બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો : શૃંખલા સ્વરૂપે – ડૉ. નીના વૈદ્ય 3


પ્રસ્તાવના

બાળઉછેર – એક એવી કળા જેમાં સૌ પ્રથમ સમજ, જવાબદારી, સહિષ્ણુતા, પ્રેમ, ધીરજ, સમભાવ, વિવેક, આદર, શિસ્ત અને સ્વતંત્રતા સર્વે ગુણો હૃદયપૂર્વક કેળવવા પડે છે અને ત્યારપછી જ મા-બાપ બનવાનો વિચાર કરી શકાય છે. દુનિયાનાં સમગ્ર સંબંધોમાં એક માત્ર મા-બાપનો પોતાના બાળક સાથેનો સંબંધ જ એવો છે કે જેમાં નિર્ણય એકતરફી છે. કમનસીબે બાળક નક્કી નથી કરી શકતુ કે ક્યારે અને કોની કૂખે એણે બાળક થઈ જન્મવું છે. માત્ર પતિ-પત્ની જ નક્કી કરે છે કે હવે એમને ખોળાનો ખૂંદનાર જોઈએ છે. ઘણીવાર તો નક્કી કર્યા વગર અથવા નક્કી કર્યા પહેલાં જ બાળક આવવાના એંધાણ આવી જતા હોય છે. જે દિવસે બાળક જન્મે છે, મા-બાપનો પણ એજ દિવસે જન્મ થાય છે. બસ અચાનક એક હોદ્દો મળી જાય છે જેને ઈમાનદારીપૂર્વક નિભાવવા માટે કોઈ તૈયારી કરવામાં આવી નથી. સુશિક્ષિત મા-બાપ આર્થિક તથા ભૌતિક જરુરિયાતો પોષવાની તૈયારી અવશ્ય કરી રાખે છે પણ બાળકને એના બાળપણથી એક સ્વસ્થ અને સંપૂર્ણતઃ તંદુરસ્ત પુખ્ત વયે પહોંચાડવાની તૈયારી કરવાનુ આપણે સૌ ચૂકી જઈએ છીએ. બાળકની સાથે એની ઉંમર, પરિસ્થિતિ અને સમજ અનુસાર વર્તવાને બદલે આપણી ઉંમર, પરિસ્થિતિ અને સમજ અનુસાર વર્તીએ છીએ. પરિણામ સ્વરુપે અજાણપણે આપણે જ આપણા બાળકોને લઘુતાગ્રંથિ, ઉધ્ધતાઈ, ચોરી, જુઠ્ઠાણું, પરપીડન, અહંકાર, ડર, હતાશા વિગેરે જેવી માનસિક તકલીફોનાં ભોગ બનાવીએ છીએ.

દુનિયાનાં કોઈ પણ મા-બાપ ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં પણ ક્યારેય પોતાના બાળકોને જાણી જોઈને નુકસાન ન જ પહોંચાડે, છતાં આપણા થકી આપણા બાળકોને ઘણીવાર નુકસાન થાય છે એ પણ હકીકત છે. ‘બાળઉછેરની કળા’ એવું શીર્ષક આપણાં વડીલો વાંચે તો અવશ્ય આપણી મજાક ઉડાવે. એમને આ બધું ચોંચલાપણું લાગે તે સ્વાભાવિક છે પણ બાળઉછેર દરમિયાન આપણાં થકી થતી ભૂલોના મૂળમાં આપણાં સૌની આજ માનસિકતા જવાબદાર છે. જે રીતે આપણાં પૂર્વજો એ આપણાં દાદા-દાદીને ઉછેર્યા તેજ રીતથી તેમણે આપણાં મા-બાપને ઉછેરવાનો પ્રયત્ન કર્યો અને આપણા મા-બાપે પણ એજ સિલસિલો ચાલુ રાખ્યો. ઉત્ક્રાંતિ અને પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે તે જાણવા છતાં આપણે એનો અંગત જીવનમાં અને ખાસ કરીને બાળઉછેરનાં વિષયે ઉપયોગ ન કર્યો, ખોટી રીતે કર્યો અથવા મર્યાદિત રુપે કર્યો. બાળકને જન્મ આપવાનો નિર્ણય પતિ-પત્નીનો હોવાથી આવનાર બાળકનો ઉછેર ઉત્તમ રીતે થાય તેની સંપૂર્ણ જવાબદારી પણ બાળકને જન્મ આપતાની સાથે જ માતા-પિતાની પદવી પામતા જન્મદાતાની જ છે. દરેક બાળક મહત્વનું છે અને દરેક બાળક વિશેષ છે એ હકીકત મોટાભાગે પુસ્તકનાં પાને જ રહી જાય અથવા સુવાક્યોનાં સુશોભન માત્રનું કારણ બની રહે ત્યારે પ્રગતિનું સાચું મૂલ્યાંકન કરવું ઘટે!

