આજ મેં કૈલાસ દીઠો ! – સ્વામી પ્રણવતીર્થજી 5


સવારે પાંચ વાગે અમે સજ્જ થઈને બહાર નીસર્યા, ને – “ડાક્ટર જુઓ!” હર્ષ અને આશ્વર્યથી દબાયેલે કંઠે મારાથી બોલાઈ જવાયું.

ડાક્ટરના મોંમાંથી ઉદગાર નીસરી પડ્યો, ‘ઓ હો!’

ગુર્લા અને માંધાતાનાં પ્રચંડ શિખરોની હિમચાદર ઉપર સૂર્યે બાલકિરણનાં પ્રેમબાણ ફેંક્યાં હતાં અને આંખ અંજાઈ જાય એવો શુભ્ર ઝળઝળાટ એ ભીમકાય શૃંગો ઊપર ઝગી રહ્યો હતો!… બસ, રૂપનો જ મહિમા, રૂપ, રૂપ ને રૂપ! અરે, બધા રંગોનો સરવાળો, એ જ શ્વેત કે બીજું કાંઈ? અને શ્વેતમાંથી બધા વર્ણો ઉદભવે છે, કે બીજા કશામાંથી? નાનપણમાં મેં જોડેલું એક જોડકણું યાદ છે-

સાત રંગ થાય, રૂડા નભમાં સોહાય તોયે,
સરવાળે શ્વેત રંગ એક જ છે.
રંગે પ્રેમમૂર્તિના પ્રેમ સૌ રંગાય, એવે
એકતાનો ભેદ સરળ છેક છે,
હા પ્રાણસખે ! પ્રેમના અનેક રંગ એક છે.

Kailash north

– તેથી જ સર્વ રૂપનો આ રાશિ છે, ભંડાર છે, મૂલ સ્ત્રોત છે અને તેથી જ કરૂણાવતાર ભવાનિપતિ ભગવાન ભવ કર્પૂરગૌર છે, કે જેમાંથી બધું સંભવે-ઉદભવે છે. પરમ રૂપતત્વનો લવલેશ ઝીલીને સર્વ રૂપાળી ચીજો બને છે. આ વાત માત્ર શૃંગોની થઈ, પણ તેમની વચમાં વચમાં, આ ઝગી રહ્યા અનન્ત શા હિમવિસ્તારો, નર્યા રૂપના સાગરો!

જુઓ તો આ છાયા – આતપની રમત. એક શૃંગ શુદ્ધ તાવેલી ચાંદીનું સુરેખ અને શંકરના મહાવિશાળ ભવ્ય બાણ જેવું, ઝળહળી ઉઠયું. થોડીવારમાં એની સૂરત પલટાઈ ગઈ અને એની નિષ્કલંક શુભ્રતા તમાં મોટાં કાળાં ગાબડાં દેખાયાં – જાણે એ વસ્તુ જ નહીં! અને અન્યત્ર ઘડીમાં જ્યાં ધોળાં કાળાં ધાબાં હતાં ત્યાં લખલખાટ દૂધના દરિયા અને માખણનાં પુંજ બની ગયાં. વળી બીજે, જ્યાં નકરી ચાંદી ભરી હતી ત્યાં પહાડોના દિદાર ચીંથરિયા પીર જેવા થઈ ગયા. હા, ચીંથરાં ખરાં, પણ અગ્નિશુદ્ધ ચાંદીનાં ચીંથરાં, મેલાંઘેલાં નહીં. આ ડુંગરા તો જુઓ, માથે ધોળી ટોપી ઓઢે ને શરીરે ફાવે તેમ બેજવાબદાર રીતે આડીઆવળી ઊભીત્રાંસી તોઈઓના લીરા લટકાવે. એવું, ક્ષણે ક્ષણે નવતા ધારણ કરતું ભગવાન ભવનાથનું નિત્ય નવીન રૂપ છે.

અમે હિમાલયની શ્રેણીને સોંસરી પાર કરી છે, એટલે એનાં અગણિત ગગન ગોઠ્યાં શિખરોને અમારી પશ્વિમે અને દક્ષિણે પાછળ રાખીને અમે આગળ નીકળી આવ્યા છીએ. તેથી, મોટાં મોટાં બરફના-બરફીના ઢગસમાં શૃંગો અમારી ત્રણે તરફ હસી રહ્યાં છે. ઉત્તરદિશામાં અમારી નજીક ઉપસેલા માટી કાંકરાના ટેકરાની દ્રષ્ટીને આવરોધે છે, નહીં તો ત્યાંપણ એવાં જ દ્રશ્યો હોત અગ્નિ ખૂણેથી અમને આ ગુર્લામાંધાતારૂપી ચમત્કાર અત્યારે મુગ્ધ કરી રહ્યો છે.

અમે ઝટ ઝટ પરવારીને જમી લીધું. એ મહતકાર્ય કર્યા પછી જ ઉપડવાની વાત. જે મળી શક્યું તે ગોદામ આવી ગયું, તે બધું બાંધ્યું -રુધ્યું. પછી “ઘોડા” આવ્યા. વાહ ઘોડા! એને નામે આવ્યા બે ઝુભુ, ને બે ગધેડાં! દેવસિંગની દેખરેખ નીચેનો પહાડીઓનો સંઘ જે અમારી સાથે ચાલવાનો છે, તેમના સામાન સહિત અમારું આ ગર્દભ -બળદનું ઘણ થયું. પણ આ ઝુભુ પણ દેખાવે એમના માલિઅક હુણિયા જેવાં પિચાશ સરખાં, છતાં મજબૂત અને ઉપયોગી પ્રાણીઓ છે.

અમારો સામાન જે ગરબ્યાડમાં ૧૧૮ રતલ હતો તેમાં ફુગાવો આવ્યો અને ૧૯૪ રતલ બની ગયો! બરાબર જ હશે, પરંતુ આ સ્ર્પિંગનાં તોલિયાંનું એવું કહેવું છે કે કાંટે કાંટે સાથે હોય તો પૂરતો થઈ પડે.

અસ્તુ. અમે તો પડ્યા રસ્તે. અહિંથી બે પ્રકારના પરવાના બનાવવા પડે છે. એક અહીંના જિલ્લાધીશનો અને બીજો ચીની કોમ્યુનિસ્ટ પોલીસથાણાનો. જિલ્લાધીશ સાહેબનું મુખ્ય થાણું મંડીની ઉપર આવેલા ડુંગરને માથે છે, પરંતુ એમની ચોકી મંડીથી દહોડેક માઈલ છેટે, કૈલાસની વાટે, કરનાળી નદીને સામે પાર છે. નજીકમાં કરનાળી સાથે તકલાકોટવાળી નદીનો સંગમ છે, એ સ્થળે કેટલોક સમય થયાં બૌદ્ધ ઉત્સવ ચાલે છે. જોડપન સાહેબ અત્યારે ત્યાં ગયા હતા ને કોમ્યુનિસ્ટ અધિકારીઓ તકલાકોટ ગામમાં સિધાવ્યા હતા. આ પાસ બનવાનું કામ ભોમિયો સંભાળી લઈ શકે છે. અમે એ કામે દેવસિંગને મોકલીને કરનાળીનો પુલ ઓળંગીને રાહ જોતા બેઠા. સંગમ આગળ ચાલતા ઉત્સવમાં વાગતાં વાજિંત્રોના નાદ અમને સંભળાતા હતા. નદીને તકલાકોટ વાળે પાસે જોવા જેવો દેખાવ છે. માટી-કાંકરાના ભૂત જેવા સળંગ ઊભા ખડકોનાં પડખામાં અનેક ખાડાખબડા જેવી ગુફાઓ છે. લામાઓ તેમજ અન્ય લોકઈ ગુફાઓનાં મોં આગળ નીચે ટેકા મૂકીને છજાંઝરૂખા બાંધી દીધાં છે અને ઘણે સ્થળે ભીંતો ભરી લઈને પાકાં મકાનો જેવા દેખાવ કર્યા છે.આવાં અનેક ગુફા- ઘરો પહાડને પડખે ઉપર, નીચે એમ યથેચ્છ બની રહેલા, વિચિત્ર દેખાવ આપે છે. લામાઓ અને તેમનાં ચેલાચેલીઓથી આ મકાનો ભરેલાં દેખાયાં. આ ગુફાગ્રામનું નામ છે ગુકુડ.

દેવસિંગને વાર થઈ ને અમે તડકે તપીને ઊકળવા આવ્યા. હવા ચાલતી ન હોય ત્યારે તડકો દુઃસહ થઈ પડે છે. દેવસિંગે કહાવ્યું કે તમે ચાલતા થાઓ ને હું આવી પહોંચું છું. એટલે અમે તરત તેમ કર્યું ને પડ્યા કૈલાસની વાટે. અમે ધરતીને છાપરે ચાલીએ છીએ! આખો તિબેટ ૧૨ થી ૧૬ હજાર ફીટ ઊંચો છે. આકાશની વાદળીઓ અમને તડકછાંયડી કરાવતી હતી. અમે અહીં પહેલી વાર નવાં ખંધારી પગરખાં પહેર્યાં હતાં. એણે પગ નીચેનાં ધૂળ રેતી, કાંકરા અને પથરાની અમને સતાવવાની કોશિશને નિષ્ફળ બનાવી છે.

એકાદ માઈલ છેમો ગામ આવ્યું. ત્યામ મેં વિચિત્ર દ્રશ્ય જોયું. વાડો બાંધીને બહુ કાળજીથી ઊછરેલાં વૃક્ષોનું નાનકડું વૃંદ અમે આ ભૂમિમાં પહેલું જ દીઠું. શ્રી નરમણિભાઈ પોતાના વૃતાંતમાં લખે છે કે આ ઉંબરાનાં ઝાડ છે. વડ, પીપળો અને ઉદુંબરે પૌરાણિક કૈલાસનાં વૃક્ષોમાં ગણાયાં છે, એટલે જો સાચે જ એ ઉદુંબર હશે, તો પુરાણને એટલી પુષ્ટિ મળી!

આ વાટમાં સ્થળે સ્થળે પથરાના ચબૂતરા ખડકેલા છે અને એ પથરાઓ ઉપર તિબટી લિપિમાં તિબટી મહામંત્ર મણિપદ્મે હ્રૂઁ હ્રીઁ કોતરેલો છે. આ લિપિ જરા ખૂણાખચકાળા અક્ષરોવાળી નાગરી જ છે અને થોડા આયસે વાંચી શકાય છે. એ ઉપરાંત બીજા મંત્રો અને સ્તોત્રો પણ સફાઈથી કોતરેલા છે. અહીં એવી રસમ ચાલે છે કે માર્ગ વચ્ચે ઊભેલા આવા મંત્રાંકિત પથરાના લાપ્છે કહેવાતા ચોતરાઓની ડાબી તરફ જ ચાલવું જોઈએ. ટેકરાઓની ટોચો ઉપર તેમ જ મેદાનમાં સ્થળે સ્થળે, ઘેરા હરદ્વારી ગેરુ જેવા રંગે રસેલાં મઠનાં મકાનો મેં જોયાં. ઘણે સ્થળે વાટને પડખે નાનામોટા ચપટા પથરા ખડકીને ચોરસ ચૈત્યો ઊભા કરેલા છે, તેને ચોરતેન કહે છે.

આ મણિમંત્રનો શો અર્થ? સ્પષ્ટ અર્થ છે. ઓમ્ તો સર્વ સામાન્ય પરમાત્માવાચક પદ છે. મણિપદ્મે એટલે હદયકમલમાં વિરાજતો મણિ અર્થાત ઇષ્ટદેવ. એ ઇષ્ટનું સ્થાન આપણે ત્યાં પણ હદય કમળમાં કહેલું છે. એ સ્થળે, ઇષ્ટના સાનિધ્યમાં, મારો વાસ હજો,એ ભાવ આ મંત્રનો છે. અને હ્રીઁ એ શક્તિ સૂચક બીજમંત્ર છે. આ મંત્રના સૌ પોતપોતાની રુચિ અનુસાર અર્થ કરે છે.

આવા મંત્રાકિત પથરાઓમાંથી એકાદ નમૂનો ઉપાડી લેવાની મને વૃત્તિ તો થઈ, પરંતુ કોઈ ભક્તે ભાવપૂર્વક મૂકેલી એવી શિલાને સ્થાનભ્રષ્ટ કરતાં મારુ મન કબૂલ્યું નહીં. શ્રી નરમણિજીને એવી એક સમચોરસ પંદરઈંચની શિલા પ્રાપ્ત થઈ હતી તે વડોદરાના પુરાતત્વવિદ્યાના તે સમયના અધિકારી હીરાનંદ શાસ્ત્રીએ વાંચીને કહ્યું હતું કે એ ત્રિધસૂક્ત મહાયાન સૂત્રના ગ્રંથનું એક પાનું છે. તિબેટમાં મહાયાન પંથ પ્રવર્તે છે. એ તાંત્રિક શાક્તપંથથી મિશ્રિત છે. લગભગ મોટા ભાગની બૌદ્ધ દુનિયા એને અનુસરે છે, તેથી તે મહાયાન કહેવાયો છે.

તિબેટમાં સર્વત્ર એક ચકરડું ફેરવીને જપ કરવામાં આવે છે. ચીનમાં પણ તેમ જ છે. બર્મામાં મેં એ રીત ન જોઈ. નાનાં છોકરા પહેલા ચીચોડો ફેરવતાં, તેવી રીતનું આ યંત્ર છે, પણ અવાજ નથી કરતું. તેના ડાબલામાં અનેક વાર લખેલા મંત્રવાળું કાગળિયું રહે છે. દરેક ચક્કરે એટલા જપ કર્યાનું પુણ્ય ફેરવનારને મળે છે. એવી એમની માન્યતા છે.

એકાદ માઈલ પછી આવ્યું ટોયો ગામ. ત્યાં એક વિશાળ ચોરસ ચૈત્ય દીઠું. એ આઠે’ક હાથ ઊંચું હશે. એની ધારે ધારે કેટલાય ટોડા ઊભા કરેલા છે, તેથી એનો દેખાવ અનેક ટોડાવાળી મસીદ જેવો લાગે છે. ચારે પડખાં દસ દસ હાથનાં હશે ને આખું લાલ ગેરૂઆની ઊભી પટીઓથી રંગેલું છે. એ કહેવાય છે કાશ્મીરી યોદ્ધા જોરાવરસિંહનું સ્મારક. સ્વા. પ્રણવાનંદના તેમ જ સ્વેન હેડિનના લખવા પ્રમાણે,આજથી એક સદી પહેલાં ઈ.સ. ૧૮૪૦ માં કાશ્મીરના આ તીરે તિબેટ ઉપર ચડાઈ કરી હતી. મૂળ લદાખ પ્રાંત તિબેટનું અંગ હતો, પરંતુ આ સેનાનીએ તેને જીતી લીધો,ત્યારથી એ કાશ્મીરનો એક ભાગ છે.જ્યારે જોરાવરે તિબેટનો ઘણો મુલક જીતી લીધો, પરંતુ છેવટમાં ચીનાઓની કુમક લઈને આવેલા લ્હાસાના લશ્કર સાથે લડતાં એ આ સ્થળે પડ્યો. એના શૌર્યની કદરમાં અહીંની વસતિએ એનું આ સ્મારક રચ્યું છે ને એનું ઘણું માહાત્મ્ય માને છે.આની પાસે ભોંય ઉપર એક ચપટ પથરો છે. આવતાજતા ભોટિયા અને હુણિયા એ પથરા ઉપર પગ ઘસે છે.

અહીં ઉપરાછાપરી બે ત્રણ ખોરડાં આવ્યાં, એક મોટું ગેરૂઆ રંગનું મઠનું મકાન અને તેને અંગે બે ચાર ખોરડાં, એવું છે આ ગામડાંનું રૂપ. એ વસતિ પણ ખેતી અંગે છે. ડુંગરાના ઢોળાવો તથા ખીણોમાં જવ અને વટાણાને રૂપાળાં નાના વહેળા પણ આમતેમ ઘૂમે છે. એક તો ખાસ્સી નાની નદી અમે પુલ વાટે પાર કરી. બીજા ગામમાં પણ મેં પેલાં વૃક્ષોના નાના ઘેરા દીઠા, આનું પાછા વખતે જરા વિગતે નિરીક્ષણ કરીશું.

ચારેક માઈલના તડકાથી સંતપ્ત બનેલા પ્રવાસ પછી એક વહેળો મેદાનને ચીરતો અમને મળ્યો. ત્યાં અમે વિસામા માટે બેઠા. સામેથી ઊતરી આવતો એક સંઘ પણ ત્યાં વિશ્રાંતિ લઈ રહ્યો હતો. એક ઘોડા પાસે એની લગામ પકડીને, જરા વિચિત્ર વેશભૂષાવાળી દાઢીધારી પણ ભગવં વસ્ત્રોવાળી એક વ્યક્તિના અમને દર્શન થયાં. એ હતા સ્વામી પ્રણવાનંદજી, કે જેમણે વીસથી વધારે વર્ષો થયાં આ ભૂમિને વતન બનાવ્યું છે અને જેમનો પ્રચાર કૈલાસયાત્રાની વધતી લોકપ્રિયતા માટે ઘણે અંશે જવાબદાર છે. એ એક બંગાળી કુટુંબને યાત્રા કરાવીને તકલાકોટ સુધી પાછું વળાવવા નીકળેલા એ. સ્વામીશ્રી સ્વયંજ્યોતિતીર્થજીના એ પરિચિત છે અને હ્રષિકેશમાં ૩૦-૩૫ વર્ષો પહેલાં એમના થયેલા છેલ્લા મિલનનું આ સ્વામીજીને આ પ્રસંગે સ્મરણ થયું. તે વખતે મુની કી રેતી વાળા સ્વામી શિવાનંદજીની ઝૂંપડી એમની બાજુમાં જ હતી અને એ તથા અમારા સ્વામીજી વગેરે તે અરસામાં કૈલાસની યાત્રા કરી આવ્યા હતા.

પ્રણવાનંદજી આ મંડળીને તકલાકોટ છોડીને પાછા માનસરોવર તરફ દોટ મૂકવાના છે. એમને આ મિત્ર-ભોમિયા-ગુરૂનો વ્યવસાય ઠીક ફાવીને રુચી ગયો છે. ખૂબ આનંદપૂર્વક વાતો કરીને અમે નામરાશી બાવાઓ છૂટા પડ્યા. અહીં અમે એમ ગૃહસ્થ જોયા જે પોતાના માતુશ્રીને પોતાને ખભે કંડીમાં બેસાડીને યાત્રા કરાવીને પાછા વળે છે.

પણ અરે, એક મોટી વાત તો રહી જ ગઈ. એકાએક અમારી નજીકના ટેકરાની પાછળથી સહસા પ્રકાશનો પુંજ ઝળક્યો. એ તરફ અમે આંખો ફેરવી તો ધન્ય! માંધાતાની હાથીની પીઠના ઘાટની વિશાળ બરફછાંટ યાને ચાંદીપાટ દેખાઈ! સૂર્યકિરણોના તેના ઉપર થતા પરાવર્તનથી અમારી આંખો ઝંખાઈ ગઈ.

અમારી પાછળ અને ડાબી તરફ, જ્યાં પર્વતો હતા ત્યાં હવે શું માંંડી છે! અમે પગને આગળ ઉપાડ્યા, સામે પણ ભારે વર્ષા થઈ રહી હતી; એક-બે વાર તો એની ગર્જના પણ સંભળાઈ. એ અમને પણ નવરાવી નાખે એવી ઘણી વકી હતી પણ એણે મહેરબાની રાખી.

અહીં એક પ્રસંગ બની ગયો. વર્ણવવાયોગ્ય તો નથી, તેમ વર્ણવવો આવશ્યક પણ નથી. એનું મુખ્ય તત્વ હુંકારનું હતું, હું આવો ને મને આમ કહે ! હું કેવો ! હું આમ કરી શકું, હું તેમ કરી શકું.. એ હતું એનું ધ્રુવપદ. પ્રસંગ તો વીતી ગયો ને વાતનો પાર આવ્યો પણ મારા ચિત્તમાં અનું અનુસંધાન ચાલ્યું. હું, હું અને બસ હું જ! મારામાં અહંકાર નથી, એ અહંકાર તો વળી બધાથી મોટો! અહંકારના કેટલા છોડનારા તેનાથી છૂટ્યા છે?

હું હું હું ! મેં મેં મેં ! મારું મારું મારું ! મને મને મને ! .. બધાં જ પહેલો પુરુષ એકવચનના રૂપ. કોઈ નાદાનીમાં કે અણગમાને કારણે અથવા પોતાના સ્વાર્થમાં કાંઈ વાંધો પડવાથી મને ગમે નહીં તેવા શબ્દો મારે માટે વાપરે, એટલે તરત મારો મોગરો મરડાઈ જાય. તરત હું વાણી વડે અથવા મનમાં ગર્જી ઉઠું – હું મૂર્ખ નથી, નાદાન નથી, હું ડાહ્યો છું – અરે હું જ ડાહ્યો છું, બુદ્ધિમાન છું, મને કોઈ અમુક કહે જ કેમ! મારો અહંભાવ ઘવાઈ જાય ને એ સ્થિતિ પ્રતિમાનવ પ્રવર્તે છે.

