તમે પણ મને.. (વાર્તા) – ગીતા શુક્લ 19


અષાઢી બીજના પવિત્ર દિવસે મયૂર અને વિશાખાએ નવી જગ્યાએ, નવા ઘરમાં સામાન સાથે પ્રવેશ કર્યો. અમદાવાદ જેવા મોટા શહેરમાંથી નાના ટાઉનમા ફાવશે કે નહી તેવો પ્રશ્ન વારંવાર ઉઠતો હતો. આમ તો દક્ષિણ ગુજરાતની લીલીછમ ધરતી પર પગ મૂકતાંની સાથે જ મન પણ હરિયાળુ બની ગયુ હતું. એક તો વરસાદી માહોલના લીધે આજુબાજની વાડીના વૃક્ષો ઘટાદાર અને લીલાછમ લાગતાં હતાં. આંબાની વાડી, ચીકુની વાડી, નાળીયેરી, બધું મનને મોહી લે તેવુંં, પ્રકૃતિનું રૂપ ખૂબ ખીલ્યું હતું.

મયૂરના પપ્પાના મિત્રનું બીલીમોરામાં ઘર હતું. મકાન ખૂબ જ મોટુ હતું. મકાન કરતા પણ વાડો ઘણો મોટો હતો. મયૂરને અહીં એક ફેક્ટરીમાં નોકરી મળી હતી. હાલ તો તેમણે અહીં જ રહેવાનુ હતું. વાડામાં પારિજાત, મોગરા તથા ગુલાબના ફૂલોની સુગંધથી વાતાવરણ મઘમઘતુ હતું. રંગબેરંગી ફૂલોથી આખો વાડો શોભી રહ્યો હતો.

થોડો ઘણો સામાન વ્યવસ્થિત મૂકીને મયૂર બોલ્યો, “વિશાખા, હું ઓફિસે જઈને આવું છું, ત્યાં સુધી તું આરવ જોડે આરામ કર.” તેમનો આરવ ઘણો જ નાનો હતો.

મયૂરના ગયા પછી વિશખા ફ્રેશ થઈ, આરવને સૂવડાવી તે સામાન ગોઠવવા લાગી. સામાન વ્યવસ્થિત કરવામાં તેનો સમય ક્યાં નીકળી ગયો તેની પણ ખબર પડી નહીં. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. નવી જગ્યા હોવાથી તેને મયૂરની ચિંતા થવા લાગી. વરસાદ તો અટકવાનું નામ જ ન્હોતો લેતો એટલામાં બહાર કોઈનો પગરવ સંભળાયો. તેણે જોયું તો એક ઉંમરલાયક બાઈ વરસાદથી બચવા ઉભી હોય તેમ લાગ્યું. તે થરથર ધ્રુજતી હતી. વિશાખાને તેની દયા આવી, તેણે તેને ઓટલા પર બેસવા કહ્યું, અને બોલી, “તું અહીં નજીકમાં જ રહે છે?”

“હા બેન, હું અહીં જ, થોડે દૂર સીતાનગરમાં રહું છું.”

વિશાખા તેનો અલગ પહેરવેશ જોઈ રહી. મરાઠીની જેમ તેણે કછોટો મારીને સાડી પહેરી હતી. થોડીવાર પછી તે બોલી, “તમે નવા જ રે’વા આવ્યા લાગો છો? તમારે કામ કરાવવું હોય તો કહેજો. મારી પાસે અત્યારે કંઈજ કામ નથી, પેટનો ખાડો પૂરવા પૈસાની ખૂબ જરૂર છે.”

“બધું જ કામ કરાવવું હોય તો કેટલા પૈસા લઈશ?”

“તમારે જે આપવુ હોય તે આપજો, હું બધું કામ કરી આપીશ. તો હું કાલથી કામ પર આવું?”

“સારૂ, તો કાલ સવારથી આવી જજે. તારૂ નામ શું છે?”

“મારૂ નામ નંદુ છે.” તે ગઈ ત્યારે તેના ચહેરા પરની કરચલીઓમાં મલકાટ અને કામ મળ્યાની ખુશી છલકાતી હતી.

મયૂર આવ્યો. વિશાખાએ ખુશ થતા કહ્યું, “કામવાળી બાઈ મળી ગઈ છે.”

મયૂર બોલ્યો, “ચાલો સારુ થયું, હવે તને આરવ સાથે તકલીફ નહી પડે.”

સામાન ગોઠવાઈ ગયો. બીજા દિવસથી બધું વ્યવસ્થિત થઈ રહ્યું. નંદુ પણ સવારથી આવી કામ કરવા લાગી. કામ પણ મન દઈને કરતી. આખું ઘર અને વાડો ચોખ્ખો ચણાક રાખતી. વિશાખા કામ કરતી હોય ત્યારે તે નાનકડા આરવને ઘોડિયામાં સૂવડાવીને હાલરડાં ગાતી. તેની ગામઠી ભાષામાં ગવાતા હાલરડાની વિશાખા પણ મજા લૂંટતી.

દિવસો પસાર થવા લાગ્યા. વિશાખાને પણ ધીમે ધીમે આજુબાજુના લોકો સાથે પરિચય થવા લાગ્યો. તેને નવી જ્ગ્યામાં ધીમે ધીમે ફાવી ગયું.
એક દિવસ બપોરના સમયે તે બાજુમાં રહેતા રમાબેનને ઓટલે બેઠી હતી. ઘણી મહીલાઓ ભેગી થઈ હતી, એવામાં રમાબેન બોલ્યા, “વિશાખાબેન, મારે તમને એક વાત કહેવી છે. તમારે ત્યાં નંદુ કામ કરવા આવે છે તે બહુ સારી નથી. તમે તેને શા માટે કામ પર રાખી?”

વિશાખા બોલી, “કેમ? સારી નથી એટલે શું? મને વાતમાં સમજ ન પડી, કામ તો સારૂ કરે છે અને ઈમાનદાર પણ છે.”

રમાબેન બોલ્યા, “મારે તમને કેમ સમજાવવા, અમે કોઈ તેની પાસે કામ નથી કરાવતા. તમે માનો કે ન માનો પણ એ ડાકણ છે.”

વિશાખા આ સાંભળીને ધ્રુજી ગઈ. કંપતા અવાજે તે બોલી, “એટલે તમે શું કહેવા માંગો છો?”

“બેસો હું તમને સમજાવું, એના છોકરાની વહુ મારે ત્યાં કામ કરે છે, તેણે મને કહ્યુ કે તેની નજર સારી નથી. તોબા, તોબા! નાના છોકરાને તો તરત જ લાગી જાય. તમે તેને મેં આ વાત કરી છે તેમ ન કહેતા નહીં તો મારૂ તો આવી જ બન્યું.” રમાબેન ગભરાતા બોલ્યા.

વિશાખા જોઈ રહી, કેટલી અંધશ્રદ્ગા!, “એવો કોઈ પ્રસંગ બન્યો છે કે એ કોઈને ખાઈ ગઈ હોય?”

ત્યાં બેઠેલા બધાં બોલી ઉઠ્યા, “હા… અમને ખબર છે. જ્યારે તે જન્મી ત્યારે તેની મા મરી ગઈ. તેના લગ્ન પછી તરતજ તેના સાસુ-સસરા મરી ગયા. ત્યાર પછી છોકરા થયા પછી તેના વર ને પણ ખાઈ ગઈ.”

વિશાખા હસવા લાગી. “એમાં નંદુ નો શો વાંક? આ તમે બધા કેવી વાત કરો છો.”

રમાબેન ચિડાઈ ને બોલ્યા, “માનો કે ન માનો, પછી કે’તા નહીં કે અમે તમને ન કહ્યું, જો જો, પસ્તાશો, તમારા પોયરાને સાચવજો. અમે તો તમારા ભલા માટે જાણ કરી.”

વિશાખાએ મયૂર આવ્યો એટલે બધી વાત કરી. મયૂર હસવા લાગ્યો, “એવું બધું કંઈ ન હોય, નંદુ તો કેટલી સારી છે! આરવ ને તો ખૂબ સાચવે છે, તું આ બધું મગજમાંથી કાઢી નાખજે. એ તો નંદુ આપણુ કામ કરે તે નહીં ગમતું હોય.”

