દસ મુકતકો.. – યાકૂબ પરમાર 8


જિન્દગીની ડાળખીઓ વિસ્તરે છે,
ને સમયનાં પાંદડાં ફૂટયા કરે છે,
વૃક્ષની લીલા નથી સમજી શકાતી,
ફૂલ ખીલે છે અને સાંજે ખરે છે.

દિલને વ્યાકૂલ કોઇ કયાં કરે છે ?
લાગણીનાં મુલ કોઇ કયાં કરે છે ?
એક વત્તા એકના સૌ બે કરે છે,
ભુલવાની ભુલ કોઇ કયાં કરે છે ?

વૃક્ષની પાછળ વળીને શું કરે છે ?
ખીણની અંદર ઢળીને શું કરે છે ?
સૂર્યનું તો કામ છે અજવાળવાનું,
વાદળાં સાથે મળીને શું કરે છે ?

ટાઢ ને તડકાની સાથે બાખડે છે,
ખીણમાં ને પથ્થરોમાં આથડે છે,
છેવટે પહોંચે નદી દરિયા સમીપે,
એમ કોને ચાલવાનું આવડે છે ?

છે કાચમાં અકબંધ, એ તસવીરમાં ઉભા હતા,
હસતા રહી નિર્બંધ, એ તસવીરમાં ઉભા હતા,
સાથે મળીને તાંતણા કેવા સરસ ગુંથ્યા હતા,
છોડી બધા સંબંધ, એ તસવીરમાં ઉભા હતા.

કેવી ખુદા દુનિયા બનાવી છે તમે ?
નોખી અજબ રીતે સજાવી છે તમે,
વિશાળ ગોટાળા થવા દીધા તમે,
જાણે કઇ રાણી મનાવી છે તમે.

મનને મનાવવાનું શીખી જવું પડે છે,
ખાલી સજાવવાનું શીખી જવું પડે છે,
અપમાનનાં પડીકાં કોઠે પડી જવાનાં,
કંઇપણ પચાવવાનું શીખી જવું પડે છે.

ઘણી વેદનાની પિયાસી બની છે,
ભરી જિન્દગી આ ઉદાસી બની છે,
ગુણો છો કે ભાગો તમારી ઉપર છે,
નવી રોજ ઉઠી ત્રિરાશી બની છે.

રોજના રસ્તા મુકીને કયાંક હું ભુલો પડું,
શોધવા મારાપણું હું ભીડથી છુટો પડું,
લક્ષણો મારાં બધાંયે દૂરથી જોઇ શકું,
શર્ટ કાઢું એમ મારી જાતથી જુદો પડું.

૧૦

કેક આઝાદીની અંગ્રેજો અહીં મુકી ગયા,
વ્હેંચશો કયારે બધાને લોક સૌ પુછી ગયા,
જે હતા આઝાદ ઝાઝા, એ જ તલવારો વડે,
ચોસલાં એ કેકનાં કાપી અને લૂંટી ગયા !

– યાકૂબ પરમાર

અક્ષરનાદ પર જેમની પદ્યરચનાઓ સમયાંતરે માણવા મળે છે તેવા યાકૂબભાઈ પરમારનો મુક્તકસંગ્રહ ‘હવાનાં રૂપ’ અમદાવાદના રંગદ્વાર પ્રકાશન તરફથી ૨૦૧૨માં પ્રકાશિત થયો હતો. આજે પ્રસ્તુત છે તેમણે અક્ષરનાદને પાઠવેલાં દસ સુંદર મુક્તક. છંદબદ્ધ અને રચનાની શિસ્ત સાથેની આ કૃતિઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


8 thoughts on “દસ મુકતકો.. – યાકૂબ પરમાર