ચૂંદડી નીતરે તરબોળ.. (વાર્તા) – રીતેશ મોકાસણા 5


‘ભાઈ, એક વાત પૂછું જો તને ખોટું ન લાગે તો ?’ કાલી કાલી ભાષામાં એક દશ વર્ષની બાળા પોતાના ભાઈને પૂછી રહી હતી. તેના ખુલ્લા હોઠમાંથી બે દાંત વચ્ચેથી એક આછેરી મંદ સ્મિતની લહેરખી બહાર આવી.

‘તારી આ ગોળ ગોળ આંખ્યુંમાં મને જી વંચાય છ ઇજ તારે પૂછવું હોય તી મારું કામ કરવા દે !’

‘ભઈલા, હવે હું દશ વર્ષની થઇ અને આમજ ક્યાં સુધી મારી આંખના કણાને મારે જીલવાનો છે.’ નુતુ પોતાના ભાઈને જાણે કરગરી રહી.

‘ઠીક છે તારે, સાંભળ, જાણવાની જાજી તલપ છે તો છાતી પર પેલા એક મણનો પથ્થર મૂકી દે નુતુ.’ જાળને એક બાજુ મુકીને તે પોતાની લાડલી બેન તરફ ફર્યો.

‘ઈની કોઈ જરૂર નથ વીરા.. હું ય તારી બેન છું, ને આ ત્રાડું નાખતા દરિયાના ખોળે મોટી થઇ છું. વાત કર્ય પછી માથે વિજુડી તો નહીં પડે ને ?’

‘એવી જ વાત છે બેનડી.’ ને ભાઈલો નોરુ પોતાની બેનની ચિંતામાં વાતને દબાવતો હતો.

‘આજ તો કહીજ દે.. મારી હામ બધી તૂટીને વેરાઈ જઇ છે.’

‘તું જયારે બે કે ત્રણ વર્ષની હઈશ તારે એક વાર, આપણું કટુંબ ને વિલાકાકાનું કટુંબ, બધા મેળામાં શે’રમાં જીયા તા’. આખો દી’ બધા મેળામાં ખૂબ મોજું કરી અને જારે ઘરે પાછા આવવાનું ટાણું થયું તા, તુંએ ફરકડી માટે ખૂબ વેન કરી. એટલે માએ મને ફરકડી લઇ આવવા કીધું. પણ કરમ બુન્દીયાળ કે ફરકડીવાળો ક્યાંય દેખાય નહીં. માએ મને થોડે દુર જોઈ લેવા કીધું કારણ મેળોય વીંખાતો જતો ઉતો.’ એક જ શ્વાસે નોરુ બોલી રહ્યો હતો પણ તેની આંખ તો બેન સાથે મિલાવી શકે તેમ નથી. નજરને નીચી જ ઢાળી ને તે વાત માંડી રહ્યો છે.

‘તું તારે મારી ફિકર ન કર વીર.. મુMને થોડો થોડો અણસાર તો આવે જાય છે, પણ આજ દલડાને તુંયે રાહતું કરીને હળવો થા! જગદંબા તું ને સો વરહનો કરે!’ નુતુ બોલી, તો ભાઈ પણ થોડો હૂંફમાં આવી ગયો અને એના મોઢા પર જે નસીરો ફરી વળી તે ચોખ્ખી દેખાઈ આવી.

‘પછી હું તને માથે બેસાડી ને ફરકડી લેવા ઉપાડી જ્યો. બધે બહુ ગોત કરી પણ ફરકડી વાળો તો ક્યાંય ફરાર થઇ જીયો હશે કે તારી ફરકડીની જીદ મારાથી પૂરી ન થઈ. અને તારી નાની નાની આંખુ તો નેવા જીમ નીતરતી હતી! પણ જેવા આપણે બેય મેળામાં આવ્યા ત્યાં તો મારા તો હોડીયાના બધાય વાણા તૂટીને પાણીમાં તણાઈ ગયા.’ ત્યાં તો ખખડધજ પહાડ જેવો નોરુ બરફની જેમ પીગળવા લાગ્યો, અને પાણીની ધારો વછૂટી.

આગની જ્વાળાઓ એટલી હદે વકરી રહી કે જોત જોતમાં આખા મેળાની જગ્યા દાનાવળમાં ફેરવાઈ ગઈ. ચારે બાજુ “ભાગો ભાગો” અને “મરી ગયા” ની ચીસો વાતાવરણ ને ચીરવા લાગી.

જેવો નોરુ પાછો આવ્યો કે એકદમ હેબતાઈ ગયો ને એથી વધુ તો જયારે બધાને જોયા ત્યારે ! એક નાના અબુધ બાળને શું ખબર પડે કે આવા ટાણે શું કરવું ? એ તો જોઈને જોર જોરથી રડવા લાગ્યો. ચારે બાજુ રોક્કળ થવા લાગી. કેટલાય લોકો દાઝી ગયા, નોરુ પોતાના માંબાપને ખોઈ બેઠો. મરતીવેળા એ જે કહેતા ગયા તેને જીવનનું ભાથું માનવા લાગ્યો.

‘નોરુ.. આ જીણકીનો ભાર તારા ખંભે મૂકતા જઈશી એને સાચવજે.. ને આપણી હોડી.. છોડા..’ એટલું બોલીને સદા માટે આંખ બંધ કરીને તેના મા-બાપ બેય ભાઈબહેનને એકલા છોડીને દૂર દેશાવરના દરીયે નીકળી પડયા.

