ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૨ – વિવિધ પ્રતિયોગી મિત્રો 15


ગઈકાલથી પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ આપણે કાલે માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ.

૫. કોણ? – નિમિષા દલાલ

‘ઉવાં… ઉવાં…’ નાના બાળકનાં રડવાનાં અવાજે હું અટકી. આમતેમ નજર કરી પણ રાત્રિના સૂમસામ રસ્તા પર બાળક હોવાના કોઇ ચિહ્નો મને ન દેખાયા… પણ નજીકની કચરાપેટીમાં હલન ચલનનો ભાસ થયો. કચરાની બદબૂ સહન ન થવાથી મેં નાક ઉપર રૂમાલ ઢાંકી તેમાં નજર કરી.

મારા આશ્ચર્ય વચ્ચે એક તાજું જન્મેલું બાળક તેમાં રડતું હતું. ભૂખ્યું લાગતું હતું. કોણ જાણે કેટલા સમયથી એ ત્યાં રડતું હતું ! મેં તરત એ બાળકને કચરાપેટી માંથી બહાર કાઢ્યું. આજુ-બાજુના કચરાને લીધે બાળક ગુંગળાતું હતું. તેને લઈને હું મારી સંસ્થા પર આવી. જ્યાં આવી રીતે ત્યજાયેલાં અનેક બાળકોને અમે ખૂબ જ પ્રેમથી ઉછેરતા. મેં એ બાળક આઈમા ને સોંપ્યું. આઈમા એને નવડાવી, દૂધ પાઈને મારી પાસે લાવ્યા. બાળક ખૂબ જ સોહામણું હતું. એણે એક મનમોહક સ્મિત સાથે મારી સામે જોયું.

મેં પ્રશ્નાર્થ નજરે આઈમા સામે જોયું. એમની પાંપણ ભીંજાઈ ને મને મારા સવાલનો ઉત્તર મળી ગયો. એ ત્યજાયેલું બાળક એક બાળકી હતી.

૬. અને હું બેસી ગયો.. – ઉર્જિત પંડ્યા

અર્થશાસ્ત્રના ક્લાસમાં છેલ્લી પાટલીએ બેસી ગયો છું. સર શું ભણાવે છે એ એજ જાણે છે, પરંતુ મેં તો અહીંયા પાટલી પર જ, મારી જોડે જ સાહિત્યનો વર્ગ શરૂ કરી દીધો છે. ‘અર્થ’ કારણોના શુષ્ક વાતાવરણમાં એક ગુલાબી સ્પંદન અનુભવ્યું. બારીની બહાર એક ગુલાબ મહેકી રહ્યું હતું. એની પાંદડીઓ પર મારી નજર ઠરી ગઈ ને બસ અર્થશાસ્ત્રના વિષયમાં હું પાણીમાં બેસી ગયો અને એ જ ઘડીએ સુંદરતાના વિશાળ સરોવરમાં ડૂબકી લગાવી સમાધિલીન થઈ ગયો. શુષ્ક ભઠ્ઠ થઈ ગયેલ તિરાડ પડી ગયેલ જમીન પર ઝરમર ઝરમર એય ને મસ્ત… વરસાદ વરસ્યો એવું ઘડીક લાગ્યું અને એ ગુલાબની પાંદડીઓ પરથી પસાર થઈ થોડા છાંટણાં મારી પર પણ વરસ્યા. પછી તો જાણે સૂર પીધા વિના જ મદ ચઢી ગયો.

દરેક ગુલાબ જોડે કાંટા તો હોય જ છે, પણ અહીં મારે એક જ કાંટો હતો, તે આ અર્થશાસ્ત્રનો ક્લાસ! માર્કેટમાં પ્રોડક્ટની માંગ કેટલી રહેશે એના કેસસ્ટડીની લ્હાયમાં મારી ગુલાબી સુંવાળી સમાધિમાં ભંગ પાડ્યો અને અર્થશાસ્ત્રના ક્લાસમાં છેવટે ‘છેલ્લી પાટલીએ’ બેસી ગયો.

૭. સાંકળ – નિકિતા પરમાર

તેના વિદેશી કૂતરા ટૉલીને બહાર ખુલ્લામાં ફરવું બહુ ગમતું. તક મળતા જ આંગણાની દિવાલ કૂદીને ટોમી શેરીના દેશી કૂતરાઓ સાથે રમવા ચાલ્યો જતો. ભાદરવો મહીનો આવતા જ શેરીની એક ખરજવાગ્રસ્ત કૂતરીની આસપાસ ટૉમી ફરવા લાગ્યો. એ કૂતરી પણ તેના ઘરના દરવાજે આંટા મારવા લાગી.

આ જોઈને તે ટૉમીને સાંકળ વડે બાંધી રાખવા લાગી. પેલી કૂતરીને ય તેણે નોકરો દ્વારા માર મરાવીને જંગલમાં તગેડી મૂકી.

આસો નવરાત્રી આવી, તેની પાસે કાર હતી છતાંય ‘પેલા’ની બાઈકની સીટ પાછળ બેસીને તેણે નવરાત્રીની મોજ માણવાનું વધુ પસંદ કર્યું. થોડા દિવસ બાદ તેનો મોબાઈલ ખોવાઈ ગયો અને એક દિવસ સવારે તેના ડેડીએ તેને આદેશ આપ્યો, ‘હવેથી તારે અમેરિકામાં કાકાના ઘરે રહીને ભણવાનું છે.’

તેણે ડેડી સામે પ્રશ્નસૂચક નજર કરી, ડેડી તેનો મોબાઈલ હાથમાં ઝાલીને ઉભા હતા.

૮. બાપનું શ્રાદ્ધ – ગીતાબેન શુક્લ

વિનય શીલાબેન અને મનુભાઈ નુ એક માત્ર સંતાન.. તેઓએ દેવુ કરીને ભણાવ્યો, પરણાવ્યો..! મનુભાઈ ગુજરી જતા તે શીલાબેનને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

શીલાબેનનું પેન્શન આપવા આવ્યો, “બેટા, બે હજાર ઓછા કેમ?”

“મમ્મી, પપ્પાનું શ્રાદ્ધ કર્યુ તેમાં વપરાયા.”

“હા, એ માત્ર મારા પતિ જ હતા. આભાર….!”


15 thoughts on “ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૨ – વિવિધ પ્રતિયોગી મિત્રો

  • Kalidas V. Patel {Vagosana}

    ” બાપનું શ્રાધ્ધ ” ગમી. બાકીની કથાઓ સામાન્ય રહી.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • tej zabkar

    સુંદર પ્રયત્નો… તમામ લેખક / લેખિકા ને અભિનંદન…
    નિમિષા બેન , મારેી સાથે પણ કંઈક આવુ જ થયુ … જે સાવ ઠેીક્ઠાક હતેી એ જ નિર્ણાયકો ને ગમેી ઃ(

  • Geeta shukla

    નમસ્તે, મુર્તઝાભાઈ મારેી વારતાનેી કોમેન્ટ આપવા બદલ ખુબ ખુબ આભાર્.
    મારેી વાર્તા નિર્ણાયકો નેી નજરમા આવેી .. અને મુકાય તે બદલ આભાર્

  • નિમિષા દલાલ

    નમસ્કાર મુર્તુઝાભાઈ… તમારી વાત એકદમ સાચી લાગી.. હું મારી વાર્તાનો બચાવ કરવા નથી માગતી.. પણ મને પોતાને નવાઈ લાગે છે કે મારા હિસાબે મારી બીજી માઈક્રોફિક્શન વાર્તાઓ આના કરતાં સારી હતી.. પણ નિર્ણાયકોને આ વાર્તા કેમ પસન્દ આવી.. આ વાર્તા મેં ઉતાવળમાં માએક્રોફિક્શન વાર્તાઓની સંખ્યા પૂરી કરવા ઉમેરી હતી.. પણ આજે લોકોની માનસિકતા આ પ્રમાણેની થઈ જ ગઈ છે.. જેનો મને પોતાને બહુ અફસોસ છે.. જેમ કે સ્ત્રીઓ આંદોલનો કરે છે ..કે માગણી કરી છે.. કે પ્રયત્નો કરે છે પુરૂષ સમોવડી બનવાના.. આનાથી સાબિત શું થાય છે કે એ સ્ત્રીઓ સ્વીકારે છે કે અત્યારે તે પુરુષ કરતા નીચી છે… મને પોતાને આ વાત પર ખૂબ જ ગુસ્સો છે..

    આપને એક વિનંતિ કરવાનું મન છે કે આપ અક્ષરનાદ પરની મારી બીજી વાર્તાઓ વાંચી તેના વિશે પણ અભિપ્રાય આપો.. ફરીથી આભાર આપનો કે આપે કોમેંટ મૂકવા જેટલી ધ્યાનથી મારી વાર્તા વાંચી..

    • Murtaza Patel

      નિમિષાબેન અને દોસ્તો,

      આજે મારો દિવસ બન્યો અને હું નિમિષાબેન જેવા મસ્ત નિખાલસ વ્યક્તિનો ફેસબૂક પર દોસ્ત બન્યો. એની મને ઘણી ખુશી છે.

      એમની વાર્તાઓનો નાનકડો ખજાનો એમણે મને પીરસીને એનાલિસીસ કરવાનું આમંત્રણ આપ્યું છે. એમાં હવે હું થોડો ભરાઈ ગયો છું. ઃ-)

      નિમિષાબૂઉઉઉઉન, તમારી પોઝીટિવ સ્પિરિટને સલામ.

  • gopal khetani

    ઉત્તમ વર્તા ઓ. મુર્તઝા ભાઇ, આપ કિમ્તિ સમય ફાળવો છો એ માટે આભાર. પણ ઘણી વાર્તા ઓ ના બીજ કોઇ ન માટૅ અવાસ્તવિક લાગતા વાસ્તવિક પ્રસંગો મા થિ જ નિપજ્ય હોય છે. આપ પણ મારી કોમેંટ નુ માઠુ નહિ લગાડો એવિ અપેક્ષા સહ.

    • Murtaza Patel

      ગોપાલભાઈ તમારી વાત સાથે સહમત.

      પણ ભાઈ…મુદ્દો માઈક્રો-ફિક્શનમાં રહેલા એ ફેક્ટરનો છે કે જ્યાંથી સચ્ચાઈનો રણકો સંભળાય.

      દા.તઃ નિમિષાબેનની વાર્તા કોણ? માં…

      આવું ત્યાજ્યેલ બાળક તો ભૂખ્યું જ હોય ને?….વળી એવું બાળક જન્મીને તુરંત મનમોહક સ્મિત કેમ આપી શકે?!?!?! કેમ કે એવું બાળક તો માંડ આંખો ખોલી શકતું હોય છે. વળી આવું બાળક હાથમાં લેતી વખતે જ તેનાં જેન્ડરનો ખ્યાલ (સેક્સ ઓર્ગન) જોતાવેત આવી શકે છે. અહીં ‘દિકરી’ તરીકે છેલ્લે આંસુડો પંચ મારવાનો પ્રયાસ થયો છે. માફ કરશો પણ ટૂંકી વાર્તાઓમાં આમ વધુ પડતાં એડજેક્ટિવ્સનો ઉપયોગ અસરકારક ન નીવડે એવો મારો મત છે.

      (સાહેબ, ૩ બાળકોનો પિતા હોવાને નાતે આવી ઘણી બાબતો-ઘટનાઓનો હું પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છું. એટલે કદાચ સેન્સેટિવ પોઈન્ટ્સ જોવાની કોશિશ કરી છે. 😉 )

      ખૈર, ભા-૪ની વાર્તાઓ ખુબ ગમી છે. જો તેની સાથે અહીની વાર્તાની શૈલીની સરખામણી કરશો તો કદાચ થોડો વધુ ખ્યાલ આવશે.

      મોજ કરો…દોસ્તો. ફેસબૂક પર દોસ્ત બનવા માટે સૌને આમંત્રણ.

      • gopal khetani

        હું પણ આપ ની વાત સાથે સહમત. માફ કરજો ઘણા લાંબા સમયે પ્રતિભાવ આપ્યો.

  • Murtaza Patel

    કડવી કમેન્ટઃ

    ‘બાપનું શ્રાદ્ધ’ વાસ્તવિક્તાની નજીક એવી ફિક્શન.

    માફ કરશો પણ…બાકી વાર્તાઓ વાસ્તવિકતાથી હજુ ઘણી દૂઉઉઉઉઉઉઉઉઉંઉર છે. સીધી ભાષામાં કહું તો…અવાસ્તવિક.

  • નિમિષા દલાલ

    આભાર મારી વાર્તા પસન્દ કરવા બદલ… બીજી લેખિકાઓને અભિનન્દન…