ખોટની ખીમી.. (વાર્તા) – સ્મિતા પટેલ 14


“વિસ્મય, તું શું ઈચ્છે છે? ફરી આ વખતે પણ..?”

“પૃથા, તું સમજતી કેમ નથી? અરે અબોર્શન કરાવવામાં ખોટું શું છે? મારે દીકરી નથી જોઈતી એટલે નથી જોઈતી, બસ”

“સાચે જ તારામાં દયા જેવું કંઈ છે જ નહીં. એક – બે કરતાં આ ત્રીજીવારનું થયું. તને મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકની તો ઠીક, મારી’ય દયા નથી આવતી?”

“જો પૃથા, અગાઉ બન્નેવાર આપણે આ બધી જ ચર્ચા કરી ચૂક્યા છીએ તો ફરીવાર શું કામ તું મારું માથું ખાય છે? આપણે આવતીકાલે ડૉક્ટર પાસે જઈશું, ધેટ્સ ફાઈનલ..”

“પણ દીકરી છે તો એમાં વાંધો શું છે તને? અને આમ પણ આજના જમાનામાં દીકરા-દીકરીમાં ભેદભાવ કોણ રાખે છે? તું આટલું ભણેલો ગણેલો થઈને શું સાવ અભણ જેવી વાતો કરે છે?”

“પૃથા, પ્લીઝ.. મારે ઓફિસમાં ખૂબ જ અગત્યની મીટીંગ છે, એની તૈયારી કરવાની છે. તું આમ સવારમાં શરૂ ન થઈ જા. તારું કામ કર. જા અહીંથી.”

“વિસ્મય, જરા તો સમજવાનો પ્રયત્ન કર. આપણે બંને સારું કમાઈએ છીએ, પૈસે ટકે પણ આપણને કોઈ ખોટ નથી તો પછી દીકરી હોય તો એમાં વાંધો શું છે? ને હું કોઈની દીકરી નથી? તારી મમ્મી – તારી બહેન શું એ કોઈની દીકરી નથી? અને આમ પણ આ વખતે હવે મારે અબોર્શન નથી કરાવવું. દીકરી તો દીકરી, આવી જવા દે ને.. પ્લીઝ.. મારા માટે… ને વળી, આપણી ઉંમર પણ વધતી જાય છે. જો ને.. તું ૩૫નો અને હું પણ ૩૩ની તો થઈ જ ગઈને. ને આમ પણ ઉંમર વધતાં પછી…”

“પૃથા… પ્લીઝ શટ અપ.. તારું ભાષણ બંધ કર. મને કામ કરવા દે. આ ડૉઅરબેલ વાગે છે એ સંભળાતું નથી તને? જા જઈને દરવાજો ખોલ.”

પૃથા કમને ઊભી થઈ ને જઈને દરવાજો ખોલ્યો. લક્ષ્મી દરવાજે ઊભી હતી. પૃથાએ એની પર કંઈ ધ્યાન ન આપ્યું અને પાછી વિસ્મય પાસે જઈને ઊભી રહી ગઈ. ત્યાં લક્ષ્મીએ બૂમ પાડી. પણ પૃથાનું કંઈ ધ્યાન જ ન ગયું. વિસ્મયએ ગુસ્સાથી કહ્યું, “આમ મારા માથે ન ઊભી રહે. જા, લક્ષ્મી બોલાવે છે તને.” પૃથા કટાણું મોં કરી ત્યાંથી રસોડામાં ગઈ.

“બોલો, લક્ષ્મીમાતા, કેમ આજે જલ્દી પધાર્યા? રોજ તો દસ – અગિયાર વાગે પણ ઠેકાણું નથી હોતું અને આજે આમ સાડા આઠમાં દર્શન દીધાને કંઈ….?”

“શું બેન તમે પણ આમ સવાર સવારમાં મારી મશ્કરી કરો છો? એ તો આજે મારે જરા બહાર જવું છે ને તો થયું કે જલ્દીથી બધાનાં કામ પતાવીને નવરી પડું એટલે જલ્દી આવી ગઈ.”

“સારું સારું… ચા ગરમ જ છે લે પી લે ને તું કપડા ધોતી થા. હું ફટાફટ રસોઈ પતાવી લઉં. મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે.”

લક્ષ્મીએ હજી ચાના બે ઘૂંટ પીધા ત્યાં તો એને ઉબકા આવવા લાગ્યા ને એ સીધી દોડી બાથરૂમમાં. લક્ષ્મીને વોમિટ થતી હતી પૃથા એ અવાજ સાંભળી રહી. જેવી એ બાથરૂમમાંથી બહાર આવી કે તરત જ એણે લક્ષ્મીને પૂછ્યું, “લક્ષ્મી, તારી તબિયત તો સારી છે ને? કેમ વોમિટ થઈ તને? કાલે કંઈ આડું અવળું તો ખાઈ નહોતું લીધું ને?”

લક્ષ્મી મંદ મંદ મુસ્કાતી હતી અને બોલી, “ના ના બેન તમ તમારે કંઈ ચિંતા ન કરો, મને સારું જ છે. ને આમ પણ આવા દિવસોમાં તો આવું થાય જ.”