વિશાખા બોલી, “ના ના, મારા મગજમાં એવુ કશું જ નથી.”

એક દિવસ વિશાખા આરવના ફોટા પાડતી હતી. નંદુ બોલી, “બૂન મારો પણ બબુ સાથે ફોટો પાડી આપોને, મારા પગારમાંથી પૈહા કાપી લેજો.” નંદુ પૈસા ને પૈહા કહેતી.

વિશાખાએ તેનો આરવ સાથે ફોટો પાડ્યો. તેને જ્યારે ફોટો આપ્યો તારે તેના બોખા મોઢા પર હાસ્ય સાથે બોલી, “મોટો થાય ત્યારે તેને બતાવજો, આ ડોહી તને હાલરડાં ગાતી’તી.”

“જોને નંદુ, આ પારિજાતના ફૂલ કેટલા સુંદર દેખાય છે! સફેદ અને કેસરી દાંડીનું સૌંદર્ય જ અનેરૂ છે. ફૂલોની તો પથારી જ થઈ જાય છે. તેનો પણ ફોટો પાડી લઉં, દિવાળીમાં અમદાવાદ જઈશ ત્યારે ત્યાં બધાને બતાવીશ. જો નંદુ અમે દિવાળીમાં જવાના છીએ, મેં તારા માટે સાડી લીધી છે તે તને આપી ને જઈશ, તે તું દિવાળીમાં પહેરજે.”

“ના, તે સાડી તમારી પાસે જ રાખો. જ્યારે હું મરી જાઉં ત્યારે મને ઓઢાડજો. આમ પણ મને હમણાં જરૂર નથી. હમણાં મારી પાસે લૂગડા છે તે ચાલશે.”

“ત્યારે હું તને બીજી સાડી ઓઢાડીશ.” વિશાખા તેનો દુઃખી ચહેરો જોઈ રહી.

એક દિવસ આરવને ખુબજ તાવ આવ્યો. નંદુ બોલી, “બૂન, શરદીનો તાવ છે. હું અજમો શેકીને ધુમાડો આપું છું.” નંદુએ દેશી દવા કરવા માંડી. દિવેલ અને અજમો કપાળ પર તથા છાતી પર લગાડ્યા. વિશાખા આરવને ડોક્ટર પાસે લઈ ગઈ અને દવા લઈ આવી. આરવને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેથી તે ઘણી ગભરાઈ ગઈ હતી.”

નંદુ બોલી, “ગભરાવ નહીં, અજમાથી શરદી બળી જશે, સારુ થઈ જશે, તમે સહેજ પણ ચંત્યા ન કરશો.” નંદુ ઘરે ગઈ એટલે બાજુવાળા રમાબેન આવ્યા, કહેવા લાગ્યા, “જોયું ને! કેવો માંદો પડી ગયો! પણ તમે તો અમારી વાત માનતા જ નથી. જ્યારે ન થવાનું થશે ત્યારે ખબર પડશે અને ત્યારે ઘણું મોડું થઈ ગયુ હશે, રામ રામ.. કેવો ગલગોટા જેવો છોકરો… કેવો થઈ ગયો ! નંદુની વહુ કામ કરવા આવી હતી તો કેતી’તી કે નંદુ સાથે તમે આરવનો ફોટો પાડીને આપ્યો છે, હવે કોણ જાણે એ ફોટાનું શું કરશે, બાળી નાખશે તો…” અધૂરું વાક્ય છોડી રમાબેન ચાલ્યા ગયા.

તેમના ગયા પછી વિશાખા ગભરાઈ ગઈ, કારણ કે આખરે એ એક ‘મા’ હતી. તેના હ્રદય અને મગજ વચ્ચે યુદ્ધ ચાલુ થયું, હૈયું કહેતુ હતું કે આ બધી માન્યતા છે, પણ માનું મન ગભરાતું હતું. તે વિચારવા લાગી, આમ તો તે આરવને કેટલો પ્રેમ કરે છે, તે એને નુકસાન શા માટે પહોંચાડે? હું તેના માટે આવુ વિચારું તો ખરાબ કહેવાય. આમ વિચારતા તે નંદુ એ બનાવેલી અજમાની પોટલી આરવને સુંઘાડવા લાગી. તેને થયું કે મયૂરને આ વાત કરુ તો.. તો મયૂર તેને હસી નાંખશે, મયૂરને કહેવાની તેનામા હિંમત નહોતી, મયૂરને આવી વાત પસંદ નહોતી. આખી રાત તે આરવ પાસે બેસી રહી. એ સૂતો નહોતો, તેને તાવ પણ હતો. વિશાખાને જાત જાતના વિચાર આવતા હતાં. વિચારમાં ને વિચારમાં તે સૂઈ ગઈ.
સૂરજદાદા નુ આગમન થતાં જ પંખીઓનો કલરવ વાતાવરણને ઢંઢોળી રહ્યો હતો. એ અવાજે તેને જગાડી દીધી. તે નિત્યક્રમ પતાવી પૂજા કરવા ફૂલ લેવા વાડામાં ગઈ. વાડાનું દ્રશ્ય જોતાં જ તે ધ્રુજી ગઈ. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. હ્રદય જોરશોરથી ધડકવા લાગ્યું. આ શું થઈ ગયું? પારિજાતનું ઝાડ જે કાલે લીલુછમ્મ હતું તે એક રાતમાં સુકાઈને ઠુઠું કેવી રીતે થઈ ગયું? એક જ રાતમાં ઝાડ કેવી રીતે બળી જાય. તેણે રમાબેનને બૂમ પાડી બોલાવ્યા.

“શું થયુ? હાય! હાય! આ ઝાડને શું થઈ ગયું, નક્કી નંદુએ જ મૂઠ મારી છે. તમારી નજર સામેજ દાખલો છે. એક રાતમાં ઝાડ થોડું બળી જાય?”

વિશાખા ગભરાઈ ગઈ. તે રડ્વા લાગી. મયૂર પણ ઓફિસે જવા નીકળી ગયો હતો. તે દોડતી આરવ પાસે પહોચી. તે નિરાંતે સૂતો હતો. તાવ પણ ઊતરી ગયો હતો.

નંદુ કામ કરવા આવી. વિશાખા શંકા-કુશંકામાં ઘેરાયેલી હતી. નંદુ બોલી, “બુન, હવે કેમ છે આપણા બબુને?” વિશાખાએ તેનો કોઈ જવાબ ન આપ્યો. આજે વિશાખા નંદુ સાથે કંઈ જ બોલી નહીં. નંદુને તેણે ઘોડિયા પાસે આવવા જ ન દીધી. કોઈને કોઈ બહાને તે આરવને તેનાથી દૂર રાખતી હતી. આખરે તેણે નંદુને કહ્યું, “તું જા, હું કામ પતાવી લઈશ.

તેના ગયા પછી વિશાખા ઘોડિયા પાસે ગઈ. જોયું તો આરવ ખિલખિલાટ હસતો હતો. તાવ પણ નહોતો, તે એકદમ ફ્રેશ લાગતો હતો. દવાએ સારી એવી અસર કરી હતી. તેણે હાશકારો અનુભવ્યો. વધુ વિચારે એ પહેલા બહાર ભારે શોરબકોર સંભળાયો. તે આરવને લઈને દોડતી બહાર આવી, જોયું તો રોડ પર મોટુ ટોળુ એકઠું થયું હતું. એણે જોયુ તો આંખો પહોળી થઈ ગઈ. આ શું? નંદુ લોહીના ખાબોચિયામાં તરફડતી હતી. “આ શું થઈ ગયુ? કેવી રીતે બન્યું?” તેણે બધાને પૂછ્યું તો જાણવા મળ્યુ કે રમાબેનનો પાંચવર્ષનો દિકરો લાલુ દોડતો દોડતો દડો લેવા રોડ પર પહોંચી ગયો, સામેથી ખૂબ ઝડપથી આવતા ખટારાથી તેને બચાવવા નંદુ દોડી ગઈ. એ તો બચી ગયો, પણ નંદુને ટક્કર લાગી જતાં તેને ઘણું વાગ્યું. બધાએ એમ્બ્યુલન્સ મંગાવી. વિશાખાએ તીખી નજરે રમાબેન સામે જોયું અને બોલી, “રમાબેન ડાકણે તો તમારા દિકરાનો જીવ બચાવ્યો.”

રમાબેન નીચું જોઈ ગયા. શરમના માર્યા બધાનાં માથા ઝૂકી ગયા. કોઈ પાસે તેનો જવાબ નહોતો. વિશાખાને પણ પોતાની જાત પ્રત્યે શરમ ઉપજી કે તે કેમ આ બધાની વાતમાં આવી ગઈ.

એમ્બ્યુલન્સ આવી પહોંચી. બધા હોસ્પિટલ પહોંચ્યા, ડોક્ટરે કહ્યું, લોહી ઘણું નીકળી ગયું છે, બચવાની શક્યતા ઘણી ઓછી છે. એટલામાં નર્સ આવી, “વિશાખાબેન કોણ છે? તેમને પેશન્ટ બોલાવે છે.” વિશાખા દોડીને નંદુ પાસે પહોંચી.

નંદુ ત્રુટક ત્રુટક સ્વરે બોલી, “બુન, આપણા બબુને સાચવજો… મ…ને માફ કરજો.. તમારી સાડી મને ઓઢાડજો…”

વિશાખા રડતાં રડતાં બોલી, “નંદુ તું સારી થઈ જઈશ. તને કંઈ નહી થાય.”

“ના.. ના બુન મારે હવે જીવવું જ નથી. પણ મને એક વાતનું દુઃખ છે કે તમે પણ મને ન સમજ્યા, તમે પણ મને ડા.. ક.. ણ…” અને તે આટલું બોલતા જ અટકી ગઈ.

વિશાખાએ ડોક્ટરને બોલાવ્યા. તેમણે કહ્યું, “શી ઈઝ નો મોર.” સાંભળતાની સાથે જ વિશાખાની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. તેણે નંદુના માથે હાથ ફેરવ્યો, જોયું તો તેનો તથા આરવનો ફોટો છાતી સરસો ચાંપીને એ સ્વાર્થી દુનિયાને અલવિદા કરી ગઈ.

– ગીતા શુક્લ

શ્રી ગીતાબેન દેવદત્તભાઈ શુક્લની અક્ષરનાદ પર આ બીજી વાર્તા છે, અને અહીં તેમણે એક વર્ષો જૂની માન્યતાનો છેદ ખૂબ ભાવુક રીતે ઉડાડ્યો છે. પાયા વગરની રૂઢીગત માન્યતાઓ અને ખોટી માનસિક ભ્રમણાઓને લીધે અનેક સ્ત્રીઓને મોતને ઘાટ ઉતારાય છે. હજુ પણ આપણા દેશના ગામડાઓમાં ડાકણ ગણીને અનેક સ્ત્રીઓને મારી નંખાય છે, એ જ વાતને આવરી લઈને ગીતાબેન પ્રસ્તુત વાર્તામાં એક નારીહ્રદયની સંવેદનાઓને સરસ અને સહજ રીતે ઝીલે છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ ગીતાબેનનો આભાર તથા તેમની કલમને શુભેચ્છાઓ. તેમનો સંપર્ક તેમના ફોન નંબર ૦૨૬૧ ૨૭૬૬૨૪૪ પર અથવા તેમના ઈ-મેલ સરનામે geetashukla116@gmail.com પર કરી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “તમે પણ મને.. (વાર્તા) – ગીતા શુક્લ

  • i.k.patel

    વર્ષો જુની માન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ ની આ જગત માં કોઈ સ્થાન નથી, લોકો ને ખાસ તો મહિલાઓ ને જાગ્રત થવા ની જરુર છે. આટલી સરસ વાર્તા માટે લેખિકા ને હાર્દિક અભિનંદન.

  • Arvind upadhyay

    બહુ જ સરસ સંવેદનાત્મક રચના. ઘર કરેી ગએલ કુમાન્યતાઓ પ્રત્યે દિવાદાન્ડેી. અભિનન્દન્.

