની કવાયત જ બોઝિલ મૌન કે વધુ પૂછપરછથી બચાવી શકે એમ હતી.

પણ માધવીને ખ્યાલ નહોતો કે એક જ ઘડીમાં તેની બાજી આઉટ થઇ જવાની હતી. અખબાર હાથમાં લીધું ને થોડી સેકન્ડ માંડ થઇ હશે કે પેટમાં ચૂંથારો અનુભવાયો. વધુ કંઈ સમજ્યા વિના જ બાથરૂમ તરફ દોટ મૂકવી પડી, ને આરતીમાસી સ્તબ્ધ થઈને જોતા રહ્યા.

‘કેટલા સમયથી આ ફરિયાદ છે?’ બાથરૂમમાંથી હાથ લૂછતાં બહાર આવેલી માધવી હજી કોઈ ઢાંકપિછોડાનું બહાનું વિચારે એ પહેલાં જ માસીએ તો ઘા કરી દીધો.

‘હં…’ પહેલા જ દાવમાં ચિત થઇ ગઈ હોય તેમ માધવી બેસી પડી.

‘તને જોઇને હું જે સમજી છું પરિસ્થતિ એ જ છે… કે હું કંઇક ખોટું સમજી છું?’ આરતીમાસીનો પોઈન્ટ બ્લેન્ક પ્રશ્ન ચૂકવવો મુશ્કેલ જ નહીં અશક્ય હતો. જવાબમાં માધવી નીચું જોઈ રહી. જે વિના કંઈ બોલે એક કબૂલાત વધુ લાગી રહી હતી.

‘મારી એક વાત માનીશ માધવી?’ આરતીમાસીના સ્વરમાં ન કોઈ આરોહ હતો ન અવરોહ, કોઈ ભાવને જાણે સ્થાન જ નહોતું, નતમસ્તક થઇ વાત સાંભળ્યા વિના છૂટકો પણ નહોતો. પોતે કોઈ એવું પગલું ભારે ને માસી મમ્મીને ને ફોન કરી જણાવી દેશે એ વાતથી જ માધવીના પગ પાણી પાણી થવા લાગ્યા હતા.

‘તને પૂછી શકું કે કોણ છે એ?’

થોડીવાર ચૂપ રહ્યા પછી હળવેકથી દબાયેલા સ્વરે માધવી માંડ બોલી શકી : ‘રાજ, આઈ મીન રાજા…’

એકવાર હિમ તૂટ્યા પછી માધવીએ રોકી રાખેલો બંધ તૂટી ગયો. પ્રેમ કર્યો હતો, તન મન અને વચનથી, અણુએ અણુ રાજ સિવાય કોઈનું અસ્તિત્વ સ્વીકારી નહોતું શક્યું, પાપ તો નહોતું કર્યું ને!!

માધવીએ માસી સામે જોયું. એની મોટી મોટી આંખો આંસુ તગતગી રહ્યા હતા. જાણે પાણી ભરેલી વાદળી વરસવા તરસી રહી હોય તેમ એમ રડી લીધા પછી ચહેરા પર સ્મિત આવી ગયું : કદાચ માસી કોઈક મદદ કરી શકે.

‘એક કામ કર, હું તારી મમ્મીને જાણ નહીં કરું, પણ તારે એને અહીં બોલાવવો પડશે, મને મળવા.’

‘પણ, મારી એક વિનંતી છે, મમ્મીને ન કહેશો પ્લીઝ, એ આ વાત નહીં સહન કરી શકે… અને એથી મને વધુ ડર ડેડીનો છે. મમ્મી ડેડીથી કોઈ વાત છાની નથી રાખતી, એ આ વાત પણ જરૂર કરશે અને ડેડી…’ માધવીનું ગળું રૂંધ્યું એક દીર્ઘ ડૂસકાએ.

‘આ બધાનો કોઈ અર્થ નથી માધવી, ઉભી થા. જે થઇ ગયું એની પર આપણી કોઈ રોક નથી પણ હવે શું કરવું એ વિષે તો વિચારી શકીએ ને! કોઈક અજબ દ્રઢતા હતી માસીના અવાજમાં, અત્યારે મમ્મી હોત તો? મન બિલકુલ અતાર્કિક સરખામણી કરતું રહ્યું.

જે કારણે મનમાં હળવી ધાસ્તી જન્મી હતી એ તો સમૂળગી ઉડી ગઈ બલકે મન આનંદથી ભરાઈ રહ્યું. માસીએ રાજા સાથે વાત કરવા ચાહી એ જ સૌથી મોટી પોઝિટીવ સાઈન હતી.. બાકી રહી વાત મમ્મી ડેડીની, કોને ખબર કેમ પણ મનમાં માસીને જોઇને થઇ રહ્યું હતું કે માસી મમ્મી ને તો શું, ડેડીને પણ મનાવી શકશે.

નજર રહી રહીને વોલ કલોક પર પડતી રહી. સવારના દસ થવામાં વાર તો માત્ર કલાકની હતી પણ એ માધવીને એક યુગ જેવી લાગી. રાજા સૂર્યવંશી હતો ને, મોડી રાત સુધી જાગે એટલે સવાર દસ પહેલા નહોતી પડતી. ડીજીટલ વોચમાં દસનો ફિગર ફ્લેશ શું થયો કે માધવીએ રાજાને ફોન જોડ્યો.

‘ગુડ મોર્નિંગ જાન’ જવાબમાં સામેથી રાજાનો ઊંઘભર્યો અવાજ કાને અથડાયો, ‘અરે મેં કોઈ ગુનો કર્યો મુંબઈ પહોંચીને કે સવાર સવારમાં ઉઠાડી મૂક્યો…’

‘રાજ, ગેટ અપ…. તને એક ગુડ ન્યુઝ આપવા ક્યારની રાહ જોઉં છું ને તું આમ ઘોરી રહ્યો છે…..’ માધવીના અવાજમાં ખુશીનો રણકો પડઘાતો હતો.

‘ઓહો, ચલ આપી દે શું છે એ ન્યુઝ?’ રાજાને એ ખુશીનો પડઘો કંઈ ખાસ સ્પર્શ્યો હોય તેમ લાગ્યું નહીં.

આરતીમાસી સવારે કઈ રીતે અચાનક ટપકી પડ્યા અને પછી શું થયું એ બધી વાતો માધવી સવિસ્તાર રીતે કહેવા જતી હતી પણ સામે તાલ જોઈ રહેલી માસીની અનુભવી આંખોએ ઈશારતથી મનાઈ ફરમાવી.

‘બધું અત્યારે જ પૂછી લેશો? તો સાંજને માટે સસ્પેન્સ શું રહેશે રાજાજી?’ માધવીએ હસીને વાત ઉડાવી દીધી પણ એથી તો રાજાની કુતુહલતા ઓર વધી ગઈ.

‘તારે કહેવું જ પડશે.. અને હું નહીં પૂછું તો તું ચાર નહીં પણ બે મિનીટમાં કહેશે…’ રાજા હસવા લાગ્યો : ‘શું હું નથી જાણતો મારી ડાર્લિંગને?’

સામાન્ય સંજોગોમાં તો માધવીએ આટલીવારમાં આખેઆખી વાત રાજને કહી દીધી હોત પણ માસીની સૂચનાનું અક્ષરશ: પાલન કરતી હોય તેમ સસ્પેન્સ બનાવી રાખ્યું.

‘ઓકે તો આવીશ, થોડું મોડું થાય તો ચાલશે કે પછી સાથે બોક્સિંગ ગ્લવ્ઝ લઈને આવું?’ રાજ પોતાના મિજાજમાં હતો.

‘રાજ, એ બધું તો ઠીક પણ બને તો સમય પર આવી જજે…’ માધવીએ તાકીદ કરી, રખેને માસી સામે રાજની છાપ અલગારી કે મસ્તફકીર જેવી ન પડી જાય.

બપોર તો ઊટકપટકમાં પસાર થઇ ગઈ. માધવી નીચે જઈને ગુલછડીના બંચ ખરીદી આવી. ઠેકઠેકાણે ફૂલ સજાવ્યા ને સેન્ટર ટેબલ પર રહેલી ઉરલીમાં લાલ ગુલાબની પાંખડીઓ પાથરી ફ્લોટિંગ કેન્ડલ પણ સજાવી. આમ તો રાજા કેટલીયવાર ઘરે ડીનર પર આવી ચુક્યો હતો ને રાતે રોકાઈ પણ જતો હતો, પણ ત્યારે વાત જુદી હતી. નીચે ચાઇનીઝ રેસ્ટોરન્ટમાંથી પાર્સલ મંગાવવાની વાત આજે ન શોભે. સાંજથી જ ડીનર ટેબલ સેટ કરવા માંડ્યું. માસી વાંચી તો રહ્યા કોઈક પુસ્તક પણ માધવીની પાંખોનો ફફડાટ એમની નજર બહાર નહોતો. વારે વારે નજર વોલકલોક પર જઈ પાછી ફરી, સમય જાણે થંભી ગયો હોય તેમ ઘડિયાળના કાંટા ગતિ કરવાનું જ ભૂલી ગયા હતા.

સમય તો પોતાનું કામ કરતો રહ્યો. સાડા આઠ, નવ, સાડા નવ… કલાક રાહ જોવડાવ્યા પછી દસ વાગ્યે ડોરબેલ રણકી. માધવીએ ઉતાવળે પગલે જઈને બારણું ખોલ્યું, સામે રાજ ઉભો હતો. બૂઝાતા જતા દીપકમાં પ્રાણ આવ્યો હોય તેમ માધવીનો ચહેરો વધુ નીખરી રહ્યો હતો.

‘શું વાત છે હની?’ રાજા બારણાંથી પેસેજ સુધી પ્રવેશતાંવેંત માધવીનો ચહેરો ચૂમી લેવો હોય તેમ વાંકો વળ્યો અને ત્યાં જ તેની નજર લિવિંગ રૂમમાં પડી.

‘રાજ, મારા આરતીમાસી, આજે તને અહીં બોલાવવાનું કારણ બીજું કંઈ નહીં પણ માસી, એ પાર પાડી શકશે મમ્મી ડેડીની સમજાવટનું મિશન ઈમ્પોસિબલ..’ માધવી ખુશખુશાલ લાગી રહી હતી.

‘માધવી, તારે મને આ વાત કહેવી જોઈતી હતી ને!!’ રાજના અવાજમાં શુષ્કતા છંટાઈ.

‘નહીં કહ્યું તો શું થયું? ખરેખર તો મારે તને સરપ્રાઈઝ આપવી હતી રાજ…’ માધવીના ચહેરા પરનું સ્મિત અકબંધ હતું.

‘ના, મને આ તારી હરકત પર ચીઢ આવી રહી છે… મને સમજ નથી પડતી કે માધવી તું ક્યારે સમજશે? મિયા બીવી કે બીચ કાજી?’ રાજાએ મહામહેનતે પોતાના સ્વરમાં છલકાઈ રહેલા ગુસ્સાને દબાવી રાખ્યો પણ માધવીને સમજતા વાર ન લાગી કે રાજાને માસી સાથેની આ મુલાકાત માટે ગોઠવેલું સરપ્રાઈઝ ડીનર પસંદ આવ્યું નથી.

અચાનક જ વાતાવરણમાં તોફાન પહેલાની શાંતિ હોય તેવી સ્તબ્ધતા પ્રસરી રહી. રાજા આરતી માસીને મળ્યો ભારે શાલીનતાથી પણ ખબર નહીં કેમ કોઈ પારદર્શક દીવાલ વચ્ચે હોય તેવી પ્રતીતિ ત્રણે ને થતી રહી.

આખી મુલાકાત દરમિયાન રાજા માત્ર આરતીમાસીએ પૂછેલા પ્રશ્નના ઉત્તર આપીને ચૂપ થઇ જતો રહ્યો.

‘તમને કોઈક વાતનું ટેન્શન છે? એવું લાગે છે કે માધવીએ તમને જબરદસ્તી બોલાવી લીધા…’ વાતાવરણમાં ઘોળાતી જતી બોઝિલતાને દૂર કરવા આરતી માસીએ એમ જ થોડો મશ્કરો પ્રશ્ન કરી નાખ્યો.

‘આંટીજી, જબરદસ્તી નહીં, એમ કહો ગન પોઈન્ટ પર….’ રાજા બોલ્યો મજાકમાં પણ એ શબ્દો દાઢમાં બોલાયા હોય તેવું માધવીને લાગ્યું.

‘તો બેટા, તમારા પરિવારમાં કોણ કોણ છે?’ આરતીએ વાતચીતનો દૌર હાથમાં લીધો.

‘ઘરપરિવાર તો ભર્યોભાદર્યો છે, પણ પરિવારમાં એકમાત્ર બ્લેક શિપ એટલે આ બંદા…’ રાજાએ મજાકિયા અંદાજમાં જવાબ વાળી માધવી સામે જોયું, એ અંદાજ બિરદાવતી હોય તેમ માધવી હસી રહી હતી પણ આરતીના ચહેરા પર ગંભીરતાનું આવરણ ન હટ્યું, બલકે એને લાગ્યું કે રાજ વાત ઉડાવી દેવાના પ્રયત્ન કરી રહ્યો છે.

આરતીના ચહેરાના હાવભાવથી રાજા જરા છોભીલો પડી ગયો હોય તેમ વધુ વાતચીતમાં પડ્યા વિના ચૂપચાપ જમતો રહ્યો, જાણે એને વાતચીત કરવા કરતા વધુ રસ જમવામાં હોય! માધવી ને આરતીમાસીની નજર એક થઈ. અજાણે જ માસીભાણેજ વચ્ચે થઇ રહેલી કોઈક ટેલીપથી, બંનેના મગજમાં જાગી રહેલો એક શક ક્યાંક સાચો ન પડી જાય!

‘સોરી આંટીજી, માધવીએ આજના આ ડીનર વિષે કંઈ કહ્યું નહોતું, ખરેખર તો મેં આજે કેન્સલ જ કરી દીધું હોત, મારે અત્યારે કોઈને મળવાનું પણ હતું એટલે મારે આજે નીકળવું પડશે…. કાલે નિરાંતે મળીયે ત્યારે વાત કરીએ તો કેમ?’ રાજા કંઇક વિચિત્ર રીતે વર્તી રહ્યો હોય તેવું માધવીને લાગ્યું.

ઉરલીમાં મુકેલી ફ્લોટિંગ કેન્ડલ પણ પૂરેપૂરી જલીને બૂઝાવાની અણી પર હોય તેમ વધુ ઉંચી જ્યોત કરી જલતી હતી, રાજાના આગમનની ખુશીમાં મૂકેલી કેન્ડલ્સ હજી પૂરી નહોતી થઇ ને ડીનર પૂરું થઇ ગયું હતું, ને રાજા નીકળી પણ ગયો હતો..

‘માધવી, તને લાગે છે કે આ રાજા તમારા સંબંધ માટે ગંભીર છે?’ ટેબલ ક્લીયર કરી રહેલી માધવીના હાથ માસીના પ્રશ્નથી એક ક્ષણ માટે થંભી ગયા. પોતાને પજવી રહેલો વિચાર માસીને કેમ આવ્યો?

‘માસી, રાજ એકદમ વ્હીમ્ઝીકલ માણસ છે, તમે તો જાણો છો ને કલાકારો કેવા ધૂની ને અતરંગી હોય!’ માધવી બચાવ કરતી હોય તેમ બોલી : ખરેખર આજે તો એને ફાવે એમ જ નહોતું પણ મેં ખોટી જીદ કરી. માસી, તમે એ ટેન્શનમાં ન હોય ત્યારે મળશો તો ખ્યાલ આવશે કે તમે ધારો છો એવું કંઈ નથી.

‘હા માધવી, હું ઈચ્છું છું કે હું ધારું એવું કંઈ જ ન હોય પણ…’ આરતીએ વાક્ય પૂરું કરવાને બદલે અધ્ધર છોડી દીધું.

‘હા, કાલે એ થોડો ટેન્સફ્રી હોય ત્યારે જોજો…..’ માધવી માસી સામે જોઇને હસી, એમાં ખરેખર તો સ્મિત ઓછું હતું ને ભોંટપ વધુ લાગી આરતીને.

એ પછી ચર્ચા કરવી જરૂરી ન હોય તેમ આ વિષે માસી ભાણેજ વચ્ચે ચર્ચા ન થઇ પણ બે દિવસ સુધી ન રાજા દેખાયો કે ન એનો ફોન આવ્યો એટલે માધવી ઊંચીનીચી થઇ રહી. એ ડિનરને અડતાળીસ કલાક થયા ને માધવીની ધીરજે જવાબ દઈ દીધો, માધવી ફોન કરવાનું જ વિચારતી હતી ત્યાં તો ફોન રણક્યો.

‘રાજ? તું છે ક્યાં?’ માધવી અધીરી થઇ ગઈ હતી.

‘હલો માધવી, હું અબીર છું…’ સામેથી ન ધારેલો જવાબ મળ્યો. અબીર હતો રાજાનો નવો આસિસ્ટંટ, જે મનાલીમાં સાથે ને સાથે હતો.

‘ઓહ, સોરી અબીર, પણ રાજા છે કયાં?’ માધવી થોડી છોભીલી પડી ગઈ.

‘રાજાનો મેસેજ આપવા જ મેં ફોન કર્યો માધવી, એને ઉતાવળમાં નીકળવું પડે તેમ જ હતું, એટલે ફોન કરી શકે એટલો પણ સમય હાથ પર નહોતો…’

‘એટલે? …એ છે ક્યાં?’ માધવીને લાગ્યું કે મગજ જાણે કામ કરતા બંધ થઇ ગયું હતું.

