બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની 10


Harnish Jani Nu Diaspora Hasya Rachna Vishwa‘ક’ ભાનું મૂળ નામ ઘણાં લોકોને ખબર નહોતું. ઘણાં લોકોને તેમનું પુરું નામ જાણવાની પડી નહોતી. તેમ છતાં તેમનું નામ કમળાકર પ્રભાકર વૈદ્ય હતું. ‘ક’ ભાઈ મારી ફોઈના દિકરા હતા. એમની ઉંમર મારા બાપુજીના જેટલી હતી. કહેવાતું કે ફોઈ તેમને જન્મ આપીને સુવાવડમાં જ મરી ગયાં હતાં. મારાં દાદીમાએ મારા બાપુજીની સાથે સાથે એમને ઉછેર્યા હતા. આથી મામા – ભાણેજ વચ્ચે તું – તાં નો સંબંધ હતો.

ત્યારે મારી સોળેક વરસની હશે. મેં મારા બાપુજીને પુછ્યું, “આ ‘ક’ ભાઈને પોતાનું ઘર છે ને ઘરે હસુભાભી છે છતાં જુઓ ત્યારે આપણે ઘેર કેમ હોય છે?” મારા બાપુજીએ કહ્યું, “‘ક’ ને જ પુછને!’ મેં જ્યારે ‘ક’ મોટાભાઈને એ સવાલ કર્યો ત્યારે એ કહે, “તારા બાપનો તો મારા પર બહુ મોટો ઉપકાર છે. અમે નાના હતા ત્યારે કરજણ નદીના ઓવારા પરથી હુ તણાઈ ગયો હતો ત્યારે તારો બાપ કૂદી પડ્યો હતો અને મને ખેંચી લાવ્યો હતો. એને માટે તો હું બધું કરવા તૈયાર છું. તેણે મને બચાવીને નવું જીવન આપ્યું છે.”

તે દિવસ પછી જેમ જેમ હું તેમને જોતો ગયો તેમ તેમ લાગવા માંડ્યું કે એ ખરેખર મારા બાપુજીને માટે બધાં નાનાં મોટાં કામ કરતા. કામ કરવામાં ગૌરવ અનુભવતા. મારા બાપુજી ‘ક’ ભાઈના વર્તનથી કંટાળી ગયા હતા. ‘ક’ ભાઈ મારા બાપુજીનું કોઈપણ કામ કરવાની તક જતી કરતા નહોતા.

બાંધી દડીનું, નીચા ઘાટનું મજબૂત શરીર, મોઢા પર દેખાતાં શીળીનાં ચાઠાં, હોઠના ખૂણા પર સફેદ કોઢનો ડાઘ, જમણીબાજુના સેંધાવાળું માથું એમને એક આગવું વ્યક્તિત્વ આપતા તેમની સફેદ કફની અને ધોતિયું, તેમનો ઓરિજિનલ કલર છીંકણીના કારણે ગુમાવી દેતા. કફનીના ગજવાની ધાર ઉપર કથ્થાઈ રંગના લસરકા દેખાતા. ધોતિયામાં છીંકણી લૂછ્યાના ડાઘ દેખાતા. નાક નીચે ચોંટેલી છીંકણી સામી વ્યક્તિને ચોક્કસ ખૂંચે. આ છીંકણીની ટેવ તેમને મોસાળમાંથી મળી હતી. એમના મામા-મામીઓ છીંકણી સૂંઘતા. એકબીજાંને પોતાની આગવી ડબ્બીઓ બતાવતાં. કોઈની પાસે કોતરેલી ચાંદીની ડબ્બી હતી તો કોઈની પાસે સુખડની હતી. દાદીમા પાસે હાથીદાંતની હતી. કયા ગાંધીને ત્યાં સારી છીંકણી મળે છે તેની વાતો થતી. મોટાકાકા તો ચપટી કેવી ભરવી અને નાક પાસે કેવી રીતે રાખી ઊંચા શ્વાસે ચઢાવવી તેની ચર્ચા કરતા. ‘ક’ ભાઈને કાળક્રમે આ બધાના ગુરુ બન્યા હતા.

મારા જીવનમાં આ વ્યક્તિએ કોઈ અગત્યનો ભાગ ભજવ્યો નથી. એમ કહી શકાય કે રોજિંદા જીવનમાં બનતી નાની મોટી ઘટનાઓએ મારા મન પરથી કદી ન ભૂંસાય એવી છબી કંડારી દીધી છે. આ જણ પાંચ સાત ચોપડી ભણ્યો હતો. વાક્ચાતુર્ય તો ઠીક પણ સાદાં વાક્યો પણ પૂરાં બોલતા નહોતા. તે અજાતશત્રુ નહોતા. પરંતુ તેમને કોઈની સાથે દુશ્મનાવટ કરવાની હિંમત નહોતી. એમને ગુસ્સે થતાં મેં જોયા નથી. તેમને ખોટું લાગતું. તેમને ખોટું લાગે તેની તમે નોંધ ન લો તો એ પાછા આવીને તમને કહી જાય કે તમને કહી જાય કે તેમને ખોટું લાગ્યું છે. આવી પરિસ્થિતિ થતી તેનું કારણ ‘ક’ ભાઈ બાફતા બહુ પણ તે કોઈ બદઈરાદાથી નહીં પણ સામાન્ય બુદ્ધિના અભાવને કારણે.

‘ક’ ભાઈનું શરીર મજબૂત. તેમાં પણ લોકોના ધક્કા ખાવામાં તેમને આનંદ આવતો. તેમને ચાલવાનું બહુ જોઈએ. ગામનાં બધાં મંદિરોમાં જતા અને ત્યાં નાનાં મોટા કામ કરતા. કહેવાય છે કે નાનપણમાં તેમને ટોન્સિલનું ઓપરેશન કરવું પડ્યું હતું ત્યારે નટવરલાલ ડૉકટરે તેમને ઘેનની શીશી સુંઘાડી આંક બોલવાનું કહ્યું સામાન્ય રીતે વ્યક્તિ નવ દશ સુધીમાં બોલતામાં બેભાન થઈ જાય. ત્યારે ‘ક’ ભાઈ ૯૫ સુધી બોલી ગયા હતા. દાદીમાને નવાઈ લાગી કે ‘ક’ ભાઈને ૯૫ સુધી આંક આવડે છે!

‘ક’ ભાઈની બીજી લાક્ષણિકતા તેમનો ખોરાક હતો. તેમને દરેક જાતનું ખાવાનું ભાવતું. તેમાં પણ શ્રાદ્ધપક્ષમાં એક એક દિવસનું ‘બ્રાહ્મણ’ તરીકેનું આમંત્રણ સ્વીકારતા અને દરેકને ઘેર ખાવાનું ખૂટાડતા. એમના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત હતી. એમને ચ્હા પીતા જોવાનો લ્હાવો હતો. અમારે ઘેર તે ચ્હાનો કપ પિત્તળની થાળીમાં રેડી અને આખી થાળી મોઢે માંડી આંખના પલકારામાં તેનો નિકાલ લાવતા. મારી બા કહેતી, ‘ક’ મોટાભાઈને ભગવાને અન્નનળીની જગ્યાએ પત્તરાનું ભૂંગળું ગોઠવ્યું છે.’

ભાઈને મામાઓની સિફારશથી ગામની મ્યુનિસિપાલિટીની ઓફિસમાં નોકરી મળી હતી. ગામમાં રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં પૂરવામાં આવતા. ‘ક’ ભાઈએ સાંજે ત્યાં જઈ ઢોરના માલિક પાસેથી દંડની રકમ વસૂલ કરીને રસિદ આપી દેવાની. બીજે દિવસે રસિદનો હિસાબ ઓફિસમાં આપી દેવાનો. હું નાનો હતો ત્યારે ‘ક’ ભાઈની આંગળી પકડી, પાંજરાપોળાને દરવાજે ચઢીને ગાયો, બકરીઓ જોયાનું મને યાદ છે.

