પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)


આ પહેલા ‘પથિક કોઈપણ કામ પુરું નથી કરતો’ શીર્ષક હેઠળ પ્રસ્તુત થયેલ ભાગ ૧ અને ભાગ ૨ ક્લિક કરીને વાંચી શકાશે. આજે પ્રસ્તુત છે બાળકની અયોગ્ય વર્તણુંકના કારણો સમજાવતો ત્રીજો મણકો.

આગળ આપણે જોયું કે પથિકની અયોગ્ય વર્તણુંકનાં ઘણાં કારણો હોય શકે અને દરેક કારણને વિગતે જોવાનાં આપણાં નિર્ણય સ્વરૂપે આજે પથિકનાં કિસ્સાના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણો ત્રીજો મુદ્દો હતો પથિકને ADHD અથવા HYPER બાળક કહી શકાય? જવાબ નક્કી કરતા પહેલાં જાણવું જરુરી છે કે બાળકને ADHD અથવા HYPER ક્યારે કહી શકાય? અથવા ADHD એટલે શું? ADHD એટલે Attention Deficit Hyperactivity Disorder. નામ જ સુચવે છે કે આ એક Disorder છે, મગજનાં કોમ્પ્યુટરમાં ઊભી થતી એક અવ્યવસ્થા જેના કારણે બાળક કોઈપણ કામમાં લાંબો સમય ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી. બાળક અવિરત ઉર્જાનો સ્ત્રોત છે અને આ ઉર્જા વાપરવી એ બાળકની જરૂરિયાત છે આથી ભલે એકાગ્રતાની ખામીનાં કારણે આમ કોઈ કાર્ય પુરું કરી ન શકતું હોવા છતાં બાળક સતત કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહેવા માંગે છે અને મોટાભાગે બીનઉપયોગી અને  નકારાત્મક પ્રવૃત્તિ કરતું રહે છે. બાળકને ADHD છે એવું તારણ કાઢતાં પહેલાં કેટલાંક ભયસ્થાનો તપાસી લઈએ.

  • અત્યારનાં સંજોગોમાં વાલીઓ તથા શિક્ષકો હાલતાં ચાલતાં બાળકોને ‘HYPER’નું બીરુદ આપી દે છે. જેટલી સહેલાઈથી બાળકને ‘HYPER’ કહેવાય છે, ‘HYPER’ હોવું એ એટલું સહેલું નથી અને સામાન્ય પણ નથી.
  • સાંભળવા મળતા આંકડા કરતા ઘણાં ઓછા બાળકોને ખરેખર ADHD હોય છે.
  • બાળક વધુ પડતુ તોફાન કરતું હોય, સોપેલું કામ પુરું ન કરતું હોય, એકાગ્રતાની ખામી હોય, એક જગ્યાએ ઠરીને બેસતું ન હોય એવાં તમામ સંજોગોમાં બાળકને ‘HYPER’(અતિસક્રિય) કરાર ન આપી શકાય.
  • બાળકની નકારાત્મક વર્તણુંક માટે જવાબદાર હોય તેવાં અન્ય કારણોની ઝીણવટ ભરી શોધ કરવી જરૂરી છે. બાળકની અતિસક્રિય વર્તણુંક માટે મહદ્અંશે જવાબદાર હોય તેવા કેટલાંક કારણો નીચે જણાવ્યાં છે. જેનો ઉપાય છે બાળકને વિચલિત કરતાં કારણોનું નિરાકરણ કરવું તથા આપણે આગળનાં લેખમાં BEHAVIOR MODIFICATION TECHNIQUE વિશે જાણ્યું તેનો અમલ કરવો.
  1. બાળક કોઈ કારણસર વિચલિત હોય (તત્કાળ કારણો)
  • ઘરમાં બીજા બાળકનો જન્મ થયો હોય
  • રહેઠાણ બદલાયું હોય
  • મિત્રો બદલાયાં હોય
  • મિત્રો સાથે અણબનાવ થયો હોય
  • ઘરમાં કોઈનું મૃત્યુ થયુ હોય
  • ઘરમાં કોઈને મોટી માંદગી આવી હોય
  • સ્કુલ બદલાય હોય
  • વર્ગ બદલાયો હોય
  • શિક્ષક બદલાયા હોય
  • કોઈકે ધમકાવ્યું હોય કે માર્યુ હોય
  • કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય………………વિગેરે વિગેરે…..
  1. બાળક વિચલિત રહેવાંનાં લાંબા ગાળાનાં કારણો
  • શિક્ષક ધમકાવતાં કે મારતા હોય
  • ઘરમાં કે શાળામાં બાળક પ્રત્યે પક્ષપાતી વલણ રખાતુ હોય
  • બાળકની અન્ય બાળક સાથે સતત સરખામણી થતી હોય
  • બાળકને વારંવાર ટોકવામાં આવતું હોય
  • બાળકને અન્યોની હાજરીમાં ઊતારી પાડવામાં આવતું હોય
  • બાળકની ક્ષમતા કરતા વધુ અપેક્ષાઓ રાખી એને સતત માનસિક તાણમાં રાખવામાં આવતું હોય
  • બાળકને એકસાથે ઘણીબધી પ્રવૃત્તિઓ શીખવાડાતી હોય અને દરેક પ્રવૃત્તિમાં એની પાસે શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા રખાતી હોય
  • બાળકને નવરાશનાં સમયે ખુલ્લાં મેદાનમાં સરખે સરખા ભેરૂઓ સાથે રમવાનો અવકાશ ન મળતો હોય
  • બાળક ભગ્ન કુટુંબનું સભ્ય હોય
  • બાળકનાં કુટુંબમાં ક્લેશ-કંકાસ હોય
  • બાળકને સાંભળવામાં કે જોવામાં (દ્રષ્ટિ) તકલીફ હોય
  • બાળક ઉપેક્ષિત રહેતું હોય
  • બાળકને વારંવાર મોંઘી વસ્તુઓ લાવી આપવામાં આવતી હોય
  • બાળકની ભૌતિક માંગણીઓ વારંવાર પૂરી કરવામાં આવતી હોય
  • ઘરમાં વડીલો ભૌતિક સુખસાધનો વિશે વારંવાર બાળકની હાજરીમાં ચર્ચા કરતા હોય
  • ઘરમાં વડીલો ભૌતિક સુખસાધનો બાબતે અન્યોની સાથે પોતાની સરખામણી કરતા હોય તથા અન્યોનું મુલ્યાંકન ભૌતિકતાનાં આધારે કરતા હોય……….વિગેરે વિગેરે….

બાળકને અતિસક્રિય ઘોશિત કરતાં પહેલાં એની નાનકડી દુનિયામાં બનેલી ઘટનાઓ, એની નજીકની વ્યક્તિઓ, એમની વર્તણુંક વિગેરે જાણવું જરૂરી છે. બાળક જ્યારે આવા કોઈ કારણસર વિચિત્ર વર્તન કરતું હોય તો તે પરિસ્થિતિ હંગામી છે. બાળક અમુક ચોક્કસ સમયે, અમુક ચોક્કસ વ્યક્તિની હાજરીમાં, અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ અતિસક્રિયતા દર્શાવે છે. એ ચોક્કસ સમય, વ્યક્તિ કે પરિસ્થિતિ સમાપ્ત થતાં બાળકની અતિસક્રિયતા પણ કાબુમાં આવી જાય છે. આવાં બાળકોને ADHDનું લેબલ ન લગાડી શકાય.

ADHD ક્યારે કહી શકાય?(લક્ષણો)

  • પ્રકાર-1: જેમાં બાળક બેધ્યાન રહેતું હોય

બેધ્યાનપણાનાં લક્ષણો-

  • બાળક તદ્દન નજીવી ભૂલો કરે અને વારંવાર કરે
  • બાળક ઘરકામ પર ધ્યાન કેન્દ્રીત ન કરી શકે
  • બાળક પહેલું કામ પુરું કર્યા વગર જ બીજું કામ કરવા માંડે વળી એ છોડીને કંઈક ત્રીજું જ કરવા માંડે
  • બાળકને સંબોધીને, એની સામે જોઈને વાત કરીએ તો પણ ન સાંભળે અથવા બેધ્યાન રહે
  • બાળક આપેલી સૂચનાઓનું પાલન ન કરી શકે
  • બાળકનું કામ, એની વસ્તુઓ હંમેશા અવ્યવસ્થિત હોય અને સાથે રહી મદદ કરી શીખવવામાં આવે તો પણ બાળક એને વ્યવસ્થિત કરતાં શીખી ન શકે
  • બાળક વારંવાર પોતાની વસ્તુઓ ખોઈ નાખે
  • બાળક એવા કામ કરવાનું ટાળે જેમાં લાંબો સમય એકાગ્રતાની જરૂર પડતી હોય અથવા સતત બુધ્ધિનો ઉપયોગ કરવો પડતો હોય
  • વારંવાર યાદ કરાવવા છતાં બાળક પોતે કરવાનાં કામો ભૂલી જાય
  • બાળકનું ધ્યાન તદ્દન નજીવા કારણોસર વિચલિત થાય (અતિ ચંચળ/gets distracted very easily)
  • પ્રકાર-2: જેમાં બાળક અતિસક્રિય/અતિઆવેગપૂર્ણ રહેતું હોય

અતિસક્રિયતા તથા અતિઆવેગનાં લક્ષણો-

  • બાળક એટલું બધું સક્રિય રહે કે બાળક બાળક નહી પણ મશીન હોય તેવું લાગે
  • બાળક સતત બેચેન રહે
  • વારા પ્રમાણે કરવાની પ્રવૃત્તિમાં બાળક પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ ન જોઈ શકે
  • બાળક વારંવાર લાઇન તોડે, નિયમો તોડે
  • પ્રશ્ન પૂરો સાંભળ્યાં પહેલાં જ બાળક જવાબ આપવાનું શરૂ કરી દે જે અસંગત પણ હોય શકે
  • બાળક અતિશય અને સતત વાતો કરે, બોલવાની જરૂર ન હોય તેવાં વખતે પણ બોલ્યાં કરે
  • બાળક ગમે તેટલાં પ્રયત્નો કરે તો પણ એક જગ્યાએ બેસી ન શકે, સતત હલન-ચલન કરતું રહે અને જગ્યા બદલતું રહે
  • બાળક અતિશય દોડે/ભાગે અને ગમે ત્યાં ચઢી જાય
  • બાળક ચાલુ ક્લાસે બીજાઓને ખલેલ પહોચાડે કારણ એ કોઈ કામ શાંતિથી અને ધ્યાનપૂર્વક કરી જ ન શકે
  • બાળક સતત બીજી વ્યક્તિઓની વાતચીત તથા પ્રવૃત્તિ દરમિયાન ખલેલ પહોંચાડે અને ઘુસણખોરી કરે
  • બાળકને સતત કશેક જવાની ઉતાવળ હોય તેવું લાગે
  • બાળક દિવાસ્વપ્નોમાં રાચે

ઉપર જણાવેલાં લક્ષણો એક યા બીજા સમયે આપણાં સૌમાં જોવા મળે છે પણ ADHD ધરાવતાં બાળકોમાં આ લક્ષણો હંમેશા અથવા મોટાભાગે જોવા મળે છે જેના કારણે તેઓ સામાન્ય જિંદગી જીવી શકતા નથી અને અન્યોને પણ ખલેલ પહોચાડે છે. મગજનાં કોમ્પ્યુટરની આ અવ્યવસ્થાને કારણે આ બાળકો ક્યારેક હતાશ તો ક્યારેક ઉગ્ર, ક્યારેક ચિંતાગ્રસ્ત તો ક્યારેક વ્યાકુળ/અકળાયેલાં રહે છે.

ADHDનું નિદાન:

ADHDનાં નિદાન માટે બાળકમાં ઉપર જણાવેલાં બધાં જ લક્ષણો હોવા જરૂરી નથી. કેટલાંક બાળકોમાં માત્ર પહેલાં પ્રકાર પૈકી પાંચ કે તેથી વધુ લક્ષણો હોય તો તેવાં બાળકોમાં બેધ્યાનપણું પ્રબળ હોય. કેટલાંકમાં બીજા પ્રકાર પૈકી સાત કે તેથી વધુ લક્ષણો હોય તો તેવા બાળકોમાં અતિસક્રિયતા/અતિઆવેગપણું પ્રબળ હોય. ત્રીજા પ્રકારમાં પહેલાં તથા બીજા બંને પ્રકારમાંથી થોડાં થોડાં એમ મિશ્ર લક્ષણો હોય તો એવાં બાળકો બેધ્યાન પણ હોય અને અતિસક્રિય પણ હોય.

અન્ય ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો-

  • આ લક્ષણો બાળકમાં તે સાત વર્ષનું થાય ત્યાં સુધીમાં દેખાય
  • બાળકની ઉંમરનાં અન્ય બાળકો કરતાં આ લક્ષણો ADHD બાળકમાં ઘણાં તીવ્ર હોય
  • સળંગ ઓછામાં ઓછા 6 મહિના કે તેથી વધુ સમયથી બાળક આ પ્રકારની વર્તણુંક કરતું હોય
  • બાળકની જિંદગીનાં ઓછામાં ઓછા બે ક્ષેત્રે આ લક્ષણોની નકારાત્મક અસર પડતી હોય (શાળા/ઘર/મિત્રો વિગેરે…)

ADHDનાં નિદાન માટેનાં જરૂરી લક્ષણો બાળકમાં છે જ એવી ખાત્રી થયા પછી બાળકને એક સારા બાળરોગ નિષ્ણાંત, એક સંવેદનશીલ માનસિકરોગ નિષ્ણાંત તથા એક માનસશાસ્ત્રીની સંયુક્ત સારવાર અપાવવી જરૂરી છે.બાળકની સારવાર દરમિયાન ઘરની દરેક વ્યક્તિનો તથા શિક્ષકોનો સાથ-સહકાર અત્યંત આવશ્યક છે. બાળકને દવાઓ તથા બાળઉછેરની હકારાત્મક પધ્ધતિઓ, એમ દ્વીપાંખી સારવાર આપવી આવશ્યક છે. બાળઉછેરની અનેક હકારાત્મક પધ્ધતિઓમાની એક BEHAVIOR MODIFICATION TECHNIQUE છે જે આપણે વિગતે ગયાં લેખમાં વાંચી જ છે. અન્ય કેટલીક સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે.

  • બાળક કંઇક સર્જનાત્મક કરતું હોય ત્યારે એનું ધ્યાન વિચલિત ન થાય તેની કાળજી રાખો
  • બાળકને સ્પષ્ટ અને ટૂંકી સૂચના આપો
  • બાળકની સૌથી તીવ્ર અને નકારાત્મક વર્તણુંક બદલવાને પ્રાધાન્ય આપો
  • બાળકને વધુ સમય આપો
  • બાળકને સમય-પત્રક બનાવવામાં મદદ કરો અને એ સમય-પત્રક પ્રમાણે ચાલવામાં સાથ આપો
  • બાળકનામાં હકારાત્મક શિસ્ત કેળવો
  • કુટુંબભાવના વધુ દ્રઢ બનાવો
  • બાળકને કેળવવાંના પ્રયાસમાં ઘરનાં અન્ય સભ્યોની તથા શિક્ષકોની મદદ લો
  • બાળકની વર્તણુંક વિશે વાત કરતા હોવ ત્યારે એનાં વર્તનનાં હકારાત્મક પાસાંની પ્રથમ ચર્ચા કરી ત્યારબાદ જ જે વર્તણુંક બદલવાની હોય તેની ચર્ચા કરો
  • ADHD વાળાં અન્ય બાળકોની ભાળ મેળવી એક ગ્રુપ બનાવો જેથી કાર્યક્ષમતા વધશે
  • બાળકની અન્ય ક્ષેત્રે પ્રતિભા શોધી એને પ્રોત્સાહિત કરો
  • બાળકને ક્રૂર શિક્ષા ન કરો
  • ADHD વિશે બાળકને સમજ પડે તેવી રીતે સમજાવો. ‘કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી’ તેમ તે પણ નથી એવું બાળકને સમજાવ્યાં પછી એનાં ઉપાયો વિશે સમજાવો.
  • બાળકને છાવરો નહી પરિસ્થિતિનો સામનો કરતા શીખવાડો
  • ધ્યાન રાખો કે પોતાની તકલીફ જાણ્યાં પછી બાળક બહાનાંખોર ન બની જાય
  • બાળકને પોતાની શક્તિઓ શોધવામાં મદદ કરો
  • બાળકે કરેલાં કાર્ય વિશે તુરંત પ્રતિભાવ આપો
  • બાળક સાથે મળીને દૈનિક/અઠવાડિક ધ્યેય નક્કી કરો અને મોટા ધ્યેયને નાનાં નાનાં ધ્યેયમાં વિભાજિત કરી દરેક પગથિયે બાળકને પ્રોત્સાહિત કરો
  • યાદ રાખો કે બાળક ઈચ્છવા છતાં પણ પોતાની વર્તણુંક પર કાબુ નથી રાખી શકતુ. બાળકનાં મુખ્ય કેન્દ્ર(મગજ)માં જ ગરબડ છે

ADHD સંપૂર્ણપણે મટી શકતું નથી પણ યોગ્ય દવાઓ તથા બીહેવીયર થેરાપીથી પરિસ્થિતિ મહદ્અંશે કાબૂમાં લાવી શકાય છે. ADHD બાળકોના બુધ્ધિઆંક સામાન્ય હોય છે.

ADHDની તબીબી સારવાર નિષ્ણાંત ડોક્ટર પાસે કરાવવી આવશ્યક છે. ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે જેનો યોગ્ય ઉપયોગ જરૂરી છે

ADHDનાં કારણો

  • ADHD નબળાં બાળઉછેર, વધુ પડતી મીઠાઈ કે કોઇ રસી આપવાનાં કારણે નથી થતું
  • ADHDનાં કોઇક જીવવૈજ્ઞાનિક મૂળ જરૂર છે પણ શું છે તે હજી સ્પષ્ટ નથી થયું. સંશોધકો કેટલાંક પ્રયોગો પછી એવાં તારણ પર જરૂર આવ્યાં છે કે ADHD આનુવાંશિક હોય શકે કારણ કુટુંબમાં એકને હોય તો કુટુંબના નજીકનાં સગામાં એનાં મૂળ મળી આવે છે.
  • બાળક ગર્ભમાં હોય ત્યારે માતા જો ધુમ્રપાન કરે તો બાળકને ADHD થવાની સંભાવના અનેકગણી વધે છે
  • અન્ય કારણોમાં અધૂરાં મહિને જન્મેલાં બાળક, ઓછા વજન સાથે જન્મેલાં બાળક, જન્મ દરમિયાન માથાંમાં ઈજા પામેલાં બાળકમાં ADHD થવાની સંભાવના વધુ રહેલી છે.
  • જે બાળકો નાની ઉંમરથી ટીવી જુએ છે અથવા કોઈ પણ પ્રકારનાં સ્ક્રીન-મોબાઇલ,કોમ્પ્યુટર,ટેબ્લેટ વિગેરેનો ઉપયોગ કરે છે(બાળકને આવાં સાધનો હાથમાં પકડાવવાં તે પણ ઉપયોગ જ ગણાય) તે તમામ બાળકોને ADHD થવાની સંભાવના અનેકગણી વધી જાય છે એટલે જ અમેરિકન એકેડમી ઓફ પીડીયાટ્રીક્સે એક ગાઇડલાઇન બહાર પાડી છે જેમાં વાલીઓને 2 વર્ષથી નાના બાળકોને કોઈપણ પ્રકારનાં સ્ક્રીન સામે ન રાખવાનું ભારપૂર્વક સૂચન કરેલું છે. 2-7 વર્ષનાં બાળકોને એક અથવા વધારેમાં વધારે બે કલાક સુધી સ્ક્રીનનો ઉપયોગ કરવા દેવાનું સુચવ્યું છે.
  • છોકરીઓ કરતાં છોકરાંઓમાં ADHDનું પ્રમાણ ત્રણગણું વધારે જોવા મળે છે.

ખોરાક અને ADHD

  • પ્રીઝરવેટીવ્સ, ફૂડ કલર્સ, ફૂડ એડીટીવ્સ, આર્ટીફીશીયલ ફ્લેવર્સ, પેસ્ટીસાઇડ્સ,પ્રોસેસ્ડ ફૂડ વિગેરે ADHDની પરિસ્થિતિને ઉત્તેજીત કરી શકે અથવા બગાડી શકે
  • ખોરાકમાં/શરીરમાં કોઇ રીતે લેડ ભળતું હોય તો ADHD થઈ શકે
  • પ્રોટીનયુક્ત ખોરાક ફાયદાકારક છે
  • સરળ સ્ટાર્ચનું ઓછુ પ્રમાણ ને જટીલ સ્ટાર્ચનું વધુ પ્રમાણ ફાયદાકારક છે
  • તાજાં શાકભાજી તથા ફળ ફાયદાકારક છે
  • ઓમેગા-3 ફેટી એસીડ પર તાજેતરમાં થયેલાં સંશોધનો સૂચવે છે કે ઓમેગા-3 ફેટી એસીડ લેવું અતિ આવશ્યક છે.

– ડૉ. નીના વૈદ્ય

આપનો પ્રતિભાવ આપો....