જોહાન ગટેનબર્ગ – રજની વ્યાસ 7


છાપકામની કળાના વિકાસ સાથે માનવસંસ્કૃતિના વિકાસની કથા પણ સંકળાયેલી છે. તમારા હાથમાં જે પુસ્તક છે તે કેવું સફાઈદાર અને દેખાવડું છે, નહીં! તેનું છાપકામ બહુ ઝડપથી થયેલું હોવા છતાં આ પુસ્તક આકર્ષક બની શક્યું છે. દરેક પાના ઉપરના અક્ષરો (ટાઈપ) પંઅ કેવા સુરેખ અને સું દર વળાંક ધરાવે છે. આવા સારા પરિણામનો જશ મ્ર્દ્રન એટલે કે છાપકામકળાના વિકાસને ફાળે જાય છે.

ઘણાં વર્ષો પહેલાં આજના જેવાં મુદ્રાણાલયો (પ્રિન્ટિંગ પ્રેસ) નહોતાં. છપાઈની શરૂઆત થઈ એ પહેલાં માણસો હાથ વડે લખાણ લખતા હતા અથવા હસ્તલિખિત પ્રતની નકલ તૈયાર કરતા હતા. તેથી પુસ્તકની એક નકલ તૈયાર કરવામાં લાંબો સમય લાગતો હતો. તેના કારણે તે જમાનામાં લેખન-વાચનની જોઈએ તેવી પ્રગતિ થઈ શકી નહોતી. તેમજ તે પુસ્તકમાંના જ્ઞાન-માહિતીવિશાળ વર્ગ સુધી પહોંચતા નહીં.

ચીનના લોકો તો એવો દાવો કરે છે કે નવમી સદીમાં લાકડાનાં ટુકડા ઉપર ઊંધા અક્ષરો કોતરીને છપાઈ કરવાની કળા ચીનાઓ જાણીતા હતા. ભારત અને તિબેટમાં પણ લાકડા ઉપર અક્ષરો તેમજ ચિત્રો કોતરીને કાગળ ઉપર છાપવામાં આવતાં હતાં એવું મુદ્રણકળાનો ઈતિહાસ જણાવે છે. ૧૨મી સદીમાં ભારત કે તિબેટમાં જાડાહાથ બનાવટના કાગળના એક ફૂટપહોળા અને ત્રણ ફૂટ લાંબા પાના ઉપર છપાયેલી આવી એક હસ્તપ્રત બ્રિટિશ મ્યુઝિયમમાં સંઘરાયેલી છે.

કાગળ અને છાપકામ કળાનો વિકાસ થયો નહોતો ત્યારે આપણા દેશમાં લોકો મંત્રો અને સુત્રો મોંએ કરી નાંખતા હતા- ગોખી કાઢતા હતા. આમ જ્ઞાનનો ફેલાવો મૌખિક જ થતો હતો. કાગળની શોધ થઈ નહોતી ત્યારે પ્રાચીનકળાના ઋષિ-મુનિઓ તાડપત્ર ઊપર લખાણો લખતા હતા. કાગળની શોધ થયા પછી પણ બરૂના કિત્તા વડે હસ્તલિખિત પોથીઓ લખાતી હતી. પ્રાચીન જ્ઞાન આ રીતે સચવાતું હતું.

પી શૅન્ગ નામના એક ચીનાએ ૧૧મી સદીમાં માટીની ઈંટ જેવા આકાર પર અક્ષરો કોતરીને તેની છાપ પાડીને, એટલે માટીના અક્ષરોથી છાપકામ કર્યું હતું. કેટલાક ઈતિહાસકારો એવું પણ કહે છે કે ઈ.સ. ૭૦૦ની આસપાસનાં વર્ષોમાં અસેરિયન લોકો પણ ચીના લોકોની જેમ જ છાપ ઉપસાવતા હતા. એ કળામાં તેઓ નિપુણ હતા. પરંતુ તેને ખરેખર છાપવાની કળા ગણી શકાય કે કેમ એ પ્રશ્ન છે.

johannes gutenbergપથ્થર માટી કે લાકડા ઉપર અક્ષરો કોતરીને કોરીને, તેના ઉપર શાહી લગાડીને છાપ ઉપસાવવાની કળા સદીઓથી પ્રચલિત હતી, પરંતુ આજના જેવું મૂદ્રણકામ નહોતું જ્યારથી લાકડાની કે ધાતુની ઉપર ઊલટા અક્ષરો કોરીને, સ્વતંત્રપણે કોતરીને તેનો છાપકામ માટે ઉપયોગ શરૂ થયો ત્યારથી મુદ્રણકળાની શોધ કરવાનું માન જર્મનીના ગટેનબર્ગના ફાળે જાય છે.

જોહાન ગટેનબર્ગ (Johann Gutenberg) નો જન્મ જર્મનીના એક સુશિક્ષિત અને ઉચ્ચકુળના ગેન્સફ્લિશ કુંટુંબમાં સન ૧૩૯૮માં થયો હતો. જોહાનના પિતા જર્મનીમાં મેઝ ગામમાં આવેલી ટંકશાળમાં ખજાનાના મોટા અધિકારી હતા. મેઝ ગામ રહાઈન નદી ઉપર આવેલું મોટું વ્યાપારી શહેર હતું. જોહાને એક લૅટિન શાળામાં અભ્યાસ કર્યો હતો. સમય પસર કરવા તે ઘરમાં લાકડાના બ્લૉક્સ સાથે રમતો હતો. એ જમાનામાં છાપવા માટેનાં ચિત્રો પણ લાકડાના ટુકડા ઉપર કોતરી કાઢવામાં આવતાં હતા. તેના ઉપર શાહી ચોપડીને તેની છાપ કાગળ ઉપર તે ચિત્ર ઉપસાવાતું હતું એ ચિત્રો બાઈબલના વિવિધ પ્રસંગોને લગતાં હતાં.

જોહાન કલ્પનાશીલ હતો. તેના મનમાં વિચાર આવ્યો કે જો આ રીતે ચિત્રો ઉપસાવી શકાય તો અક્ષરો કેમ ના ઉપસાવી શકાય? મોટો થઈને તે સુવર્ણકાર (સોની) બન્યો, પરંતુ છાપ માટેના ટાઈપ બનાવવાની કલ્પના તેના મનમાં રમતી જ હતી. અનુભવો પરથી કે અક્ષરોનાં બીબાં બનાવવા માટે સહેલાઈથી ઢાળી શકાય તેવી ધાતું હોવી જોઈએ. એમાંથી ચોક્ક્સ આકાર બનાવી શકાય એવી હોવી જોઈએ. અક્ષરોને જલદી કાટ લાગે નહીં તેવી ધાતુ હોવી જોઈએ. ટાઈપના ઝીણામાં ઝીણા ભાગોમાં શાહી કે કચરો ભરાઈ રહે નહીં તેવી ધાતુની પસંદગી કરવી જોઈએ. આવા બધા ગુણો કોઈ એક ધાતુમાં મળવા મુશ્કેલ હતા. તેણ એણે માત્ર લાકડા ઉપર જ નહીં પરંતુ લોખંડ અને ચાંદી અને સોના જેવી વિવિધ ધાતુઓ પર અક્ષરો કોતરી જોયા.

જોહાન ગટેનબર્ગ પાસે અનેક ચિત્રો અને શબ્દોના બ્લોક્સ તૈયાર થયા હતા, પરંતુ તેમાં તેને એક મુશ્કેલી જણાઈ, દાખલા તરીકે ‘જર્મની’ Germany એ શબ્દ છાપવો હોય તો એ બ્લોકનો ઉપયોગ થઈ શકે પરંતુ રામ શબ્દ છાપવો હોય તો એ બ્લોક ‘આર’, ‘એ’ અને ‘એમ’ એ ત્રણેય અક્ષરો હોવા છતાં આખા શબ્દનો સળંગ બ્લોક હોવાથી તેનો ઉપયોગ કરી શકાતો નહોતો. આખા એક શબ્દ માટે સળંગ આખો બ્લોગ બિન ઉપયોગી જણાતો હતો. આથી જોહાનને ‘એ’ થી ‘ઝેડ’ સુધીના અક્ષરનાં છૂટાં બીબાં બનાવવાનો વિચાર આવ્યો.

Metal Movable Type

દરેક અક્ષર દીઠ જોહાને બનાવેલા સ્વતંત્ર ‘ટાઈપે’ છાપકામમાં ક્રાંતિ કરી. લાકડાના ટુકડા પર તો મોટા અક્ષરો જ કોતરી શકાતા હતા. બહુ ઝીણા અક્ષરો કોતરવામાં મુશ્કેલી પડતી હતી. આથી જોહાને લોખંડ જેવી ધાતુનો રસ સાંચામાં ઢાળીને ‘એ’ થી ‘ઝેડ’ સુધીના નાના સ્વતંત્ર અક્ષરો બનાવ્યા. ધાતુના ટાઈપને છૂટા કોતરીને, જરૂરી શબ્દ બનાવવા માટે તેમને ભેગા એક હરોળમાં ગોઠવીને જોહાને દાબપ્રેસથી છાપવાનું કામ શરૂ કર્યું ત્યારથી સાચી મુદ્રણકળા અસ્તિત્વમાં આવી.

જોહાને અક્ષરો ઢાળવાનું કામ લોકોને રત્નો વેચવાની દુકાનમાં જઈને લોકોને શીખવવા માંડ્યું. રત્નો પર કોતરણીકામ કરવાની કળાના ક્ષેત્રમાં ખાનગી લોકો વિશિષ્ટ રસ દાખવે છે એવું માનીને જર્મન સરકારે નવો કાયદો કરીને આ વિદ્યાની તાલીમ આપનાર ગટેનબર્ગ સહિત કેટલાક લોકોને હદ પાર કર્યા. તે વખતે ગટેનબર્ગની ઉંમર ત્રીસેક વર્ષની હતી. પરંતુ ઓચિંતા હદપાર થવું પડ્યું તેથી તેની પાસે નાણાં નહોતા છતાં હિંમત હાર્યા વિના જોહાન પોતાના ગામથી સોએક માઈલ દૂર આવેલા સ્ટ્રોસબર્ગ શહેરમાં પહોંચી ગયો. ત્યાં તેની આવડત જોઈને રત્નો પર પહેલ – પાસા પાડવાનું કામ એને મળી ગયું. હજી તેના મનમાંથી પેલો છૂટા અક્ષરોનાં બીબાં બનાવવાનો વિચાર દૂર થયો નહોતો.

જોહાન ગટેનબર્ગને તેની કલ્પના સાકાર કરવા માટે બીજો એક સોની સાથીદાર મળી ગયો. તેનું નામ હતું જૉન ફસ્ટ. લેટિન ભાષાનું વ્યાકરણ અને બાઈબલ છાપવા માટે જૉને નાણાકીય મદદ કરવાની તૈયારી બતાવી. જોહાને ૨૦ વર્ષ જેટલા લાંબા સમયના પ્રયોગો પછી સીસું, ટીન અને એન્ટીમની ધાતુઓના અમુક પ્રમાણમાં મિશ્રણ કરવાની રીત શોધી કાઢી. આ ધાતુ ઠંડી પડતાં વિસ્તૃત થતી હતી. ધાતુઓના આ મિશ્રણને ‘ટાઈપ મેટલ’ એવું નામ આપવામાં આવ્યું, જે આજે પણ એ જ નામથી ઓળખાય છે.

‘ટાઈપ મેટલ’માંથી છૂટા અક્ષરોના ટાઈપ બનાવવાનું કામ સરળ બન્યું. ૧૪૫૬ની સાલમાં તે પૂરતા પ્રમાણમાં ટાઈપ બનાવી શક્યો. જોહાન ગટેનબર્ગ ફક્ત ૨૮ પાનાનું લૅટિન ભાષામાં વ્યાકરણ છાપ્યું, એ પહેલાં મુદ્રિત પુસ્તકની ટૂંક સમયમાં જ ૧૫ આવૃત્તિઓ પ્રસિદ્ધ કરવી પડી. એ પછી એમણે બાઈબલ છાપ્યું. આ પુસ્તકના ૧૨૯૦ પાનાંઓમાં ૩૨,૫૦,૦૦૦ ટાઈપ વાપરવા પડ્યા હતા.

ગટેનબર્ગના આ સાહસમાં નાણાકીય મદદ કરનાર જૉન ફસ્ટ લોભી હતો. તેણે છાપખાનું જ પડાવી લીધું અને ગટેનબર્ગને કાઢી મૂકી તેની સામે ફરિયાદ માંડી. અદાલતે એવો ચુકાદો આપ્યો કે નાણાં જૉન ફસ્ટે રોક્યા છે, તેથી તે જ તેનો ખરો માલિક ગણાય. ગટેનબર્ગનો તેના પર કોઈ અધિકાર નથી. આ કમનસીબ ચુકાદાથી જોહાન ગટેનબર્ગને ભારે આઘાત લાગ્યો. લગભગ ૬૦ વર્ષની વયે પહોંચેલા અદાલતમાં હારી ગયેલા ગટેનબર્ગએ ૬૧ વર્ષની ઉંમરે નવેસરથી બાઈબલ છાપ્યું. તેમાં મોટા ટાઈપ હતા અને છાપકામ પણ આકર્ષક હતું. બે લીટીઓ વચ્ચે વધારે જગ્યા હોવાથી વાંચવામાં પણ તે સરળ બન્યું હતું. પરિણામે આખા યુરોપમાં જોહાન ગટેનબર્ગને ખ્યાતિ મળી. આ નવી મુદ્રણકલા શીખવા યુરોપનાં જુદાં જુદાં શહેરોમાંથી લોકો ગટેનબર્ગ પાસે આવવા લાગ્યા. ગટેનબર્ગે કરેલી છૂટા ટાઈપની શોધ અને મુદ્રણકળાના વિકાસના પરિણામે જ્ઞાન અને માહિતીનો ફેલાવો થયો.

ઈ.સ. ૧૪૨૦ થી ૧૫૦૦ના ૮૦ વર્ષના ગાળામાં વેનિસના નિકોલસ જેમ્સને, જર્મનીના જૉન મેન્ટેલી અને જોહાન ગટેનબર્ગ તેમજ વિલિયમ કેકસ્ટન અને કોકાર્ડ મેન્શને છાપખાના માટેના વિવિધ ‘ટાઈપ’ (અક્ષરો) બનાવ્યા. ૧૫૦૦માં એલ્ડસ મેનુશિયસે પ્રથમ ‘ઈટાલિક્સ’ ટાઈપ તૈયાર કર્યા.

ગટેનબર્ગે જે સપનું સેવ્યું હતું તે પાર પાડ્યું અને જ્ઞાનગંગાને વહેતી રાખવાનું ઉમદા કાર્ય કર્યું હતું. ‘ક્થૉલિકન’ નામનો લૅટિન ભાષાનો શબ્દકોષ પણ તેમણે છાપ્યો. અનેક સંકટોનો સામનો કરનાર અને મુદ્રણકળાનો જનક જોહાન ગટેનબર્ગ ૧૪૬૮ની સાલમાં અવસાન પામ્યો, ત્યારે તેમને એ વાતનો સંતોષ હતો કે તેમણે કરેલી શોધથી આખા યુરોપને ફાયદો થયો હતો. તેમના નિધન સમયે ઓછામાં ઓછાં આઠ મોટાં શહેરોમાં મુદ્રણાલયો ધમધોકાર ચાલતા હતાં, આપકામની કળાના પિતાને પોતાની શોધથી સંતોષ થયો હતો.

– રજની વ્યાસ

(‘જેમણે જગતને અજવાળ્યું – વિશ્વના વિજ્ઞાનીઓ’ એ નામે આઠ પુસ્તકોની સુંદર શ્રેણી ‘અક્ષરા પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થઈ છે. ગુર્જર સાહિત્ય ભવન અને અનડા પ્રકાશન દ્વારા વિતરણ થયેલ આ પુસ્તકશ્રેણી જ્ઞાનપ્રદ અને અત્યંત ઉપયોગી છે. ૩૨ પાનાંના એક એવા આ પુસ્તકનું મૂલ્ય ૧૦૦.૦ ઋ. છે, પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક – ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૯૦૦૦૧. ગ્રંથસમીક્ષા અર્થે પાઠવવામાં આવેલ આ પુસ્તકો બદલ પ્રકાશક અને વિતરકોનો આભાર.)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “જોહાન ગટેનબર્ગ – રજની વ્યાસ

  • Ashwin

    કદાચ આ જોહાન ગટેનબર્ગના નામ પરથી જ પ્રોજેક્ટ ગટેનબર્ગ (http://www.gutenberg.org) નામની વેબસાઈટ દ્વારા જગતભરના કોપીરાઇટ મુક્ત સાહિત્યને ઈ-બૂકમાં પરિવર્તિત કરીને વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે.

  • Dushyant Dalal

    શ્રેી રજનેીભાઇ નો લેખ મહિતિ સભર અને મુદ્રન નો ઇતિહાસ વરણન્ કરતો લેખ સરસ મજાનો .આનન્દ થયો ….

    દુશ્યન્ત દલાલ્

  • Natwarlal Modha

    જેણે જગતને કંઈક આપવું છે તેને પોતાનું ગુમાવવાથી કોઈ ફરક નથી પડતો. ગટેનબર્ગનું નામ એવા લોકોમાં આવે છે. ગટેનબર્ગને સો સો સલામ કે આપણે છાપકામની કળાના ઓશિયાળા કેવા!