“તું શું આ આવા દિવસો ને તેવા દિવસો કરે છે, સીધો જવાબ દે ને.”

લક્ષ્મીએ કંઈ જવાબ ન આપ્યો બસ મરક મરક હસતી રહી. એને જોઈને પૃથા વધુ ચિડાઈને બોલી, “આમ મલકાય છે શાની? સીધી સીધી બોલને શું થયું છે?”

“બેન એ તો છે ને… મારે સારા દિવસો જાય છે. એટલે જ તો મારે આજે ડોક્ટરને બતાડવા જવાનું છે.”

“ઓ લક્ષ્મી, તને કંઈ ભાન બાન છે કે નહીં? પહેલેથી જ તો ૪ – ૪ દીકરા છે અને હવે આ પાંચમું..! આ આટલી કાળઝાળ મોંઘવારી – કમાણીનું કંઈ બીજું સાધન નથી – તારો વર પણ દિવસના ૨૪ કલાકમાંથી ૧૮ ક્લાક તો દારૂના નશામાં રહે છે. તું કામ કરે છે એમાંથી તમારા છનું પેટ તો માંડ ભરાય છે ને એમાં આ સાતમું…!!! ક્યાંથી ખવડાવશે તું એને? અને ખાલી જન્મ આપવાથે પતી જતું નથી. બાળકોને ભણાવવા – સાજે માંદે દવા – તારા વરનો દારૂ… ક્યાંથી પૂરું કરશે તું બધાનું?” પૃથા વરસી પડી.

એણે આગળ ચલાવ્યું “ઓ મૂરખ, અબુધ, અભણ, ગમાર… કંઈ તો સમજ. ભગવાને ૪ દીકરા તો આપ્યા જ છે ને તને. હજી કઈ વાતની ખોટ છે? ફોજ ઊભી કરવી છે કે શું? અને તું તારી જાતનો તો વિચાર કર. તારું શરીર તો જો. આ ચાર સુવાવડમાં તું કેવી થઈ ગઈ છે. તને કંઈ થઈ જશે તો તારા દીકરાઓનું શું થશે?”

પૃથાની ગુસ્સાની તો જાણે લક્ષ્મી પર કંઈ અસર થતી જ ન હતી. એ તો બસ પૃથાને જોઈને મુસ્કાયા કરતી હતી. એને આમ હસતી જોઈને પૃથાને વધુ ગુસ્સો ચડ્યો. એ વધુ ખિજાયને બોલી, “ લક્ષ્મી, તું આમ હસવાનું બંધ કર. મારી વાતની તને કંઈ અસર થાય છે?”

“બેન, માનું છું કે ભગવાને મને ૪ દીકરા દીધા છે. પણ તો’ય મને ખોટ છે. એક દીકરીની ખોટ છે અને આ વખતે તો મેં માતાજીની માનતા’ય રાખી છે કે મને દીકરી જ અવતરે. એટલે આ વખતે તો મને ખાતરી જ છે કે માતાજી મારી માનતા પૂરી કરશે જ. મને દીકરી આપશે જ. બેન, જેણે ખૂબ પુણ્ય કર્યા હોય ને, એને જ ભગવાન દીકરીનું વરદાન આપે. ને બેન, રહી વાત ભણાવવાની.. તો મેં તો વિચારી જ રાખ્યું છે કે મારા દીકરા ભણે કે ન ભણે પણ મારી દીકરીને તો પેટે પાટા બાંધીને પણ હું ભણાવીશ જ. ને એને હું તમારી જેમ મોટી… પેલું શું કહેવાય, હા.. મોટી માડમ બનાવીશ…”

પૃથાએ હસીને કહ્યું, “મેડમ..”

“અરે હા હા બેન, ઈ જ… મેડમ બનાવીશ. બેન, તમે ભલે મને અબુધ અભણ ગમાર ગમે એ કહો, પણ હું તો એટલું જાણું કે એક દીકરી તો જોઈએ જ. મારા ઘરવાળાએ પણ કહ્યું છે કે એક દીકરી તો જોઈએ જ. બેન, દીકરી તો તુલસીનો ક્યારો.. દીકરી તો મા-બાપની આંખોનું રતન કહેવાય. ઘરડે ઘડપણ દીકરા કદાચ મા-બાપને જુએ કે ન પણ જુએ. પણ દીકરી તો અડધા બોલે દોડતી આવી જાય. અને બેન, દીકરીનું કન્યાદાન કરવાનો લ્હાવો મળે ને તો તો સાત ભવનું પુણ્ય મળે. સઘળાં પાપ ધોવાઈ જાય.”

“પણ લક્ષ્મી, આ ૪ – ૪ સુવાવડ પછી હવે તારા શરીરમાં એટલી તાકાત નથી રહી કે તું આ પાંચમી વાર…”

“બેન, તમે મારી જરાય ચિંતા ન કરો. મારી દીકરી આવેને એટલે જો જો ને તમે હું તો તાજી માજી થઈ જઈશ. મને એમ કંઈ નહીં થાય. મારે તો મારી દીકરીને ભણાવી ગણાવીને મોટી માડમ બનાવવાની છે. એને સારે ઘેર પરણાવવાની છે. એના બાળકોને રમાડવાનાં છે..”

પૃથા વિચારતી રહી કે મારી સામે ઊભેલી લક્ષ્મી અબુધ અભણ ગમાર મૂરખ છે કે પછી ભણેલો ગણેલો આ વિસ્મય…?

એણે પાછળ ફરીને જોયું તો વિસ્મય રસોડાનાં દરવાજે ઊભો રહીને વિસ્મયપૂર્વક એની ને લક્ષ્મીની બધી વાતો સાંભળી રહ્યો હતો. એના હાવભાવ પરથી લાગતું હતું કે પૃથા જે એના માટે વિચારી રહી હતી, કદાચ વિસ્મય પોતે પણ પોતાની જાત માટે એવું જ કંઈ વિચારી રહ્યો હતો. એણે સજળ નયને દયામણાં મોંએ વિસ્મય સામે જોયું. લક્ષ્મી પોતાના કામે વળગી ગઈ હતી. વિસ્મયે પૃથાને કહ્યું, “ચાલ તૈયાર થઈ જા. આપણે હમણાં જ જવાનું છે.” “પણ હમણાં તો તેં કહ્યું કે ડોક્ટર પાસે કાલે જવાનું છે.” “ના ડોક્ટર પાસે નથી જવાનું. આપણે shopping માટે જવાનું છે. આપણી આવનારી દીકરી માટે…..” “શું..? સાચ્ચે…?” “હા… હા… સાચ્ચે જ….”

પૃથાની ખુશીનો પાર ન રહ્યો. એ દોડીને વિસ્મય પાસે ગઈ ને વિસ્મયે એને પોતાની બાંહોમાં સમાવી લીધી…..

– સ્મિતા પટેલ

બિલિમોરા ખાતે રહેતા અને ગણદેવા આઈ. ટી. આઈ. માં પ્રશિક્ષકની ફરજ બજાવતા શ્રી સ્મિતાબેન પટેલની આ સુંદર સહજ વાર્તા ગર્ભમાં દીકરી હોવાને લીધે તેનું અબોર્શન કરાવવા તૈયાર થયેલ પિતા અને તેના મનપરિવર્તનની વાત પ્રસ્તુત કરે છે. સહજ સરળ આડંબરરહિત વાત આ પ્રસ્તુતિની ખાસીયત છે. અક્ષરનાદ પરની આ પ્રથમ કૃતિ બદલ સ્મિતાબેનનું સ્વાગત છે અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to Kaushal BarotCancel reply

14 thoughts on “ખોટની ખીમી.. (વાર્તા) – સ્મિતા પટેલ

  • Kaushal Barot

    ઘણા સમય બાદ આ વર્તા ફરેી વાચેી.. તેનેી અસરકારકતા અકબદ .. sorry unable to type well in gujarati..but while reading final paragraph a drop leaked out of my eye.. really heart touching..

  • i.k.patel

    વર્તમાન સમય ની સમસ્યા નું સુંદર ચિત્રણ કરતી વાર્તા. સ્મિતા બેન ને હાર્દિક અભિનંદન.

  • M.D.Gandhi, U.S.A.

    ગમે તેટલા દીકરા હશે, પણ ભવિષ્યમાં ઘરડા માબાપનું ધ્યાન જેટલું દીકરી રાખશે, તેટલું દીકરાવહુ નહીં રાખે હા, વહુ હશે તે તેના માબાપનું ધ્યાન જરૂર રાખશે…..

    દીકરાઓ ગમે તેટલાં હોય, કે ભલે એકેય ન હોય, પણ, એક દીકરી તો જોઈએજ…. ભલે પરણ્યા પછી પારકે ઘેરે જાય કે પરદેશ જાય્………………… દીકરીજ દી વાળશે……

    સુંદર સંદેશો આપતી એક સરસ વાર્તા….

  • Hemal Vaishnav

    આ શું ખરેખર લેખીકાશ્રીની પ્રથમ વાર્તા છે ? …આ તો કોઇ નીવડેલા લેખક જેવું સરસ લખાણ છે .

  • ashvin desai

    સ્મિતા પતેલનિ વાર્તા મને ખુબ જ ગમિ , કારનકે
    ૧ સ્મિતાએ શિર્શક જ ખુબ કેચિ , અનુરુપ અને સુચક પસન્દ કર્યુ ચ્હે
    ૨ વાર્તાનો ઉપાદ પન સરલ – સ્વાભાવિક કુતુહલ – પ્રેરક સ્તાઈલથિ કર્યો
    ૩ શૈલિ સરલ ચ્હતા ખુબ આકર્શક લાગિ
    ૪ વિશય વસ્તુ નાજુક અને સમ્વદન શિલ રહ્યુ
    ૫ એક આદર્શ તુન્કિ વાર્તા કલાત્મક તરિકાથિ કન્દારાઈ
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Chandrakant Lodhavia

    સુંદર સર્જન.
    ચન્દ્રકન્ત લોઢવિયા ૨૨ જુલાઈ ૨૦૧૪