ત્રણ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 15


૧.

મારગ લાંબો પગમાં છાલાં,
જાત્રા થાશે રોચક વ્હાલા.

ફૂલો ખીલ્યા છે કંઈ એવા,
રહી ગઈ બાજુ પર જપમાલા.

સાત નગરના સ્વામીને પણ
કોળિયાના કાં પડ્યા લાલા?

હક માટે પણ નિત કરવાના
‘ટેબલ’ પાસે કાલાવાલા!

મારગ એનો પળમાં ખૂટે,
ચાલે જેઓ ઠાલેઠાલાં.

અંગુલિઓ અંધ થઈ એવી,
કપાસ છોડી વીણે કાલાં.

કૃષ્ણ જનમની વાટ જુએ છે,
કારાગાર તણાં સૌ તાલા.

૨.

હાથમાં તો વેદ રાખો છો તમે,
ને હ્રદયમાં ભેદ રાખો છો તમે.

જે ગુમાવ્યું એ તમારું ક્યાં હતું?
આટલો કાં ખેદ રાખો છો તમે?

ચાંગળું જળ તો કદી આપ્યું નથી,
સિંદુની ઉમ્મેદ રાખો છો તમે?

થાવ છો ક્યાં વ્યક્ત ખુલીને કદી,
કેટલુંયે કેદ રાખો છો તમે.

પાત્ર તો એણૅ દીધું અમૃત ભરી,
પાડીને કાં છેદ રાખો છો તમે?

૩.

રણમાં ઝરણાની સમાધિ પણ મળે,
ને નદીમાંથી વિરાની પણ મળે.

અવગણો છો નેસડો સમજી તમે
એના કણકણમાંથી કાશી પણ મળે.

જેમની ગણના શરીફમાં થાય છે,
એના ઘરમાંથી બુકાની પણ મળે.

એકલો બિન્ધાસ્ત ચાલી નીકળે,
માર્ગની એને સલામી પણ મળે.

માળિયું ફંફોસતા ફંફોસતા,
કૈં વરસ જૂની કહાની પણ મળે.

ધૂળમાં બેઠો ભલે ‘રાકેશ’ એ
કાલ એને રાજગાદી પણ મળે.

– રાકેશ હાંસલિયા

ગત મહીને રાજકોટમાં જેટલો આનંદ રાકેશભાઈને મળીને, તેમના પુસ્તક સંગ્રહને જોઈને અને ખાસ તો તેમના સરળ સ્વભાવને લીધે તેમની સાથેની વાતોએ આપ્યો એ અવર્ણનીય છે. આજે પ્રસ્તુત છે તેમની વધુ ત્રણ સુંદર, છંદની પૂર્ણ શિસ્તમાં લખાયેલી, સાદ્યાંત માણવાલાયક ગઝલરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રાકેશભાઈ હાંસલિયાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


15 thoughts on “ત્રણ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા