તું ખુશ તો છે ને? (વાર્તા) – પલક પંડ્યા 10


આજે રાધાના ચહેરા પર કંઈક અજબનું સ્મિત રેલાઈ રહ્યું હતું. ઘણાં વખતથી ઉદાસ રહેતી રાધાને ખુશ કરવા માટે તેના પતિ કમલેશે નર્મદાકાંઠે રજા ગાળવા જવાનું આયોજન કરેલ. નર્મદા કિનારો એટલે પ્રકૃતિનું ભરપૂર સૌંદર્ય. કમલેશ પણ આજે રાધાને ખુશ જોઈને ખૂબ ખુશ હતો પણ રાધાની ખુશીનું કારણ તો કંઈક અલગ જ, જાણે વર્ષોથી તરસ્યા ચાતકને વરસાદ ન મળ્યો હોય!

રાધા એના એ સાહજિક સ્મિત સાથે ભૂતકાળની યાદોમાં સરી ચૂકી હતી. ભૂતકાળના એ ખાટીમીઠી પળોને યાદ કરી રહી હતી. રાધાને યાદ હતા એ દિવસો જ્યારે કોઈ કચેરીમાં જવાબદારી સાથે કામ કરી રહી હતી. આમ તો ઓફિસમાં દરેક વ્યક્તિઓ સાથે તેને બનતું નહીં, એ પોતાના કામથી કામ રાખતી પણ તેના કેટલાક નજીકના મિત્રો બની ચૂક્યા હતા. તેનો આખાબોલો સ્વભાવ હોવા છતાં પણ આ મિત્રો હંમેશા તેને સાથ આપતા. કોઈ પણ સમસ્યા હોય કે કોઈ સારા સમાચારની ઉજવણી હોય, રાધા તેના આ મિત્રવર્તુળમાં જ રહેવાનું પસંદ કરતી, તેમાંય બે મિત્રો – શ્યામ અને જિજ્ઞેશ, બંને ખૂબ ગાઢ મિત્રો, જીવનમાં કોઈ પણ નવી ઘટના બને એટલે એ આ મિત્રોને જણાવે. તેમના સિવાય રજની પણ રાધાની ખૂબ નજીક, બંને પોતાના મનની બધી જ વાતો વહેંચતા. આમ, આ મિત્રોનું વર્તુળ એ ખૂબ ગાઢ પણ નાનું હતું. રાધા માટે તો જાણે આ ત્રણેય મિત્રો જ તેની દુનિયા.

રાધા, શ્યામ અને જીજ્ઞેશના સંબંધો જાણે એક ત્રિકોણ, તેમાં અન્ય કોઈને પ્રવેશવાની શક્યતા જ નહીં. ગમે તેટલા પ્રશ્નો આવે પણ આ ત્રિકોણની ત્રણમાંથી કોઈ બાજુ નબળી ન પડે. એમની મિત્રતા દિલની હતી, એક બીજા માટે કાંઈ પણ કરવા તૈયાર હતા આ મિત્રો. અને એ જ અરસામાં જીજ્ઞેશ મનોમન રાધાને પસંદ કરવા લાગ્યો, પણ રાધાના મનમાં તેના માટે એવી કોઈ લાગણી નહોતી કે કોઈને મિત્રથી વિશેષ સ્થાન આપી શકે.. પણ લાગણી તો લાગણી છે, રાધાએ ખુલ્લા મનથી બંને સાથે વાત કરી અને પોતાનો વિચાર જણાવ્યો, મિત્રતા વધુ ગાઢ બની અને રાધા હવે શ્યામની વધુ નજીક આવી રહી, તે કોઈપણ વાત શ્યામ સાથે ખુલ્લા મનથી થઈ શક્તી.

સમય પસાર થતાં રજની પણ આ ત્રણેય સાથે ભળી અને હવે ત્રિકોણ ચોરસ બન્યો. ક્યારેક ચારેય ઈશારાઓમાં વાત કરતા, ક્યારેક કોડવર્ડમાં. કામની સાથે મજાકમસ્તી અને અન્ય પરીક્ષાની તૈયારીઓ – દરેકમાં આ ચોકડી સાથે જ હોય. તેમના અન્ય કેટલાક સહકર્મચારીઓ આ જોઈને ઈર્ષ્યા અનુભવતા પણ આ ચારેય પોતાની જ મસ્તીમાં રહેતા.

સમય પસાર થતો રહ્યો, એ દરમ્યાન શ્યામ એક સરકારી નોકરીની ભરતી પરીક્ષામાં પાસ થઈ ગયો અને તેને આ કચેરી છોડી જવાનો વખત આવ્યો. અલબત્ત આ પહેલા પણ શ્યામને વધારે પગારની નોકરીની ઑફર તો આવતી જ હતી પણ મિત્રોને છોડીને જવા ન માંગતો હોવાને લીધે તેણે એ સ્વીકારી નહોતી, પણ આ તો સરકારી નોકરી હતી. શ્યામ જ નહીં, તેના બધાય મિત્રોની પણ એ જ ઈચ્છા હતી કે તેમને સરકારી નોકરી મળે, ખાસ તો રાધાની, જેની પાસેથી શ્યામે વચન લીધું પોતાના માટે યોગ્ય જીવનસાથી પસંદ કરવાનું. શ્યામ તરફની લાગણીને લીધે રાધાએ તેને હા કહી અને જીવનસાથી પસંદ કરવાની કવાયત શરૂ કરી. શ્યામનો આ કચેરીમાંનો છેલ્લો દિવસ આવી ગયો અને રાધાના મનમાં એક અગમ્ય ઉદાસી છવાઈ ગઈ, મિત્રતાના સંબંધથી કાંઈક વિશેષ તેને અનુભવાયું, એ મૂંઝવણમાં હતી કે શ્યામ વગર શું કરીશ? તેણે પણ ઑફીસ છોડવાનું મન બનાવ્યું, પણ પરિસ્થિતિને કારણે તે મજબૂર હતી અને નોકરી છોડવી તેને માટે શક્ય નહોતી. તેણે જે ઝડપથી સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી તેમાં વધારો થયો અને એ શ્યામની ઇચ્છાઓ પૂરી કરવા લાગી. આ એક મહીનાનો વિકટ સમય એણે પોતાના શ્યામ, જીગ્નેશ, રજની અને એવા અન્ય મિત્રો સાથેના સંબંધો વિશે વિચારવામાં વીતાવ્યો.

શ્યામ અને રાધા આ પહેલા ઘણો સમય સાથે વીતાવી ચૂક્યા હતા પણ સંબંધને નામ આપવાની બાબતમાં બંને અનભિજ્ઞ રહ્યા હતા, એ સંબંધને ફક્ત ‘મિત્રતા’નું નામ જ આપતા. જેમ જેમ શ્યામનો ઑફીસ છોડવાનો દિવસ નજીક આવતો ગયો એમ એમ રાધાની અને શ્યામની એકાંતમાં મળવાની ઈચ્છા તીવ્ર બનતી. ક્યારેક તો ઑફીસમાં પણ સમય કાઢી બંને વાતો કરતા, ક્યારેક ચિઠ્ઠીઓ દ્વારા તો ક્યારેક કોમ્પ્યુટરની મદદથી. હવે તો જીજ્ઞેશ અને રજની પણ તેમના આ સંબંધો સામે ગૌણ હતા. સમય જતા શ્યામનો જવાનો દિવસ નજીક આવ્યો અને બંને મળવા છતાં મનની વાત હોઠ પર ન લાવી શક્યા. પણ એ દિવસે સાંજે છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે થોડીક ક્ષણોમાં ન બોલવા છતાં બધું જ કહેવાયું અને ન કહેવા છતાંય બધું જ સંભળાયું. બીજા મિત્રોની નોંધ લઈ સંયમ રાખી બીજા દિવસે નક્કી કરેલા સમયે અને સ્થળે મળ્યા. જે વાતો આગળના દિવસે મૌન દ્વારા થયેલી તેને શાબ્દિક સ્વરૂપ આપવા, સવારથી બપોર અને સાંજનો સમય સાથે વીતાવ્યો – મન ભરીને માણ્યો.

રાધા શ્યામ સાથેના સંબંધ સમજી ચૂકી હતી પણ કોઈને કહી શકે એમ નહોતી. શ્યામની ઇચ્છાઓ પૂરી ક્રવા જીવનસાથીની શોધ અને શ્યામ સાથેનો સંબંધ – શું પસંદ કરે? કોઈને કશું જ કહ્યા વગર પોતે ચૂપ રહી દિવસો જતા હતા અને જતા રહ્યા. હવે તો ક્યારેક જ મળવાનું થતું, અથવા ફોન કે ફેસબુકથી મળતા. સમય જતા એ પણ ઓછું થયું. કમલેશ સાથેના લગ્ન પછી એ શ્યામને કમલેશમાં શોધવાનો પ્રયત્ન કરતી, સમય વહેતો રહ્યો, આજે તો હવે પોતે બે બાળકોની માતા બની ચૂકી હતી. ચૂપ રહી એણે જીવનની ગાડી આગળ વધારી પણ મનથી એ એક જ સમયમાં રહી ગઈ હતી, ભૂતકાળને એ ભૂલી ન શકી.

આજ ફરી એ જ ભૂતકાળ એની સામે આવ્યો હતો. એ જ શ્યામ જેને એ લગભગ દસેક વર્ષ પહેલા જાણતી – ઓળખતી હતી. રાધાએ શ્યામને આપેલ વચન અને તેની ઇચ્છા પૂરી કરવાની બધી જ કોશીશ કરી હતી, નર્મદા નદીના કાંઠે બેઠા બેઠા રાધા ભૂતકાળથી વર્તમાનની સફર ખેડી રહી. કમલેશ અને બાળકો થોડેક દૂર રમી રહ્યા હતાં એવામાં પાછળથી એક ાવાજ આવ્યો, કાંઈક જાણીતો અવાજ – શ્યામનો અવાજ, ‘રાધા કેમ છે? ખુશ તો છે ને?’

શું જવાબ આપે રાધા?

‘રાધેશ્યામ’ ભલે સાથે બોલાય પણ રાધા અને શ્યામ ક્યારેય એક ક્યાં થયા? એમના સંબંધને કોઈ નામ ક્યાં મળ્યું, પણ આમ જોવા જઈએ તો એ બંને અલગ પણ ક્યાં હતા?

– પલક પંડ્યા

ગાંધીનગરના પલક પંડ્યાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, નવોદિતોને પ્રથમ કૃતિ માટે સ્થાન આપવાના અક્ષરનાદના નિર્ધાર અંતર્ગત આજે પલકબેનની કૃતિ અહીં પ્રસ્તુત છે. વાર્તાનું તત્વ-સત્વ અને બાંધણી તેમની નવોદિતની છબી સ્પષ્ટ કરે છે, આશા રાખીએ કે ભવિષ્યમાં વધુ સત્વશીલ અને ચિંતનપ્રેરક લખાણ તેમની કલમે મળતું રહેશે તેવી આશા સહ આ પ્રથમ કૃતિ બદલ તેમને શુભકામનાઓ. અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “તું ખુશ તો છે ને? (વાર્તા) – પલક પંડ્યા

  • ભાવેશ સંઘમેરા

    બધું જ સમજવાની કોશિશ ન કર “શ્યામ” … કારણ કે ક્યારેક અમુક બાબત સમજવા માટેની હોતી નથી…… પણ સ્વીકારી લેવા માટેની હોય છે……

  • Palak

    આપના અભિપ્રાય બદલ આ સૌ નો ખુબ આભાર. આપના અભિપ્રાય આગળ જતા કામમા આવશે.

    • પ્રિતેશ

      કૃતિ બદલ અભિનંદન..

      દરેક છોકરીની લાઈફમાં એક એવો છોકરો હોય છે જેને ઈ કયારેય ભુલી નથી શકતી
      અને
      દરેક છોકરાની લાઈફમાં એક એવી છોકરી હોય છે જેને ઈ કયારેય પામી નથી શકતો…

  • jacob davis

    અભિનંદનઇ વાર્તા કહેવાની હથોટી સારી છે. પણ નોકરી બદલવાથી શ્યામ અને રાધા છૂટાં કેમ પડી ગયાં તે વાત અધ્યાહાર રહી. કોઇ પણ ઘટના બને પણ તે તાર્કિક હોવી જોઇએ.

  • HEMAL VAISHNAV

    Thank you Palak Ben for sharing your story…together we all are trying to keep gujarati language alive is important and should be main objective.
    Also once again thanks to Jignesh Bhai who has always encouraged new writers.

  • ashvin desai

    પલક પનદયા વાર્તાના સુન્દર શિર્શકથિ કોઇ પન વાચકને વાર્તા વાન્ચવા માતે કુતુહલ જગાદિ શકે એમ ચ્હે એતલુ ચોક્કસ કહિ શકાય
    એમનિ શૈલિ પન સરલ અને આસ્વાદય ચ્હે
    પન વાર્તાનિ રચનારિતિમા બહેન પલકને થોદુ કામ કરવાનિ જરુર ચ્હે
    મારિ એવિ ભલામન ચ્હે , કે પલક એમ્ને ગમતા કોઈ નિવદેલા વાર્તાકારનો શ્રેસ્થ વાર્તા સન્ગ્રહનો અભ્યાસ કરે , વાન્ચે , વિચારે અને પચ્હિ પોતાનિ આગવિ રિતે આ જ વાર્તાને ફરિથિ કન્દારવાનો પ્રયત્ન કરે , શુભેચ્ચાઓ
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા