મંત્રદ: પિતા – કંદર્પ પટેલ 8


આત્મિક વિકાસ માટે સદગુણ અને સદાચારનું શિક્ષણ લેવાની નિશાળ એટલે ‘ધન્યો: ગૃહસ્થાશ્રમ’. એ નિશાળમાં જગતસમક્ષ આદર્શભૂત સામાજિક ગુણો, દિવ્ય કૌટુંબિક જીવન અને શ્રેષ્ઠતમ નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન ઉભું કરનાર વ્યક્તિ એટલે પિતા. કૌટુંબિક હૃદયપુષ્પોને પરસ્પર શુભ્ર મોતીની માળામાં એકસૂત્રતાથી પરોવીને રાખે તે એટલે પિતા.

પિતા એ…

ત્યાગ માટે અર્થ સંચય, સત્યને માટે મિતભાષી, સંતતિ માટે વિજીગીષુવૃત્ત, અર્થગાંભીર્ય અને સરળતા, નિશ્ચિત વિચારધારાના પાલનનો આગ્રહ, નૈતિક મૂલ્યો પરત્વે અવિચલ નિષ્ઠા, ધ્યેયનિષ્ઠ, પ્રયત્નશીલ, પીઠબળ અને આશ્વાસનની ગંગોત્રી, વિઘ્નો સામે અડગ-અચલ રહીને લડતો સંસારના ગાડાનો ખલાસી, વૃત્તિપરાયણ, કર્તવ્યપરાયણ, દૃઢનિશ્ચયી અને દુર્દમ્ય શ્રદ્ધા સાથે કૌટુંબિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે તે એટલે પિતા.

પિતા એ…

સંતતિ માટે ‘સોહમાજન્મ શુદ્ધાનાં’ થી ‘યોગ્નાન્તે તનુત્યજામ’ સુધી અથાક નિશ્ચલ પ્રવાસી, લોભવિવર્જિતતાની મૂર્તિ, વ્યક્તિવાદને બદલે કુટુંબવાદને પ્રાથમિકતા, કુટુંબમાં વૃત્તિસંકરતા અને વર્ગવિગ્રહના વાદળો સામે અમીછાંટ, પ્રેમ અને કર્તવ્ય માટે સંસારના રણાંગણમાં સક્રિય, સંતાનોની સ્વતંત્રતાના દોરની સીમારેખા દોરનાર શિક્ષક. રૂક્ષ નથી પણ વૃક્ષ છે, જેના છાંયડામાં બેસીએ ત્યારે શીતળતા અનુભવાય તે એટલે પિતા.

પિતા એ…

જીવન, શક્તિ, સૃષ્ટિના નિર્માણની અભિવ્યક્તિ. સંતાનનો સહારો, ક્યારેક ખાટો તો ક્યારેક ખારો. પાલન, પોષણ અને પરિવારનું અનુશાસન. કૌટુંબિક ધુરા સંભાળીને વહેચતા પ્રેમનું પ્રશાસન. રોતી, કપડા અને મકાન. બાળકસમ નાના પક્ષીનું મોટું આસમાન. અપ્રદર્શિત, અનંત પ્રેમ. સપનાઓની લ્હાણી કરીને લાગણીઓનો વેપલો કરતો વેપારી. બજારના દરેક રમકડાઓની ઈચ્છા-પૂર્તિનું બળતણ પોતે બળીને લભ્ય બનાવે તે એટલે પિતા.

પિતા એ…

પ્રતિપળ રાગ છે, મા નો ચાંદલો અને સુહાગ છે. પરમાત્માની જગત પ્રતિ આસક્તિ છે. ગૃહસ્થાશ્રમમાં ઉચ્ચ સ્થિતિની ભક્તિ છે. પોતાની ઈચ્છાઓનું હનન અને પરિવારની પૂર્તિ છે. લોહીમાં વણાયેલા સંસ્કારોની મૂર્તિ છે. જીવનનું જીવનને દાન છે, દુનિયા બતાવવાનું અહેસાન છે. સુરક્ષા, શક્તિ અને અભિમાન છે. ખાનગીમાં પ્રેમ કરી અંતરથી રડે અને માંગણીઓને પૂરી કરી નિજાનંદનો વિચાર કર્યા વિના સંતતિની ખુશીમાં ખુશ રહે તે એટલે પિતા.

પિતા એ…

‘બચપનથી પચપન’ સુધી સાચવનાર. પોતાની પીઠ પર દીકરાને રાજાની જેમ બેસાડી દુખતી કમર સાથે જમીન પર ઘોડો બને તે. સંતાન ‘પપ્પા’ જયારે પણ બોલે એ પળની ખુશીની કલ્પનાને જીવનપર્યંત સાચવી રાખે તે. સંતતિના ભવિષ્ય માટે સમાજ પાસે આર્થિક મદદ માટે હાથ ફેલાવવામાં પોતાના સિદ્ધાંતોને નેવે મુકે તે. આંખ લાલ કરીને અંતરમનથી લાડ કરે તે. સંતાનો માટે દીર્ઘદ્રષ્ટા અને સ્વપ્નસેવી. વાત્સલ્યની મીઠી વીરડી એટલે પિતા.

પિતા એ…

રમીને આવતું બાળક જેના ખિસ્સામાં પોતાનો ખોબો ધરીને પથ્થર, બાકસના ખોખા, રબ્બર, લખોટીઓ મુકે તે. પહેલી વાર સાયકલ શીખતી વખતે ડરને પોતાની હયાતીના આશ્વાસનથી દૂર કરે તે. બંને હાથ પકડીને પાપા-પગલી કરાવે તે. કુટુંબ માટે થાક્યા વિના અર્થઉપાર્જન કરે તે. જેની મજબુત છાતી પર મીઠી ઊંઘ આવે તે. જેના ગંભીર ચહેરાની પાછળ આંખોમાં ઈશ્વરે એક અશ્રુ મુકેલું છે તે. લાગણીઓનો ડૂમો રાખીને શબ્દોની સાથે અશ્રુને પણ રોકી લે તે. મન ભલે મક્કમ હોય પરંતુ સ્નેહનું સરોવર હંમેશા છલકાતું રહે તે એટલે પિતા.

પિતા એ…

જે ‘મંત્રદ: પિતા’ની સંકલ્પના સાકાર કરે તે. સંતતિને ઉચ્ચતમ મંત્રોનું શિક્ષણ આપીને જીવનમાં સત્કાર્યો કરવા માટે પ્રેરે અને તેનું આચરણ કરાવીને સદગુણ, સદાચાર અને સત્વની પૂર્તિ કરે તે. ભવસાગરરૂપી સંસારમાં દરેક વ્યક્તિ માટે સંબંધ નહિ પરંતુ ઋણાનુબંધ હોય તે. માંગણીને ફરજ સજીને યથાશક્તિ પૂરી કરે તે. પ્રતિક્ષા અને જાગૃતતાનું શિક્ષણ આપે તે એટલે પિતા. જન્મ, જીવન અને જતનનો પર્યાયી. હસતે ચહેરે સંસારના તાપમાં ઉકળીને તપ કરે એ એટલે પિતા.

બિલિપત્ર

પિત્તળ સમાન ‘મોહ’ નહિ પરંતુ સુવર્ણસમ ‘પ્રેમ’ કરે તે એટલે પિતા.


Leave a Reply to Rajnikant MevadaCancel reply

8 thoughts on “મંત્રદ: પિતા – કંદર્પ પટેલ

  • ashok pandya

    ફાધર્સ ડે ઉપર કંઇ કેટલીયે જગ્યાએ થી અવનવું વાંચવા મળ્યું. દરેક લખાણ, અભિવ્યક્તિ જે તે સંદર્ભે અને પરિપ્રેક્ષમાં તેની જગ્યાએ યોગ્ય હતું એમ કહી શકાય. અતિશય પ્રેમાવેશ્માં. અમાપ આદરમાં, અહોભાવમાં અને લાગણી નહિં પણ લખાણ મહાન બને, વિશિષ્ટ કહેવાય, લોકો નોંધ લે અને પિતાની વાહ વાહ્ની સાય્હો સાથ લખ્નાર પુત્ર કે પુત્રીની વાહ વાહ થાય તેવી છુપી લાલસાથી પ્રેરાઇને પણ લખાયેલા લખાણો જોયા. ટીકાનો સહેજ પણ ભાવ નથી. પરંતુ પ્રમાણભાન હોવું ઘટે. ખેર! આજે જે અભિવ્યક્તિ વામ્ચવા મળી છે તે આ બધાથી વેગળું છે. બહુ જ સમતોલ, સાદું અને સરળ છે. લેખકને અભિનંદન.

  • Chandresh

    Please,Please can this article be translated in English so that UK born children from last two decade can know what Pita means Father real go through life silently for his productions after married and the bullying of wife either little or more