‘ડાયરો’ એટલે… – મંગલ રાઠોડ 5


‘ડાયરો’ શબ્દથી સમગ્ર ગુજરાતીઓ ખૂબ પરિચિત છે. સુજાણ શબ્દથી એટલા બધા ટેવાયેલા છીએ કે ‘ડાયરો’ સાંભળતા જ મંચ ઉપર દુહા છંદ લલકારતા લોકવાણીના કલાકારો નજરે ચડવા માંડે જ! ડાયરો શબ્દ મૂળ અરેબિક છે, અરબસ્તાનના લોકો પણ ખૂબ જ વાતપ્રેમી અને વાતડાહ્યા હોય છે, મૂળ અરેબિક શબ્દ ‘દાઈરાહ’ એમાંથી ‘દાહિરા’ તેમાંથી ‘દાયરા’ અને તેમાંથી ‘ડાયરા’ શબ્દ પ્રચલિત થયો.

‘ડાયરો’ આપણે ત્યાં ગામડામાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સમૂહના વ્યવહારોમાં વપરાતો શબ્દ છે. પહેલા દરબારોની ડેલી, ગામધણી, મોટા ગરાસદારોને ત્યાં સમૂહ મળે, કથા વાર્તા થાય, હાસ્ય મજાક થાય, કોઈ કવિતા ભજનૈ વાતો થાય – આવા સમૂહ માટે ડાયરો શબ્દ પ્રયોજાતો હતો અને પ્રયોજાય છે.

આ ડેલીઓના ડાયરા રજવાડાઓના વિનિનીકરણ બાદ સમાજની વચ્ચે આવ્યો, વિદ્વાન કવિ દુલા ભાયા કાગની વાણીથી અને રચનાઓથી સામાન્ય જન સમાજ પરિચિત થયો. કાગની વાણીએ કવિતાએ માણસને માણસાઈ શીખવી. દુભાયેલાને ટાઢક આપી અને કાળમીંઢ કાળજાને આંખમાં આંસુ આપ્યા, એ જ સમયે સાહિત્યનો સાચો રખોપીયો બની ગામડે ગામડે ફરતો ફરતો, વાતો વીણતો ને ગીતોને ગોતતો આવ્યો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. કાગબાપુ અને ઝવેરચંદ મેઘાણીની પરંપરા એ ગરવા સાદે ગાનાર શ્રી હેમુ ગઢવીએ આકાશવાણીના માધ્યમે લોકસંગીતને ઘરઘરમાં વહેતું કર્યું.

‘ડાયરો’ પ્રારંભિક અવસ્થામાં માત્ર થોડા વિસ્તાર પૂરતો મર્યાદિત કાર્યક્રમ હતો, જેમાં માત્ર વાર્તાઓ થતી, કથાઓ કહેવાતી, વાતમાં વ્યંગ – કટાક્ષ સાથે હાસ્ય પણ પીરસાતું અને રજૂઆત કરનારાઓ પોતાની નિપુણતા હોય એ જ વિષયને રજૂ કરતા. એવા વંદનીય કલાધરોની ક્યારેક ચર્ચા કરીશું. સાત્વિક મનોરંજનનું એકમાત્ર માધ્યમ ડાયરો બની ગયું એ આજ સુધી જળવાયું છે. ડાયરામાં કથા વાર્તા સાથે લોકગીતોનો ઉમેરો થયો, સાથોસાથ ભજનનો પણ ઉમેરો થયો એટલે મનોમંથન સાથે હળવુ મનોરંજન પણ મળતું રહ્યું.

‘ડાયરો’ કાર્યક્રમમાં મહિલા કલાકારોનો પ્રવેશ લોકગીતોની અનોખી રજૂઆતને સ્થાન આપવામાં સફળ રહ્યો. શ્રી હેમુ ગઢવીની શોધ સમા દિવાળીબેન ભીલનું નામ પ્રથમ હરોળમાં લઈ શકાય. પ્રાણલાલ વ્યાસ, લાખાભાઈ ગઢવી, વાર્તાકાર શ્રી બચુભાઈ ગઢવી, શ્રી કાનજી ભૂટા બારોટ એ બધા લોકવાણીના વાહકોએ ડાયરાને અનેરી આભા અર્પી.

‘ડાયરો એટલે શું’ એવો સવાલ જેના મનમાં થાય તેને જવાબ ડાયરાની જ પદ્ધતિએ આવી રીતે આપીશ કે-

ગામડું બોલે ને શહેર સાંભળે એ ડાયરો

ભોળપણ બોલે ને ચતુરાઈ સાંભળે એ ડાયરો

માટી બોલે અને ફોરમ સાંભળે એ ડાયરો

ડાયરો હૈયાની વાત છે, પ્રેમની સોગાત છે, એટલે જ ડાયરાની રઢિયાળી રાત છે.

હાલના સમયના ડાયરા કદાચ આપણને નથી ગમતા અથવા આપણી નારાજગી છે એ માટે એટલું જ કહી શકીશ કે પૈસાની લ્હાયમાં નીચી કક્ષાનું બોલવું, ગાવું કે વર્તન કરવું એ સરસ્વતીના દ્રોહ સમાન છે. સસ્તી પ્રસિદ્ધિ માટે શૉર્ટકટ અપનાવતા કલાકારોએ યાદ રાખવું ઘટે કે કાગબાપુ – મેઘાણીજી – હેમુભાઈ – દિવાળીબેન અને એવા આ ઉજળી પરંપરાના અનેક ધુરંધરોને લીધે જ લોકસંગીતનું નામ અમર છે, તેમના રસ્તે આગળ વધીને આપણે શુદ્ધ લોકસંગીતના ઉપાસક બની ડાયરાની ગરિમાને જાળવીએ, વધારીએ.

– મંગલ રાઠોડ

શ્રી મંગલભાઈ રાઠોડ જાણીતા લોકગાયક, સાહિત્યકાર અને ગીતકાર છે. ‘ડાયરા’વિશેનો આ લેખ એ વિશેનિ પ્રાથમિક સમજ ખૂબ જ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ મૂકે છે. મંગલભાઈ પાસેથી હજુ આપણને આ વિષયના ઉંડાણપૂર્વકના અભ્યાસુ લેખ મળવાના છે એવી અપેક્ષા સાથે લોકસાહિત્ય અને લોકસંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડતા ‘ડાયરા’ વિશેની વધુ વાત તેઓ આપણને કરશે અને તેમના અનુભવનો લાભ વાચકોને મળશે. અક્ષરનાદમાં મંગલભાઈનું સ્વાગત છે અને પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


Leave a Reply to ashvin desaiCancel reply

5 thoughts on “‘ડાયરો’ એટલે… – મંગલ રાઠોડ

  • ashvin desai

    દાયરા વિશે રસપ્રદ માહિતિ આપવા માતે ભાઈ મન્ગલ તથા જિગ્નેશનો આભાર માનવાનુ મમન થાય ચ્હે
    મઝા આવિ ગઈ . ધન્યવાદ સાથે , અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Harshad Dave

    સરસ … ડાયરો વેબસાઈટ પણ છે જો તમને સાંભળવામાં રસ પડે તો …હદ.

  • dushyant dalal

    મહિતેી પ્રચુર લેખ લખેી ને શ્રેી મન્ગલભાઇ એ અક્ષરધામ્. કોમ ના વાચ્ કો ને સુ ગ્ન્ય માહેીતેી ઉપ્લબ્ધ કરાવેી …તે બદલ તેમને અભિનન્દન્