દુનિયાની કોઇપણ વ્યક્તિને પોતે કરવા માંગતા કામને શીખવા માટે તાલીમ લેવાની જરુર પડે છે. તાલીમ પામેલ વ્યક્તિ જે તે કામમાં કૌશલ્ય મેળવે પછી જ તેને કારીગર કહેવાય છે. ‘બાળઉછેર’- એક અતિ મહત્વનું કાર્ય, જેના દ્વારા આપણે એક નવી જિંદગીને ઉત્કૃષ્ટ બનાવી ઈશ્વરનાં આશયને સાર્થક કરવાનો નમ્ર પ્રયત્ન કરીએ છીએ, એની કોઈ જ કેળવણી નહીં? શીખ્યા વગર, સમજ્યા વગર, જાણ્યા વગર કઈ રીતે શક્ય છે આટલું મહાન અને ઉમદા કાર્ય સફળતાપૂર્વક પાર પાડવું? ઈશ્વર કદાચ પહેલેથી જ આ જાણતા હતાં તેથી જ એમણે બાળકની ભૃણથી જન્મ સુધીની યાત્રા નવ માસની રાખી. આ નવ માસ તે આપણો તાલીમ સમય! આ સમયનો ઉપયોગ કરી શકીશું તો પણ ઘણું કરી શકીશું!

જેઓ હવે પછી મા-બાપ બનવાના છે તેઓ આ વાંચ્યાં પછી અચૂક સજાગ રહેશે પણ જેઓને બાળકો છે જ તેઓ માટે કેટલીક રોજીંદી ઘટનાઓ અને પ્રસંગો શ્રૃંખલા રૂપે રજૂ કરું છું. દરેક ઘટના મારી બાળક તથા એના મા-બાપ સાથેની કાઉન્સેલિંગની બેઠકનાં અનુભવો છે. તમામ ઘટનાઓમા માત્ર નામ બદલ્યાં છે. દરેક પ્રકરણ પછી ‘આવું કેમ બન્યું?’ અને ‘હવે પછી શું?’ વિશે ચર્ચા રજૂ કરીશ. વાંચક મિત્રો જો દરેક પ્રકરણનાં અંતે એમના અભિપ્રાયો જણાવશે તો મને મારા અનુભવો વધુ સારી રીતે રજૂ કરવાનું માર્ગદર્શન મળશે.