ગંગા અને જમાના બેય એક સાથે વહી રહી છે. વાતાવરણમાં એક તિખાર આવી ગયો. એક નાની બાળાએ આજ પહેલી વાર પોતાના અડગ ભાઈને રડતો જોયો.

‘બેન પણ તું ને હું કોઈ વાતનું દુખ નહિ આવવા દઉં છાની રહી જા અને આ મોંઘેરા આંસુડા ને રોકી લે બેનડી..’ નોરુ હિબકે ને હિબકે રડી પડ્યો.

‘હું પણ તારા આ મોટા કરા જેવા બોરને જોઇ ને શકતી.. મને ઈ વાત નું ઓછું રડવું આવે છ પણ આજ પેલી વાર આ પહાડ જેવો મારો વીર રોતા કેવો લાગે છે! મારી સમ છે તુને જો હવે એક પણ આંસુડુ પાડ્યું તો!’ એય ભાઈ સાથે રડવા લાગી. કૂબામાંના એક એક તણખાલાએ ભાઈબહેન વચ્ચેના નેહને જોયો તો સલામ ભરવા લાગી. દીવાલો નમાલી બની ને નાલેશ થઇ ગઈ. લીમડો પણ હાલતો’તો તે શાંત બનીને બેયના દુ:ખમાં ભાગ લેવા લાગ્યો. ક્યારનો રોટલાના બટાકાની રાહ જોતો કુબલો કૂતરો પણ પૂછડી પટ પટાવવાનું બંધ કરીને માથું ભોંમાં રાખીને સજ્જડ થઇ ગયો.

નોરુએ બેનને ઊંચકી લીધી અને ગળે લગાડીને એટલી બચીઓ ભરી કે વળી લીમડો ઝૂલવા લાગ્યો, કૂતરે પૂંછડી પટપટાવવાનું ચાલુ કર્યું તો વળી આંગણામાં ઉછરેલ ચંપાએ બેયના માથે ફૂલડાં વેરી ને વધામણી આપી.

આમને આમ ચંપાના ઝાડ પર છ વરહ ફૂલ આવીને ખરી ગયા. નુતુ ય હવે પંદર વરહની થઇ ગઈ છે. જગદંબા જેવું ગૌર વદન, ટૂંકેરા વાળ ને અણીયારી આંખુ! હજીયે કાલુ કાલુ બોલીને સૌ કૂબા વાસીના દિલ જીતે છે. પાંચમા પુગાય છે ને સો માં સવાઈ છે. અત્યાર સુધી નોરુ ને રોટલા ઘડવાની એક પરોજણમાંથી મુક્તિ અપાવી છે. સવારમાં રોટલા ઘડીને ભાઈ જાગે તી પેલા તો તીયાર. નોરુ પણ દરિયે જવાની હામમાં ઝટપટ મોઢુ ખંગાળતો બેને બનાવેલ ભાથું લઈને દરિયે ઉપાડી જાય છે. એક દિવસ આમ જ દરિયેથી પાછો આવીને જુએ છે તો બેનની આંખમાં એક નાની ચિંતાની વાદળી વરસતી દેખાઈ.

‘નુતુ… સાવ હેમખીમ તો છી ને?’ નોરુ પૂછ્યા વગર નો રહી શક્યો.

‘બધું બરેબર છે પણ આજ મારે તને એક વિનતી કરવી છે. બોલ મારા વીર, મારા વેણ ને ઉથામીશ તો ની ને?’ એક નિર્દોષ કૂંપણની જેમ હસતી તે ભાઈને સામે જોઈ રહી.

‘બોલ તો ખરી જીનકી.. મને વધુ ગનાન નથી.’

‘આજ દેવુ મને મળી’તી, તે કે’તી કે તારા ભાઈને કે જે કે જલ્દી જાન જોડીને આવે નહીં તો મારે કૂવો ગોજારો કરવો પડશે.’ કહીને તે ઘરની બહાર આવી.

‘કુવો ગોજારો ચ્યમ કરવાનો નુતુ?’

‘તુને શું ખબર ભઈલા. એક દી’ ઓલા નુગરા તિનુડાએ ઈનો હાથ જાલેલો તો…’ કહીને તે દાંતથી હોઠને દબાવવા લાગી.

‘ઈ’ની જાતનો તિનુડો મારૂ… આજ ઈની ખેર નથી… જો જીવી જીયો તો મગરના મોઢામાં માથું નાખીને મરી જઈશ.’ હાથમાં રહેલી લાકડી ને એવી દબાવી કે કડાકા બોલી ગયા ને નોરુ વિકરાળ રૂપ ધારણ કરી બેઠો.

‘હમ.. હમ.. અહમ મારા સુગાન છે તને. તારે જે કરવાનું છે ‘તી કર.. ઈ મુવા અદેખીયાનું નામ લીઅન તારી જીભ ને કડવી શું કામ કરેશ.’ નાની બહેનીએ કસમ આપી એટલે નોરુ તો બિચારો, ધગધગત અંગારા પર પાણીની ડોલ ઢોળે ને છમ કરતો ને ટાઢો પડી ગયો. તેના માટે તો બસ એની બેન એજ એની આગવી દુનિયા હતી. તેના માટે તો રાત ને દિવસ એક કરીને સખત મહેનત કરતો હતો.

‘ભાઈ તું હવે લગનની તીયારું કર..’

‘જીનકી તને કેટલી વાર કીયુ છે કે, તારા પેલા મારા લગન કોઈ કાળે ની થાય!’

‘મને ખબર છે, પણ તું સાહીશ કે દેવુ કુવો ગોજારો કરે?’

‘ના… એટલો અધર્મી તો નથી ને એટલો જાલિમ પણ નહિ… પણ તું ને તો ખબર છે કે રાત દિવસ એક કરું તારે આપણા બેયનો ગુજારો થાય છે. બાપા બચારા મરી જીયા પણ ઘરની નાવડી નો થઇ અને હું કોકની નાવડી ભેગો જઈને કેટલુક કમઇ લવ.’

‘ઈ મારે કઈ’ની હાભરવું, કાલથી બસ લગનની તીયારી કર મને જટ દેવુને ભાભીના રૂપમાં જોવાના અભરખા ઉપડયા છ.’ ઘેલી ઘેલી નાચતી હોય તેમ નોતુ તો બોલી રહી છે, મોઢે તો જાણે ફૂલડાં ખરતાં હોય તેમ મહેકી રહી છે.

‘મારી લાડલી બેની, એક વાતે માનું જો તું મારું વેણ નો ઉથાપ તો!’ કહીને નોરુ પોતાની બેન સામે એવી રીતે નેહ વરસાવવા લાગ્યો કે આંગણે ઉભેલો ચંપો પણ ઝૂમવા લાગ્યો.

‘મારા વીર તારા માટે તો મારું જીવન દઈ દુ તો પણ ઓછું છે, બક જલદી. બસ તારા હાથે પીઠીના રંગ ઝબુકે ને માથે કલ્ગેરો મોર! તારા લગનમાં એટલા ગાણા ગાઇશ કે દરિયા પારના લોકોને ખબરું પડશે કે કોણ હરખ ઘેલી છોડી ગાતી હશે!’ ઝૂમ ઝૂમ ઢેલડ ની જેમ નાચવા લાગી ને આભમાં ઓતરાદી વીજળી ચમકી.

‘તારા અને મારા બેયના લગન એક હારે કરીએ. ’

‘અરે! હજી તો હું નાની છું ને મને ભાભીના હાથના રોટલા નહિ ખાવા હોય! અને શું હું તુને હવે ભારી પાડવા માંડી છું?’ રીસામણા ના ભાવે તે બોલવા લાગી. એનું મોઢું તો એવું પડી ગયું કે ભૂલમાં લીમડાનો કોર ખવાઈ ગયો હોય!

‘તો પછી મને થોડો સમો આપ બેની.. તારા માટે તો મારે કમસે કમ થોડા દાગીના તો લેવા પડશે ને એટલા રૂપિયા હું કી’થી કાઢું અતારે?’ નોરુ તો એકદમ ઝંખવાઈ ગયો ને ચિંતાની ઊંડી ગર્તામાં ડૂબી ગયો હોય તેમ બેન ને લાગ્યું.

‘વીરા, બસ બે જોડ લૂગડાં ને એક જોડી ચપલા આપીશ એટલે ઈ તો મારા માટે હીરા માણેક આપ્યા સમાન છે.’ બોલતી જાય છે ને મોઢે તો શરમના શેરડા ચરાક ચરાક કરતા ગાલમાં લીસોટા પાડે છે… ‘તું મારી ફકરું નો કર, પણ ઓલી દેવુ ની કર એની માં બચાડી તારાથી હરમાય છે કે તુને નેહિ કે’હકતા.’ ને તે ધીમું ધીમું હરખી ઉઠી.

‘એવી વાતું નો કર જીણકી, હજી મારા બાવડા અકબંધ છે. તને મજાના ઝૂમખાં, પગની બેડિયું અને એકાદો અછોડો તો ખરો જ!’

‘અને મારી ભાભી હારું?’ ને તે ભાઈ સામું એવી રીતે જોઈ રહી કે નાનું બાળક કોઈ માં સામે જોતું હોય! જોકે નોરુ તો તેના માટે માં ગણો કે બાપ ગણો કે ભાઈ ગણો બધું એ જ હતો!

‘તારી ભાભી માટે કંઈક તો કરવું જ રિયું.’

‘ કરવું રિયું ઈનો મતલબ?’ જાણે ભાઈની ઝાટકણી કાઢતી હોય તેમ તે બોલી.

‘વાહ રે મારી બેની તો હવે મોટી થઇ ગઈ છે, હવે તો મારે નક્કી તુંને વળાવવી રહી.’

‘જા… હું તારી ભેગું ની બોલું…’ રીસમાં જ બેની બોલવા લાગી.

બેયની વાતો એ એક વાતનો નીચોડ આવ્યો કે બેય ભાઈ ને બેન સાથે લગન કરશે. વાતું ને વાતુંમાં ઉનાળો હાલી ગયો. આભમાં વાદળોની દોડાદોડી વધી ગઈ. વીજળીના ચમકારા થી રાતું બિહામણી બની ગઈ. પછી તો વરસાદની હેલો આવવા લાગી. ખેડૂતો કામે લાગ્યા ને મછિયારા ને આરામ! બધા મછિયારાને તો ઠીક પણ નોરુના મનને આરામ નથી, રાત ને દી ચિંતા કરવા લાગ્યો. ચોમાહુ આવી બેઠું ને બેય ના લગન કેમ કરી કરું? ભાઈબંધુ પણ બિચારા કડાકા છે કોઈની પાંહેથી રૂપિયા ઉછીના ય કેમ લેવા? પોતાને કોઈ એવું સગુ કે વ્હાલું પણ નહોતું કે આવા સામે મદદ કરે અને પોતાનું કામ પાર પડી જાય! મનને હલેસા મારીને વિચારોને પાછળ ધકેલતો જાય છે. પણ કોઈ મત ન સૂઝી ને વહેલી નિંદ્રા દેવી આવી કે સવારે સૂરજે ડોલ ભરીને ઉપર તડકો ફેંક્યો ત્યારે ભાઈ ઉભા થયા. કામે તો જવાનું નહોતું આથી કોઈ ચિંતા નહોતી. મોઢા પર જેવો તેવો પાણીનો લેપ કર્યોને ડેલી ભણી ઉપડ્યો.

‘અરે આ ચા તો પીતો જા, ને આ અતારમાં કી હાલો?’

‘લાવ તારે ચા પી ને પછે નીકરુ..’ કહીને તે ચંપાના ઝાડની પાળી પર બેઠો. રકાબીમાં ફૂંફાડા મારતી ગરમ ચા લઈને નુતુ આવી. ચા ને જલદી પૂરી કરવા માટે તો જીભ ને તાળવે ગરમ લાગતું હતું તો પણ ઉતાવળ કરવા લાગ્યો.

‘અને બપોરે ખાવા વેળાસર ગુડાજો વીરા, બધા અળવીતરાવ ભેગા પાને રમવા નો બેહી જતા.’ એક વડીલ ને છાજે એવા સુરે નાની બેની જાણે ભાઈને અવળા લતે રોકવા માટે મથી રહી. પણ એતો ખાલી નકારમાં માથું હલાવીને ડેલી વટાવી ગયો. જતા જતા પણ તેની મન સવારી ચાલુ છે.

‘આવ આવ નોરુ… હવે તો હેય ને ત્રણ મહિના લેર કેમ ?’ નોરુને આવતો જોઇને કેનુકાકા બોલ્યા.

‘લેર કેવીને વાત કેવી કેનાકાકા પણ આજે એક આશ લીને તમારી પાંહે આવ્યો છ.’ દુકાનના ઓટલા પર જ બેસતા તે બોલ્યો.

‘બોલને થાશે એટલી મદદ કરીશ બસ જા..’ થોડી હુંફ આપતા કેનુકાકાએ કહ્યું.

‘મારે બે દી’ એક હોડી ભાડે જોઈએ છે.’ મૂંગું અનાથ બાળક કોઈ દાનવીર સામે આશા રાખે તેવી યાર્દ ભરી નજરે નોરુ તેમની સામે જોઈ મોટી અપેક્ષાને રાહે જોઈ રહ્યો.

‘તું ગાંડો થઇ જીયો છે કે શું, લિયા સરકારે પણ રેડ સિંગલ દેઈ દીધું છ તો તુ દરિયે કેમ કરી જાવાનો?’

‘મને ખબેર છે પણ પંદર દી’ પછી મારા ને નુતુના લગન લેવા છે તો મારે થોડા રૂપિયાની જરૂર છે. અને આવામાં જ તો મને વધુ માછલીયું મળશે ને વધુ પૈસા મળે કેવુક ને!’

‘અરે છોરા તારા જીવનું જોખમ ને કેવુક ને?’ પાનની પિચકારી સામેની દીવાલમાં મારતા તે બોલ્યા.

‘મને તમે સમી મોટી હોડી આપસો તો પણ કશું ની કાકા… તમને હાથ જોડીને પગમાં પડું છું એક અનાથ પર દયા કરો!’ તે કરગરવા લાગ્યો.

‘તારા પર દયા આવે છે ને છોરા એટલે જે તો ના પાડું છું મને મારી હોડીની ‘ની પણ તારી પડી છે નોરું।’

એક વહેલી સવારે કેનુકાકાને મનાવીને હોડી લઈને તેને દરિયામાં ભગવાનનું નામ લઈને ઝંપલાવ્યું. બેનને તો એટલે જ કીધું કે બે’દી માં કેનુકાકાની હોડીને રીપેર કરાવીને પાછો આવી જશે. ને બેન પણ બિચારી માની ગઈ. કૂબાવાળા બધાના સંપ સહકારે તો બેય ભાઈ બહેન મોટા થયા હતા. થોડા તેમના સાથ સહકારે તો નોરુ એ પંદર દિવસ પછી બેયના લગન ની તૈયારીઓ કરી હતી. નુતુ તો રાત ને દિવસ ભાઈને વરરાજાનાં અને દેવુને સોળે શણગાર કરેલી દુલ્હનના રૂપમાં જોવા થનગની રહી છે.

ઓઢણીમાં જાતભાતના આભલા લગાડે છે. લગનની તીયારું કરવામાં પોતાનો ભાઈ બે દિવસનું કહીને ગયો તે હજી પાછો નથી આવ્યો તેનું પણ ભાન નો રિયું. એક વાર તો કેનુકાકાને મળી આવી તો તેમને ચિંતા નો કરવા કીધું. તેઓ જાણતા હતા કે વરસાદી મોસમમાં બે ત્રણ દિ’ વહેલું મોડું પણ થઇ જાય હરખમાં ને હરખમાં નુતુ તો ઘરનું કામ કરતી જાય છે ને લગનની પણ તૈયારી કરતી જાય છે, સાથોસાથ ગીત પણ ગાતી જાય છે.
વીરને હું તો ચોખાલીયે વધાવીશ
વીરને હું તો કંકુ કેરા ચાંદલા કરીશ
ઓઢાણીમાં આભલે વીરો જગમગશે
રૂમજુમતી ભાભીના પગલા પડાવીશ
ગામમાં વટ બેની નો એવો રે પડશે

મીઠડા રાગમાં ગીતડાં ગાતી જાય છે ને રંગે રાચતી જાય છે. આથી આજુબાજુ વાળા તો એના લગનની જોમે રાચે છે તેવું માનતા, પણ ખરેખર તો તેને ભાઈના લગનની વધુ ખેવના હતી.

હવે તો ત્રણ દિવસ ની જ લગન ની વાર રહી તોયે ભાઈ ઘરે નથી આવ્યો. પાડોશી બાઈઓ બધી તો નોરુને પીઠી ચોળવા માટે સજી ધજી ને તૈયાર છે, આંખમાં મેશ આંજી છે, મોઢે પાવડરના લપેડા કરાયા છે. નવા નકોર કપડા તૈયાર કરી રાખ્યા છે પણ નોરુ નો કોઈ પતો નથી. નુતુ તો બિચારી કેટલીયે વાર કેનુકાકા પાસે જઇ આવી પણ એકજ જવાબ મળતો… “તારો ભાઈ આવી જશે.” હવે તો કોઈ પણ વસ્તુ માનવા તૈયાર નથી. ઘરે આવીને ઓશરીની કોરે બેસીને ઢગલો થઇ ગઈ. કેટલાયે વલોપાત કરવા લાગી. આકાશમાં કાળા ડીબાંગ વાદળો એક બીજા સાથે જાણે કુસ્તી કરી રહ્યા છે તો વીજળી જાણે મહાકાય રૂપ ધરીને આકાશને ચીરતી ધરતીવાસીઓને બીવરાવી રહી છે. દરિયો પણ છ-છ માથોડા ઊંચા મોજા ઉછાળતો ગાંડોતૂર બન્યો છે. ઓશરીની કોરે બેની બેઠી છે આંખમાં ઉચાટના વાદળા વરસે છે તો ઉપર ગગનના વાદળા વરસે છે. વરસાદમાં નુતુની ચૂંદડી ભીંજાય છે તો આંખ્યોના વરસાદે ઓશરીની કોર ભીંજાય છે.

‘એલી નુતુડી, લાવ હળદરનો ડાબરો ને થોડોક ચણાનો લોટ આણ કે પીઠી તીયાર કેરી દઉં.’ ઓશરીની કોરે આભમાં જોતી નુતુની તન્દ્રા તોડતા પાડોશી જમના બેન આવ્યા. તેમના આવજે તે જાણે ઝબકીને જાગી હોય તમે લાગ્યું. અને જયારે પીઠી શબ્દ કાને પડ્યો કે માંડ માંડ સૂકાયેલ આંખો પાછી નીતરવા લાગી.

‘અરે, ઘરે લગનનું ટાણું છે ને બાઇ તારી આંખુ કાં આમ છલકાય? છાની રે બેની અતારે રોવું શુકનિયાળ ની’ કેવાય !’

‘રે શું કરું, મજાના રૂડા ગીતડાં ગાતી’તી પણ બે દી પછી ભાઈની જાન જોડવાની હોય ને ભાઈ હજી ઘરે નો આવ્યો હોય તો કેમ કરી આ આંખડીયું ચુપ રે !’ પાછી તે હિબકે ને હિબકે રોવા લાગી.

‘તારી વાત સાચી છી, તું ને તો ખબેયર કે આપણી માછીની જાત દરિયેથી પાછા આવે તીયે નિરાંત પણ તારો ભાઈ તો જોરાવર છે તું જરાય મુંજા ની.’ કહીને જમના બેને તેના માથા પર હાથ મુક્યો. હાથના સ્પર્શે એક મલમની થેપલી મૂકી હોય તેવી અસર કરી. નીતરતી આંખો થોભી ગઈ અને ગળામાં અટવાયેલા શબ્દો રણકતા રણકતા બહાર આવવા લાગ્યા. બેયનો અવાજ ત્રીજા કૂબા સુધી ગયો કે આસપાસની બીજી સ્ત્રીઓ પણ દોડી આવી. કદાચ આ જ તો કુબા વાસીઓની જીંદગી હતી. સારા નરસા પ્રસંગે એકઠા થઈને કમસેકમ એકતા તો જરૂર બતાવે!

બધા થોડો દિલાસો આપીને જતા રહ્યા, કૂબામાં રહી ગઈ એકલી નુતુ ! કોઈ કામમાં મન ખપતું નથી. ઓશરીની કોરે આવીને ફરી ઉભી રહી ગઈ. આભ સામે જોવા લાગી. આભલાના વાદળો તો રૂમઝુમ કરતા પાણીની હેલો ભરવા જઇ રહ્યા છે. તેમની સામે ટગર ટગર જોતી જાય છે ને આંખોથી સંદેશો આપતી જાય છે. “હે મારા ભેરુડાવ, જયારે કાલી કાલી બોલીમાં તમોને આવ રે વરસાદ આવ કીધેલું તો તમો પાણીની હેલોને મારા આંગણામાં ખાલી કરીને જતા રહેતા. તો આજ ભલે મારી બોલી કાલી નથી પણ મારું દિલ હજી કાલુ જ છે. હું ઉંચો કુદકો મારી શકેત તો તમારો હાથ પકડી ને આવેત. પણ આજે તો તમે જ મારો સંદેશો લઇ જાવ. દરિયામાં મારો ભાઈ હોડીયામાં હશે જીને કેજે કે તારી બેની કૂબામાં એકલી ને અટૂલી થઈને રોવે છે. વાટકામાં પીઠી પણ સૂકાઈ ગઈ છે વીરા, ખૂટી ગયા છે આંખના આંસુઓ. જટ હડી કાઢી ને એવા ભાગો કે મારો વીરો પણ એક શાહે મારી સમો આવીને ઉભો રિયે!”
બેન નુતુ તો ભાઈની રાહ જોઈ રહી છે પણ ભાઈની હાલત તો ખબર નથી.

આ બાજુ નોરુ એ હોડીને દરિયામાં ઝંપલાવી છે. હલેસા મારતો તે ઘણો આગળ નીકળી ગયો. દરીયાલાલના સહારે જીવને જોખમમાં મુકીને એક મોટું જુગાર ખેડી રહ્યો છે. ઉપર આભમાં કાળા ડીબાંગ વાદળો ની સવારી ડમરી ઉડાડી રહી છે. પવન પણ જાણે છોકરું તોફાને ચડવાનું હોય તેમ કરી રહ્યો છે. કયારેક પોતાની હાજરી છતી કરતી વીજળી પણ જબુક કરતી દેખાઈ ને હોલવાઈ જાય છે. ચારેકોર જોઇ લો પાણીનો તોખાર ! પણ ભડવીર એવા નોરુના મનમાં તો એક જ તરંગ ઘૂમરી લઈને વાલે ચડે છે કે, જેમ બને એમ જલ્દીથી હોડી ભરાય એટલા માછલા આવી જાય એટલે હમમ થયું ! બેનીના લગન સંગોપી જાય તેમાં રસ છે ને પોતાના ઘરે રોટલા ઘડનારી આવી જાય તો ઘરનો માભો ઘરમાં જળવાઈ રહે ! એવું માનતો જાળ ને પાણીમાં નાખે છે ને ઉથામે ઉથામે વળી બહાર કાઢીને જોઈ લે છે. જેમ જેમ હોડી ભરાતી જાય છે તેમ તેમ તેના મનની ધરપત પણ ભરાતી જાય છે. એને તો એટલું જ જોઈતું હતું જેટલું તેના બેયના લગન પુરતું કાફી હતું.

જાળ ને મહામહેનતે કાઢી ને જોયું તો આખી જાળ ભરેલી હતી. બેય હાથ જોડી ને ભગવાનનો પાડ માનવા લાગ્યો અને ખુશીનો માર્યો હોડીમાં કુદકા મારવા લાગ્યો. બસ હવે બહુ થયું. પહેલા તો એમ નક્કી કરેલું કે એકલી બેનીને શણગારાય એટલે બહુ થયું, હવે તો બેય ને મોજથી શણગારી શકાશે ! જાળને વીંટો વાળીને હોડીના આગળના ભાગે લગાવી દીધી. શરીર તો પરસેવે નીતરે છે. એક ખરું પાણી બીજા ખરા પાણીમાં ભળે છે ને કહે છે કે આટલા પરિશ્રમ પછી આટલી ખારાશ તો આવે જ કે નહિ !

હોડીને હવે ઘર ભણી હંકારવાની હતી. ચારેબાજુ નજર કરી તો એકલા પાણીનું સામ્રાજ્ય નજરે ચડે છે. હવે જ તેને ખ્યાલ આવ્યો કે અત્યારે રાત છે ને રાતના કેટલા વાગ્યા હશે તેની તો કેમ ખબર પડે ? એટલા પૈસા કદી એની પાસે નથી બચ્યા કે એક ઘડિયાળ લઇ શકે ! પણ તેને થોડી થોડી તારાને જોઇને ખબર પડતી હતી. ઉપર આભમાં જોયું કે વીજળી એ તેની ખુશીમાં કે ઈર્ષ્યામાં એક પલક વાર માટે તેની હોડી પર પ્રકાશ ફેંક્યો. માછલીઓ જોઇને તેની છાતી ગજ ગજ ફૂલવા લાગી. વીજળીના તાપે તેની આંખો અંજાઈ ગઈ…આથી થોડી વાર પાપણ પટપટાવી લીધી, ઉપર જોયું તો ઝાંખા ઝાંખા હરણુના ત્રણ તારા દેખાયા. તો સપ્તર્ષિના તારાતો વાદળા નીચે કદાચ દટાઈ ગયા હશે ! આભની તારોડ અને દરિયાના મોજાની ઉછાળ પરથી તેણે અનુમાન લગાવ્યું કે રાતનો બીજો પહોર તો વીતી ગયો હશે. હરણુના તારા પરથી ઘરની દિશામાં હોડીને લીધી. આજ પહેલા વાર આટલી ખુશી તેના મનમાં કદિ નથી ઉપજી. મોજમાં ને મોજમાં ગળું નીતરવા લાગ્યું.

મોઝા ચીરીને મેં તો વીંધ્યો આજ દરિયો રે
મનની ગાગર આજ છલકાય જો ભરિયો રે
મોંઘેરા મુલ ની વ્હોરીશ જો જો ચૂંદડીયો રે
ચળકશે ચૂંદડી ને ચળકશે મારી બેનડી રે
જગમગતો સ્વામી એનો આવશે વધામણો રે

ગાતા ગાતા જીભ એની તાળવે ચોંટી ગઈ. અડધા સૂર એના ગળામાં અટવાઈ ગયા અડધા પાછા શરીરમાં… વીજળીના એક મોટા ચમકારાએ તે હલી ગયો ને એમાય જયારે તેની પાછળની ધણધણાટી એ તો રીતસરનો હોડીમાં ગબડી પડયો. જો એના હાથમાં હોડીનું પાટિયું ન આવ્યું હોત તો દરિયામાં જઇ પડત ! જાળવીને તે ઉભો થયો. ગગનમાં તો વાદળોની દોડાદોડી તીવ્ર બની ગઈ છે. યુદ્ધ જાહેર થયું હોય અને સૈનિકો બધા ભાગે તેમ દોડી રહ્યા છે. સાપની જીભ જેમ લપકારા મારતી વીજળી સૌને બીવરાવી રહી છે. વીજળીના કડાકા તો દરિયો છોડી દેવા ધમકી આપતા હોય તેમ નોરુને લાગ્યું. એવામાં તો પવન પણ પોતાની તાકાત બતાવવા દરિયા પર તૂટી પડ્યો. બે બે માળ જેટલા ઊંચા મોજા ઉછળવા લાગ્યા. આવામાં નોરુની નાની એવી હોડીતો દરિયામાં ગરકાવ થાય છે, તો ઘડી ડૂબી જતા હાવમાં દેખાય છે. વિકરાળ મગરમચ્છની સામે એક નાજુક ગરોળી પૂછડી પટપટાવે તેમ દરિયામાં નોરુ અને તેની હોડી જજુમી રહ્યા છે.

****

અંધારાએ હજી તેની લીલા સંકેલી નથી. તારોડીયાવ હજી જગમગી ને કાલુ કાલુ હસતા હોય તેમ ભાસે છે. દિવસભરનો થાક ઉતારતા પંખીઓ હજી માળામાં સૂતા છે તો કોઈ વળી પાછલી પહોરની ઊંઘે ઉઠી ગયા છે તે પાંખો ફફડાવીને બીજાને સાથ આપવા સંકેત કરે છે. કૂબાવાસમાં એકદમ શાંતિનું સામ્રાજ્ય ઝળહળે છે. પણ નુતુને નથી તો આખી રાત ઊંઘ આવી કે નથી તો ચેન પડયું. ઘડી કુબા બહાર આવીને ચારે બાજુ જુએ છે તો ઘડી આભ સામે જુએ છે. કોઈ પણ પળ તેના મનને શાંતિ અપાવતા નથી. મનમાં એક ગાંઠ વાળીને તે કૂબામાં આવી, કપડા સંકોરીને સરખા કર્યા. ભગવાન સામે બેસીને દીવો કર્યો. દીવાના અજવાળામાં તેના ત્રાંબા વર્ણા ચહેરામાં ચિંતાની નસો ફૂલેલી દેખાઈ આવતી હતી. કાયમ હરખમાં દોડતી રમતુડી ને હરખુડી નુતુ અત્યારે એક પીઢની જેમ વર્તી રહી છે. ચૂંદડી નો એક છેડો ખભા પર રાખીને તેને બેય હાથ જોડ્યા.

“હે ભગવાન, કદાચ મારા લગનની હામ તો મારા દિલમાં જ ધરબી જાશે. મને ઈનો કોઈ પસ્તાબો નથી કે નથી રંજ ! એક જ વાતનુ મને દુ:ખ છે કે જી ભાઈએ મને માંબાપના જેવો પ્રેમ આપીને ઉછેરી છે તેનું મોઢું હું જોઈ શકીશ નહિ. અને આ ઘરમાં રૂમજુમ કરતી ભાભીના કંકુ પગલા મારા હાથે નથી લખાયા. તારું આમાં હું શું વાંક કાઢું દીનાનાથ, ઘણે દી પેલા, ઠીક ઠીક સુખી એવા ગોમાકાકા પણ દરિયેથી પાછા નોતા આઈવા તારે તમારી પાસે ખુબ ધામ પછડા કરેલા તોયે તમે નહોતું સાંભળ્યું. જયારે હું તો એક અનાથ ને અટૂલી ગરીબડી દીકરી છું મારું તો તમે ક્યાંથી સાંભળો? પણ હું તમને કરગરવા નથી આવી.મારી આંખને તો મેં નીચવી નીચવીને બધા આંસુ પાડી લીધા છે. બની શકે તો મને માફ કરી દેજો અને મારા કુબાની રક્ષા કરજો !”

કૂબાની અંદર એક સન્નાટો છવાઈ ગયો. ભીંતો પણ લાગણીશીલ બનીને રડવા લાગી છે. ઘાસની એક એક સળીઓ પણ તેને સાથ આપતી વિલાયેલા મુખે મુરજાઇ ગઈ છે. એક નજર ચંપાના ઝાડ પર નાખી. ચંપો પણ વિલાયેલા મોઢે પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યો છે. ફૂલના રૂપે એક આંસુડું નુતુના પગમાં પડયું. વાંકા વળીને તેણે ફુલ ઉપાડ્યું ને જઈને ભગવાન પાસે રાખી આવી. સડસડાટ તે કુબવાસ ને વટાવી ગઈ. હજી પણ બધા નિદ્રાદેવીને વશ થઇ ને પોઢી રહ્યા છે. ક્યાંક તમરાનો અવાજ આવે છે તો ક્યાંક કુતરા ભસવાનો અવાજ આવે છે. રાતડ ફૂટી છે ને રવિકિરણો, અંધારાને ચીરીને ધરતી પર ત્રાટકે તેની રાહ જોવાઈ રહી છે. નુતુના પગલા તો એકદમ દરીયાલાલાના પાણીમાં અડકે તેમ જઈને ઉભા રહી ગયા. બે હાથ જોડીને તેને ચારે દિશામાં નમન કર્યું. પોતાના માબાપની માફી માંગી અને છેલ્લે પોતાના ભાઈને યાદ કર્યો. આંખો ઉપર એક મજબુત બંધ બાંધેલો હતો કેમેય કરીને તે અત્યારે છલકાય તેમ નહોતો. “હે દરિયાદેવ, એક મજબુર બાળાને સમાવી લેજે અને…” આગળના શબ્દો હવામાં સ્થિર થઇ ગયા. એક ગોકીરાએ તેના દરિયામાં ડૂબકી લેવાની ઘડીમાં ખલેલ પાડી.
પોતાના પગલામાં એક નવ ચેતન પ્રકટ્યું. કોઈ પણ જાતના હુકમો આગળ તે મજબૂર થતી પગલા સાથે ઘસડાવા લાગી. જઈને જુએ છે તો ટોળા ની વચ્ચો વચ્ચતો પોતાની ચિંતાનો હણનાર હતો. તેના કાને શબ્દો પડ્યા “મારા પગ સાથે જાળ છે તે પાણીમાંથી કાઢો, મારો પગ તો જાણે ખોટો પડી ગયો છે કે જળદેવતા લઈને ભાગી ગયા છે, જટ કરો ભઈલા, મારી બેન જીણકી રોઈ રોઈ ને મરી જશે..” એટલા શબ્દો કાને પડતા તો ભાઈની લગોલગ ઢગલો થઇ ને નુતુ ઢળી પડી. બેયના સંજોગને વધાવતો દરિયો પણ શાંત બની ગયો. ઉગમણા આભને ચીરતો સૂરજ દેખાયો ને આખા ટોળામાં એક હર્ષોલ્લાસ છવાઈ ગયો.

– રીતેશ મોકાસણા

‘ચૂંદડી નીતરે તરબોળ’ એક માછીમાર ભાઈ બહેનની કથા છે. ગરીબી કે અભાવોની વચ્ચે પણ જીવન પ્રેમ અને સ્નેહ શોધી જ લેતી હોય છે, એકબીજાનો સહારો એવા આ ભાઈ બહેનના જીવનના કેટલાક પ્રસંગો, તેમની કસોટીની ક્ષણો અને હર્ષ-શોકના આંસુઓ વચ્ચે વહેતી આ વાર્તા એ જ ગ્રામ્ય ભાષામાં જીવનને ઉજાગર કરી આપે છે. રીતેશભાઈ મોકાસણા અક્ષરનાદ પર સમયાંતરે તેમની કૃતિઓ પ્રસ્તુત કરતા રહે છે, આ જ શ્રેણીમાં તેમની આ સુંદર વાર્તા આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


Leave a Reply to Palak Cancel reply

5 thoughts on “ચૂંદડી નીતરે તરબોળ.. (વાર્તા) – રીતેશ મોકાસણા

 • Ritesh Mokasana

  સર્વે નો પ્રતિભાવ માટે આભાર..આશા રાખું કે સદા વાચકોનાં રસ ને અનુરૂપ સાહિત્ય લખું, અને તેના ફળ સ્વરૂપ મને પ્રતિભાવો મળતા રહે.

 • Palak

  bhai ane bahen no prem sadio thi anero rahyo chhe. bhai moto hoy ke nano ene eni bahen ladki j hoy chhe e vat ni pratiti aa varta parthi thay chhe. khub j saras varta chhe.

 • Umakant V.Mehta.

  સ્વ.શ્રેી ઝવેરચંદભાઈની”કોઈનો લાડકવાયો” સાંભળતો હોઉં તેવી અનુભૂતિ થઈ.વાર્તા વાંચી મને મારી સદગત બહેનીની યાદ આવી ગઈ, અને આંખમાંથી બે અશ્રુબિન્દુ સરી પડ્યા.હવે તો આવી રસાળ તળપદી શૈલી ભાગ્યે જ વાંચવા,સાંભળવા મળે છે. વાચકોની આંખમાં અશ્રુ વહાવનાર ભાઈ શ્રેી રીતેશને લાખ લાખ અભિનંદન. લી ઉમાકાન્ત વિ.મહેતા ન્યુ જર્સી

 • ashvin desai

  ભાઈ રિતેશ મકવાનાનિ આ વાર્તામાથિ ગ્રામ્યજિવનનિ સ્નેહતરબોલ માતિનિ ભિનિ ભિનિ સુઘન્ધ આવે ચ્હે !
  લેખક્નિ સજ્જતા પાત્રોના સમ્વાદનિ કાબેલ રચનારિતિમા ઉજાગર થાય ચ્હે
  ઘના લામ્બા સમય પચ્હિ એક તલપદિ ભાશાનિ સુન્દર કલાક્રુતિ માનવા મલિ
  ધન્યવાદ સાથે , અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા