અમદાવાદ પુસ્તક મેળો ૨૦૧૪ – શું ગમ્યું, શું ન ગમ્યું… 21


Ahmedabad Book Fair enteranceઅમદાવાદના પુસ્તકમેળામાં જવા માટે આ વખતે એક મહીના પહેલેથી જ કંપનીમાં રજા લઈ રાખી હતી, અને યોજના મુજબ જ ૬ મે ના રોજ બપોરે એક વાગ્યે ત્યાં પહોંચ્યો.

૨૦૧૨માં બેંગ્લોરમાં સિવિલ એન્જીનીયરીંગને લગતા સાધનોનું એક મહાકાય એક્ઝિબિશન હતું જેમાં હું બે દિવસ ગયેલો અને તો પણ એ પૂરું જોઈ શક્યો નહોતો. આવા એન્જીનીયરીંગ સાધનોના ટૅકનીકલ એક્ઝિબિશનના મને ઘણાં અનુભવ છે, એકાદ-બેમાં તો સ્ટૉલ પણ સંભાળેલો એટલે હતું કે પુસ્તકોનું એવું જ કાંઈક અવનવું પ્રદર્શન – વેચાણ અહીં થતું હશે, નવી ટેકનોલોજી સાથે એ ક્ષેત્રનું નવું જોવા-જાણવા મળશે અને કેટલાક સરળતાથી હાથ ન લાગતા પુસ્તકો ખરીદવા મળશે..

સૌથી વધુ ખટકી એ બાબત સૌથી પહેલા – ટૅકનીકલ એક્ઝિબિશનમાં એક કંપનીની પ્રોડક્ટ કે સેવાની માહિતી તેના પોતાના સ્ટૉલ સિવાય ભાગ્યે જ બીજે જોવા મળે છે. અહીં તો વધુ વેચાણ ધરાવતા પુસ્તકો બધાં જ પ્રકાશકોના સ્ટૉલમાં જોવા મળ્યા.. મુલાકાતીઓ સાથે આ એક પ્રકારની રમત જ કહેવાય, તમે પોતાની પ્રોડક્ટ વિશે, તમે જે છાપો છો એ પુસ્તકો વિશે લોકોને વધુ કહો તો યોગ્ય લાગે… બીજા પ્રકાશકોના પુસ્તકો વેચવા તમે સ્ટૉલ નાંખ્યા છે? તો તમારા પોતાના છાપેલા પુસ્તકોનું શું?

કેટલીક બાબતોની અનાયાસ નોંધ લેવાઈ ગઈ… જેમ કે..
‘વાળ’ વિશેનું પુસ્તક કદાચ બહુ વેચાતું હશે, ઘણાં સ્ટૉલમાં એ જોવા મળ્યું.
કૉપીરાઈટ મુક્ત પુસ્તકો… રસધારની વાર્તાઓ, સોરઠી બહારવટીયા, ભદ્રંભદ્ર બધાં જ છાપે છે એ જાણીને આશ્ચર્ય થયું…
કેટલાક સ્ટૉલમાં બેઠેલા લોકો હૈયાવરાળ કાઢતા જોવા મળ્યા, ‘આ વર્ષે બહુ ખરાબ આયોજન છે.’, ‘નબળો પ્રતિસાદ છે.’ અને ‘પાર્કિંગના વીસ રૂપિયા હોતા હશે!’ જેવા પ્રતિભાવો સાંભળવા મળ્યા.

શું ન ગમ્યું?

    • કેટલાક પ્રકાશકો / સંસ્થાઓએ આ પુસ્તક મેળાને ‘ન વેચાતા જૂના પુસ્તકો સસ્તામાં કાઢી નાંખવા’ માટેનું આયોજન કર્યું હતું.
    • કેટલાક સ્ટૉલમાં મૂળ ગુજરાતી કરતા અનુવાદિત લેખકોના પુસ્તકો પ્રચૂર હતા, અંગ્રેજી પુસ્તકો વિશે ન સાંભળ્યું હોય તો તમને લાગે કે ચેતન ભગત, પૌલો કોએલ્હો અને અમીષ ગુજરાતી લેખકો જ હશે!
    • અહીં પણ મારો-તમારો ધર્મ…. ઇસ્લામના પુસ્તકોને લગતો સ્ટૉલ અને તેની સામે સનાતન વૈદિક ધર્મનો સ્ટૉલ… પાસે ખ્રિસ્તી ધર્મના પુસ્તકોનો સ્ટૉલ, પુસ્તકોનું નહીં જાણે ધર્મનું માર્કેટિંગ.. એ પણ અલગ ખંડમાં…
    • એમ એસ યુનિવર્સિટીનો સ્ટોલ ઔપચારીકતા પૂર્ણ કરવા માત્ર હતો… આંગળીને વેઢે ગણાય એટલા પુસ્તકો અને તદ્દન અનાકર્ષક સરકારી ગોઠવણી.

IMG_20140506_133341

  • ઈ-પુસ્તકોની ખૂબ જ જૂજ વાત, એ પણ એકાદ-બે પ્રકાશકોએ ભેગા થઈને કરેલ પ્રયત્નની… ઈ-શબ્દ નામની સંસ્થા / વેબસાઈટ દ્વારા કેટલાક પ્રકાશકોના પુસ્તકો વેચાઈ રહ્યા છે. મેં મારો અને અક્ષરનાદનો પરિચય આપીને તેમને પૂછ્યું કે અમારે ઈ-પુસ્તકો ઈ-શબ્દ પર નિઃશુલ્ક વહેંચવા હોય તો શું કરવું? તરત જ તેમણે મને પુસ્તકને યુનિકોડમાં ફેરવવાની, ઈ-પબ બનાવવાની વગેરે પ્રક્રિયાઓનો ચાર્જ કહ્યો જે મારે તેમને આપવો જોઈએ… મેં કહ્યું કે એન્ડ્રોઈડની લગભગ ચારેક એપ્લિકેશન ધરાવતા લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને આ પુસ્તકો બદલ તેઓ અમને સામેથી પૈસા આપવા તૈયાર છે… તો તેઓ કહે, તમે તમારા પુસ્તકોની વર્ડ ફાઈલ આપો, અમે હમણાં તેને ઓનલાઈન કરી દઈએ… જો કે ઈ-પુસ્તક વેચવાની સમગ્ર પ્રક્રિયા મારી સમજણની બહાર જ રહી.
  • ઈ-શબ્દ નિઃશુલ્ક ઉપલબ્ધ એપ્લિકેશન અને અડૉબેનો સપોર્ટ વાપરે છે જેથી તેની ઉપયોગીતા કેટલેક અંશે ગૂંચવણભરી બની રહે છે.
  • પાંચસો ઈ-પુસ્તકો ધરાવતા કોઈક ઈ-પ્રકાશનનો પણ એક સ્ટૉલ હતો, તેમણે લખ્યું હતું કે તેઓ ઈ-પુસ્તકોને કન્વર્ટ કરી આપે છે… પણ કયા ફોર્મેટમાંથી કયા ફોર્મેટમાં એમ પૂછતા જાણવા મળ્યું કે પીડીએફમાંથી ફ્લિપબુકમાં…. (ઘણી વેબસાઈટ આ નિઃશુલ્ક કરી આપે છે..)
  • ઑડીયો પુસ્તકોના વિષયમાં ગજબની નિષ્ક્રિયતા છે.. કાજલબેનની કૃષ્ણાયન અને ગાંધીજીની આત્મકથા સિવાય ભાગ્યે જ કોઈ ઑડીયોબુક જોઈ.. આ ક્ષેત્રમાં કાંઈક નવી શરૂઆત કરવી પડશે…
  • કોઈ પણ ગુજરાતી વેબસાઈટ, સામયિક કે લેખકોના સ્ટૉલ જોવા ન મળ્યા. કોઈ સ્ટૉલ પર કોઈ લેખક નહીં..
  • ટૂંકમાં લોકોને શું ગમે છે એ જાણવા કે શોધવાના પ્રયત્નને બદલે જે વધુ વેચાય છે તેનું માર્કેટીંગ કરવાના પ્રયત્નો વધુ દેખાયા..

Ahmadabad National Book Fair Navbharat Stall

શું ગમ્યું

  • દસ ટકા વળતર..
  • અધધધ પુસ્તકોનો ભંડાર, આપણને તો કોઈ આવા પુસ્તકોના જંગલમાં એકલા મૂકી દે તો સમય ક્યાં જાય છે તેનું ભાન જ ન રહે… મને પણ ત્યારે ભાન આવ્યું જ્યારે બંને હાથ પુસ્તકોની થેલીઓથી છલકાઈ ગયા, ઉપાડવા મુશ્કેલ થઈ પડ્યાં અને પાકિટમાંથી સાતેક હજારનું વજન ઓછું થઈ ગયું..
  • કુલ સાડત્રીસ પુસ્તકો ખરીદવામાં આવ્યા… પચીસથી લઈને પાંચસો સુધીની વિવિધ કિંમતના અનેકવિધ વિષયોના પુસ્તકો..
  • પ્રવેશદ્વાર પાસે મૂકાયેલ ગુજરાતી સાહિત્યકારોની તસવીરોનો કૉલાજ સરસ હતો…
  • Gujarati Writers display at Ahmadabad National Book Fair
  • ગુજરાતીલેક્સિકોનનો સ્ટોલ.. તદ્દન મુદ્દાસરની વાત અને ઉપયોગી નિઃશુલ્ક સોફ્ટવેરની વહેંચણી, મૈત્રીબેન મળ્યા જેમનો મેં ઈ-મેલ દ્વારા સંપર્ક કર્યો જ હતો, તેમને મળવાનો અવસર પ્રથમ વખત થયો. તેમણે મને મોબાઈલમાં નિઃશુલ્ક ઑફલાઈન ગુજરાતી લેક્સિકોન ડિક્શનરી નાંખી આપી, તેનો ઉપયોગ બતાવ્યો… રતિકાકા વિશે તેમની સાથે વાત કરી, મને ગમેલો સૌથી ઉપયોગી અને શ્રેષ્ઠ સ્ટૉલ..
  • રેધુન (Raedhun) નો સ્ટૉલ સરસ અને સ્ટાફ મદદગાર હતો, મેં તેમને કહ્યું કે એપ્લિકેશન મેં ડાઊનલોડ કરીને વાપરી જ છે, પણ હવે એ સતત ક્રેશ થયા કરે છે, તરત તેમણે મારા મોબાઈલની વિગતો નોંધી, કહ્યું કે અમે તમારો સંપર્ક કરીશું…
  • પુસ્તકોનો સૌથી સરસ અને આયોજિત સ્ટૉલ એટલે ગુર્જર પ્રકાશન.. પુસ્તકો શોધી શકાય એ રીતે વર્ગીકૃત કરેલા, ગોઠવણી પણ એવી કે લોકો એકબીજા સાથે અથડાયા વગર પુસ્તકો જોઈ-વાંચી શકે.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમીના – એ બંને સ્ટૉલના મિત્રો-વડીલો સૌથી વધુ સરળ લાગ્યા. પરિષદના સ્ટૉલમાં મારા હાથમાં રહેલ પુસ્તકોની કોથળીઓના વજનને જોઈ તેને મૂકીને ફરી આવવાનો પ્રસ્તાવ મળ્યો જે તરત જ સ્વીકારી લેવાયો, ભજીયા ઑફર કરાયા અને પુસ્તકોની ભૂખ સાથે થોડીક પેટની ભૂખ પણ સંતોષાઈ ગઈ.

Gurjar Stall Ahmadabad National Book Fair

 

 

Gurjar Stall Ahmadabad National Book Fair

  • ‘શબ્દસૃષ્ટિ’નું લવાજમ ભર્યું, અન્ય સામયિકોએ પણ અહીં સ્ટૉલ નાખી લવાજમ ઉઘરાવવાની વ્યવસ્થા કરી હોત તો કદાચ તેમનું પણ સર્ક્યુલેશન વધ્યું હોત…
  • ગુજરાતી સાહિત્યકારકોશમાં વાર્તાકાર તરીકે નામ જોઈને આનંદ થયો…

અક્ષરનાદનું હમણાં જ ઈ-પુસ્તકો માટે જેમની સાથે જોડાણ થયું છે તેવા ન્યૂઝહન્ટની ટીમના સભ્યો સાથે મુલાકાત થઈ. તેમની સાથે સંપર્કમાં તો હતો જ પણ કોફીની સાથે વાતોની મજા અલગ જ છે.  મરાઠી સાહિત્યના આવા જ પુસ્તકમેળા તેમણે જોયા-માણ્યા છે, તેમના અનુભવો જાણીને આશ્ચર્ય થયું.

તેમના કહ્યા મુજબ મરાઠીના એક પુસ્તકમેળામાં મુંબઈમાં ત્રણેક હજાર સ્ટૉલ હતાં, જેમાં લગભગ હજાર ઉપરાંત પ્રકાશકો હતાં, મોટાભાગના સ્ટૉલ પર કોઈને કોઈ લેખક ઉપસ્થિત રહેતાં, અને ધસારો એટલો કે પુસ્તકોનો રોજ નવો સ્ટૉક લાવવો પડે. લેખકો સાથે સંવાદના કાર્યક્રમમાં રોજે ખંડમાં પગથિયાઓ પર પણ બેસવાની જગ્યા ન મળે, સૌથી મહત્વની વાત, લોકોને વાંચતા કરવા માટે, પુસ્તક વેચાણના ક્ષેત્રમાં, જાહેરાતના ક્ષેત્રમાં નવીનતાઓ વિશે અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે હજુ ઘણું કરવાનું છે.. તેમને પણ આ પુસ્તકમેળો ફિક્કો લાગ્યો.

આવા પુસ્તકમેળામાં ગુજરાતી વેબવિશ્વની હાજરી નહોતી એ ખટક્યું અને એટલે જ આવતા વર્ષે અક્ષરનાદનો સ્ટૉલ હોવો જોઈએ… (જો કે એ સ્ટૉલ નાંખવુ આ પગારમાંથી પોષાય એમ છે કે નહીં એ જાણ્યા પછી જ!) અને ત્યાં સુધી અક્ષરનાદની એન્ડ્રોઈડ અને આઈફોન એપ તથા ઈ-પુસ્તકોની અલગ એપ્લિકેશન બનાવી લેવાની યોજનાને ધક્કો મારવો પડશે..

સરવાળે પુસ્તકમેળા માટે વિશેષ પાડેલી રજા અને બીજા દિવસે કામનું વધી ગયેલ ભારણ હોવાની ખાત્રી સાથેની મુલાકાત ફળદાયક રહી એકાદ મહીનો વાંચવાની સમસ્યા ઉકેલાઈ ગઈ છે. લોકો અહીં રિવરફ્રન્ટમાં યોજાયેલ પુસ્તકમેળાને યાદ કરતા હતાં, ભવિષ્ય ઈતિહાસથી વધુ યાદગાર હશે એવી અપેક્ષાઓ રાખવી અસ્થાને નહીં ગણાય!

Ahmadabad Book Fair Stalls


Leave a Reply to Gunvant VaidyaCancel reply

21 thoughts on “અમદાવાદ પુસ્તક મેળો ૨૦૧૪ – શું ગમ્યું, શું ન ગમ્યું…

  • i.k.patel

    પુસ્તક મેળા માં હું જાતે જ ગયો હતો એવો અનુભવ થયો અને માટે જીગ્યેશ ભાઈ નો આભાર.

  • jitendrapadh

    pustak melo lekh vivechak jevi drushtithi lakayo hova jevi maza mani. nikhalashta sathe rajuaat.aaje electronic jagat sathe rahevanu publishers kayare shikhashe?matra dhandhakiy swarth baju e muki gujarati bhasha ni sachi seva karvi joeye.nihswarath sahitay seva karnara o na sanmaan melama thavajoeye.shri mahendra meghani jevi yaktio ne hu salaam karu chhu.web/ebook seva ni noth sudhdha na levay te khed janak bina ganuchhu.mariyada na name agyan ta ne chupavay nahi.ayojanhetu pusto mate navirite godhavay te mate sahitay parishad jagshe khare?national book mela ma roj saje sanskrutik karyakam thay chhe..a melama avi gidhavanhati?mahiti nathi…….lekh badal abhaar…Jitendra Padh .Vashi. Navimumbai(hal rputra ne tiya thi….Portland(Oregon)usa

  • નિમિષા દલાલ

    જિજ્ઞેશભાઈ આપનું પુસ્તકમેળાનું વર્ણન એવું છે કે ભલે બીજા બધાને એ મેળામાં ફર્યાનો આનંદ મળ્યો પણ મને ખૂબ અફસોસ થયો કે હું એ મેળો જોઇ ન શકી..અને એ કરતાંયે હું અમદાવાદમાં નથી રહેતી એનો અફસોસ વધુ થાય છે.. અમદાવાદમાં સાહિત્યને લગતી એટલી બધી પ્રવૃત્તિઓ થાય છે કે એમા ભાગ નહીં લઈ શકવાની ખોટ લાગે છે..

    ગુજરાતી લેક્સિકોન મારે પણ વાપરવું છે પણ મને તે અવડતુ નથી. મારે માટે તે ખૂબ ઉપયોગી છે.. ટ્રાંસ્લેશન અને પ્રૂફ રીડીંગ માટે હાથવગુ એવું એ સોફ્ટવેર છે પણ…..

