કેળવણીના દાવા કરતી શાળાઓની પોલંપોલ – ડૉ. સંતોષ દેવકર 8


દરેક મા-બાપ ઈચ્છે છે કે પોતાનુ બાળક સારી શાળામાં પ્રવેશ મેળવે. એવી શાળામાં એડમિશન લે કે જ્યાં તેનો સર્વાંગી વિકાસ થાય. જીવનની પ્રત્યેક મુસીબતનો સામનો કરે, તે ક્યાંય પાછો ન પડે. માત્ર હાથ પગની કેળવણી ઉપરાંત મગજ અને હદયની કેળવણી પણ તેને મળે. ભણી-ગણીને મોટો માણસ બને. મોટી નોકરી મેળવે, મોટો પગાર મેળવે, મોટો બંગલો બનાવે. દરેક મા-બાપની આ પ્રકારની ઈચ્છાઓ હોય એ સ્વાભાવિક છે.

કેળવણીના દાવા કરતી મોટા ભાગની શાળાઓ સાચી કેળવણી આપવામાં નિષ્ફળ જાય છે. છેતરામણી જાહેરાતો કરીને, મસમોટી ફી ઊઘરાવીને પોતાના આપેલા વચનો (સરકારની જેમજ સ્તો !) પૂરા કરવામાં ઊણી ઊતરે છે. વર્ષ દરમિયાન વાલીની કોઈ પણ વાત-ફરિયાદ સાંભળવામાં આવતી નથી અથવા તો સાંભળીને આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે વાલીને થાય છે કે મોટી ફી ભરીને આપણે તો ફસાયા. કેટલીક શાળાઓની ભ્રામક જાહેરાતો આ માટે કારણભૂત હોય છે. વાલીઓને છેતરતા આવા સંચાલકોને શેહ-શરમ રાખ્યા વગર સરકાર પાઠ ભણાવી શકે ખરી ? વાલીઓનો અવાજ સાંભળી શકે એવા કોઈ કાન ખરાં ? જો કોઈ એક વાલી અવાજ ઉઠાવે તો તેના બાળક સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય છે. ક્યારેક તો વાલીના વાંકે વિદ્યાર્થીને ડામ દેવાતો હોય છે. જેથી એકલ-દોકલ વાલી આવી હિંમત કરતા નથી. પરિણામે સંચાલકો લીલા-લહેર કરતા હોય છે. એવી કેટલીય સંસ્થાઓ ગુજરાતમાં છે જેનાં વાર્ષિક નિરીક્ષણ થતા જ નથી ! જો થાય છે તો માત્ર કાગળ ઉપર જ. નહિ તો શોપિંગ સેન્ટરોમાં ચાલતી, સાધન સંપન્ન ન હોય તેવી અને મેદાન ન ધરાવતી શાળાનું અસ્તિત્વ હોત ખરું ? વિકલ્પ ન હોય ત્યાં વાલી શાળાઓનો અત્ચાચાર મૂંગા મોઢે સહી લે છે.

“જાયેં તો જાયેં કહાં ?” વારંવાર શાળા બદલવી એ વાલી કે બાળક બન્નેમાંથી કોઇના હિતમાં નથી હોતું. સંચાલકો પોતાની મનમાની કરે, શિક્ષકો ટ્યુશનની ધોંસ વધારે, સરકાર પુસ્તકોની કિંમત વધારે, વેપારીઓ નોટબુક્સ, દફતર, ઈતર વસ્તુઓની કિંમતો વધારે. બિચારો વાલી જાય તો ક્યાં જાય ? આજે શિક્ષણ એટલું મોંઘું થયું છે કે સામાન્ય વાલી તેના બાળક ને કહેવાતી સારી (ઊંચી ફી લેતી) શાળામાં એડમિશન અપાવી શકતો નથી. પરિણામે બાળક સહિત મા-બાપ લઘુતાગ્રંથિથી પીડાય છે.

સાચી હકીકત તો એ છે કે કહેવાતી મોટી શાળાઓ સહિત તમામ માત્ર હાથ-પગની કેળવણી આપી શકે છે. મગજ અને હૃદયની કેળવણી આપી શકતા નથી. જો હાથ-પગની કેળવણી પણ આપતા હોત તો દરેક બાળક શારીરિક તંદુરસ્ત હોવું જોઈએ. પરંતુ આજે બાળક કુપોષણ, આંખોની તકલીફ, દાંતની તકલીફ અને હિમોગ્લોબિનની ઉણપથી પીડાય છે. (અહિં કુપોષણના આંકડા આપીને અને શિક્ષણની ગણવત્તાના રેંક મુકીને વાચકોનો રસ ભંગ નથી કરતો) એનો અર્થ એ થયો કે હાથ પગની કેળવણી પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. શાળાઓમાં માસ પી.ટી.નો અઠવાડિયામાં માત્ર એક જ તાસ હોય છે.

હવે રહી વાત મગજની કેળવણીની! તો મગજની કેળવણી એ તર્કશક્તિ, સ્મરણ શક્તિ, સ્મૃતિ શક્તિ, તારણ શક્તિ, કારણ શક્તિ, ધારણ શક્તિ વગેરે શક્તિઓ પર આધારિત છે. આમાંનુ કાંઈ જ થતુ નથી. કહેવાતી શાળાઓમાં અપાતું શિક્ષણ કોઈ પણ પ્રકારની શક્તિને ઉજાગર કરતું નથી. માત્ર સ્મૃતિ શક્તિ ઉપર જ ભાર મૂકવામાં આવે છે. જેને બીજા શબ્દોમાં ‘ ગોખણપટ્ટી ’ જ કહી શકાય. જે સૌથી સારી ગોખણપટ્ટી કરી શકે તે ઊંચા ટકા લાવી શકે. બારમા ધોરણની બોર્ડ ની પરીક્ષા અને ગુજકેટની પરિક્ષાની ટકાવારીમા પડતો તફાવત આ બાબતની સાક્ષી પુરે છે.
કેળવણીકાર અને ચિંતક ગુણવંત શાહ નોંધે છે કે માણસનું ભાવજગત એ કર્મજગત અને જ્ઞાનજગતને સતત અસર પમાડતું રહે છે. આજે આપણો વિદ્યાર્થી બાલવાડીથી શરૂ કરીને પી.એચ.ડી. સુધી પહોંચે ત્યાં સુધીમાં ક્યાંય રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોનો આછો પરિચય પણ પામતો નથી. એનુ શિક્ષણ એવી રીતે પૂરું થાય છે જાણે એ ભારતીય સંસ્ક્રૂતિનું સંતાન ન હોય. હ્રદયની કેળવણી પામ્યા વગરનો ડોક્ટર, એન્જીનીયર, ક્મ્પ્યુટર તજજ્ઞ, શિક્ષક, નેતા, કર્મચારી કે કારીગર, હ્રદય શૂન્યતાના મહારોગથી પીડાતો હોય છે.

વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ તેના શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક, અને ભાવનાત્મક વિકાસ પર આધારિત છે. શાળાઓ પોતાનું સ્વ-મૂલ્યાંકન કરી શકે. ઉપરોક્ત પાંચ વિકાસ પૈકી વિદ્યાર્થીનો કઇ દિશામા વિકાસ થઇ રહ્યો છે તે ચકાસી શકાય. જો તમે સંચાલક છો તો, જો તમે વાલી છો તો, જો તમે શિક્ષક છો તો, જો તમે શિક્ષણમાં રસ ધરાવતા રાજકારણી છો તો ચકાસો કે તમારા વિદ્યાર્થીનો વિકાસ કઇ તરફ છે. તમે પસંદ કરેલી શાળા આ પ્રકારે વિકાસ કરવા માટે સક્ષમ છે ? જો ના તો તમે કરેલો નિર્ણય પુન: વિચારણા માગી લે છે.

૧. શારીરિક વિકાસ : વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સંબંધી તમામ શક્તિઓનો વિકાસ.
૨. માનસિક વિકાસ : વિદ્યાર્થીના મન સંબંધી તમામ માનસિક શક્તિઓનો વિકાસ.
૩. બૌદ્ધિક વિકાસ : વિદ્યાર્થીને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે તેવી પઝલ, પ્રશ્નો, સમસ્યાઓ, રમતો સંબંધી તમામ શક્તિઓનો વિકાસ.
૪. અધ્યાત્મિક વિકાસ : વિદ્યાર્થીના અધ્યાત્મ સંબંધી તમામ ગુણોનો વિકાસ.
૫. ભાવનાત્મક વિકાસ: વિદ્યાર્થીના લાગણી, પ્રેમ, ગુસ્સો, સાહનુભૂતિ, ઈર્ષ્યા ઇર્ષ્યા, ખેલદિલી, સંબંધી તમામ ગુણોનો વિકાસ.

જો તમે વાલી છો તો તપાસો કે તમે પસંદ કરેલ શાળા આ પ્રમાણેનો અભ્યાસક્રમ ચલાવે છે. બાળકોનો પાંચ તબક્કે વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે ? જો તમે સંચાલક છો તો વિચારો કે તમારી શાળામાં અભ્યાસ કરતું બાળક આ લાભ મેળવે છે ? તમે શાળામાં તેની પાંચેય શક્તિઓ અને કૌશલ્યો વિકસે તેવો પ્રબંધ કર્યો છે?