‘રાજાએ તાત્કાલિક નીકળવું પડ્યું, એના ફાધરને હાર્ટઅટેક આવ્યો છે, સિરિયસ આઈસીયુમાં….’

માધવી આખો મામલો પામવાની કોશિશ કરતી રહી, સામેથી અબીર જે કંઇક કહી રહ્યો હોય તે જો સાચું હોય તો… ‘માધવી, તું સાંભળી રહી છે ને?’ સન્ન થઇ ગયેલી માધવીએ પ્રતિભાવ ન આપ્યો એટલે અબીરને લાગ્યું કે ફોન કટ થઇ ગયો.

‘હા, સાંભળી રહી છું.’ માધવીના અવાજ પડી ગયો : …પણ રાજા છે ક્યાં?’

‘એને ચાર વાગ્યાની મદ્રાસ જતી ફ્લાઈટ લેવી પડી. ત્યાંથી લગભગ આઠ કલાક દૂર છે એનું ગામ…’ કદાચ રાજાએ આપેલી માહિતી આપતો હોય તેમ લાગ્યું.

‘હા, પણ ગામનું નામ તો હશે ને? એના ઘરનું એડ્રેસ કે ફોન નંબર….’ માધવીના હૃદયના ધબકારા કાબૂ બહાર જઈ રહ્યા હતા.

‘હા, એ કૈંક નામ તો બોલ્યો હતો પણ એનો ઉચ્ચાર જ એટલો અઘરો હતો કે….’ અબીર કંઈક છૂપાવી તો નહોતો રહ્યો? માધવીના મનમાં પહેલીવાર શંકાએ પોતાનું રૂપ દેખાડ્યું.

‘અને ફોન નંબર તો ક્યાંથી હોય? રાજા કહેતો હતો કે એના ગામમાં તો હજી પાકી સડક નથી બની, ન તો વીજળી….’ અબીર બોલ્યા પછી જાણે ધરપત બંધાવતો હોય તેમ આશ્વાસન આપતો હોય તેમ લાગ્યું : ‘બહેતર તો એ જ છે કે આપણે એના ફોનની કે આવી જવાની રાહ જોઈએ ..બાકી ….’

અબીર તો આગળ કંઈ બોલી રહ્યો હતો પણ માધવીને સંભળાયું નહીં. એના કાનમાં જાણે ધાક પડી ગઈ હોય તેવો સુનકાર વ્યાપી રહ્યો. હાથમાં રીસીવર ઝાલીને જ એ બેસી પડી. આરતી પોતાની જગ્યાએથી ઉભી થઇ માધવી પાસે આવીને ઉભી રહી.. જાણે આ થવાનું જ હતું એની એમને આગોતરી જાણ હોય તેમ તેમના ચહેરા પરની એક લકીર સુધ્ધાં બદલાઈ નહોતી.

‘માધવી સંભાળ તારી જાત ને!’ માસીના અવાજમાં કોઈક આદેશ હતો.

‘માસી, હું સાચે કહું છું પરિસ્થિતિ જ એવી સર્જાઈ કે…. બાકી રાજા …’ સ્વરમાં જાણે આજીજીનો સૂર ભાળ્યો હતો, ક્યાંક પોતાના રાજને માસી રોડસાઈડ રોમિયો ન સમજી બેસે. ‘એને માટે કોઈ ગેરસમજ ન કરશો.’

‘માધવી, સમજ ગેરસમજ જેવી વાતો તો માત્ર આવનાર સમય જ કહેશે ને!’ આરતીએ બાજુમાં પડેલું પુસ્તક હાથમાં લીધું, જાણે માધવી સાથે દલીલ માંથી બચવાનો એ એકમાત્ર વિકલ્પ હોય.

માસીને અસંતોષકારક જવાબથી ચૂપ કર્યા પછી માધવીના મનમાં ઊંડે ઊંડે કંઇક વલોવાતું રહ્યું : એના ગામમાં ન તો વીજળી છે, ન પાકી સડક તો એ ગામમ આઈ.સી.યુ ધરાવતી હોસ્પિટલ હશે? એમ?

રાજ ક્યાંક પોતાની સાથે રમત તો નહોતો રમી રહ્યો ને? એ વિચાર આવતાની સાથે માધવીએ પથારીમાં પડતું મૂકી કુશનમાં મોઢું છૂપાવી દીધું.

(ક્રમશઃ)

આજે માણો વેર વિરાસત નવલકથાનો ચોથો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪}