ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest 12


Timirpanthiગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી ધ્રુવ ભટ્ટનું નામ જરાય અજાણ્યું નથી. પોતાની છટાદાર ભાષાશૈલી અને હૈયું સ્પર્શતા વિષયો સાથે તેમણે વાંચકવર્ગ પર આગવી છાપ છોડી છે. સાહિત્ય અકાદમી પુરસ્કારના વિજેતા લેખક શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ ફક્ત ઈ-પુસ્તક તરીકે પ્રસ્તુત થઈ રહી છે. એન્ડ્રોઈડ પર ઈ-પુસ્તક માટે અક્ષરનાદની પહેલી પસંદ એવી એપ્લિકેશન ન્યૂઝહન્ટ પર જ સવિશેષ આ પુસ્તક પ્રસિદ્ધ થવા જઇ રહ્યું છે. ૨૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સામાજીક કાર્યકર્તા શ્રી કલ્પના ગાંગડેકરના હસ્તે આ પુસ્તક ઇ-બુક તરીકે લોન્ચ કરવામાં આવશે. આ પ્રસંગે લેખક અને નવલકથાકાર ધ્રુવ ભટ્ટ અને ન્યૂઝહન્ટના સી.ઇ.ઓ. વીરેન્દ્ર ગુપ્તા પણ હાજર રહેશે. આ પુસ્તક જૂન મહિના સુધી ફક્ત ઇ-પુસ્તક તરીકે જ મળશે.

ધ્રુવભાઈની આ નવી નવલકથા ‘તિમિરપંથી’ એક એવા વર્ગની વાત કરે છે, જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. તેનાં પાત્રો રધુ, તાપી, વાબી, સતી, નાનકી, વિઠ્ઠલ, નારિયો વાંચકોના મન પર તેમની આ પહેલાની નવલકથાના પાત્રોની જેમ જ ઊંડી છાપ છોડી જશે એ ચોક્કસ છે. ચોર્યકળાના નિયમો અને જોખમો તથા ગુરુ અને પૂર્વજોની આજ્ઞાની વાતો વાંચકોને આશ્ચર્યમાં મૂકવા સક્ષમ છે. આ મનુજોની કથા ચોસઠમી વિદ્યાના કળાધરો તથા તે વિદ્યા જાણનારા મહાનાયકોની એક જુદી જ છાપ લોકો સમક્ષ ઊભી કરે છે.

ધ્રુવભાઈ આ પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે તેમ, ‘શ્રી મનોજ બસુનું પુસ્તક નિશિકુટુંબ મેં અનેકવાર વાંચ્યું છે અને દરેક વખતે મને મારા પ્રદેશમાં, મારી આસપાસ તેના પાત્રોને શોધવાની, તેમને મળવા અને જાણવાની ઈચ્છા થઈ આવી છે. છેલ્લા બે વરસમાં મારી તે ઈચ્છા પૂરી કર્યા પછી મને લાગે છે કે મેં જોયેલા, જાણેલા મનુજોની, મારી સમજમાં આવેલી વાતો મારે ગુજરાતી વાચકો સામે મૂકવી જોઈએ. વિવિધ જાતીના લોકોને મળ્યા પછી મેં છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા પ્રયત્ન કર્યો છે. બસુદાને પહોંચવાનું તો ઠીક, તેમને અનુસરવાનું પણ મારું ગજું નથી. બંગાળની ગરીબી, ત્યાંનું શોષણ, બંગાળની પીડા હું ગુજરાતમાં ફરતાં જોઈ શક્યો નથી. બંગાળી લખનારાને મળેલી ભૂમીગત સર્જનાત્મકતાનો મારામાં સ્વભાવિક રીતે અભાવ હોય તે પણ હું સમજું છું અને અને સ્વીકારું છું.’

ઇ-પુસ્તક વિશે અક્ષરનાદના વિચારો અને એ અંતર્ગતનું કામ પહેલેથી જ બહુ સ્પષ્ટ રહ્યા છે, લેખનને સીમાઓની બહાર અન્ય માધ્યમો દ્વારા પણ વાચકો સુધી પહોંચાડવાનો એ સંદેશ ધ્રુવભાઈ જેવા સમર્થ લેખક કરી રહ્યા છે, પુસ્તકને ફક્ત ઈ-બુક તરીકે પ્રસિદ્ધ કરીને તેમણે ઇ-પુસ્તકના વિશ્વમાં એક નવી પહેલ કરી છે અને આ શરૂઆત અનેક લેખકોને આગળ આવવા પ્રેરણા આપશે એ ચોક્કસ. ગુજરાતી ઇ-સાહિત્ય ક્ષેત્રે એક નવો પાયો નાંખવાની દિશામાં આ પ્રથમ પગલું છે. વાંચકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની રીતમાં જો આવા પરિવર્તન કરવામાં નહીં આવે તો ‘પુસ્તક-વાંચન’ની પ્રથા કદાચ નાશ પામે અવું બને. ધ્રુવભાઈ અને ન્યૂઝહન્ટનું આ પગલું અત્યંત સરાહનીય અને પ્રોત્સાહક છે.

આ પુસ્તક વિમોચનને અનુલક્ષીને અક્ષરનાદ એક વિશેષ વાત લઈને આવ્યું છે. ધ્રુવભાઈના લેખન કે તેમના સર્જેલા પાત્રો વિશે ટૂંકમાં આપનો પ્રતિભાવ અહીં આપશો. શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાવો આપનારને ધ્રુવભાઈને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર પુસ્તક વિમોચનના દિવસે મળી શક્શે. આ સુવિધા માટે અહીં આપ આજથી લઈને ૨૨ તારીખ સવારે ૧૨ વાગ્યા સુધી પ્રતિભાવ આપી શક્શો.

તા.ક. આ માટે આવવા જવાનો, રહેવાનો કે અન્ય સમગ્ર ખર્ચ જે તે પ્રતિભાવકર્તાએ ભોગવવાનો રહેશે. એ માટે અક્ષરનાદ કે ન્યૂઝહન્ટ કોઈ વ્યવસ્થા કરી શક્શે નહીં.


Leave a Reply to GHANSHYAMCancel reply

12 thoughts on “ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest

  • Nirad Bhatt

    એકાદ વર્ષ પહેલા એક સહૃદયી અને સાહિત્યપ્રેમી મિત્ર તરફથી જન્મદિવસની ભેટ રૂપે “અકુપાર”,’સમુદ્રાન્તિકે”અનેતત્વમસિ”પ્રાપ્ત થતાં શાળાજીવનના સમય ની જેમ એક બેઠકે એક પુસ્તક વાંચી લીધું.”તત્વમસિ”ખૂબ પ્રભાવિત થયો.
    “સુપરીયા”,”બીત્તુબંગા”,હૃદયમન પર છવાઈ ગયા,અને પાત્રો સાથે ઓતપ્રોત થઇ જવાયું.

  • GHANSHYAM

    (1)First of all very happy to hear about TIMIRPANTHI.
    (2)I run my own free for all library in my towm Morbi.
    (3)I have collection of DHRUVBHAI`S all book including poem GAYE TENA GEET.
    (4) My library readers are very happy with DHRUVBHAI`s most of books.( I gift TATVAMASI/ATARAPI to 10 good readers)
    (5) Recently MUKESH MODI wrote one book “YATRA BHITARNI ” This is very interesting collection about all book by DHRUVBHAI.( With very special MULAKAT with Dhruvbhai)
    To conclude I am very happy with this new book news and hope Dhruvhai will continue keep us ( ALL GUJARATI READERS) reading with his very interesting way of presentation & subject as well.

    GHANSHYAM DANGAR (PUSTAK MITRA)
    ” VRUXO VAVO , VICHARO VAVO.”

    • Aarti rohan

      Ghanshyam bhai aapni Jem j hi pan dhruv bhai ni kalam same nishastra Thai jau chhu . Bija koi j sahity ne vanchi ne e aanand anubhvato j nathi j SARMEY , SUPARIYA, SANSAI,GORO , ane karnlok na badha patro ni aaspass anubhavay Che.

  • Dhruv Bhatt

    તિમિરપથિ પુસ્તક ૧ મે ૨૦૧૫ ના રોજથી પેપર બેક રુપે મળતુ થશે.
    બિજી વાત કે મને કોઈ પણ ગમે ત્યારે મળિ શકે છે. હુ ક્યા છુ તે જાણિ ને. કે સમય લઈ ને.
    ધ્રુવ્

  • mitul thaker

    ઉપરાઉપરી બે આકર્ષણો આપે આપ્યા અને એ પણ મુશ્કેલ , એક, તેમના વિષે વાત કરવી તે મુશ્કેલ અને પાછું જો મળવાનું થયું તો મારા જેવા દંભી માણસ તે સરળ આત્મા સામે કેમ બેસી શકશે એ બીજી મુશ્કેલ વાત . હું ધ્રુવભાઇ ને સુનીલ અડેસરા (જે મારા માર્ગદર્શક છે સરળ માણસ બનવાના માર્ગ ના) દ્વારા તેમના જ ઘરે મળી ચુક્યો છું. તેની સાથે કરેલી વાતચીત એક અંશ… નવરાત્રી નો સમય હતો સાંજ ના 7 વાગ્યા હશે, મારા દ્વારા બનેલું એક શિવલિંગ નું ચિત્ર અર્પણ કરતા મેં તેને પૂછ્યું ….
    “ધ્રુવભાઇ આ નવરાત્રી ના ઘોંઘાટમાં તમને લખવું ફાવે , બહુ ઘોંઘાટ વિચલિત કરી દે છે ને ?” તેની ‘હા’ ની રાહ જોયા વિના મેં આગળ ચલાવ્યું હોત પણ તે બોલ્યા “ના ભાઈ, આ ઉત્સવો તો આપણા અંગ છે, તેના તાલે મારી કલમ ચાલવા લાગે ત્યારે મને તે ઘોંઘાટ નથી લાગતો….”
    બસ એટલા જવાબે મને જીવનમાં આવતી કપરી ક્ષણો ને કેમ અવસર બનાવાય તે શીખવી દીધું .
    તે સમયની સાથે ચાલતા ગુજરાતી લેખકો માં અલગ ચીલો ચાતરી અને ઈ -બૂક તરફ વળ્યા એ ગમ્યું, આ પબ્લીશરોની દાદાગીરી સામે કદાચ અહિંસક હથિયાર સાબિત થશે પણ આશા રાખું કે પુસ્તક તરીકે જો તે છપાય તો ધ્રુવભાઇની કલમને સ્પર્શી શકાય તેવો આનંદ મળશે તેના છપાયેલા પુસ્તકથી.
    હું પણ નવી પેઢીનો માણસ છું, ટેકનોલોજીને આવકારું છું પણ પુસ્તકની સુગંધ હું મારા ટેબ કે મોબાઈલમાં ક્યાંથી લાવીશ અને ખાસ તો મારા દીકરા માટે હું અલભ્ય પુસ્તકોનો સંગ્રહ કરી રહ્યો છું જે કદાચ હવે ડીજીટલ ડિવાઇસમાં પણ થશે.
    એક આડ વાત “સમુદ્રાન્તિકે” એક અદભુત નવલકથા જે મારા જ વતનની છે, ચાંચ, ખેરાનો દરિયો મારી નસ-નસમાં વહે છે અને એટલે તો ધ્રુવભાઇ મારા હૈયા માં વસે છે, મારા ગામના ભોળા માણસોને ધ્રુવભાઇ અને ઈશ્વર સિવાય કદાચ કોઈ આટલું નહિ જાણતું હોય. (ધ્રુવભાઇ, તમને જાણીને કદાચ વધારે આનંદ થશે કે હજી તે લોકો એવા ને એવા જ છે, “સમુદ્રાન્તિકે” જેવા)
    આભાર ધ્રુવભાઇ, મારી માટીને મારી સાથે ઓળખાણ કરાવવા બદલ.
    બાકીની વાત કદાચ રૂબરૂ કરીશું…. એક હૈયા ઉકેલતા લેખકને મારા સસ્નેહ નમસ્કાર.

  • Naresh Vaghela

    I have read “Akupaar, Atarapi ,Karnlok and Samudrantike” of Mr.Dhruv Bhatt and I think he is one of the best writer in the modern gujarati sahitya. The characters in their novels are extraordinary and some oneliners are forced you to think twice.

    !!! Khamma Dhruve Bhatt ne !!!

    Keep it up sir !!!