વિદ્યાર્થી શિક્ષણ મેળવીને માત્ર એકાંગી બને છે. અને પછી ‘ભણ્યો પણ ગણ્યો નહિ’ જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. મા-બાપ સાથે વાત કરતાં આવડતું નથી. વડીલો સાથે માનપૂર્વક વ્યવહાર કરી શકતો નથી. માત્ર ઉડાઉ જવાબ આપે છે વગેરે વગેરે.

ડેનિયલ ગોલમેન જેવો મનોવિજ્ઞાની પોતાના ‘ઈમોશનલ ઈન્ટેલીજન્સ’ પુસ્તકમાં કહે છે કે માણસની બુદ્ધિ ઉપરાંત એની સંવેદનાઓ પણ જીવનમાં ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે. ભાવજગતની માવજત વગર સાચી કેળવણીનું દર્શન થશે નહિ .

વિદ્યાર્થીનો ભાવનાત્મક વિકાસ ન થવાથી સહજીવનમાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અધ્યાત્મિક વિકાસ પણ એટલો જ જરૂરી બને છે. અધ્યાત્મિક વિકાસ એટલે પૂજા-પાઠ અને મંદિરે જવું એટલું જ નહીં, આ સિવાયનું ઘણું બધું છે જે શાળા કરી શકે છે. વાત સમજાય તો લેખ બીજી વાર વાંચવો ફરજીયાત નથી. પરંતુ પોતાના બાળકને, ઘેંટાની ચાલે ચાલી કોઇપણ શાળાથી પ્રભાવિત થયા વગર તેના અભ્યાસક્રમ, પૂરક અભ્યાસક્રમ, ઈતર અભ્યાસક્રમ, અભ્યાસપૂરક અને અભ્યાસપ્રેરક પ્રવૃત્તિઓ જોઈ સમજીને જ એડમિશન મેળવવું સમજદારી ભર્યુ પગલું છે.

– ડૉ. સંતોષ દેવકર

બિલિપત્ર

“કેળવણી એટલે
માનવ
બનવાની મથામણ ”
(SMS – મનુભાઈ કોટેજા, પોરબંદર)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “કેળવણીના દાવા કરતી શાળાઓની પોલંપોલ – ડૉ. સંતોષ દેવકર

  • Palak Shah

    I like the information but really hard to find such school any where. And as u said they do false advertisements. How to find a good school.

  • Harshad Dave

    બાળકોનો સર્વાંગી વિકાસ શબ્દ બહુ અસરકારક છે પરંતુ કોઈપણ શાળા એની અસરકારકતા સિદ્ધ કરી શકતી નથી તેનું કારણ છે બાળકોને બાળપણથી ન આપવામાં આવતું આધ્યાત્મિકતાનું શિક્ષણ. એ પાયાથી જ જરૂરી છે. પરંતુ કૂવામાં હોય તો ને? શિક્ષણ જગતમાં કયાય આવું આધ્યાત્મિક કે ભાવનાત્મક શિક્ષણ અપાતું નથી. તેવાં પ્રયાસો પણ કોઈ કરતું નથી. પરંતુ મારા ગુરુબંધુ સમાન પરમ મિત્ર ડૉ. નિરંજન મોહનલાલ વ્યાસ આ દિશામાં ઘણું ઘણું પ્રેરક કાર્ય કરે છે જે નક્કર, સ્તુત્ય અને અનુકરણીય છે. તેઓ ‘આધ્યાત્મિકતા દ્વારા સુમેળ અને એકતા’ નામનો નાનો છતાં સુંદર, પઠનીય, મનનીય અને માહિતીપ્રદ સંદર્ભગ્રંથ આપણને આપે છે. તે મૂળ અંગ્રેજીમાં ‘હાર્મની એન્ડ યુનીટી થ્રૂ સ્પિરિચ્યુઅલિટી’ ઉપલબ્ધ છે. લોકો આધ્યાત્મિકતાને ધર્મનું અંગ ગણીને તેની ઉપેક્ષા કરે છે જે અયોગ્ય છે. હકીકતમાં ધાર્મિકતા અંને આધ્યાત્મિકતા અલગ છે. આશા રાખીએ કે માનવજાત માટે અને બાળકો માટે આવું રચનાત્મક પરિવર્તન કરવા માટે આ દિશામાં યોગ્ય વિચાર કરી આગળ વધશે. -હદ.

  • P G Parghee

    Bahuj samaj sathe chintan karave evo lekh chhe.Atyarna educational karkhana maliko am vali ne mavali banave e raste jai rahya chhe