  • hansa rathore

    હૃદયસ્પર્શી વાર્તા ! સ્ત્રીઓ આવી બધી વાતો મને છે , ફેલાવે પણ છે એવું અનુભવ્યું છે ..થોડી જાગૃતિ આવે તો સારું ! પતિ કે બાળકો ના મોત કોઈ સ્ત્રી ના કારણે થાય એવું માનવું ખોટું છે…

  • Tushar bhatt

    manas game tetlo potane vahem mukt samajato hoy, pan jyare teni kasotino vakhat ave tyare ene taki shakvu khaekhar mushkel hoy chhe.akhare to te manas chhe ane e nabalai mukt nathi thai shakto…enu sundar alekhan aa vartama thayu chhe.Abhinandan Geeta Shukla ne!

  • jacob

    સમાજમાં વહેમ ઘર ઘાલી ગયો છે. ને એના ભોગ બનનારના દુ:ખનો પાર રહેતો નથી. ડાકણનો વહેમ ફકત આદિવાસી સમાજમાં જ હોય છે. પણ એ સિવાય નાના મોટા વહેમ ગરીબોનું જીવવું હરામ કરી દે છે, ને ભદ્ર લોકને એની કોઇ તમા હોતી નથી. સમાજના આ દુષણ તરફ સારો અંગુલિનિર્દેશ છે.

  • Dhiren Modi

    ખુબ સરસ રિતે આજ્ના સામ્પ્રત જમનામા ચાલતિ માન્ય્તાઓ નુ વાર્તાના સ્વરુપમા નિરુપણ ક્ર્યુ છે.

  • Jay Patwa

    By accident I read Geeta Shukla’s story ” tame pan mane….” I like so much I put on Facebook and I can’t stop my self.I look for her first story. I like that better.You are writing very nice and please continue.

    Can you send this two story to http://www.readgujarati.com/2013/03/26/bhadli-vaakyo/

    that site need help.Mrugesh shah who develop that site ,He went to heaven early and his site need somebody like you.He help to develope this aksharnaad site also.

    When I was in India, I use to live near Adajan Patia

    Jay Patwa

    Just read it, it is beautiful.

  • નિમિષા દલાલ

    ગીતાબહેન મારે કશું કહેવું નથી આ બધી જ કોમેંટ વાંચીને ખૂબ ખુશી થઈ છે.. આમજ ઉત્તરોત્તર તમારુ લખાણ લોકપ્રિય થાય એવી દિલથી શુભેચ્છાઓ….

  • ડો. મનીષ વી. પંડ્યા

    ગીતાબેન ની વાર્તા ગમી. વર્ષો જૂની ખોટી માન્યતાઓ અને વહેમો નો છેદ ઉડાડતી અને નવા વિચારોને જન્મ આપતી સુંદર વાર્તા. લખાણ માં વહી જવાય છે.

  • Gunvant Vaidya

    સુંદર સંદેશ, સુંદર પ્રવાહિતા …..
    લેખકને અભિનંદન .

  • Harshad Dave

    વાર્તા સ-રસ છે. મૃત્યુ દ્વારા હેતુ સિદ્ધ થાય છે. ટાગોરની એક વાર્તાનું અંતિમ વાક્ય હતું, “…અને ઘરના કૂવામાં ઝંપલાવી મરી જઈને સાબિત કર્યું કે તે જીવતી હતી…” – હદ.

  • ashvin desai

    ગિતાબેનનિ વાર્તા મને ખુબ ગમિ કારનકે
    ૧ શિર્શક આધુનિક સુન્દર અને કલાત્મક લાગ્યુ
    ૨ વાર્તાનો ઉપાદ ભાવકને વાર્તા તરત જ વાન્ચિ જવાનિ ફરજ પાદે ચ્હે
    ૩ શૈલિ સરલ ભાવવાહિ અને ચોતદાર લાગિ
    ૪ વાર્તાનુ બન્ધારન મુદાસર અને પરિનામલક્ષિ લાગ્યુ
    ૫ વાર્તાનો અન્ત એક આદર્શ તુન્કિ વાર્તાને અનુરુપ લાગ્યો , ધન્યવાદ
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા