ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ 6


૧. પાછી બોલાવી શકું તો..

પાનખરમાં પાંદડાઓ ફૂટવા લાગે.
રણમાં ઝરણાઓ વહેવા લગે.
આભ કેરા વાદળો ઘરતી પર આવે.
વહી ગયેલી પળને પાછી બોલાવી શકું તો..

આંખોમાં તેજનાં ચમકાર પાછા આવે.
સુકાઈ ગયેલ સ્નેહની સરવાણી ફૂટવા લાગે.
મુરઝાએલુ મન ફરી કોળવા લાગે.
વહી ગયેલી પળને પાછી બોલાવી શકું તો..

વિસરાયેલાં શબ્દો યાદ આવવા લાગે.
સૂકાઈ ગયેલ છોડને કુંપળો ફૂટવા લાગે.
આસુંઓ હર્ષનાં ઝરણાં થઈ વહેવા લાગે.
વહી ગયેલ પળને પાછી બોલાવી શકું તો..

૨. માણસ

દિવાનો પ્રકાશ કદી કહેતો નથી કે
હું અંઘારાને ભગાડી અજવાળું કરું છું,
પર્વતો કદી પોતાની,
અચલતા, અડગતા, દ્રઢતા ની વાતો નથી કરતાં,
રાત-દિવસ, સૂર્ય ચન્દ્ર માં કદી
આગળ પાછળના ઝઘડા નથી થતાં.
ભગવાને સર્જેલા માણસ
ફક્ત માણસ જ,
પોતાની વાતો કર્યા કરે છે
અને, ઠંડા કલેજે
એક-બીજાને વહેર્યા કરે છે.

૩. રુદન

ઘરમાં આવતાં જ લાગ્યું કે
દિવાલો પણ ભીની હતી
ખબર નહી, એણે પણ
કોના ખભા પર માથુ મૂકી
રુદન કર્યુ હશે
કેટલાયે ઝખ્મોને એનામાં સમાવ્યા હશે
અને એજ યાદોથી રુદન આવ્યું હશે.

૪. શું કરી શકું?

મારા જોયેલા સ્વપ્નોને
કોઇ ધીમે ધીમે કરીને
અદ્રશ્ય કરી નાખે
તો હું શું કરી શકુંં?

મે બનાવેલ મૂર્તિને કોઈ
ઘીમે-ઘીમે આજુબાજુથી
કોતરીને ખંડીત કરી નાખે
તો હું શું કરી શકું?

મારા ઉગાડેલા ફુલ છોડ
મારી સામે જ, થોડા થોડા કરી
પછી એકદમ જ મુરજાઈ જાય,
તો હું શું કરી શકું?

મેં જેને જેને ખુબ પ્રેમ કર્યો
તેને બોલાવવા સાદ પર સાદ કર્યો
પણ જો તે સાંભળ્યુ ન સાંભળ્યુ કરે
તો હું શું કરી શકું?

મારા હાથની પાંચ આંગળીઓમાંથી,
એકે એક આંગળી છુટ્ટી પડતી જાય
અંગુઠો એકલો અટુલો રહી જાય
અને હથેળી રડ્યા કરે,
તો હું શું કરી શકું?

ફ્ક્ત હું જોઈ શકું
છતાં પણ કઈ કરી ના શકું
તો હું શું કરી શકું?

– ઉર્વશી પારેખ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