સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી 5


કોઈપણ કાવ્ય જ્યારે તેનાં સ્વરાંકન થકી કાન દ્રારા આપણા અંતરના અસ્તિત્વ સુધી પહોંચે છે ત્યારે તે કાવ્યની તેમાં પ્રયોજાયેલા શબ્દોની કેટકેટલી અર્થઆયાઓ આપણી અંદરના હોવાપણાને જાગ્રત કરે છે, બેડો પાર કરે છે. ત્યારે સુખથી ય વિશેષ આનંદ અને પારાવાર પ્રસન્નતા મળતી હોય છે. કોઈપણ ભાષાની લયાત્મક કવિતાને જો સાચ્ચોસાચ પામવી હોય તો તેની સ્વરબદ્ધતા દ્રારા, સૂરતાલ-લયના માધ્યમે જ વધુ સારી રીતે પામી શકાય છે. મધ્યકાળના અસંખ્ય કવિઓની કવિતાઓ આનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

મધ્યયુગીન કવિઓને યાદ કરીએ ત્યારે તરત જ સ્મૃતિમાં – હૈયામાં ઝળહળી જતું એક નામ યાદ આવે, એ નામ એટલે મીરાં. (મીરાબાઈ) ખરે જ મીરાંનો શબ્દ વૈભવ આજે પણ તેના નાદવૈભવ થકી જ આપણી આસપાસ અંકબંધ છે. આ મીરાંનો અર્વાચીન યુગમાં સતત સાક્ષાત્કાર કરનાર કોઈ કવિ હોય તો તે આપણા વહાલસોયા કવિશ્રી રમેશ પારેખ છે. બીજા ઘણાં કવિઓએ પણ મીરાંમય રચનાઓ આપી છે. તેમાં આપણી ભાષાની સમર્થક સર્જક (પદ્ય-ગદ્યબન્નેમાં) કવિ શ્રી ભગવતી શર્માનું એક આવું જ મીરાં કાવ્ય આપણે આજે ‘આચમન’માં આચનમવું છે.આ રચનાનું સ્વરાંકન મુંબઈના, ઓછા જાણીતા સ્વરકાર શ્રી ઉદયન મારુએ કર્યું છે અને ઉત્તમોત્તમ સ્વરાંકન છે. આ સ્વરાંકનના સ્વરો જ એટલા બધા ભાવમય અને મીરાંમય છે કે આપણને સતત – સતત એ ગણગણ્યા કરવાનું મન થયા કરે એવું સુંદર – શ્રેષ્ઠ સ્વરાંકન છે.

તાજેતરમાં જ ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી (મુંબઈ) દ્રારા યોજાયેલા ગુજરાતી સ્વરકાર સંમેલનમાં પ્રતિભાવંત ગાયક શ્રી આલાપ દેસાઈ (શ્રી આશિત-હેમા દેસાઈના સૂરમય પુત્ર) એ હૈયાના ઉત્તમોઉત્તમ ભાવ સાથે આ ગીત – સ્વરાંકન પ્રસ્તુત કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી અને સ્વરકાર શ્રી ઉદયન મારુના આ સ્વરાંકનને અત્યતંત યોગ્ય અને ઉત્તમ સ્વર ન્યાય આપ્યો હતો. સ્વકારે આ ગીતમાં સૂરની એવી ઝીણી ઝીણી ખૂબીઓ મૂકી છે કે આખું સ્વરાંકન સાંભળતા જ આપણું હૈયું પણ મીરાંના ઘૂંઘરુની જેમ ઝૂમી ઊઠે. એ ગીત અને એના સ્વરાંકન વિશે વધું વાતો કરીએ તે પેલા ચાલો, આપણે સૌ કવિ શ્રી ભગવતીકુમાર શર્માની આ મીરાંમય શબ્દરચનાને માણીએઃ

આ પા મેવાડ અને ઓલી પા દ્રારિકા
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિનાં તે નામનાં મંજીરાં
બાજે રણકાર નામ મીરાં.

મીરાનાં તંબૂરાના સૂરે સૂરેથી વહે
ગેરુવા તે રંગનો વૈરાગ,
ભગવું તે આઢણું, ઓઢ્યું મીરાંએ
કીધાં જરકશી ચૂંદડીના લીરા!
સાચો શણગાર નામ મીરાં

રણને ત્યજીને એક નીસરે રે શગ
એને દરિયે શમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજયો
એને સમરી લીધા શ્રી રણછોડ
ઝળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીંટીમાં હીરા!
જીવતો ધબકાર નામ મીરાં.

સુરત નિવાસી કવિ શ્રી ભગવતીભાઈએ આ ગીતમાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રને મીરાંના માધ્યમથી એકસૂત્રે બાંધ્યું છે. આપણી આસપાસના મેવાડ અને દ્રારિકાની વચ્ચે મીરાં નામનો સૂનકાર – ધબકાર આપણને ઘણુંબધું સૂચવી જાય છે. મીરાંના મંજીરાનો રણકાર જો એક વખત આપણે ‘સાચા અર્થ’માં પામી જઈએ તો આ જીવતરનો ખાલીપો ક્યાંય દૂર-સુદૂર હડસેલાઈ જશે. પણ રૂપિયાના રણકાર વચ્ચે એ મંગલમય મર્મનાદ કોણ જાણે ક્યારેય આપણે સાંભળીશું?

મેવાડના મહેલની જરકશી ચૂંદડીનો ચળકતો વૈભવ એક ક્ષણનોય વિલંબ કે વિચાર કર્યા વગર મીરાં એક ઝાટકે છોડીને, એ દ્રારિકા તરફ અડવાણા પગે ચાલી નીકળે છે. મીરાં માટે તો એ ચૂંદડી, ચૂંદડી ક્યાં હતી? એને મન તો એ માત્ર કાપડના લીરા હતા. એનો સાચો શણગાર તો માત્ર શ્યામ જ હતો. મેવાડ એટલે રણ સૌરાષ્ટ્ર એટલે દરિયો. ભગવતીકુમારે અહીં રણ અને દરિયાના સંદર્ભો પ્રગટાવીને ઉત્તમ કવિકર્મ, કહો કે ગીતકર્મ કર્યું છે. આપણે કૃષ્ણમય બનીએ તો જ આપણી અંદર કરૂણા પ્રગટે અને તો જ હળાહળ ઝેર પણ ઝળહળ ઝળહળ અમૃત બની જાય એમ આપણી ચેતનાને ધન્ય ધન્ય થતી અનુભવાય છે. આમ દરેક યુગની મીરાં એને ત્રસ્ત કરવા રાણાઓ મથતા જ રહે છે. પરંતુ ક્યારેય રાણાઓ સફળ નથી રહ્યા. તેની સામે મીરાંનું વ્યક્તિત્વ પણ હંમેશ કૃષ્ણની સમર્થતામાં ઓગળતું જ રહ્યું છે. છે..ક મધ્યકાળથી પ્રારંભાયેલી અને મીરાં જેવી ભારતીય કવિયત્રી દ્રારા પુષ્ટ થયેલી અને પ્રસરેલી આ શબ્દચેતનાને, સ્વરાંકનના શ્રેષ્ઠ સ્વરોનાં શિખરે બેઠાબેઠા પામી શકાય તો પામીએ. અને તો જ આપણી અંદર પ્રજ્વલિત શગને આપણે દરિયામાં સમવી શકવાની સમર્થતા પ્રાપ્ત કરી શકીશું. પણ એને માટે મીરાંની જેમ અને મીરાં જેટલું મથવું પડે! બોલો, છે આપણી એટલી તૈયારી?!?

બિલિપત્ર

તને ગમું હું અને મને ગમે તું,
પ્રેમ તણા પદારથમાં ઓગળી ગયું ‘હું’
હું તું અને તું હું ની વાત મૂકીને ચાલ,
હવે આપણે થઈ જઈએ છૂ!

– શબ્દસૂરના સાથિયામાંથી સાભાર

પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના ‘ફૂલછાબ’માં પ્રસ્તુત થતા આસ્વાદ લેખોની શૃંખલા ‘આચમન’ ના લેખોના સંકલન પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લેવામાં આવી છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to Fahmida SHAIKHCancel reply

5 thoughts on “સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી

  • Dr.H.B.Parmar

    સ્નેહિશ્રી સંપદાક્શ્રી,

    મારે સ્વરચિત પ્રાર્થના પ્રસિદ્ધ કરવી છે,જરૂરી માર્ગદર્શન કરશોજી.
    આભાર,
    ડો.એચ.બી.પરમારરાજકોટ

  • Fahmida SHAIKH

    Good one.
    I remember poem of mirabai.
    Shu karvu che mare, shu karvu che?
    Hira manekne mare,shu re karvu?
    Moti ni mala Rana(devar of mira),shu re karvi che?
    Tulsini mala laine Prabhu ne bhajvuche re.
    Heer na cheer rana , shu re karva che?
    Bhagvi cheethrio peri mare farvu che re.
    Mahel ne mala rana, shu re karva che re?
    Jangal ma zupadie jaine mare vasvu che re.
    Bai Mira ke Prabhu,giridhar nagar,
    Amar chudalo laine mare farvu che re…….hira manek ne
    Mahel ne mala rana, shu re karva che re?

  • Vinod Patel

    જરકશી ચૂંદડીના લીરા કરીને ગેરુઆ રંગનાં વસ્ત્રો ધારણ કરી હાથમાં તંબુર લઈને દ્વારિકાને રસ્તે અડવાણે પગે ચાલી નીકળેલ કૃષ્ણ ઘેલી મીરાનું સુરતના કવિનું ભગવતીભાઈ કેટલું સુંદર શબ્દ ચિત્ર એમના આ કાવ્યમાં રજુ કર્યું છે !

    શ્રી મનોજ જોશીએ શબ્દોના સાથીયા પૂરીને આ કાવ્યનું એવું જ સુંદર
    આચમન કરાવ્યું એ ખુબ ભાવે એવું સ્વાદિષ્ટ છે.કવિ અને કાવ્યના આસ્વાદક ને ધન્યવાદ