એક માંનો તેના દીકરાની પત્નીને પત્ર… – ગુણવંત વૈદ્ય 26


અમારા દીકરાની વાઈફ જોગ…

તને પત્ર લખવાનો આ મારો પ્રથમ અને અંતિમ પ્રયાસ છે. પહેલા તો ચાલ, થોડા ગામગપાટા જ મારીએ.

પેલા વલ્લભકાકા છે ને એ ફરી વાર લગ્ન કરવાની તૈયારીમાં પડ્યા છે. હા, એમના પોતાના જ લગ્ન… તને વળી થશે કે પરણવા લાયક એવા એના ત્રણ ત્રણ પૌત્રો બેઠા છે અને ૮૦ વરસનો આ કાકો કેમ પરણવાની જીદ લઈને બેઠો છે. પણ એ કાકો તો પાકો નિર્ણય કરીને જ બેઠો છે અને ફિલ્મી ડાયલોગમાં કહે છે કે, ‘લોગો કી એસી તેસી, હમ તો જબ તક જીવુંન્ગા, મજેસે જીવુંન્ગા,’ એવું દેવાનંદી અદામાં કહીને પછી બોખા મોંએ એટલું તો ખી ખી ખી હશે છે કે તને શું કહું, વલ્લભકાકાએ જ સમજવું જોઈએને, પણ.. કોઈનું સાંભળે તો ને એ?

અને… પેલા લલીકાકીને પણ તું ક્યાં નથી ઓળખતી? જીતુકાકા હતા ત્યાં સુધી આખી જીંદગીમાં કોઈ દિવસ નહીં અને હવે સાંઠ વરસની પાકી ઉમરે ફિટનેસના વર્ગમાં જાય છે, દર અઠવાડિયે, ખબર છે…? જીતુકાકાને ધામ ગયાને હજી પૂરું વરસ પણ નથી થયું… ત્યાં તો સ્વાસ્થ્ય અને વ્યાયામના નામે એમણે તો ભટકવાનું જ જાણે ચાલુ કરી દીધુ, બિન્દાસ થઈને… વિધવાઓને તે વળી આ કંઈ શોભે? એમને તો એમનું ઘર ભલું ને બહુ બહુ તો દેવદેવી પૂજવા મંદિરે જવાના દહાડા, પણ તે માને તો ને? એમના વહુ દીકરાએ તો કેટલું એમને કહ્યું કે ‘બા, અમારી ભેગા કાયમ આવીને રહો. એકલા ત્યાં રહેવાની જરૂર નથી. પણ એ તો બે ચાર મહિના ત્યાં રહેવા ગયા, બસ પછી પરત અહી આવી ગયા અને હવે તો લોકોને એમ વાત કરે છે કે, ‘હું તો પરણીને આવી ત્યારની આ ઘરમાં છું, હવે તો મારી નનામી જ અહીંથી બહાર જશે’ વળી કહે કે ‘મારા શરીરનું ધ્યાન તો મારે જ રાખવાનું ને?’

એક વખતની વાત કરું, તને… દિવસ સુંદર અને ખુશનુમા હતો એટલે હું વળી બગીચે ટહેલવા ગઈ. ના, ના, એકલી નહીં, મારા હસબન્ડની સાથે. ત્યાં મેદાનની વચોવચ લીલી હરિયાળી ઉપર થોડા માણસો – સ્ત્રી પુરુષ – કુંડાળે બેસીને હસતા હતા. કોઈ મજેદાર વાતનો અનુભવાનંદ કદાચ લેતા હોય એમ જ દૂરથી લાગ્યું…. જરા વધુ નજીક જતા લાગ્યું કે તેઓ બધા ખડખડાટ હસતા જ હતા, કોઈપણ સંવાદ વિના… અવિરત… એ જોઇને તો અમને ય એમના ઉપર તરત જ હસવું આવ્યું… ગાંડા જેવા… તેવામાં તો તેમાંના એક જણે ઈશારો કરી અમને એમની નજીક બોલાવ્યા, અમારે માટે કુંડાળે બેસવાને માટે જગ્યા પણ કરી આપી…. અમે પણ ગોઠવાયા, કુંડાળે, બધા જ અજાણ્યા ચહેરા હતા. બધાએ અમારી તરફ જોઈ હાથ હલાવ્યા બસ… એમનું હસવાનું ચાલુ રાખ્યું હતું…. એમને હસતા જોઇને તો વિના પ્રયાસે અમને ય હસવાનો એ ચેપ લાગ્યો જ… અમે પણ જોડાયા ખડખડાટ હસવામાં… અમે કેમ હસતા હતા એ અમને જ ન સમજાયું, પણ અમને હસવાની મજા આવવા માડી હતી. અને હસવા માટે વળી કારણ શોધવાની પણ કડાકૂટ કેમ કરવી જોઈએ? એમ માની અમે ય ઝંપલાવી જ દીધું હતું.. અમને તો ખૂબ જ ગમ્યું હોં. અને ઘાસના એક તણખલાની જેમ જ અમે તો હળવાફૂલ થયા. અડધા કલાક પછી અમારી બધી જ ચિંતાઓ ઓગળી ગઈ હતી, હવામાં..

અરે હા, પેલી વિમુડીની વાત કરવાની તો ભૂલી જ ગઈ. એ તો છે ને તે પેલા વસંતદાદાની ખાંસી આખા મહોલ્લાને હેરાન કરે છે…એમનું ખોં ખોં ખોં ખોં દિવસરાત ચાલુ જ હોય છે. જયંત અને વિમળાને આડોશ પડોશમાંથી કેટલા બધાએ કહ્યું કે દાદાનો ખાટલો હવે એ ઘરડા ઘરમાં નહી ખસેડે તો વાંધો નહિ પણ કમસે કમ બને એટલો જલ્દી એના ઘરને ઓટલે તો વહેલી તકે કાઢી જ દે તો સારું. પણ જયંત અને વીમુ સમજે જ શેના? પોતાના અને પેલા નાનકડા દીપુના સ્વાસ્થ્યની પણ એમને પડી જ છે ક્યાં? આજુબાજુમાંથી તો કોઈ વ્યક્તિ જયંતના ઘર તરફ જતા સુદ્ધાં નથી, બોલ. કોઈવાર એ તરફ જવું જ પડે તો નાક બંધ કરીને મો રૂમાલે કે સાડલે દબાવીને ઝટ ચાલી જ જઈએ, આવો રાજરોગ તે વળી કોઈનો સારો થયો હોવાનું સંભાળ્યુ છે ખરૂં? એ તો જીવ લેતા પહેલા બીજા કોઈનામાં ઘર કરી જ દે. ટીબી જેનું નામ.. પણ વિમુડી ટસની મસ જરા નથી થતી.. બધું જ વૈતરું કરે છે.

આવા બધા સમાચાર છે અહીંના, હજી તો કરવા જેવી આવી ઘણી ઘણી ઘણી વાતો છે પણ.. જવા દે.

આજે તો ખૂબ ગામ ગપાટા માર્યા નઈં તારી જોડે. આપણે આમ કે તેમ કોઈ દિવસ ગપાટા જ નથી માર્યા એટલે તને આ બધી વાતો ગમી કે કેમ એ તો હું જાણી ન જ શકું, એટલે હું અહીં જ અટકું, બસ… તને થશે કે આ બધા અક્કલ વગરના લોકો છે, એમને બદામ ખવડાવે તો જ અક્કલ આવે ખરું ને?.. હા હા હા હા…

તને વળી એમ પણ હાશકારો થશે કે, ‘હા…શ પુરું થયું, સાસુ રામાયણ’…બરાબર ને?

પણ આ સાસુ રામાયણ હતું જ ક્યાં? એ તો લોકરામાયણ હતું.

સાસુ ગીતા તો હવે હું તને સમજાવું છું.. સાંભળ.

બદામ ખાવાથી અક્કલ કદાપી કોઈને નથી જ આવતી પરંતુ એ તો ઠોકર ખાવાથી જ આવે છે પણ એવી અક્કલ તને તો નથી જ એ હકીકત પણ તું તો શેની જ સ્વીકારે? ખરું ને?

જો, જે દેખાય છે એ હોતું નથી, અને જે હોય છે એ સમજવા અક્કલ વાપરી થોડા ઊંડા ઉતરવું પડે છે, અને એ માટે પણ અક્કલ તો જોઈએ જ. ઊંડા ઉતરીને જ જે સમજાય એવી વાતો છે એ તને સમજાવવાની હું ટ્રાય કરું.

પેલા વલ્લભકાકા અને લલીકાકી જેવાને એવી તો અસંખ્ય ઠોકરો એમના પોતાના સગાઓ સંતાનો, વહુઓ દ્વારા જ મળી ચૂકી છે કે તેથી ત્રાસી જઈને એમના પોતાના દ્વારા જ થયેલો એમનો ત્યાગ બુદ્ધિથી સ્વીકારીને એમણે હવે પછી કેવળ પોતાને માટે જ જીવન જીવવાનું પસંદ કર્યું છે, જે જીવન એમણે અત્યારસુધી એમના સંતાનોના નામે જ કર્યું હતું !

વલ્લભકાકાએ આજીવન તપ કરી સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કરી પરણાવ્યા, એમના પૌત્રોને નાના હતા ત્યારે દિવસભર રાખ્યા કે જેથી એમના મમ્મી પપ્પા નોકરી ધંધો કરી બે પાંદડે થાય. તે શું એટલા માટે કે આજે વળતી ઉમરે જયારે એમનું શરીરસ્વાસ્થ્ય સાથ છોડવા માંડ્યું અને એમને સહારાની જરૂર છે ત્યારે જ એ દીકરાઓ એ બધું ભૂલી બેઠા? એ વલ્લભકાકાને શું પરણવાનો અભરખો છે આ ઉમરે? અરે, એમને તો આત્મીય હુંફની જરૂર છે, પોતાનાના ટેકાની જરૂર છે, જે એને નથી મળતો, છોકરાઓ, વહુઓ કમાવવામાં પડ્યા છે, વિધુર બાપ ઘરને ખાટલે સબડે છે, પરંતુ બાપુજીની ખબર લેવા જવાનો દીકરાઓ પાસે સમય સુદ્ધાં નથી. હા, એ જ દીકરાઓ કે જેમના સંતાનોને સુધ્ધા એ જ બાપે એ જ વ્લ્લભકાકાએ જતન કરીને મોટા કર્યા હતા.. આજે વલ્લભકાકાનો એમને ખપ નથી. વલ્લભકાકાને જ્યારે આજે એમનું જીવન ટકાવવા માટે એ જ પુત્ર, પૌત્રોની હુંફની જરૂર છે ત્યારે એમને સમજવાની અક્કલ એમના દીકરાઓમાં કે સમાજમાં સુદ્ધાં નથી.

લલીકાકીને પોતાના જ દીકરાને ત્યાં એક માં અને દાદી તરીકે રહેવું ન ગમતું હોય? જરૂર ગમે જ. પરંતુ કામવાળી કરતા પણ વધુ અપમાનજનક વ્યવહાર જ જો એને એની વહુ તરફથી સતત મળતો હોય તો એ લલીકાકી કામવાળી તરીકે ત્યાં શું કામ પડી રહે? વહુની ગણતરી ન સમજી શકે એટલી અણસમજ લલીકાકી નથી જ. આવું વલણ તો કોઈ જ ન સાંખી લે.
સ્વાર્થી વહુ પાસે કોઈ જ આશા ન રાખી શકાય એવા લાખો કારણો જો લલીકાકીને જડ્યા હોય અને તે છતાં વહુની તમામ ઈચ્છાઓ સંતોષતી જ રહે તો એ લલીકાકી શું કામની? અને એટલે પોતાનું સ્વાસ્થ્ય અને જાતની કાળજી હવેથી આજીવન પોતે જ રાખવાની છે એવો વિચાર એમને કેમ ન જ આવે? શું શું વીતી હશે એમના ઉપર એ તો અક્કલનો આછેરો ઉપયોગ કરનારને જ સમજાય. સાસુના ઘર ઉપર વહુનો ડોળો હોવાનું લલીકાકી અને દીકરો ન સમજે એટલા ગામડિયા નથી જ, હોં. એ તો ધનભાગ વહુના કે પત્નીને ત્યાગી દેવા તૈયાર થયેલ દીકરાને જ લાલીકાકીએ સમજાવ્યો કે, ‘હું તો હવે ખરતું પાન, કેટલું જીવવાની? તારે જ એની સાથે જીવન વિતાવવાનું છે, તું તારો ગૃહસંસાર મારે કારણે ન બગાડ, ધીરજ રાખ, સાવ સારા વાના જ થશે.. તારે એને છૂટી કરવાની જરૂર નથી, હું જ તમારાથી છૂટી થાઉં છું. હું મારું ફોડી લઈશ’. આ લલીકાકીની ત્યાગવૃત્તિ અને માફ કરવાની વૃત્તિ નથી તો બીજું શું છે? પણ તને એ ન જ સમજાય… તું ય ક્યાં કાવતરા કરવામાં ઓછી છો?

જીવનભર પોતાનાને હસાવવા માટે જ જેઓ રડ્યા છે એમને આ ઢળતી ઉમરે ખોબે ખોબે આંસુડે રડાવનાર વહુઓને કે સંતાનોને તો કહેવું જ શું? શું હસવાનો ફક્ત તમને જ અધિકાર છે? તમારું જીવન જેમણે બનાવવા જાતનું પાણી કરી નાખ્યું એમને તમે તો હુંફ ન જ આપી શકો તો શું તેમની રીતે પણ હસવાનો તેમને અધિકાર નથી?

વલ્લભકાકાની દેખરેખ રાખવાની એમના સંતાનને શિખામણ નથી આપી શકતો કે લલીકાકીને સમજવાની અક્કલ નથી રાખતો તમારો ખોખલો સમાજ?

સમાજ સમાજ સમાજ …. કોણ છે આ સમાજ? આપણે બધા થઈને જ તો આ સમાજ છે. જયંતે એના પપ્પાનો બહિષ્કાર કરવો જોઈએ એજ સૂચવે છે ને તમારો સમાજ? પરંતુ ટી.બી. જેવા રોગ સામે સાથે રહીને લડવાનું બળ એ સમાજ કેમ નથી આપતો? બાપની કાળજી રાખવાનું કેમ નથી કહેતો? વ્યસનમુક્તિની ઝુંબેશમાં સમાજ એકસૂત્ર નથી થતો… કેમ? કેમ કે એમાં દરેકનો પોતાનો સ્વાર્થ છે. એ તો ભલું હજો વિમુનું કે જયંતને પડખે એ સતત રહી છે.

..ક્યાંક જયંતને તારા જેવી ભટકાઈ હોત તો…. તું ય સીધી દોર થઈ જાત…

એટલે જ હું અને મારા હસબંડ ‘વિસામો’ જેવા એવા પ્રગતિશીલ સમાજના સભ્ય બન્યા છે કે જેમાં એકબીજાને માટે હૂફ છે, પ્રેમ છે, કદર છે અને સ્વાર્થનું ત્યાં નામોનિશાન નથી.

…અને હા, યાદ છે મને હજી એ દિવસ…

મારા હસબંડ સોફે બેઠા હતા. હું બાજુમાં રસોડે હતી. ત્યાં જ ‘દાદા, તમે ક્યારે મરી જવાના?’ એમ કહેતો છ વર્ષનો અમારો પૌત્ર દાદરેથી નીચે આવ્યો, તું પણ એની પાછળ આવીને બે ફૂટના અંતરે ઊભી હતી, પરંતુ, એના સવાલે અમે ચોંક્યા જ્યારે તું તો એ સાભળીને તારું કોઈ મિશન પૂરું થયું છે એ ભાવથી પાછી વળીને પગ પછાડીને કશું પણ બોલ્યા વગર વિજયકૂચ કરતી હોય તેમ પરત દાદર ચડી જ ગઈ હતી, યાદ છે? તારું તો કામ જ પાર પડ્યું હતું ને? તેં ગોખવેલો પાઠ એણે પોપટની જેમ સુંદર રટ્યો હતો. બાકી છ વર્ષનાને તારી મદદ વગર, એના નાનકડા મગજમાં આવો સવાલ ક્યાંથી આવે? જો કે અમારા પ્રત્યેના તારા પ્રેમ અને પૂજ્યભાવની અનુભૂતિનું વધુ એક છોગું તે ઉમેર્યું હતું એનો આનંદ થયો. ‘એમ ન કહેવાય’ જેવા શબ્દો તો સંસ્કારી જનેતાના મુખમાં જ આવી શકે આવે વખતે… તારા મોમાંથી એવા ઉદ્ગાર ન જ નીકળ્યા, પણ એમાં તારો શું વાંક? કૂવામાં જો પાણી હોય તો જ ત્યાંથી હવાડામાં આવે ને? અહીં તો કૂવો અને હવાડો બને સુકા ભઠ્ઠ…

જો કે તારી તે વખતની મૌન અભિવ્યક્તિ રૂપી તારી હિંમતને દાદ આપું છું… તારા માવતરને સવિશેષ. આટલા બધા પરાક્રમો કરી કરાવીને પણ કેવા નપુંસક થઇ સામી છાતીએ તેઓ ફરે છે… કહેવું પડે હોં. બસ, આ બનાવે જ તારા અત્યાર સુધીમાં કરેલા અસંખ્ય પાપનો ભરેલ ઘડો પૂરેપુરો ભરાઈ જતાં એનું ઢાંકણ બંધ કરી દેવાનું જ કામ કર્યું છે.

બહુ ધીરજ ધરી હતી તારા અત્યાચાર અત્યાર સુધી સહી સહીને, કેવળ એક જ આશાએ કે ક્યારેક તો તું સુધરશે, અને એ જ કારણે તને માફી આપતા રહ્યા હતાં, બસ આપતા જ રહ્યા હતાં…. આજ સુધી…. પણ…. not any more, got it?

હજી ઘણાને ખભો દેવાનો અમારે બાકી છે, તેમને ધામ ન પહોચાડીએ ત્યાં સુધી અમે ધામ નહીં જ જઈએ, એ લખી રાખજે..

– લી. તારા હસબન્ડની જનેતા.

– ગુણવંત વૈદ્ય (આ સમાજદર્શન કરાવતો એક કેવળ કાલ્પનિક પત્ર જ છે.)


Leave a Reply to Gunvant VaidyaCancel reply

26 thoughts on “એક માંનો તેના દીકરાની પત્નીને પત્ર… – ગુણવંત વૈદ્ય

  • umesh baria

    Sasu vahu no kajiyo to juna jamanathi chali rahyo 6e evama samjan sakti ni j khot 6e vahu je navi vichar sarni par chale 6e ane sasu juni vichar sarni dharave 6e. sasu te muki sakati nathi albat tema badha no faydo j hoy 6e pan kon jane kem aapne u6eri ne mota karva vada ne aapne lagn pa6i 1,2 ke 3 vars ma bhuli jay 6i to vank aapado j 6e
    Vahu kadach bhuli jay 6e ke maro pan bhai 6e tene pan vahu aavse ane jo aavi rite mummy ne heran karse to jo aavo vichar aaveto ketlek anse faydo thay. Pan aajni navi pedhi ne to ghelu lagyu 6e tv nu anukaran karvanu. Tv ma jem aave tevu j karvanu ane pahervanu. Su aa bharat ni sanskruti 6e? na.
    Aani pa6ad 6okariono ek j vichar kam kare6e ane e 6e. Ke mane to aanathi pan saru thekanu madi rahese
    pan vank teno nathi. Vank 6e aapdi sahan sakti no je aajni kevati pedhi ma mari parvari 6e.
    Kevanu to ghanu 6e pan samjava vadu koi nathi.

  • jacob davis

    કોઇની પાસે કોઇ અપેક્ષા ન રાખવી તે સુખી થવાનો માર્ગ છે. જુદા રહેતા હોય તો કાગળ લખીને કડવાશ ઘુંટવાનો કોઇ મતલબ નથી.

  • M.D.Gandhi, U.S.A.

    આ માત્ર ગામગપાટાજ નથી, પણ ઘણા ઘરોમાં આ સત્ય હકીકત છે..આજકાલની “વહુઓને” સાસુ તો ઠીક, વરના કોઈ સગા નથી જોઈતા….એમાં સાસુ પણ આવી જાય….., પણ પછી એના સંતાનો પણ ભવિષ્યમાં આજ કરવાના………..જે માબાપો પાસે વૃધ્ધાવસ્થામાં પાસે પૈસા નહીં હોય એ બધાનેી તો આવીજ હાલત થવાની…..
    આંખ ઉઘાડતો સરસ લેખ છે…..

  • Gunvant Vaidya

    જેને આ પત્ર લખાયો છે, એનો જવાબ શું આવે એની રાહ જોવી જ રહી કેમ કે એ રીતે પણ જો વાર્તાલાપ શરુ થાય તો જ પરિસ્થિતિનો ઉકેલ જડે ને……બીજી બાજુના પ્રત્યાઘાતો ખુલાસાઓ સંબંધોમાં પડેલી તિરાડ પુરવાનું કામ કરશે….?…કે પછી વધારશે ….?

    વહુના ઉત્તરની રાહ જોઈએ ……

  • Harshad Dave

    સુંદર પ્રયાસ. મૂળ મુદ્દો એ છે કે બંને દૃષ્ટિકોણ વચ્ચે જે જનરેશન ગેપ છે તે દૂર થવો જોઈએ. ઢળતી ઉમરની જરૂરિયાતો અને ઉભરતી પેઢીની કશ્મકશ, પહેલાના જીવનની સરળતા અને વર્તમાન જીવનશૈલીમાં જીવવાની વિષમતા. સ્વ-કેન્દ્રિત જીવનદૃષ્ટિ અને સેવા લક્ષી જીવનભાવના વચ્ચે ટક્કર. પેઢી દર પેઢીનાં સંસ્કારો જે વારસાગત હતા તે હવે નથી રહ્યાં. ‘તમે ક્યારે મરવાના?’ એવો અબાલીશ પ્રશ્ન બાળકના મોંએ તો ઠીક પણ કોઈને ય મોઢે ન શોભે અને ખાસ તો મરવાને આરે આવી ઉભેલા લોકો માટે. અહીં ન સમજાય તેવું કશું જ નથી. સાચી સમજ નવી પેઢીએ કેળવવી જ જોઈએ અને નવી પેઢીનો દૃષ્ટિકોણ પણ અનુભવ વૃદ્ધ લોકોએ સમજવો જોઈએ. વ્યવહારુ માર્ગ નીકળે તો બંનેની વાત રહે. -હદ.

  • Gunvant Vaidya

    બંને પેઢીએ સમજદારી કેળવવાની અને એકબીજાની જરૂરીયાતો, સંજોગો સમજીને સહાયકની ભૂમિકા અન્યોન્ય માટે ભજવવાની જ જરૂર છે…ગેરસમજ દુર થવા માટે આ એકમાત્ર ઉપાય છે……વાર્તાલાપ….

  • Gunvant Vaidya

    આજકાલ કોઇપણ વિષય ઉપર ચર્ચા, છણાવટ ઓછી થતી જોવા મળે છે. FB ઉપર પોસ્ટ મુકીને ચાલી જનારાઓની કે ‘લાઈક’ ની સહેતુક કે અહેતુક ટીક મારીને ચાલી જનારાઓની સંખ્યા પણ પ્રમાણમાં વધુ છે. એવા સમયમાં સકારાત્મક વિકાસલક્ષી ચર્ચા શરુ કરવાના હેતુસર મુકેલ આ વાર્તાપત્ર બાબતે અહી જે સુંદર નિખાલસ વિકાસાત્મક ચર્ચા માંડી છે, દોસ્તો, એ માટે તો સહુને અભિનંદન જ ઘટે.

  • shirish dave

    પ્રીતિબેન કંઇક અંશે સાચી વાત કહી રહ્યાં છે. કોઈ એક પ્રસંગ ઉપરથી સામાન્યીકરણ ન કરી શકાય. પણ એક વાત જરુર કહી શકાય કે વિસંવાદ વધી રહ્યો છે. છેલ્લે પાટલે બેસનારાઓનું પ્રમાણ આમ તો ઓછું જ હોય છે. જુના જમાનામાં પણ વિસંવાદ તો થતો જ. તે વખતે છેલ્લે પાટલે બેસનારા તો સાંભળ્યા જ નથી. તે વખતે બાળલગ્ન અને વિધવા વિવાહ થતો ન હોવાથી અનાથ બેનને, ભાઈને ઘરે આવી જવું પડતું હતું. અને ભાઈ બધું સંભાળી લેતો હતો. શેરી કે ગામ એક કૂટુંબ તરીકે જીવતું હોવાથી કંઈક શરમ પણ નડતી.
    માણસોને હવે સગવડો વધુ જોઇએ છે. પોતાના સંતાનો સિવાય બીજાનો બોજ લેવો ગમતો નથી. હવે કુટુંબ પ્રેમ ઘટતો જાય છે.

    જોકે ઘણા જ અપવાદો છે. હાલ તો આપણી સંસ્કૃતિ સલામત લાગે છે. વિદેશી શૈલી આવતાં બે ત્રણ પેઢી વીતી જશે.

  • અક્ષરનાદ Post author

    ઈ-મેલ દ્વારા શ્રી પ્રીતીબેન ભટ્ટનો પ્રતિભાવ….

    dear aksharnaad,

    now its high time that we look at things from the other side also. Such articles look very emotional and do create a dramatic atmosphere of tears and hatred for the new generation but will not serve the purpose of bringing any change in our soceity because all things in the world are not pure black and pure white. things are more grey. Unless we look at things from every angle such articles will not get full acceptance. gone are the days of “chhoru to kachhoru thay ….” Through your platform i would really urge eminent writers to look into the real selves of the so called modern in laws who are still the same conservative and selfish persons who very easily differentiate between their daughters and daughter in laws; who lick the feet of their daughters in laws and kick their sons in laws; for whom son in laws are the best and daughter in laws can never be even good. when we are discriminating with a daughter in law we are actually creating a hell on earth. let us accept a daughter in law with full hearts i assure you there are more fairies and less vamps…

  • Gunvant Vaidya

    Ritesh Mokasana commented on એક માંનો તેના દીકરાની પત્નીને પત્ર… – ગુણવંત વૈદ્ય.

    in response to જીગ્નેશ અધ્યારૂ:

    વૃદ્ધાશ્રમમાં પોતાના પતિ સાથે રહેતી એક પત્નીએ તેના પુત્રની પત્નીને લખેલો એક કાલ્પનિક પત્ર ગુણવંતભાઈ વૈદ્યની કલમે આજે અહીં પ્રસ્તુત કર્યો છે. એ પત્રમાં સાસુવહુના ગપાટા છે, વહુના દ્રષ્ટિકોણનું અને તેના વહેવારનું ખંડન કરવાનો અને તેને સજ્જડ જવાબ આપવાનો એક પ્રયત્ન અહીં દેખાઈ આવે, પરંતુ એની પાછળ ઢળતી ઉંમરે સ્નેહ અને હુંફ ઝંખતા એક યુગલને મળેલી અવગણના અને તિરસ્કારની ભાવના છે. કદાચ આ પત્ર વધુ તીખાશભર્યો લાગે, તો પણ એ એક પ્રતિબિંબ છે. ગુણવંતભાઈએ સ્પષ્ટતા કરી છે તેમ આ સમાજદર્શન કરાવતો એક કાલ્પનિક પત્ર જ છે. અક્ષરનાદને આ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર તથા શુભકામનાઓ.

    Great examples for imaginery views. Very nice article .

  • Bharat Gadhavi

    ખુબજ આભાર શ્રી ગુણવન્તભાઈ નો…….. આ ફક્ત કલ્પના નથી. આ પત્ર તો સમાજ મા બનતા બનાવો નુ પ્રર્તીબિમ્બ છે.

  • shirish dave

    સંશોધનનો વિષય છે. ક્યાંક ખામી હોઈ શકે. ભણતરમાં કે ઉછેરમાં કે બંનેમાં.

  • PRAFUL SHAH

    THANKS FOR YOUR ARTICLE RE.MRUGESHBHAI. AND HEARTY THANKS FOR THIS ARTICAL-LETTTER TO DAUGHTER -IN-LAW-THIS IS OUR SAMAJ..HAPPY AND ENJOYING LIVING IN INDIA SINCE FEBE -2913.–I LOVE READ GUJARATI AS WELL AKSHARNAD-.WHEN I WAS IN USA.
    WITH REGARDS..PRAFUL SHAH