આ મ્યુનિસિપાલિટીનું મકાન અમારા ઘરની સામે જ હતું. ‘ક’ ભાઈ ઓફિસમાં બેસવાની જગ્યાએ અમારે ઘરે આવે અને મારા બાપુજીની આજુબાજુ ફર્યા કરે. કદિક મારી બાને શાકભાજી લાવી આપે. તેમના બોસ રાજુ બક્ષીએ મારા બાપુજીને કહ્યું ‘આ તમારો ‘ક’ સ્માર્ટ છે. ઓફિસમાં મેજ અને ગાદી તકિયા પાસે પોતાનાં ચપ્પલ ઉતારીને બહાર જતો રહે છે. એનાં ચપ્પલ જોઈને મને થાય છે કે તે ઓફિસમાં જ હશે!’

જ્યારે મારા બાપુજીએ ‘ક’ ભાઈને ટોક્યા ત્યારે ‘ક’ ભાઈ કહે જો મામા, તારું કામ પહેલાં પછી મારી નોકરી. તું છે તો હું છું. તે મારો જીવ બચાવીને મને જીવનભરનો ગુલામ બનાવી દીધો છે.

મારા બાપુજી કહે, ‘એમાં મેં ઘાડ નથી મારી અને એ વાતને ઘણાં વર્ષો થયાં હવે ભૂલી જા.’

‘જો હું એ ભૂલું તો નગુણો ગણાઉં’ એ વાત ‘ક’ ભાઈ ગામ આખામાં લોકોને કહેતા. ‘ક’ ભાઈ સમાજ સેવક નહોતા. પરંતુ લોકોના સંપર્કમાં સતત રહેતા. કોઈને ત્યાં લગ્ન હોય તો મહિના પહેલાં કામ માટે પહોંચી જતા. જેથી તેમને કોઈએ આમંત્રણ ન આપવું હોય તો પણ આમંત્રે.

મરણ પ્રસંગ પણ તે એટલો જ સાચવતા. રડનારાં રડે. પરંતુ ‘ક’ ભાઈ વાંસ કપાવી લાવે, કાથાની દોરી, લાલ કપડું, કંકુ, નારિયેળ, ફૂલ, ધૂણાતું છાણું અને લટકતી તાંસણી એ બધાની વ્યવસ્થા કરી દે. સ્મશાનમાં નાસ્તા માટે જલેબી અને ભૂસું જોઈએ તે માટે કોઈ છોકરાને દોડાવી દે. શબને નવડાવવની બૂમો પણ તે પાડી દે. આ બધું તે રમતમાં કરી દે. ગમે તેવા સગાના મૃત્યુ ટાણે પણ મેં તેમને રડતા નથી જોયા. હા એટલું બોલે ‘આ બહું ખોટું થયું.’

‘ક’ ભાઈના સાતેય મામાઓએ તેમને આમ જનસેવા કરવાની ઘણી મના કરી હતી. પરંતુ ‘ક’ જેનું નામ તે કોઈનું શું સાંભળે? એક દિવસે મારા બાપુજીએ ઘરમાં વાત કરી કે નવો મામલતદાર લાંચ માંગે છે અને ખેડૂતોને ત્રાસ આપે છે.’ક’ ભાઈ પણ ત્યાં હતા. બે-ત્રણ દિવસ પછી મામલતદાર મારા બાપુજીને રસ્તામાં મળી ગયા. મામલતદારે જણાવ્યુ ‘ તમારો ભાણો મારી ઓફિસમાં મારું અપમાન કરી ગયો છે.’

મારા બાપુજી ‘ક’ ભાઈ પર ચિઢાયા ‘ક’ ભાઈ કહે ‘મામા, તને કોઈ દમે તે હું સહન ન કરું. તારો તો મારા પર ઘણો ઉપકાર છે.’

આ પ્રસંગની મારા બાપુ પર એટલી અસર થઈ કેે એક દિવસ અમે બે એકલા બેઠા હતા અને વાત કરતા હતા ત્યારે મારા બાપુજી કહે, ‘આ ‘ક’ થી હું થાકી ગયો છું. દિલનો ભલો માણસ. પરંતુ એનો પીછો કેવી રીતે છોડાવવો?’

મેં કહ્યું, ‘વાત બહુ સીધી ને સરળ છે. તમે એમનો જીવ બચાવ્યો છે, તેવી રીતે તમારો જીવ બચાવે તો તમે બંને સરખા ગણાવ.’

મારા બાપુજી કહે, ‘આવી મુરખ જેવી વાત ન કર. આ બધા કાચી ઉંમરના તુક્કા છે.’

હું સોળ વરસનો હતો મને મારી ઉંમર કાઈ નહોતી લાગતી. એટલે મેં એક પ્લાન બનાવી કાઢ્યો. મેં વિચાર્યું કે ‘ક’ ભાઈને નદીએ લઈ જઉં અને ડૂબવાનો ડોળ કરું. ‘ક’ ભાઈ કુદીને મને બચાવે. થઈ ગયો હિસાબ ચોખ્ખો.

ઉનાળાના વેકેશનમાં નદીનો ઓવારો છોકરાઓથી ભરાઈ જતો. વહેલી સવારથ નહાવા-તરવાનું ચાલું થઈ જતું. સામાન્ય રીતે દર વર્ષે કરજણ નદી કોઈનો ભોગ લેતી. એક વખતે કોઈ અજાણ વ્યક્તિ ઓવારાના પોલાણમાં ડૂબી જાય પછી વધુ ગિરદી થતી. ભોગ ન લેવાય ત્યાં સુધી મારી બા મને એકલાને તરવા નહોતી જવા દેતી. આ વરસે હજુ નદીએ ભોગ લીધો નહોતો.

એક સવારે સાત વાગ્યે હું ‘ક’ ભાઈને ઘેર ગયો. તેમને કહ્યું, ‘આજે મારા મિત્રો દેવેન્દ્ર અને યોગેશ તરવા નથી આવતા. જો તમે સાથે આવો તો મારી બા મને નદીએ જવા દે’, મારી કોઈ વાતની ‘ક’ ભાઈના ન પાડતો. મારા માટે જાતે દૂધ ગરમ કર્યું અને પિવડાવ્યું. અમે બંન્ને નદી તરફ પ્રયાણ કર્યું. ઓવારા પર માત્ર બેચાર જણ હશે. ‘ક’ ભાઈ ઓવારાના છેલ્લા પગથિયે પાણીમાં પગ ડૂબાડીને ધોતિયું ન પલળે એમ બેઠા.મેં કિનારે થોડાં છબછબિયાં કર્યા, મેં મોટેથી બૂમો પાડીને વાતો કરીને તેમનું ધ્યાન મારા પર કેન્દ્રિત રાખ્યું. પછી તેમને ખબર પડે તેમ બડાઈ મારતાં કહ્યું, ‘જુઓ હું ઊંડે જઈને ડૂબકી મારું છું’ તે મને રોકે તે પહેલાં તો હું દશ પંદર ફૂટ દૂર પહોંચી અને ડૂબકી મારી પછી મારાથી પૂરેપૂરું સપાટી પર અવાતું નથી એવો ડોળ કરી. ‘ક’ ભાઈના નામની બૂમ પાડી પાણીમાં જતો રહ્યો. વળી પાછો ઉપર આવીને પાણીમાં ફૂંકો મારી પરપોટા કરવા લાગ્યો. ઊંચા હાથ કરી, આંખો ફાડીને ‘ક’ ભાઈ તરફ જોઈ બૂમો પાડી. ”ક’ ભાઈ બચાવો બચાવો, ડૂબું છું’ મેં જોયું તો ‘ક’ ભાઈ ઊભા થઈને ઓવારા પર દોડાદોડી કરતા હતા. ‘અલ્યા કોઈ એને બચાવો, પેલો ડૂબે છે.’ બે છોકરાઓ ખૂબ દૂર હતા. નજીકમાં કોઈ હતું નહીં. મેં પાછી ‘ક’ ભાઈના નામની કારમી ચીસ પાડી અને પાણીમાં ડૂબકી મારી અને કોઈ આવે કે ન આવે ‘ક’ ભાઈ પહેરેલે કપડે પાણીમાં કૂદી પડ્યા. અત્યાર સુધી બધું મારા પ્લાન પ્રમાણે થયું. પરંતુ આ પ્લાનમાં એક કડી ખૂટતી હતી. ‘ક’ ભાઈને હજુ સુધી તરતા આવડતું નહોતું.

બૂમો પાડવાનો વારો ‘ક’ ભાઈનો હતો. ‘ક’ ભાઈ વધારે પાણી પીએ તે પહેલાં હું તેમના તરફ ઘસી ગયો. તેમની પાછળ જઈ નીચેથી પગ પકડી કિનારા તરફ ધક્કો માર્યો. પહેલા પગથિયા સુધી ઘસડી ગયો અને ઊંધા વળી એટલે ‘ક’ ભાઈ ધીમેથી મારા તરફ જોઈને બોલ્યા, ‘આજે તું ન હોત તો મારું શું થાત.’ વિના વિચારે મેં તેમને ધક્કો મારીને પાણીમાં પાછા નાંખ્યા.

– હરનિશ જાની

ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ ની પ્રસ્તાવનામાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે, ‘હાસ્યની નવ્વાણું તરકીબ અસ્તિત્વ ધરાવતી હોય તો હરનિશભાઈ એકસો આઠ જાણે છે.’ હાસ્યરચનાઓના એમના બે સંગ્રહમાંથી પસંદ કરેલી રચનાઓની ભાવસૃષ્ટિના પરિચયને નિમિત્ત બનાવીને ડાયસ્પોરા વિભાવને કલાત્મક અભિવ્યક્તિ અર્પવાના એમના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નને અવલોકવાનો અનુક્રમ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાં થયો છે. હરનિશભાઈ હવે ફક્ત ડાયસ્પોરા વર્તુળ પૂરતાં જ નહીં, સમગ્ર ગુજરાતી વાંચકવર્ગ માટે અદના હાસ્યલેખક પૂરવાર થયા છે. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી આજનો લેખ સાભાર લેવામાં આવ્યો છે. ‘ક’ ભાઈનું પાત્રનિરુપણ, તેમની સેવાવૃત્તિ, ઉપકારનો બદલો વાળવાની તેમની મહેચ્છા અને એ નિમિત્તે થતી પ્રસંગશૃંખલાઓ દ્વારા હાસ્યનિરુપણ અહીં કરાયું છે. તરવાનું આવડતા હોવા છતાં ડૂબવાનો ઢોંગ કરતા લેખકને બચાવવા તરતા ન આવડતું હોવા છતાં કૂદી પડવુ એ તેમની સેવાવૃત્તિની ચરમસીમા દર્શાવે છે અને એ પ્રસંગ હાસ્યરસ પણ પૂરે છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ નો ખૂબ આભાર.


Leave a Reply to Hemal VaishnavCancel reply

10 thoughts on “બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની

  • NAVIN BANKER

    હું તો હરનીશભાઇનો સદા પ્રશંસક રહ્યો છું અને છેલ્લા થોડા સમયથી અમે પત્રમિત્રો પણ બની ગયા છીએ.હરનીશભાઇ એક ઉત્તમ હાસ્યલેખક છે એમાં બે મત નથી. સદા હાસ્ય ફરકાવતા ચહેરામાં એમને જોવા અને લાક્ષણિક શૈલિમાં બોલતા સાંભળવા એ એક લહાવો છે.
    નવીન બેન્કર

  • Hemal Vaishnav

    આ હાસ્ય લેખ નથી …ઍથી ઘણુ વધારે છે …ખુબ સરસ ….ખુબ જ સરસ …મને સ્વ. બકુલ ભાઇ ત્રિપાઠીની યાદ આવી ગઈ .

  • Natubhai

    મને લાગે છે કે રાજકારણમાં સરસ તરતાં આવડનારે કેટલાક ‘ક’ ભાઈઓને ધક્કો મારતાં આમાંથી શીખવું જોઈએ.

  • MD.Gandhi, U.S.A.

    સરસ હાસ્યલેખ છે, તેમાં પણ, છેલ્લી લાઈન લખીને તો જાણે સીકસર મારી અને અમારા જેવા અમ્પાયરોએ આઠ રન આપી દીધા…. આજ તો આ હાસ્યરલેખની ખુબી છેને…..

  • નિમિષા દલાલ

    હરનિશભાઈનું આ પુસ્તક મને એમના તરફથી ભેટ મળ્યુ છે .. આ પહેલા મેં એમનો હાસ્યલેખ સંગ્રહ સુશીલા પણ વાંચ્યો છે અને તેનો પરિચય પણ આપ્યો હતો.. મને હંમેશા એક સવાલ થતો હતો કે ભારતની બહાર ગુજરાતીઓ કઈ રીતે રહેતા હશે .. તેના જવાબ રૂપે ગુજરાત્મિત્ર સમાચાર પત્રની બુધવારની પૂર્તિમાં તેમનો લેખ આવ્યો છે.. એમના કટાક્ષથી ભરેલા હાસ્યની હું બહુ મોટી પ્રશંસક છું… મને હાસ્ય વાંચવા કરતાં જોવું ગમતું હતું.. પણ હરનિશભાઈના બે પુસ્તક વાંચ્યા પછી હવે હાસ્ય વાંચવું પણ ગમે છે…

    આભાર જિજ્ઞેશભાઈ…

  • jacob

    સરસ રેખા ચિત્ર. ક ભાઇને પાણીમાં બીજીવાર લેખકે બચાવીને વાર્તાની જેમ સરસ ચોટ લાવ્યા.

  • ashvn desai

    ફરજ પદે ચ્હે , પન હન્સાબેને જરાક દેખરેખનમા કદક થવુ પદશે
    – શુભેચ્ચ્હાઓ અને અપેક્ષાઓ સાથે
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • ashvn desai

    સદાબહાર હરનિશ જાનિ આપના અવ્વલ દરજ્જાના હાસ્યકાર ચ્હે
    બ્રુહદ ગુજરાતના સદભાગ્યે એમનિ જિવનયાત્રા રાજપિપલાથિ શરુ થઈને
    સુરત – અતુલ વગરે નાના નાના પદાવો દેશ્મા પાર કરિને અમેરિકાના જ્યુ – જરસિમા સ્થિર થઈ હોવાથિ , બ્રુહત ગુજરાત્ને ખુબ જ મોતા ફલક ઉપર ફેલાયેલિ એમનિ વૈવિધ્યસભર રચનાઓ હવે પચ્હિ અવિરત મલતિ રહેવાનિ કારન્કે આ હાસ્યશિરોમનિએ આપના બધાના સદભાગ્યે ભર જુવાનિમા નિવ્રુત્તિ લૈને કલમ્ને ખોલે માથુ મુકિ દિધુ ચ્હે , અને હન્સાબેને ઉદારતા પુર્વક એમને તેમ કરવા દિધુ ચ્હે , હવે એમને દિવસ્ના ૮ કલાક લખવાનિ