એ બધું શા માટે? જિને કાજે? આ નાનકડા કાળખંડનો સંબંધ, તેને કાજે જીવને ક્લેશ કરાવવો, એ કયા શાણપણનો ન્યાય? જેને જેવું લાગ્યુંં, તેવું તેણે કહ્યું. પ્રાણીમાત્ર આંખે સ્વાર્થનાં ચશ્માં રાખે છે, એને બધું પોતાને રંગે ભાસે છે. મનુષ્ય સહિત પ્રાણીમાત્રમાં એ સમાન લક્ષણ છે. હું પણ, અન્યને માટે, મને જેવું જે સમયે લાગે છે તેવું તે સમયે નથી કહેતો? કોઈએ મુખમાંથી શબ્દ કહાડ્યો એ હવામાં ઉડી ગયો અને એની ચોટ મેં મારા દિલમાં કોડે કરીને લગાવી, તે ત્યાં રહી ગઈ; એમાં નુકસાન મારા સિવાય કોને થયું? કોઈએ મારે માટે અમુક અભિપ્રાય બાંધ્યો કે દર્શાવ્યો તેથી હું શું તેવો થઈ ગયો? જો એના કથનમાં તથ્ય તો જ મને દુઃખ લાગવા જેવું રહે. પરંતુ જો એમ જ હોય તો ખરી બાબતમાં ખાર શો? અને જો મારા અભિપ્રાયાનુસાર એનું કહેવું ખોટું હોય તો પછી એની સાથે મને શું નિસ્બત? અંગ્રેજી ઉક્તિ છે કે I do not agree with what he says, but I would defend with my life his right to say it. એક ક્ષણના મારા કે અન્ય કોઈના અવિચારીપણાને કારણે જગતની નાશવંત વસ્તુઓ તથા ક્ષણભંગુર નામનાને નિમિત્તે કે જેમાંનું કશું જ મારી સાથે નથી આવવાનું, હું મારા ભવભવના સાથી મનરૂપી જીવને ક્લિષ્ટ કરું, એમાં કઈ બુદ્ધિમત્તા રહેલી છે?

આખરે પ્રેમ પ્રભુ છે, આનંદ જ ઈશ્વર છે અને સુખ જ સ્વાત્મા છે. આનંદ, જે સહજ અને સંનિષ્ઠ છે તેને સંસારના કોઈ પણ પદાર્થની સાથે જકડી દેવાથી શું ફાયદો? આ બધું પ્રારબ્ધાનુસાર આવે જાય છે. આનંદ તો નિત્ય અને અવિભાજ્ય છે, જે અનિત્યને કારણે નિત્યને હણે એવા બહાદુરની બુદ્ધિને આપણે કેવી રીતે વખાણીએ કે એ જાણવા અતા< આપણામાંના ઘણાખરા એમ જ કરીએ છીએ ને! જેને માટે દુઃખ લગાડ્યું તે બાબત તથા તે વ્યક્તિ ચાલી જશે ને આપણે ભાગે રહી જશે દુઃખ..

વિશ્રાંતિ પછીની મજલ ખૂબ આનંદની થઈ અને હવે પડાવ રિડ્ડુ પડ્યો છે. આજે પ્રેમપ્રભુ સંબંધે ડાક્ટર સાથે થોડો વાર્તાલાપ કર્યો. અનહદ આનંદ પ્રવર્તે છે, જે નિષ્કારણ છે. એ સ્થિતિ સર્વ સમય વિદ્યમાન છે પરંતુ આજ એ કઈ સવિશેષ નિરાલમ્બ, નિરાવરણ અને પ્રકટ છે.

ભગવાન ॐ ની આ ભૂમામય ભોમ છે,

त्रयीं तिस्त्रो वृत्तीस्त्रिभुवनमथो त्रीनपि सुरा
नकाराद्यैर्वर्णै स्त्रिभिरभिदधत्तीर्ण विकृतिः ।
तुरीयं ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः
समस्तं व्यस्तं त्वां शरणद गृणात्योमिति पदम् ॥

વ્યોમ વ્યોમ ॐ !

અમે રીડ્ડથી ચાલી બલ્ડંક (૧૫,૦૦૦) ના પડાવને ડાબી તરફ મૂક્યો. ગુર્લાલાના ના ૧૬૦૦૦થી વધારે ઉંચા ઘાટના ડાબી તરફના સરોવરાભિમુખ કાંઠા તરફ અમે ઊતરી પડ્યા ને તેને વળગીને અહીં બેઠા છીએ.

કાલે રાત્રે કેવો પ્રબળ પવન ફૂંકાયો? સવરે અમે રવાનગીની પ્રફુલ્લ ચિત્તે તૈયારી કરી. તે સમયે અમારી સાથના સંઘમાં એવી પરિસ્થિતિએ જરાક દેખા દીધી કે જેની સામે હું અન્ય પ્રવાસપ્રધાન ગ્રંથોમાં યાત્રા પરત્વે ગંભીર ચેતવણીઓ આપતો રહ્યો છું, જે માનવી ખૂબ જ ઉદારચિત્ત ન બની શકે, જેનું હું પદ આટલું બધું ઉગ્ર હોય તેણે તો યાત્રામાં એકલા જ નીકળવું જોઈએ, કે જેથી બીજાની મજા ન બગડે. ગમે તેના ગમે તેવા મિજાજને કે સ્વભાવને હસતે મુખે સહી લેવો એટલું જ નહીં પણ તેની સાથે યાત્રા પૂરતો પણ મીઠો મેળ રાખવો જ જોઈએ ને મન મોટું રાખીને ઘૂંટડા ગળવા જ જોઈએ. ગમ જેવી, ખાવામાં કઠણ છતાં પરિણામમાં મીઠી બીજી કોઈ ચીજ નથી. કોઈ પણ કારણે અને ગમે તેવા પ્રસંગે પણ યાત્રામાં માઠું ન લગાડાય. સાથીને મૂકીને એકલા કશું જ ભોગ્ય ભોગવાય નહીં, અલબત્ત જો યાત્રા પવિત્ર ભાવથી કરેલી હોય અને ઘરસંસારનું તેને માત્ર અનુસંધાન ન બનાવી દેવી હોય તો જ આ પ્રિસ્ક્રીપ્શન લેવું. એવી સુખદ યાત્રા માટે નિત્યપ્રસન્નતા અનિવાર્ય છે.

વચમા પડીને વ્યવહારની એક વાત કહી દઉં, તકલાકોટથી, જે જાતના જાનવરની જરૂર હોય તે જ મળે એવો ત્યાં આગ્રહ રાખવો. નહીં તો ઘોડાને બદલે ગધેડાં – આખલાં આવીને ઊભાં રહે તો નવાઈ નહીં. બોજ માટે ચોક્કસ રીતે પોતે પસંદ કરેલ જાનવરનો જ આગ્રહ રાખવો, પાછળથી તકરાર રાખવી પોસાશે નહીં.

આજે સવારે પાંચ વાગ્યાથી તૈયારી કરતાં છેક સવાસાત વાગે અમે રવાના થઈ શક્યા. કાકુ કહે છે કે આજે કૈલાસનાં દર્શન થવાનાં છે, શું કહો છો! વાહ, ધન્ય ઘડી, ધન્ય દહાડો!

આ ભૂમિ વિલક્ષણ છે, અનેક સ્થળે કાંટાળાં ઝાંખરાંના કુંડાળાં છે, એને દામા કહે છે, પડાવમાં રસોઈ માટે ચૂલામાં એ લીલાં ને લીલાં બળી શકે છે પણ ભોમિયાની ધમણની મદદથી.

વિશાળ મેદાન છે, પણ એ ઉલાળાની પરંપરાથી ભરેલું છે; જાણે કે હિલ્લોળા લેતો મહાનદ સહસા સ-તરંગ ઠરી ગયો હોય, ભૂ-લહરીઓ લહેરાય છે. સંઘનો કોઈ માણસ આઘોપાછો થઈને છૂટી જાય ને જો એક લહરી આડી આવી ગઈ તો પછી એનો પત્તો લાગવો મુશ્કેલ થઈ પડે. તેથી આ પ્રદેશમાં બધાએ સાથે, એકબીજાની દ્રષ્ટિમર્યાદામાં રહેવું ઉચિત છે. યાત્રીઓ એમ ખોવાઈ ગયાના કિસ્સાઓ ભોમિયા લોકો સંભળાવે છે.

ધૂળ, રેતી, કાંકરા અને પથરામાં જોડા બોલે છે ક્રન્ચ ક્રન્ચ ક્રન્ચ ! એની જોડે કેટલોક સમય ॐ ॐ ॐ નું રટણ ભળ્યું. વળી થોડી વાર મનમાં કોણ જાણે ક્યાંથી ભરાઈ, ‘ભૂઉ-ખ-ન, ભૂ-જંગ, ઘો-ઓ-ર’ની, સુધાબહેનને વર્ષો પહેલા ગાતાં સાંભળી હતી તે રીતની પંક્તિની ધૂન! બસ, પગ સાથે ક્યાંય સુધી એની ગત ચાલી અને પછી એકાએક બદલાઈ ‘હરી ॐ’ આવ્યું, પરંતુ લાંબે ગાળે એકલું ॐ વધારેમાં વધારે બંધ બેસે છે.

પાછળ લિપુમાં અને ડાબે હાથે ગ્વાનિમાની દિશામાં, પર્વતોમાં બહુ ભારે વરસાદ પડતો દેખાય છે.

ક્રન્ચ ક્રન્ચ ક્રન્ચ! અમે તો ચાલ્યા જ કરીએ છીએ. લગભગ બે માઈલે ગાડ (જળપ્રવાહ) આવ્યો, ત્યાં જરા રોકાયા. અમારા સોબતી સંઘે ત્યાં જ જળપાન કર્યાં, પણ અમે ચાલ્યા આગળ. ક્ષિતિજ ઉપરનાં મેઘનાં થાણાંની સંખ્યા હવે વધી છે. ડાબી તરફ વરસાદની જે ઝડી દેખાતી હતી, તે અમારી સાથે સાથે ચાલતી હતી, અમારી પાછળથી પવન જોરથી ફૂંકાયા કરે છે. બરફભર્યા ડુંગરોથી ઘેરાયેલા આ માર્ગનો વાયરો હિમાળો જ હોય. જમણી તરફ મહારાજા માંધાતાએ પૂરદમામમાં દર્શન દીધાં છે. મહાવિશાળ બરફનો એ પર્વતાધિપતિ અમારી સાથે જ છે. વળી બે ત્રણ માઈલે વહેળાઓની પરંપરા આવી. એણે અમારા જોડાં ઉતરાવ્યા અને લગભગ એક માઈલ સુધી ઉઘાડા પગે ચાલવાનો લહાવો લેવડાવ્યો. આ માર્ગ આખો પથરા – પહાણાથી ભરચક છવાયેલો છે. પરંતુ તેમાં આ માઈલે કમાલ કરી. ખરેખર પ્રત્યેક પગલું પગ મૂકવાની જગ્યા શોધીને ભરવું પડે છે. કદમે કદમે ઠોકર વાગવાનો ભય અને પગ નીચે પથરો ગબડી જઈને પગ મરડાવાનો સંભવ રહે છે. તેથી ‘દ્રષ્ટિપૂતં ન્યસેત્પાદમ્’ તકલાકોટ સુધીના હિમાલયના વસમા પોણાબસો માઈલને પહોંચી વળવાની તાકાતવાળા જોડા પણ આ તિબેટના રાહ આગળ મીલ બોલી જાય. પાછળથી ખૂબ ઠંડી હવા ધક્કો મારતી હતી એટલે ચાલવામાં એક પ્રકારની મદદ રહેતી હતી.

વહેળાપરંપરાની આ દહોડેક માઈલની ઠેકા-ઠેકી વગેરેની મોજ માંડ પૂરી થઈ અને તરત હળવી, પરંતુ યુનોમાં કાશ્મીરની વિચારણા જેવી લાંબી, ઠંગધડા વગરની ચડાઈ આવી. અગાઉ કરતા ફેર એટલો પડ્યો કે અહીં સુધી ધોળા પહાણા ખૂંદવાના હતા તેને બદલે હવે કાળા આવ્યા. આ ભૂ-લહરોમાં મઝા એ હતી કે એક ટૉચે માંડ પહોંચ્યા ત્યાં બીજી તૈયાર રહેતી. પરઊત્મ આ જે ઢોળાવ હવે આવ્યો છે તે સતત છે. અહીંથી ટુકર તરફનો માર્ગ ફંટાઈને જમણી તરફના પર્વતમાં જાય છે. માનસ સરની જમણી તરફ એ મંડી પડે છે. અમારે તો તેની ડાબી બાજુએ, બે સરોવરોની વચમાં થઈને સીધા કૈલાસ જવું છે. ગોસુલ લામાસરાઈને જમણી તરફ રાખીને રાક્ષસને કાંઠે કાંઠેના આ આરોહણમાં થાક ઘણો લાગ્યો, હાંફ બહુ ચડી. કોણ જાણે કેમ પણ આ લિપુલેખથીય વધુ વસમુ પડી ગયું. સામાન્યતઃ એટલું વસમું નહીં ગણાતું હોય પણ મારે માટે તેવું થઈ પડ્યું. ચાલતા ચાલતા આગળ દ્રષ્ટી કરું છું તો માનસિંગ કાકુ દૂર ચાલતા દેખાય અને તેનીય આગળ દેખાય ડાક્ટરની આગળ ઝૂકેલી પીઠ. હોઠ પીસીને મેં ચાલ્યા કર્યું. આંખે અંધારા આવી ગયાં. વચવચમાં તો ચાલું છું તેનુંય ભાન મોકુફ થઈ જવા લાગ્યું, ઘણે કષ્ટે પગને ખેંચવા પડ્યા. અર્ધસુનકાર થઈ ગયેલ મસ્તકમાં એકાએક પિસ્તાળીસેક વર્ષ પહેલા વાંચેલ Pilgrim’s progressનો યાત્રી ક્રિશ્ચિયન સાંભર્યો. વાંસે પાપપુણ્યનો બોજો ઉપાડીને અમરાપુરીને વિકટ પંથે એકલો મોક્ષના એક જ ધ્યેયની ધારણાએ ભયંકર યાત્રા કરતો ક્રિશ્ચિયન જાણે કષ્ટાળા કદમ ભરે છે… પણ અહીં ફેર એ છે કે મારે નથી એવો કોઈ બોજો ને નથી આ પ્રવાસમાં મોક્ષની કોઈ આકાંક્ષા.

ઘસડ – ઘસડ – ઘસડ ! હવે તો એક પણ ડગલું નહીં ભરાય હોં! અરે, ન શું ભરાય, આ ભરાય જ છે ને! શરીરનું લગભગ ભાન નથી, પણ દાંત પીસીને ચાલું છું. માથેનો તાપ આ સ્થિતિમાં પૂરવણી કરે છે. યુગ જેટલા સમય પછી પાછી આંખ ઉઠાવીને જોયું તો મારા બન્ને પુરોગામીઓ ડુંગરની ધાર ઉપર પહોંચીને ઉભા છે. હું જોર કરીને આગળ વધ્યો. દૂરથી, ધાર ઉપર પથરાની ઢગલી અને તેના ઉપરના ચીંથરાના તોરણે આંખને આકર્ષી; પરંતુ બધું અર્ધસ્વપ્નવત ભાસતું હતું.

હું યે એ ધારે પહોંચ્યો. પૂરું ભાન નહોતું પરંતુ એટલું જોયાનું મને સ્મરણ છે કે ત્યાં પથરાની અનેક ઊતરડો હતી અને ડાક્ટર સાષ્ટાંગ પ્રણામ કરતા દંડવત ઉંધા પડેલ હતા. હું તો તરત જ ત્યાં ચત્તોપાટ પડી ગયો. થોડી વારે અર્ધભાનમાં કાકુને હર્ષભર્યા કંઠે બોલતા સાંભળ્યા, ‘યહાંસે કૈલાસકા દર્શન હોતા, અભી બાદલ બહુત હૈ, નહીં તો સાફ દર્શન હોતા.’ હું જેમતેમ કરીને બેટો થયો અને સામે નજર માંડી.અમારી સાથે ચાલ્યું આવેલું વર્ષાનું તોફાન ત્યાં પહોંચીને જામ્યું હતું. ત્યાં તો એકાએક, જેમ નાટકનો પડદો ઉપડે તેમ, નીચેથી વાદળપટ ઉંચકાયો, ધીરે ધીરે શ્યામ શીલા દેખાઈ અને આહ્…

મેં કૈલાસના દર્શન કર્યાં!

અરે, અરે, મને શું થઈ ગયું? હૈયું કેમ હાથ ન રહ્યું! કૈલાસ ! ભાવગમ્ય ભવાનિપતિનું ગરવું ચિહ્ન ! આ તો મારો ભોળો શંભુ! ઓહ ! મોટી બધી કાળી પડધી ઉપર આ મનમોહક ધવલ શિવબાણ જોઈને મારી સુધબુધ મારી ગઈ. અરે, હર્ષને નિમિત્તે પણ આ શરીરે એવું કામ કર્યું કે જે એને શોભતું નથી – એ ધ્રુસકે ધ્રુસકે રોયું! પેલી સમતા ક્યાં ગઈ, મને છોડીને? આંસુ ખાળ્યાં ખળાય નહીં.. આ તે વળી કેવી સ્થિતિ? કાયા કેમ જાણે ભોંયથી અદ્ધર ઊંચકાઈ જાય છે…

અભ્રપટલ ઊંચકાતા લગભગ પૂરો ઊંચકાઈ ગયો, વાહ! જય જય! ઝળહળતી આ જ્યોત, જ્યોતોની જ્યોત કેવી દીપે છે! ત્રણ ભુવનમાં આનાથી વધારે સુંદર કશું જ ન હોઈ શકે! ભગવન્ મેં કૈલાસના દર્શન કર્યાં, તમે સમજ્યાં, મેં કહ્યું તે? હું કહું છું કે મેં કૈલાસના દર્શન કર્યા. ॐ ॐ

– સ્વામી પ્રણવતીર્થજી

પ્રવાસવર્ણનો વાંચવા અને લખવા વિશે મને નાનપણથી લાલચ રહી છે, ન જોયેલી સૃષ્ટી અને એક યાત્રીની દ્રષ્ટીનો સુભગ સંયોગ વાચકને જાણે એ અજાણ્યા પ્રદેશની સર્વાંગસંપૂર્ણ વિગત આપે છે કેટલાક પ્રવાસનિબંધો કાળથી પર હોય છે. ‘કૈલાસ’ (૧૯૬૨) માંથી સ્વામી પ્રણવતીર્થજી દ્વારા લખાયેલ આજનો આ પ્રવાસનિબંધ ‘આજ મેં કૈલાસ દીઠો !’ એક અનોખી અનુભૂતિ લઈને આવે છે. અક્ષરનાદનું તો મૂળ જ છે અંતરની અનુભૂતિનો ધ્વનિ – અને કૈલાસ માનસરોવર જેવા સ્થળોની વાત અ-ક્ષર જ હોવાની. સ્વામીજીનો અનુભવ એક સાચા તીર્થયાત્રીનો અનુભવ છે, કષ્ટોને પાર જ દર્શન છે એવી વાત સાથે તેમણે કૈલાસના દર્શન કર્યાં ત્યારની અનુભૂતિની વાત વાચકને જાણે તેમની કલમે કૈલાસદર્શન કરાવે છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “આજ મેં કૈલાસ દીઠો ! – સ્વામી પ્રણવતીર્થજી

  • kantilal1929

    આનંદ થયો. આભાર. હાલ હું બાપુજી – સ્વામી પ્રણવતીર્થજીની ડાયરી વાંચું છું તેમાં ઉત્તરાપથ લખ્યું હતું તો એ શબ્દ ઈન્ટરનેટ પર લખી જોયું તો આપ મારફત આખી વાત જાણવા મળી. અત્યંત આભાર. કાંતિલાલ પરમાર – હીચીન – યુકે. kantilal1929.wordpress.com

  • jacob

    સુંદર પ્રવાસ વર્ણન. આ ઝુભુ પણ એમના માલિક હુણિયા જેવા પિચાસ ( કે પિસાચ? ) સરખા, એ એક કઠે એવો શબ્દપ્રયોગ છે. વર્ણન લખનાર સ્વામી છે એટલે ન સમજાય એવી ધર્મની ફીલસુફી આવે જ. મોક્ષની આંકાક્ષા વગરનો પ્રવાસ હતો એવું જ આ ધર્મની વાતો વગરનું વર્ણન હોત તો વધારે સારૂં હોત. કૈલાસ જોતાં જે ઉદગાર સ્વામીએ કાઢયા છે એ કોઇ નાસ્તિક કૈલાસ જુએ તો પણ એના મોંમાંથી નીકળી જાય ! એના વૈભવનું વર્ણન ઓછું પડયું.

  • Sanjay Pandya

    સરસ લેખ …તકલાકોટવાળો રસ્તો પ્રક્રુતિ તથા શિવથી નિકટ છે ..
    સરળ અને પ્રવાહી શૈલી .

  • manu patel

    it was nice to read the accont of kailash journey done on feet and hardship suffered. i compare this to one people are doing in military vehicles in all comforts., the differance is also the emotionas swamiji carried in his heart for kailash abode of lord shiva!!!
    wonderful thanks