– ડૉ. નીના વૈદ્ય

ડૉ. નીના પિયુષ વૈદ્ય અમદાવાદની બી જે મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ (૧૯૮૮) તથા બાળરોગ નિષ્ણાંત (૧૯૯૧)ની પદવી મેળવી શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પીડિઍટ્રિશન તરીકે પ્રેક્ટિસ કરે છે. આ રોજીંદી પ્રેક્ટિસ દરમિયાન તેમને બાળકોની સાયકોલોજીને મેડીકલ સિવાયના દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર લાગી. આથી તેમણે એમ.એસ યુનિવર્સિટી વડોદરાથી ગાઈડન્સ અને કાઉન્સેલિંગ (૨૦૦૧ – ૨૦૦૨)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. બાળઉછેર દરમિયાન માતા-પિતા દ્વારા અજાણપણે થતી નાની ભૂલોની બાળમાનસ પર થતી અસર પર આધારિત તેમનું ચિંતન અને તેમની બાળક સાથેની કાઉન્સેલીંગની બેઠકનાં વાસ્તવિક અનુભવો અક્ષરનાદના વાચકો સાથે લેખના માધ્યમથી કેટલીક રોજીંદી ઘટનાઓ અને પ્રસંગો શ્રૃંખલા રૂપે રજૂ કરવા જઈ રહ્યા છે. દર પખવાડીયે રવિવારે પ્રસ્તુત થનાર તેમની આ શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે. શ્રેણીની સફળતા બદલ ડૉ. નીનાબેનને શુભકામનાઓ અને અક્ષરનાદને તેમના અનુભવ અને ચિંતન વહેંચવાના માધ્યમ રૂપે તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર, તેમની કલમને શુભકામનાઓ.

તેમની આ શ્રેણીના બધા જ લેખો બાળઉછેર વિભાગ અંતર્ગત સમાવિષ્ટ થશે.


Leave a Reply to jagdish48Cancel reply

3 thoughts on “બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો : શૃંખલા સ્વરૂપે – ડૉ. નીના વૈદ્ય

  • Chandrakant Lodhavia

    સુંદર શરૂઆત. અભિનંદન. આજના સમયમાં મા-બાપ બંન્ને પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોય ત્યારે સમસ્યા પણ વધુ થાય છે. બંન્ને આખા દિવસ વ્યવસ્સયના થાકથી કેમ બાળક નો ઉછેર કરશે, હુંફ બાળકને કેમ આપશે? આજે એક બાળક ઘર્માં આવે ત્યારે વ્યવસ્સાયમાં ન હોય તે પણ બાળક ની જરૂરિયાત સમજી શકતા નથી. બાળક વારેંવાર પોતાની જરૂરિયાત રડીને જ માંગતો હોય છે. તે ભાષા આજની યુવા પેઢી સમજી શકતી નથી. તેઓ દરેક વસ્તુ નો જવાબ પૈસા ખર્ચવા માંથી શોધે છે. પહેલા બાળકને જ મોટું કરવામાં પરેશાની કે મુસીબત લાગે છે. અને તેમાં પણ લગ્ન કર્યાના ટૂંકા ગાળામાં નથી ઈચ્છતા અને લગ્નના લાંબા સમય બાદ બાળક ઈચ્છે છે. બાળક એક પણ પ્રશ્નો અનેક તેવું વિચારવા લાગે છે.
    ચન્દ્રકાન્ત લોઢ્વિયા – સોમવાર – ૧૮.૦૮.૧૪

  • Harshad Dave

    ખૂબ જ આવકાર્ય પહેલ. અભિનંદન અને શુભેચ્છા. મેં ડૉ.નૂતન પંડિતના સ્માર્ટ પેરન્ટીંગ પુસ્તકનો અનુવાદ કર્યો છે એટલે મને આપનો બાળઉછેર વિભાગ વધારે રસપ્રદ બની રહેશે અને તે મારી સમજણમાં અવશ્ય વધારો કરશે અને મારો પ્રયત્ન એ સમજણનો પ્રયાસ કરવાનો પણ રહેશે. -હદ.

  • jagdish48

    ડૉ. નીનાબેન અને અક્ષરનાદને અભિનંદન, સમાજમાં સુધારો બાળકો દ્વારા જ લાવી શકાશે. માબાપ આજે સુધરશે તો ભવિષ્યાનો સમાજ સુધરશે. મેં ‘પેરન્ટીંગ’ની માનસિકતા સમજવાનો પ્રયત્ન મારા બ્લોગ પર પણ કરેલ છે.