રતનમહાલનો પ્રવાસ – પ્રવીણ શાહ 13


Ratanmahalઆપણા ગુજરાતમાં ઠેર ઠેર ભરપૂર કુદરતી સૌંદર્ય વેરાયેલું પડ્યું છે. જરૂર છે તેને જાણવાની અને માણવાની. રતનમહાલ પણ આવું જ એક મનોહર કુદરતી માહોલ ધરાવતું સ્થળ છે. પ્રકૃતિપ્રેમી લોકોને નૈસર્ગિક સાનિધ્યમાં એક દિવસ પસાર કરવો હોય તો આ એક સુંદર જગ્યા છે. સાથે સાથે થોડું ટ્રેકિંગ પણ થઇ જાય.

‘રતનમહાલ’માં ‘મહાલ’ શબ્દ છે, પણ આ કોઈ રાજામહારાજાનો મહેલ નથી બલ્કે એ એક ડુંગર છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી તે ૮૬ કી.મી. દૂર આવેલું છે. ગોધરાથી ૪૦ કી.મી. દેવગઢબારિયા અને ત્યાંથી બીજા ૪૬ કી.મી. જઈએ એટલે રતનમહાલ પહોચી જવાય. ગોધરાથી કે દેવગઢબારિયાથી બસમાં, કારમાં કે જીપ ભાડે કરીને રતનમહાલ જઈ શકાય છે.

અમે, રતનમહાલ જવા માટે ગોધરાથી જીપ ભાડે કરીને એક વહેલી સવારે નીકળી પડ્યા. ઓક્ટોબર મહિનો હતો, ન ગરમી કે નહીં ઠંડી એવા ખુશનુમા વાતાવરણમાં આજુબાજુની વનરાજી જોતા જોતા, ગોધરાથી ગોલ્લાવના રસ્તે થઈને દેવગઢબારિયા પહોંચ્યા.

Ratanmahal forestદેવગઢબારિયા ડુંગરાઓની વચમાં વસેલું, રાજાશાહી વખતનું એક સુંદર નાનકડું નગર છે. ગામના સાફસુથરા અને નહીવત ટ્રાફિક ધરાવતા પહોળા રસ્તા તરત જ ધ્યાન ખેંચે છે. શહેરના ગીચ ટ્રાફિક અને ગીચ વસ્તીમાં જીવનારને અહીંના રસ્તાઓ જરૂર ગમી જાય. ગામને છેડે એક ઉંચો ટાવર છે. સાંજના સમયે કામકાજથી પરવારી, લોકો આ ટાવર પાસે ફરવા આવે અને અહીં બગીચો, તળાવ તથા ખાણીપીણીની મઝા માણે. ગામના બીજા છેડે આવેલા દેવગઢના ડુંગર પર ફરવા જવાની તો ખૂબ જ મઝા આવે. દેવગઢબારિયાને પાદરે વહેતી પાનમ નદીનું સૌન્દર્ય તો કોઈ ઓર જ છે. દેવગઢબારિયાની સુંદરતાને લીધે લોકો આ નગરને પંચમહાલનું પેરીસ કહે છે, તે ઉચિત લાગે છે. અમે દેવગઢબારિયાની બજારમાં એક દુકાને ચા-ભજીયાંની લિજ્જત માણી અને રતનમહાલ તરફ આગળ વધ્યા. ગામડાઓ વીંધીને કંજેટા નામના ગામડે પહોંચ્યા. કંજેટા ગામ આગળથી રતનમહાલનો ડુંગર શરુ થાય છે.

રતનમહાલના ડુંગરમાં રીંછોનો વસવાટ છે, એટલે આ ડુંગર રીંછ અભયારણ્ય તરીકે ઓળખાય છે. કંજેટા ગામને છેડે ‘રતનમહાલ રીંછ અભયારણ્ય’ એવું બોર્ડ અમારી નજરે પડ્યું. એ જોઈને મનમાં એક પ્રકારનો આનંદ વ્યાપી ગયો. આ પ્રવેશદ્વારમાં પેઠા પછી, ડુંગરની ટોચ સુધી પહોંચવા ૯ કી.મી.નું અંતર કાપવું પડે. રસ્તો ચડાણવાળો અને તૂટલોફૂટલો છે, પણ આ રસ્તે જીપ જઈ શકે. નાજુક ગાડીનું અહીં કામ નહિ. ઘરની ગાડી લઈને આવ્યા હો તો તેને પ્રવેશદ્વાર આગળ મૂકી દેવી પડે અને જીપ ભાડે કરવી પડે. અહીં કદાચ જીપ ન પણ મળે. એટલે ગોધરા કે દેવગઢબારિયાથી જીપ કરીને આવવું સારું.

Ratanmahal mountaionsપ્રવેશદ્વારમાં તરત જ જમણી બાજુ એક નાની ઓફીસ છે. અહીંથી ઉપર જવાની મંજૂરી અને વ્યક્તિ દીઠ રૂપિયા ૨૦ની ટીકીટ લેવાની હોય છે. આ વિધિ પતાવી અમારી જીપે ચડાણ શરુ કર્યું. અહીં બધી બાજુ બસ જંગલો જ જંગલો છવાયેલાં છે. ઊંચાં ઊંચાં વૃક્ષોની વચ્ચે થઈને જતો રસ્તો, જાણે કે કોઈ ગુફામાં જતા હોઈએ એવું લાગે. વચ્ચે એકાદ-બે નાનાં ગામ પણ આવ્યાં. આવા ગાઢ જંગલમાં પણ આ લોકો કોઈ આધુનિક સગવડ વગર રહે છે. તેઓ મકાઈ અને શેરડીની ખેતી કરે છે, શાકભાજી ઉગાડે છે અને પોતાની મસ્તીમાં જીવે છે. ખૂબ જ ઓછી જરૂરિયાતોવાળી તેમની રહેણીકરણી જોઈને જરૂર અચરજ થાય.

આવા એક ગામ આગળથી બે બાઈકસવાર પોલીસ જવાનો અમારી જીપની પાછળ પાછળ છેક ટોચ સુધી આવ્યા. એમના આવવાના કારણની પાછળથી ખબર પડી. રતનમહાલની ટોચ પર પહોંચ્યા પછી બીજી બાજુથી ઉતરો તો મધ્યપ્રદેશની સરહદ શરૂ થઇ જાય છે. મધ્યપ્રદેશના કેટલાક લુંટારુઓ સરહદ પરથી આ બાજુ આવીને, અહીં ફરવા આવતા પ્રવાસીઓને અવારનવાર લૂંટી લે છે. લૂંટના આવા બેચાર બનાવો બન્યા પછી સરકારે પ્રવાસીઓની સલામતી માટે પોલીસની વ્યવસ્થા કરી છે.

અમે રતનમહાલના ડુંગરની ટોચ પર પહોંચ્યા. અહીં ખુલ્લા વિસ્તારમાં એક મોટી છત્રી બાંધેલી છે. અહીં બેસીને આજુબાજુનું દ્રશ્ય જોવાનો આનંદ આવે છે. પાછળ મધ્યપ્રદેશની બાજુનો દૂર દૂર સુધીનો વિસ્તાર દ્રષ્ટિગોચર થાય છે. દ્રશ્ય હ્રદયંગમ અને ખૂબ સરસ છે. અહીં બેસીને આરામ કરો, રમો, આનંદ માણો અને બસ મજા કરો. બાજુમાં એક જૂનું પુરાણું શિવમંદિર છે. પણ તેની જાળવણી કરાયેલ નથી. મંદિરને બારણું પણ નથી. કોઈ પૂજારી નથી, પૂજા થતી નથી. સફાઈ પણ કોઈ કરતું નથી.

ratanmahal wolf sanctuaryઅમને રીંછ તો ક્યાંય જોવા મળ્યાં નહીં. પોલીસને પૂછ્યું, તો કહે કે “દિવસે અહીં ખુલ્લામાં તો રીંછ જોવા ના મળે, પણ આજુબાજુ જંગલો ખૂંદી વળો કે રાતના આવો તો રીંછ જોવાં મળે ખરાં.” પણ એ મોહ જતો કરી, અહીં લગભગ બે કલાક રોકાઈ, અમારી જીપ પાછી વાળી. પોલીસ પણ અમારી પાછળ પાછા આવ્યા. રસ્તામાં જીપ ઉભી રાખી, આજુબાજુ જંગલોમાં થોડું રખડ્યા, ફોટા પાડ્યા. રતનમહાલમાં પ્રકૃતિની ગોદમાં વિહરવાની મજા આવી ગઈ. નીચે પહોંચીને એક સ્થળ જોવાનું હતું, તેનું નામ છે ભીંડોલ. પ્રવેશદ્વાર સુધી પાછા આવી ગયા. અહીંથી બે કી.મી. દૂર, ડુંગરની ધારે ધારે જાવ એટલે ભીંડોલ આવે. આ એક સરસ પીકનીક સ્થળ છે. રતનમહાલ જાઓ ત્યારે ભીંડોલ તો ખાસ જોવું જ.

અહીં ગાડીઓના પાર્કીંગની સરસ વ્યવસ્થા છે. જો રતનમહાલની ટોચે ના જવું હોય તો ફક્ત પીકનીક માણવા માટે પણ ભીંડોલ આવી શકાય છે. ભીંડોલ સુધી તો કોઈ પણ ગાડી કે એસ.ટી. કે લક્ઝરી આવી શકે છે. જીપ ભાડે કરવાની જરૂર નહિ. ગાડી પાર્ક કરીને ઉતરો કે તરત જ, જાણે કે જંગલમાં મંગલ ઉભુ કર્યું હોય એવું દ્રશ્ય લાગે. છત્રીઓ ઉભી કરેલી છે. બાગબગીચા, લોન, ચોતરો, જંગલની ઝાડી, રહેવા માટેની કોટેજો – આ બધું જોઈને મન પ્રફુલ્લિત થઇ જાય. જમવાની વ્યવસ્થા છે. તમે ઓર્ડર આપો તે પ્રમાણે જમવાનું તૈયાર કરી આપે. રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજમાં રહી શકાય. કોટેજમાં ન રહેવું હોય તો તંબૂઓ પણ છે. આવા જંગલમાં સાફસુથરી કરેલી જગામાં તાણેલા તંબૂમાં રાત રહેવાની કેટલી બધી મઝા આવે ! ખાસ અગત્યની વાત એ છે કે પાનમ નદી, જે રતનમહાલની ટોચ પરથી નીકળે છે, તે ડુંગરનો ઢાળ ઉતરતી, ઝરણા રૂપે વહેતી, ભીંડોલ આગળથી જ મેદાનમાં પ્રવેશે છે અને ભીંડોલમાં ઉભા કરેલા તંબૂઓ, ખળ ખળ વહેતી નાનકડી પાનમને અડીને જ બાંધેલા છે. રાતના શાંત એકાંતમાં તંબૂમાં સૂતાં સૂતાં પાનમના સંગીતને માણવાનો લ્હાવો અદભૂત છે.

અહીં બાંધેલી કોટેજોના પાછળના ભાગમાંથી પણ રતનમહાલના ડુંગર પર ચડી શકાય છે. પણ અહીં જીપ કે બાઈક ના જઈ શકે. પાનમના કિનારે એક કેડી માર્ગ છે, તેના પર ચાલતા ચાલતા જ ઉપર ચડી શકાય. કેડી પથરાળ છે એટલે ખૂબ સાચવીને ચાલવું પડે. લાકડીના ટેકે ચડો તો થાક ઓછો લાગે. આ એક પ્રકારનું ટ્રેકીંગ જ છે. અમે ઝરણા જેવી પાનમના કિનારે કેડીના ઉંચાનીચા રસ્તા પર ચડવાનું શરુ કર્યું. નદી ક્યાંક સાંકડી તો ક્યાંક વિશાળ લાગતી હતી. પથ્થરોમાં ઉછળતી નદીનું સ્વરૂપ ક્યાંક રૌદ્ર લાગે. ચોમાસામાં જયારે પાણી વધુ હોય ત્યારે આ નદીનું રૂપ જોવાનો ખૂબ આનંદ આવે.

અમે ઉપર ચડતા ગયા. ત્રણેક કી.મી. જેટલું ચડ્યા પછી, કેડી પણ દેખાતી ન હતી. ફક્ત પથ્થરો પર જ પગ ગોઠવીને જઈ શકાય તેમ હતું. ચારે બાજુ ઘનઘોર જંગલો જ હતાં. એક જગાએ નદીમાં જઈ પથ્થરો પર બેઠા અને પગ પાણીમાં રાખી, પાણી ઉડાડી, છબછબિયાં કરવાનો આનંદ માણ્યો. હવે તો રસ્તો બહુ દુર્ગમ હતો, એટલે આગળ જવાનું માંડી વાળી, પાછા વળ્યા. જંગલમાં રખડવાની આ મસ્તી અવિસ્મરણીય છે. નીચે ભીંડોલ પહોંચ્યા. થાક્યા તો હતા જ, એટલે થોડો વિરામ કર્યો. અને ભીંડોલની યાદો મનમાં ભરી દેવગઢબારિયા તરફ જીપ દોડાવી.

દેવગઢબારિયામાં જ અંધારું પડી ગયું. બાકીનું ગોધરા સુધીનું અંતર ગાઢ અંધકારમાં જ કાપ્યું. ચોમેર અંધકારનું જ સામ્રાજ્ય વ્યાપેલું હતું. બાજુમાં ઉભેલો માણસ પણ ના દેખાય એવો બિહામણો રસ્તો હતો. છેવટે રાતના નવ વાગે ગોધરા પહોંચ્યા.

એક દિવસનો અનુભવ અદભૂત અને અવર્ણનીય રહ્યો. સામાન્ય રીતે લોકો જાણીતાં સ્થળોએ ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે. પણ રતનમહાલ જેવું ઓછું જાણીતું સ્થળ પણ ઘણું સરસ હોય છે. પ્રકૃતિપ્રેમીઓને તો તે ગમવાનું જ.

– પ્રવીણ શાહ
(એ ૨૦૧, યશ પ્લેટીનમ, હેતાર્થ પાર્ટી પ્લોટની સામે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ, pravinkshah@gmail.com ફોન ૯૪૨૬૮૩૫૯૪૮)

સાલ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર, ૬૮ વર્ષના શ્રી પ્રવીણભાઈ શાહ આજે તેમના રતનમહાલના પ્રવાસ વિશેનો ફોટોગ્રાફ્સ સાથેનો સુંદર લેખ લઈને ઉપસ્થિત થયા છે. ‘રતનમહાલ’માં ‘મહાલ’ શબ્દ છે, પણ આ કોઈ રાજામહારાજાનો મહેલ નથી બલ્કે એ એક ડુંગર છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી તે ૮૬ કી.મી. દૂર આવેલું છે. ગોધરાથી ૪૦ કી.મી. દેવગઢબારિયા અને ત્યાંથી બીજા ૪૬ કી.મી. જઈએ એટલે રતનમહાલ પહોચી જવાય. ગોધરાથી કે દેવગઢબારિયાથી બસમાં, કારમાં કે જીપ ભાડે કરીને રતનમહાલ જઈ શકાય છે. પ્રવીણભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.


Leave a Reply to HarshadCancel reply

13 thoughts on “રતનમહાલનો પ્રવાસ – પ્રવીણ શાહ

  • Niranjan Baria

    great described by u……it’s nice plae to see ratanamahal ……a rain fall is a nice and very atractive for every people who come nere

    • Jitendrasinh Parmar

      ખુબ જ સરસ વર્ણન રતનમહાલ વિશેનોઆપનોઅનુભવ ખરેખર અદભૂત રહયો હશે.મારુ વતન દેવગઢબારિયા જ છે રતનમહાલ વિશે જાણવા છતાં પણ આપની લેખન શૈલી ખુબ જ મજેદાર રહી.ખરેખર રતનમહાલ ના ખોળે રખડવાનો આનંદ જ કંઈક ઓર છે, શહેરની ભીડ ભાડ અને ગીચ વસ્તી માંથી શાંત પ્રકૃતિના ખોળે જઈએ એટલે આ મન આનંદિત પ્રફુલિત બની જાય.
      આભાર સાહેબ આપનો સરસ વર્ણન

  • આનંદ રંગપરા

    આપનો આ સચિત્ર લેખ ખરેખર નજર સામે જ રતનમહાલ ને ખડું કરીદે છે. આટલું સરસ વર્ણન સાંભળીને આ જગ્યા હવે પછીના પ્રવાસ માટે આદર્શ છે. સૌરાષ્ટ્રમા રહુ છુ એટ્લે ગોધરા તરફ બહુ મુસાફરી કરી નથી, ફક્ત જનરલ નોલેજના પુસ્તકો મા જ રતનમહાલના રીંછ વીશે વાંચ્યુ છે. અક્ષરનાદનો આભાર આ પ્રવાસ વર્ણન ને તેના પ્લેટફોર્મ દ્વારા પ્રસારવા માટે.

  • ashok pandya

    ખુબ જ સરસ અને ઝીણી ઝીણી વિગતોને આવરી લેતું પ્રવાસ વર્ણન રતન મહાલને આંખો સામે ખડું કરેી દે છે.ઊછી જાણીતી જગ્યા એ જવાનિ મજા વિશેષ હોય છે. કુદરતની સાથે રહેવાથી માણસ પોતાની જાતની નજીક જતો હોય છે. આ અનુભૂતિ અવર્ણનીય હોય છે. એકાદ બે દિવસ આવી મનોહર જગ્યા એ જઇ આવ્યા બાદ તાજં-માજાં થઇ ફરી રોજીંદી જીંદગીમાં નવી જ ઉર્જા, નવા જ અભિગમ સાથે વધુ જોમ અને જુસ્સાથી લાગી જઇ શકાય. પ્રવિણભાઈને અભિનંદન. આભાર અક્ષરનાદનો..

  • Mehul Sutariya

    દર વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું નક્કી કર્યું છે. પ્રવિણભાઈએ રતનમહાલનું ખૂબ સરસ આલેખન કર્યું છે. ચોક્કસ આ જગ્યાએ જઈશું.

  • Hitesh Solanki

    સરસ લેખ ચ્હે. રતન્મહલ વિસે જઅનિ ને ખુબ જ અનન્દ થયો. આવ પ્રવશ લેખો વધુ ને વધુ પ્રશિધ થય તેવિ સુભેચ્હ.