પાણીપુરીનો પૉર્ટફોલિઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14


ગુજરાતમાં ફક્ત બે જ પ્રકારનાં લોકો રહે છે. એક કે જેમને પાણીપુરી ભાવે છે અને બીજા જેને પાણીપુરી બહુ જ ભાવે છે. એવું એકપણ ગામ નહી મળે જયા સ્વાદના સરનામા સ્વરરૂપ પાણીપુરીનો ખુમચો હાજરાહજુર ન હોય. એમાય તેમની કાચના ડબ્બામાં કે પછી વાંસના ટોપલામાં લાલ કપડા નીચે પુરીઓ ગોઠવવાની કળા ભલભલા માણસનો ઉપવાસ તોડાવવા માટે પૂરતી હોય છે.

પહેલાના જમાનામાં ઋષિઓનું તપ તોડાવવા ચિંતિત ઇન્દ્ર વારેઘડીએ અપ્સરાઓને મોકલવાની અને કામદેવને આરાધવાની મહેનત કરવાની જરૂર ન હતી. મેનકાની જગ્યાએ કોઇ મનસુખ પાણીપુરીવાળાને લારી સાથે એમની સામે ઉભો રાખી દીધો હોત તો તપ બાજુમાં રહી ગયું હોત ને એ પણ એક હાથમાં પડીયું લઇને કહેતા હોત, “ભૈયાજી ઓર તીખી.. ઓર તીખી.”

આ પાણીપુરીવાળાને “ભૈયાજી”નું ઉપનામ કદાચ પાણીપુરીના મોસાળ ઉત્તર પ્રદેશને કારણે મળ્યું હશે. રાષ્ટ્રભાષા હિન્દીને ભારતભરમાં બેન્કથી માંડીને સરકારી ઓફિસ સુધી રોજબરોજના ઉપયોગ માટે કમ્પલસરી બનાવવામાં આવી છે, પણ ત્યાં તો આપણે ગુજરાતીથી જ ચલાવીએ છીએ અને જ્યાં આપણે પાણીપુરીવાળાના પડછાયામાં આવીએ એટલે આપણો રાષ્ટ્રભાષા પ્રત્યેનો પ્રેમ અચાનક જ જાગી જાય છે. “ભૈયાજી, છેલ્લે મોરી પુરી દેના.” અથવા તો “હજી તો અઢાર… કી જ હુઇ હે” જેવા બ્રહ્મવાક્યો દરેક ખૂમચે ગૂંજતા જ હોય છે. આવડે કે નહીં, પાણીપુરીવાળા જોડે તો હિન્દીમાં જ બોલવાનો વણલખ્યો નિયમ દરેક ગુજરાતી સંપૂર્ણતઃ પાળે જ છે.

અમેરીકાના એક મોટા સ્ટોરમાં ૭ ડૉલરની ખરીદી કરી ૧૦ ડૉલરની નોટ આપતાની સાથે કાઉન્ટર ઉપર બેઠેલ વ્યક્તિએ કેલક્યુલેટરમાં ગણ્યું કે પાછા કેટલા આપવાના? એ જોઇને થયું કે મોસ્ટ ડેવલોપડ દેશોના આ ભણેલા અભણો, જો આપણા પાણીપુરીવાળાને એક સાથે ૬ જુદા જુદા વ્યક્તિઓને પાણીપુરી ખવડાવી હોય અને એ બધાનો જુદો હિસાબ મનમાં કરતા જુએ તો ક્યાંકતો એ લઘુતાગ્રંથિ (inferiority complex) માં આવી જાય અથવા તો એ લોકો સીધા જ એને અમેરીકા લઇ જઇ અકાઉન્ટ હેડ બનાવી દે.

ઘરમાં જમતા પહેલા બે વખત સાબુથી હાથ ધોતો માણસ પાણીપુરી ખાતા પહેલા આવી કોઇ ફોર્માલીટીમાં વખત બગાડવામાં માનતો જ નથી. ચોખ્ખો પાણીપુરીવાળો એવી કોઇ વ્યાખ્યા ગુજરાતી સાહિત્યમાં થઇ જ નથી કારણકે એની જરૂર જ પડી નથી. આ લેખને અહીજ અટકાવી જરા યાદ કરો તમે નિયમિત જતા હશો તો તમને એ પાણીપુરીવાળા ભૈયાનો ચહેરો યાદ નહી આવે કારણકે ખુમચા ઉપર અર્જુનની એકનિષ્ઠતાથી તમારું ધ્યાન પેલી પુરીઓ ઉપર જ હોય છે, બીજા કશામાં નહીં. વધી ગયેલા નખથી ગોળમટોળ પુરીમાં એક સરખા કાણા કરીને એ જયારે એમા બટાકા અને ચણાનો પ્રવેશ કરાવે છે ત્યારે એની સાથે સાથે આપણા હાથમાં રહેલ પડિયો પણ ઉચો થાય છે અને જયા એ સ્ટીલની પવાલી કે કાળા માટલામાં પોતાનો હાથ અડધો બોળીને પાણીનો સંયોગ કરાવે છે ત્યારે લપલપાતા જીવે ભલભલા માણસના મનમાં થઇ જાય છે કે “જે થવું હોય તે થાય.. હાયજીનનીતો હમણા કહું એ… ૧..૨..ને …સાડા ૩…”

હમણા એક મિત્ર કહેતા કે હાર્દિકભાઇ તમારા લેખમાં આમ થોડી ફિલસૂફી વાળી વાતો ખૂટતી હોય છે, બહું સાદું સીધુ લખો છો દોસ્ત.. તો લો એમના માટે થોડી ફિલસૂફી…

ભલભલા સંતો અને મહંતો કે પછી ટ્રેનરો ન શીખવાડી શકે તેવા ઘોર જીવનજ્ઞાન પાણીપુરી આપણને શિખવાડે છે. કોઇકવાર મોટી પુરી પાણીમાં તરબોળ થઇને હાથ વાટે મ્હોં સુધી પહોંચે એ પહેલા તો અજાણતાં જ તૂટીને નીચે છટકી જાય છે. ક્ષણ માંટે એની સામે જોઇએ ત્યાં તો પાણીપુરીવાળો હસીને કહે છે, “રહને દો ભાઇ… યે લો દુસરી..”

જીવનનું પણ આવું જ હોય છે, કયારેક આપણું બનતું કામ છેક અંતમાં આવીને બગડી જાય ત્યારે આ પાણીપુરીની ફિલસૂફી યાદ રાખવા જેવી છે.. આપણે એક પુરી છટકી જતા કંઇ પાણીપુરી ખાવાનું ત્યાંજ છોડી નથી દેતા… ઇશ્વર પણ પેલા ભૈયાજીની જેમ છૂટી ગયેલ તકની સામે નવી એથીય વધુ સારી તક આપીને આપણને કહે છે કે “રહને દો ભાઇ.. યે લો દૂસરી..” આશા છે કે મિત્રોને ફિલસૂફી ઓફ પાણીપુરી ગમશે.

આ તો વાત થઇ જીવનમાં દરેક વસ્તુમાંથી કશુંક મેળવાની ઇચ્છા ધરાવતા લોકોની, પણ પાણીપુરીના ચાહકને આવા કોઇ હરખ નહી હોં! એ તો આમ જતો હોય અને જયા ખુમચો દેખાય ત્યાં તો અઠે દ્વારિકા ની જેમ આપોઆપ બ્રેક વાગી જાય. એવું તો કયું આકર્ષણ હશે કે આપોઆપ સઘળા કામ બાજુમાં મૂકી, સામેથી પસાર થતા હજારો લોકો પર નજર પણ નાખ્યાં વગર બસ શરુ થઇ જાય એક અદ્દભૂત ઘટના “હું અને પાણીપુરી.”

પાણીપુરી એ રાષ્ટ્રીય ખોરાક તરીકે જાહેર થઇ શકે તે માટે દાવેદાર પણ છે. એ ગુજરાતમાં “પાણીપુરી” તો દિલ્હીમાં “પકોડી પુરી” બની જાય છે. ગોળ આકારની કરકરી પુરી (ગોલ) અને એક જ કોળીયે ખવાતી હોવાથી (ગપ્પા) એમ મલીને ઉત્તર પ્રદેશમાં “ગોલગપ્પા” બની જાય છે. આને ખાતા પુચક કરીને અવાજ આવતો હોવાથી આને બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં “પુચકા” તરીકે પણ ઓળખાય છે અને ઓરિસ્સા, દક્ષિણ ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં તે “ગુપચુપ” તરીકે પણ ઓળખાય છે.

પાણીપુરી સંપૂર્ણપણે સ્વદેશી વાનગી છે. અને એની ભારતીયતા એ બાબતે પણ સિદ્ધ થાય છે કે ભારતની દરેક ભાષામાં એના માટે નામ છે પણ તમે ઉપર ચડીને નીચે પડો તોય પાણીપુરીનું ઇગ્લીંશ નહી કરી શકો લો… કેટલાક વેદિયાઓ આ સાંભળી ને એને “વોટર બાઉલ” કે “એકવા બોલ” જેવા નામ આપવાના નિરર્થક પ્રયત્ન કરી ચૂક્યા છે. પણ પાણીપુરી જેનું નામ સ્વાત્રતા સંગ્રામના સમયથી સ્વદેશી ચળવળમાં એવી તો ભળી ગઇ છે કે એનું અંગ્રેજીકરણ શક્ય જ નથી.

હમણા વિદેશ પ્રવાસ દરમ્યાન અમેરીકામાં ન્યુજર્સીના એડિસનમાં એક રેસ્ટોરન્ટમાં પાણીપુરી જોઇ. ૧ ડોલરની ૧ પુરી સાંભળી ભારતીય મગજે સ્વભાવગત ૬૦ રુપિયાની ૧ પુરી એવું ગણિત ગણી લીધું. મનને મનાવતા ને પાણીપુરીના સન્માનમાં ૫ ડોલર સરકાવ્યા. પહેલીજ પુરી મ્હોંમાં મુકતા એ દેશના ભારતીયો પર દયા આવી અને બીજી જ ક્ષણે જો આ જ સારી માનતા હોય તો ખરેખર સારી પાણીપુરી આ દેશના લોકોને ખવડાવવામાં આવે તો કેટલા કરોડ ડોલરનો બિઝનેસ મળે તેની ગણત્રીએ ૩૦૦ રુપિયાની (૫ ડૉલરની) ૫ પુરીઓ પુરી કરી.

હમણા એક મિત્ર આપણાજ દેશમાં હાઇજીનીક પાણીપુરીના કોર્નર પર પરાણે લઇ ગયો. સફેદ એપ્રન પહેરેલ એક વ્યક્તિએ હાથમા ગ્લોઝ પહેરીને નાનકડી ભુંગળીથી કાણુ પાડી, ચમચી વડે બટાકા ચણા નાંખી, નળ માંથી ડિસ્ટીલ્ડ વોટરમાં બનાવેલ ફુદીનાનું પાણી ભેળવી એક્સાથે ૫ પુરીઓ ડિશમાં મુકી એની સાથે તેને ખાવા અમને ચમચી આપી ત્યારે અમારે હસવું કે રડવું એ ખ્યાલ ન આવ્યો. અમારા એક કવિ મિત્રએ તો આને ભારતીય પરંપરા પર થયેલા અનેક પશ્ચિમી આક્રમણોમાં સૌથી મોટું આક્રમણ ગણાવી એનો બહિષ્કાર પણ કર્યો. અંતે પાણીપુરીનો અનાદર કયારેય ન કરાય એવા ખરડાને અનુસરી પેલા દુકાનદારને ગાળો દેતા દેતા પણ હાથથી તેને ખાધી.

રસ્તાની એકબાજુએ ભીડથી અલિપ્ત થઇને ખવાતી પાણીપુરીની મજા જ કંઇક ઓર છે. એક રિસર્ચ કદાચ કોઇ મોટા સાઇકોલોજિસ્ટ કે વૈજ્ઞાનિકોએ કરવા જેવું છે કે જે પાણીપુરી ખુમચે ખાવામાં લિજ્જત આવે છે એજ પાણીપુરી પેક કરાવીને ઘરે લઇ જઇએ તો ય એટલી મઝા તો નથી જ આવતી.. ખરું ને?

એટલે તો પાણીપુરીના ખુમચાનો એક અલાયદો દરજ્જો હોય છે, અનેરું આકર્ષણ હોય છે. તો ચાલો લપલપાતી જીભે લેખ પડતો મૂકી ને નીકળો… જઇને એટલું જ કહેવાનું, “ભૈયાજી .. મસ્ત તીખી તમતમતી ખીલાના ઓર ચણે થોડે વધારે ડાલના…”

– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઘણા વખત પછી હાર્દિકભાઈ આજે ઉપસ્થિત થયા છે અને તે પણ પાણીપુરીની વાત સાથે… પાણીપુરીના ઈતિહાસને શોધવાની પળોજણમાં ઉતર્યા વગર તેમણે પાણીપુરીના વૈવિધ્ય, સ્વાદાનુસંગતિ, આકર્ષણ, ફિલસૂફી, જીવનદર્શન, યોગ્યતા, મોહ અને અનન્યતા વિશે પુરી ભરીને લખ્યું છે. જો કે તેમણે આપેલ પાણીપુરીની ફિલસૂફી સાથે મારે ઉમેરવાનું હોય તો કહું કે…. આજકાલ સાત વિવિધ પાણી સાથેની પાણીપૂરી મળે છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે, સપ્તપદીના સાત વચનો કે સરગમના સાત સુર કે મેઘધનુષ્યના સાત રંગો જેટલી જ એ દરેક પાણીની વિશેષતા છે. કર્મ કરવાની અને ફળની ચિંતા છોડવાની સ્થિતપ્રજ્ઞતા પાણીપુરી ખાઈ રહેલ કોઈ પણ મનુષ્યના ચહેરા પર જાણે બોલ્ડ યુનિકોડમાં લખાયેલ હોય છે, પાણીપુરીને અંતે મંગાતી સૂકી પૂરી કે ચૂરામાં મોક્ષની પ્રાપ્તિ જેવો અનેરો આનંદ રહે છે, એક કે બે પ્લેટ ખવાઈ ગયા પછી વધુ ન ખાવા દ્વારા ઉત્પન્ન થતો આત્મસંયમ…… પાણીપુરી એક આખું પુસ્તક છે. પાણીપુરીના સ્વાદ જેવો જ અદ્રુત આ લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર.


Leave a Reply to Jignesh DCancel reply

14 thoughts on “પાણીપુરીનો પૉર્ટફોલિઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક

  • મનીષ વી. પંડ્યા

    “અમારા અમદાવાદ” માં ૯૯.૯૯ ટકા દરેક શાકમાર્કેટ ના અંતમાં કે શરૂઆતમાં એક પાણીપુરીવાળા ભૈય્યાજી ની લારી ચોક્કસપણે હોવાની અને હોવાની જ. અહીં બહેનો શાકભાજીવાળાઓની સાથે દલીલ-રકઝક-ચર્ચા-ડિસ્કશન કરીને શાકભાજીના ભાવમાં ઘટાડો કરાવશે અને પછી બચાવેલ પૈસાની પાણીપુરી હોંશેહોંશે આરોગશે. પાણીપુરી આરોગ્યા પછી તેમના વદન પર મહાસંતોષની જે લાગણી દેખાય છે તે એકદમ અનેરી અને અનોખી હોય છે.

  • heena

    સોરેી મને હ્જ્જુ ગુજરાતેી ટાઈપિગ નથેી આવડ્તુ સરસ લેખ મ્ જા આવેી

  • Fahmida SHAIKH

    Good article.
    Mara matavye panipuri khavawala na havbhav par ek
    lekh lakhavo joie panipuri khavavalo paanch minite ma ketli badhi pratikriya aape che.hu hamesha je panipuri khai rahya hoy ene dhanpurvak jov chu. Sukh ane dukh nu aneru mishran. Aankho mathi chudhar Aasoo padva, haath halavva, siskyari o bharvi,be minitue viram levo, je disa ma ubha rahya hoy tenathi virudh disa ma fari javu, thali mathi kada niche padi deva, viram pachi Jane biju yuddh lad ani tayyari ane ema sauthi vadhu formality ke je saathe aavyu hoy tene khoob karan,anichha thi kehvu pehla tu le, are tu le, bicharo panipurivalo haaath ma biji puri lay ne ubho tyare teni dayniya sthithi. ….vagere. Pan pani puri ni kamal j evi ke………….congrates.

  • kiran

    Wow….Hardikbhai savar ma “pani poori” khadha jetlo “swadist” , “chatakedar”, mast articale……”pani poori chahak
    ni ane bhaiyaji ni jay ho”…..thankyou……

  • hansa rathore

    હું પાણીપુરી ખાસ ખાતી નથી પણ તમારો લેખ વાંચીને રસના રસથી તરબતર થઇ ગઈ , હવે તમારી નજરે ખાવી જોઇશે,
    ટેશડો પડી ગયો વાંચવામાં … chattakedar લેખ.

  • નિમિષા દલાલ

    “ભૈયાજી, રગડેમેં પાણીપુરી દેના …..” મારી એકદમ મનપસન્દ વાનગી… મોંમા પાણી આવી ગયું.. મને તો ગરમ-ગરમ રગડાવાળી પાણીપુરી બહુ જ ભાવે…