    મને તો કોઇ પુસ્તકો ખરીદે તો એની ઇર્ષ્યા આવે છે હો… તમે નસીબદાર છો.. ખરીદેલા પુસ્તકો વિશે ભવિષ્યમાં અક્ષરનાદ પર વાંચવા મળશે એવી આશા..

    પણ અંતે એટલું તો કહીશ કે આ મેળાનો અમને પ્રવાસ કરવ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આવા કોઇ મેળામાં આપનો પણ સ્ટોલ જોવા મળશે જ એવી આશા સાથે પ્રભુપ્રાર્થના….

  • હરીશ ધાધલ

    સરસ વર્ણન. જાતેજ મુલાકાત લીધી હોવાનો અનુભવ થયો. આવા અનુભવો કરાવતા રહેજો. આભાર.

  • Maitri Shah

    જીજ્ઞેશભાઈ, આપે ખૂબ જ સચોટ રીતે સમગ્ર પુસ્તકમેળાનું વિવેચન અને વર્ણન કર્યું છે. જે વાંચવાથી વાચક પોતે જાણે પુસ્તકમેળામાં પરિભ્રમણ કરી રહ્યો હોય તેવી લાગણી થાય.

    આ ઉપરાંત, આપને ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ એપ્લિકેશન ગમી અને ઉપયોગી લાગી તે જાણી આનંદ થયો. ગુજરાતીલેક્સિકોનનો મુખ્ય ઉદ્દેશ પુસ્તકમેળામાં આવનાર લોકોને આવી વિવિધ ઍપ્લિકેશનથી માહિતગાર કરવાનો હતો.

  • urvashi parekh

    બહુ સરસ રીતે બુક ફેર, પુસ્તક મેળા નુ વર્ણન થયુ. લાગ્યુ કે અમે જ પુસ્તક મેળા માં ફરી આવ્યા.

  • ડો દીપક ભાનુશંકર ભટ્ટ

    અધ્યારુજી ,
    કુશળ હશો .અમદાવાદના પુસ્તક મેળા વિશેનું તમારું વાર્તિક વાંચ્યુ.ગમ્યું.
    ગુજરાતી ઈ બુક ,યુનિકોડ પરિવર્તન ,મોબાઈલ એપ્લીકેશન,લેક્સિકોન ….અમે ત્યાં જ હોવા છતાં તમારી દ્રષ્ટીએ મેળાને માણ્યો છે.

    પુસ્તક પરબ વિષે તમારે કશું કહેવાનું નથી .અથવા તમે પુસ્તક પરબ તરફથી પસાર થયા નહિ હો .છ હજાર જેટલા પુસ્તકો સાત દિવસમાં ‘પુસ્તક પરબ’ને મળ્યા .ભલે એ પુસ્તકો મહાનગરપાલિકાલઇ જશે. ઘણા અલભ્ય પુસ્તકો એમાં પ્રાપ્ત થયા હતા .

    વારુ, આપના અક્ષરનાદ સાથે એક સંબંધ સ્થાપિત થયેલો છે.ગુજરાતી ભાષા સાથે ઘણું સુંદર કામ તમે કરી રહ્યા છો..આપને ધન્યવાદ .
    દીપક ભટ્ટ

  • MR. P.P.Shah

    I have come from NJ USA. I knew about this book fair and being in A’bad could have visited but unfortunately due to health reason of both could not visit myself. But here Shri Adhyaru has painted a fine picture of it with pictures as if i happen to visit.My colleague who visited he apprised me of the fair and he attneded it as a audiance too in one of the penlutimate functions. I feel sorry as i could not attned as was enthusiast to see one book of Shri Dinesh Panchal as recommended by some one.

  • asit acharya

    અહીં ઈન્દૌરમાં બેઠાં બેઠાં અમદાવાદનાં પુસ્તકમેળાની રુબરુ મુલાકાત લેવ જેવો અનુભવ થયો. વિસ્તૃત વર્ણન માટે ખુબ ખુબ આભાર.
    તમારા અક્ષરનાદનો નિયમિત વાચક છું.
    અમારાં સમયનાં સદુપયોગ માટેનાં તમારાં પ્રયત્નો ને સલામ.

  • priti

    i do not think personal experiences, frickle likes and dislikes account for a fair review. Such an event held on such a massive scale itself speaks.
    i would take this opportunity to state two things. One is yes lot needs to be done, is done and can be done for this beautiful gujarati lang. But sadly when i search for gujarati literature on the net i have never found anything easily or enough. people will stop reading gujarati then will you pickle your copyrights? Dear writers spread the language. Market the language there is a very big reader class like me who has studied in eng medium but loves and literally craves for gujarati literature – which is not easily available.
    In these times of kindle and ebooks what is the writer doing by waiting for a book fair or publisher.
    Secondly if there are less readers why cant we put up books for free. Let the world once know how rich our language is. I have literally learnt gujarati through conversations with my mom, through the songs or bhajans or folk tales she sung or narated and then explained to me. This created an attraction for gujarati. It is indeed my “mother tongue”.

  • nilam doshi

    કમનસેીબે પુસ્તકમેળા સમયે અમદાવાદ નહોતેી તેથેી જઇ નહોતું શકાયું પણ અહેી એના વિશે વાંચેીને આનંદ થયો..

  • Hemal Vaishnav

    i wish i could have been there…over here in USA, they have library sale twice a year where u can purchase used books from 25 cents to a dollar per book.In fact there is one in my town on this saturday..these library sales are worth visiting.Especially you can get some of the best suspense thrillers in them.

    thanks for the update from your side..

  • M.D.Gandhi, U.S.A.

    હવે જ્યારે પણ પુસ્તક મેળો ભરાય તો જોવાની ઈચ્છા જાગે તેવો બહુ સુંદર લેખ. જોકે અમેરીકામાં તો આવો લહાવો નહીં મળે, પણ અહીં બેઠા તમારા જેવા લેખકોના લેખો “ગુજરાતી”માં વાંચવા મળે છે તે પણ અમારી ખુશનસીબી ગણીએ છીએ. તમારા દરેક લેખો સરસ જ્ઞાન પીરસે છે.
    mdgandhi21@hotmail.com

  • Gopal Parekh

    અમદાવાદ જેવા શહેરમાં ગુજરાતી પુસ્તકોનો મેળો ભરાય એ જ એક ઘટના નથી? મહારાષ્ટ્ર અને બંગાળમાં લોકો વાંચન પ્રત્યે વિશેષ રૂચિ ધરાવે છે એટલે આપણે ત્યાં તેમના જેવો ‘રીસપોંસ’ ન મળે તે સ્વાભાવિક છે.

    ગોપાલ

  • jacob davis

    પુસતક મેલામા ફરવા જેટલો આનંદ થયો. ઢગલામાથી શોધવુઅં અશકય જેવુ હોય છે. પુસતક સાથે ને નામે તમામ શકય ચીજોનો વેપાર થાય.

  • dushyant dalal

    પુસ્તકો નો મેળો નેી મહિતિ વાચેી આનન્દ થયો…તમારેી ઝેીણવટ ભરેી નજરે તમો એ જે અવલોકન અને નોધ કરેી ત આવકારદાયક છે …..

    દુષયન્ત દલાલ્

  • Jayendra Thakar

    મારા ધારવા મુજબ પ્રાચીન અલભ્ય ગુજરતી પુસ્તકો ખાસ કરીને વનસ્પતિ શાસ્ત્ર કે આયુર્વેદ વગેરે વિષયો પર જોવા મળ્યા નહી હોય.
    પુસ્તકના મેળાના વુશ્લેશણ માટે આભાર.

  • PURVI

    પુસ્તક મેળા વિષે વાંચીને ઘણો જ આનંદ થયો ને સાથે અફસોસ પણ થયો કે હું જ્યારે ઈન્ડિયા આવું છુ ત્યારે મને કોઈ પુસ્તક મેળામાં જવાનો મોકો નથી મળતો. આપે ક્યાં ક્યાં પુસ્તકો ખરીદ્યા તે પુસ્તકોના નામ જાણવા મળત તો પુસ્તકમેળાનો આનંદ અનેરો થઈ જાત. હું ખરીદી નથી શકી તો શું થયું, પણ આપની ખુશીમાં હું ખુશ છું.

  • jasan

    Frist all thnxxx for aksharnaad.main aa sat divas ma anubhavyu k mara jeva yuva mitro Gujarati stall karta English stall jata hata.jem ke gujarti pustko ma kai vanchava nu j na hoy.gujarti stall karta vadhare bhid English stall ma hati.evu lagtu hatu k Gujarati pustak melo nahi partntu English melo hoy