તહેવારોનું સ્નેહ સંમેલન.. દિવાળી – વિનોદ માછી 4


દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ – આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

ધનતેરસ –

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી, કળીયુગમાં તો ધન ભેગું કરવા માટે આંધળી દોટ મૂકાય છે. આડા અવળા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોતરે છે. લક્ષ્મીપૂજન કરવાનું પ્રયોજન એ છે કે આપણા ધનનો સદઉ૫યોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.. જો દાન, પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદઉપયોગ કરીશું તો આપણા ઘરે લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે. દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.

લક્ષ્‍મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શ્રાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય. જ્યારે લક્ષ્મીજીના શ્રાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા આવ્યા, પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.

ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી. લક્ષ્‍મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે. ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોયના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ન મળે.. આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી, ભારતીય દ્દષ્‍ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે, ગયા જન્મના યોગભ્રષ્‍ટ જીવાત્માઓ છે.

શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્‍ટોડભિજાયતે

લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી.. સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત.. ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી… અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી.

કાળીચૌદશઃ

કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે, એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી.. સદાચારી બનાવે છે. મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યમાં રહેલા કુવિચાર.. દુર્ગુણ તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ,સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી, પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે, ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને દૂર કરવાના છે. ૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ… સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ… રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.

દિવાળીઃ

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે. વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં આશાનો દીપ પ્રગટાવવાનું પર્વ છે. સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે. રાગ – દ્વેષ, વેર – ઝેર, ઇર્ષ્‍યા – મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.

દિવાળીના દિવસે લક્ષ્‍મીપૂજન કરવામાં આવે છે. લક્ષ્મીપૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને. જે દાનપુણ્ય કરી લક્ષ્મીનો સદઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્‍મી તરફ પૂજ્ય દ્દષ્‍ટિ કેળવવાની છે. દિવાળીએ ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ = દીવડો અને આવલી = હારમાળા)

દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે. જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે. આનાથી આનંદ.. આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.

દિવાળીના દિવસે બહાર દીવા તો પ્રગટાવવાના છે જ, ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટવો જોઇએ. દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી. દિવો એ જ્ઞાનનું પ્રતિક છે. મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.

નૂતન વર્ષ (બેસતું વર્ષ)

બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે… વીતેલાં વર્ષની તમામ કડવાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.
આજે માનવે માનવને મારવાની શોધ કરી છે, નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે. માણસ મંગળ સુધી પહોંચ્યો છે, પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.

પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે. મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જૂની આદતો, ખરાબ વિચારોને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિરસંવતનું વર્ષ ચાલુ થાય છે.

ભાઇબીજ –

આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે. બલીરાજા દાનવીર હતા. આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે. આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે. ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્‍ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે. બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી.

સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયા

નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને… સહુ શાંતિમય જીવન જીવે એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ… નૂતન વર્ષના નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

– વિનોદ માછી


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “તહેવારોનું સ્નેહ સંમેલન.. દિવાળી – વિનોદ માછી