ચૂંટણીકારણને મારી અલવિદા! – પુરુષોત્તમ માવળંકર 4


આ અને આવતા મહિને થનારી દેશવ્યાપી સામાન્ય ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું રાષ્ટ્રપ્રમુખે (અને સંબંધકર્તા રાજ્યોના રાજ્યપલોએ) ગઈ ૨૭મી માર્ચે (૧૯૯૬) બહાર પાડ્યુંં, તે દિવસથી જ ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ થયું. ગઈ કાલે, ૩જી એપ્રિલે ઉમેદવારી-પત્રો ફાઈલ કરવાની છેલ્લી તારીખ હતી. આજે એની ચકાસણી થશે. અને ૬ઠ્ઠી એપ્રિલ સુધીમાં જે માન્ય ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા હશે ત્યારપછી જ ચૂંટણી પ્રચારની પ્રક્રિયા, એ પછી, ઝડપભેર વધુ ને વધુ વેગવંતી બનશે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં નહિ ઊભા રહેવાનો પાકો નિર્ણય મેં કેમ કર્યો એની થોડી વાત કરું. હું કાંઈ રાજકારણી નથી, કોઈ રાજકીય પક્ષનો ક્યારેય સભ્ય થયો નથી, અને મારા જહેર જીવનના આરંભથી (૧૫મી ઑગષ્ટ, ૧૯૪૭થી) પ્રજાભિમુખ રહીને, અપક્ષ રહે તથા સ્વતંત્રપણે, લોકશાહી અને રાષ્ટ્રભાવના નિરોગી વિકાસ અર્થે નિરંતર મથામણ કરતો રહ્યો છું. મારી હેસિયત આજીવન અધ્યાપક તરીકેની રહી છે. જો સક્રિય રાજકરણમાં જોડાયો હોત, અને કોઈ એક પક્ષની કંઠી બાંધી હોત, તો ચૂંટણીઓના ચક્રાવામાં લગાતાર ચાલુ રહેત! કોઈ દેશના રાજકરણીઓ કદી નિવૃત્ત થતા જ નથી! મરતાં સુધી તેઓ રાજકરણના રંગતરંગમાં ગળાડૂબ રહે છે.

પરંતુ, સદભાગ્યે, એક શિક્ષકની કાર્યભૂમિકા, પહેલી પસંદગીથી જ, અદા કરવામાં આજ સુધી હું પ્રવૃત્ત રહ્યો છું. માર્ચ ૧૯૬૮માં આચાર્યપદેથી શૈક્ષણિક સિદ્ધાંતો ખાતર રાજીનામું આપ્યું ન હોત તો મારી માતૃસંસ્થા એલ. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં નિવૃત્ત-વય સુધી કામ કરતો હોત! પણ, વિધિની કરણી જુદી જ હતી. ખેર! કોલેજમાંથી અધવચ્ચે બહાર પડ્યા પછી પણ અધ્યયન – અધ્યાપનનું કાર્ય અખંડ ચાલુ જ છે. ૧૯૭૨ની ૧૭ મી જુલાઈએ મુરબ્બી ઈન્દુચાચાના દુઃખદ નિધનથી અમદાવાદની લોકસભાની બેઠક ખાલી પડી, એની પેટાચૂંટણી ૨૯મી ઑક્ટોબરે થઈ, તેમાં સાવ અણધારી રીતે, અપક્ષ ઉમેદવાર તરીકે મેં ઝુકાવ્યું, અને તેમાં જ્વલંત વિજય મળતા, પાંચમી લોકસભાનો હું સભ્ય બન્યો. ત્યારથી મારી સંસદીય કારકિર્દી આરંભાઈ. પછીની ચૂંટણીઓમાં એક વાર જીત્યો, બે વાર હાર્યો, અને બે વાર ઊભો જ ન રહ્યો! અગાઉની મારી ત્રણ ચૂંટણીઓમાં (સને ૧૯૭૨, ૧૯૭૭ અને ૧૯૮૦) જનતા પક્ષે અને ભાજપે (તથા અન્ય વિરોધ પક્ષોએ પણ) મારી અપક્ષ ઉમેદવારીને સક્રિય સાથ આપેલો, એટલે એ પક્ષોના બે ઉમેદવારો વારફરથી ઉભા રહેલા (સને ૧૯૮૪ અને ૧૯૭૯) તેમની તરફેણમાં મેં ઉમેદવારી કરી નહોતી. એમાં ઋણસ્વીકારની ભાવના રહેલી. જોહું રાજકરણી હોત તો આભાર કે ઉપકારની લાગણી જ ન ધરાવત! છેલ્લે, ૧૯૯૧માં ૧૦મી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના મારા મતવિસ્તારમાંથી ફરી અપક્ષ તરીકે ઊભો રહ્યો ત્યારે કોઈ પક્ષનો ટેકો નહોતો અને સંપૂર્ણપણે સ્વતંત્ર ઉમેદવાર તરીકેની એ હેસિયતમાં મને પૂરેપૂરો પરાજય મળ્યો! ૧૯૭૨માં ચૂંટણી ક્ષેત્રે ઝંપલાવ્યું, કારણકે એને અનિવાર્ય લોકશાહી ધર્મ માનેલો. શિક્ષક કેવળ વર્ગનો નહીં, સમાજનો પણ મિત્ર અને રાહબર હોય છે. હાર-જીતની ફિકર કર્યા વિના એ વખતે મેં પૂરી લગનથી ચૂંટણી પ્રચાર કરેલો. લોકશાહીમાં ચૂંટણી એ એક ધર્મક્ષેત્ર હું માનું છું, જે ચાર ચૂંટણીઓમાં ઉમેદવારી કરી તે દરેકમાં આચારસંહિતાનું અક્ષરશઃ પાલન મેં કર્યું. કાયદાએ બાંધેલી મહત્તમ ચૂંટણી-ખર્ચની મર્યાદામાં સભાનપણે રહ્યો, લોકશાહી આદર્શો અને મૂલ્યનિષ્ઠ રાજકરણનું, જેવું અને જેટલું આવડ્યું તેવું અને તેટલું, જતન-સંવર્ધન મેં કર્યું. લોકશાહીમાં ચૂંટણીએ ઉત્કટ લોકશિક્ષણનું અનેરું ટાણું સમજીને એ પ્રમાને પ્રચાર કાર્યની પરાકાષ્ઠા કરી. પ્રજાએ અને મતદારોએ પણ એમાં નોંધપાત્ર સાથ આપ્યો.

પણ, આજે આખું ચિત્ર જાણે ઊલટુંસૂલટું થઈ ગયું છે! આખો રાષ્ટ્રીય ફલક અસ્તવ્યસ્ત બન્યો છે રાજકારણ એ નર્યો ધન કમાવાનો ધંધો થઈ પડ્યું છે! ગમે તેમ કરીને જીતી જવાની લાલસા અને દોડધામ સર્વત્ર વધતી ચાલી છે. સત્તા એ જ સાધન અને સાધ્ય બની ગયેલ છે, લોકહિત અને રાષ્ટ્રભાવનાના લક્ષ્યાંકો રહ્યા નથી. રાજકીય પક્ષો સત્તા મેળવવામાં અને એ ટકાવવામાં રચયાપચ્યા છે, પક્ષોમાં શિસ્ત કે સંગઠન નથી, આંતરિક લોકશાહીકરણની રીતરસમો અમલી બનતી નથી, સ્પષ્ટ વિચારસરણી અને નક્કર કાર્યક્રમોની અછત નહીં તોયે અપૂર્ણતા વર્તાય છે. પક્ષોની નજરમાં સમગ્ર રાષ્ટ્ર છે જ નહિ! કેવળ, પોતપોતાના પક્ષો અને એમાંના જૂથો, જાતજાતના ભયાનક ભ્રષ્ટાચાર અને અપાર દુરાચારથી ખદખદે છે. નાણાંની રેલમછેલની તો કોઈ સીમા જ નથી! હવાલા કૌભાંડથી આ અનિષ્ટ વધુ સચોટપણે બહાર આવ્યું છે. મોટાભાગના સત્તાધારીઓ અને પક્ષીય માંધાતાઓ રીઢા અને બેશરમ બનતા ચાલ્યા છે. નીતિનું અને પ્રામાણિકતાનું કોઈ સ્થાન અને માન હાલના આપણા રાજકરણમાં દેખાતું નથી! પક્ષોની ઉમેદવારી-પસંદગીમાંથી આવા અનેક અનિષ્ટો છતાં થાય છે તે સાથે જ દ્રઢતર બને છે!

બીજી તરફ, વિશાળ સંખ્યામાં રહેલા સામાન્યજનો રોજબરોજની જંજાળમાં ફસાયેલા રહે છે, ખટપટભર્યા સત્તાકારણનો ભોગ બનવાનું પણ એમને ફાળે આવે છે! લોકો ઠીક ઠીક સજાગ અને સમજદાર છે ખરા, પણ સત્તા અને ધન પાછળ પડેલા રાજકરણીઓને દૂર કરવામાં હજી એકંદરે અસહાય રહ્યા છે. પ્રજાનો જે વર્ગ ભણેલોગણેલો અને શિક્ષિત ગણાય છે તે મહદ અંશે રાજકરણથી અળગો રહે છે અને દૂર ને દૂર જઈ રહ્યો છે. વધુમાં, લોકશાહી રાજકરણમાં ક્રિયાશીલ થનારા તત્વનિષ્ઠ, ભરોસાપાત્ર અને સ્વચ્છ પ્રતિભા ધરાવનાર અપક્ષ નાગરિકોની સંખ્યા વધવાને બદલે ઘટતી જાય છે. બુદ્ધિમાન અને જાણકાર હોય એવા લોકો પૈકી ઘણા બોલે છે ખરા, અને કેટલાક લખે છે પણ ખરાં, છતાં લોકશાહી નાગરિકતાની ખરી કસોટીએ તેઓ ચૂપચાપ અને નિષ્ક્રિય બની જાય છે! જેઓ પ્રબુદ્ધજન ગણાય, જેઓ સમાજના ભદ્ર વર્ગના અગ્રણીઓ કહેવાય, એવાઓની સંખ્યા કોઈપણ દેશમાં જૂજ રહેવાની, પણ આપણા દેશમાં તો આવા ધૈર્ય શીલ શ્રેષ્ઠીજનોની સંખ્યા સવિશેષ ઓછી છે. પછી ક્રિયાશીલ પ્રબુદ્ધજનોની તો વાત જ ક્યાં કરવી? પણ કમનસીબી એ છે કે પ્રબુદ્ધતા અને ક્રિયાશીલતાના સુભગ મિલન તરફ જવા માટે સતત મથામણ કરનારા જીવંત નાગરિકો આજે આપણા રાષ્ટ્રમાં બહુ જોવા મળતા નથી. કોઈપણ લોકશાહીની એક મહત્વની સફળતા એના દ્રષ્ટિવંત નાગરિકોની હિંમતભરી પહેલ પર સારો એવો આધાર રાખે છે. એવી અર્થપૂર્ણ પહેલ કરનારા પ્રયિગશીલ સક્રિય નાગરિકો આજે, આપણા દેશમાં કેટલાં અને કયાં છે?

આવી બધી પરિસ્થિતિમાં શું થાય? શું કરવું? જાગતા જીવતા અને જવાબદાર નાગરિકોનો થોડો પણ સાથ ન મળે તો એકતરફી સંકલ્પશક્તિ વડે કોઈ વ્યક્તિ ક્યાં સુધી અને કેટલું ઝઝૂમે? મારા જેવાને લોકશાહીનો મંત્ર થોડો આવડતો હોય તો પણ એના અમલ માટે કશું નોંધપાત્ર તંત્ર જ ન હોય તો શું કરવું? આખરે, વ્યક્તિગત મથામણની એક નિશ્વિત સીમા હોય છે, ત્યાં વ્યક્તિએ સમજપૂર્વક અને સ્વસ્થપણે અટકવું જોઈએ. કાયમી કે પૂરી નિવૃતિ લેવી એવો એનો અર્થ જરા પણ નથી! પરંતુ શામાંથી છૂટવું, અને શું પકડી રાખવું, એનો વિવેક વ્યક્તિએ વહેલો મોડો કરવો રહ્યો. એવો સમય આવી ચૂક્યો એની જાણ થઈ એટલે તરત ચૂંટણીકારણમાંથી મુક્ત થવાનું મેં સ્વીકાર્યું, અને નક્કી કર્યું. જાહેર જીવનમાં, અને ખાસ કરીને શિક્ષણ સંસ્કારક્ષેત્રે, જોતરાયેલાં રહેવાની કાર્યભૂમિકા જીવનના છેલ્લા શ્વાસ સુધી વત્તી ઓછી ચાલુ રાખવાની ઉમેદ છે જ! યોગાનુયોગ, ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો સંકલ્પ પહેલોવહેલો કર્યો ગાંધી જન્મદિને, ૧૯૭૨ની ૨જી ઑક્ટોબરના મંગલદિવસે, ચૂંટણીકારણને અલવિદા કરવાનું બન્યું ગઈ. ૨૮મી માર્ચે, રામનવમીના પવિત્ર દિને! જે કાંઈ થાય છે તે વિધિનિર્મિત, વિધિની કરણી જેમ અકળ તેમ અટળ હોય છે!

– પુરુષોત્તમ માવળંકર (‘અસ્તિત્વદર્શન’માંથી સાભાર)

ચૂંટણીનો, પ્રચારનો, દેશને લાગતી વળગતી બાબતો વિશે વિશદ ચર્ચા અને ભાવિ અંગેના આયોજનોની ચર્ચાઓનો માહોલ અત્યારે ખરેખરો જામ્યો છે. જે ગામ કે શહેરમાં જુઓ ત્યાં સભાઓ, જે ન્યૂઝચેનલ જુઓ ત્યાં ચર્ચાઓ – અને સાથે સાથે તબક્કાવાર ચૂંટણી, લોકશાહીનો સૌથી મહાન અને પ્રજાને સત્તાની સોંપણીની જવાબદારી આપતો દિવસ આવ્યો છે. આવા સમયે લોકસભાની ચૂંટણી ત્રણ વખત લડનાર અને અમદાવાદની લોકસભાની બેઠક પરથી ઈન્દુચાચાના નિધન પછી તેમની ખાલી પડેલી સીટ પર ચૂંટાઈને આવનાર મુ. પુરુષોત્તમ માવળંકરની વાત આજે અહીં તેમની જ કલમે પ્રસ્તુત થઈ છે. ‘અસ્તિત્વદર્શન’ સામયિકના એપ્રિલ ૨૦૧૪ના અંક માંથી ઉપરોક્ત લેખ ઉદધૃત કરવામાં આવ્યો છે એ બદલ સામયિકનો આભાર.


4 thoughts on “ચૂંટણીકારણને મારી અલવિદા! – પુરુષોત્તમ માવળંકર

  • M.D.Gandhi, U.S.A.

    શ્રી માવલંકર સાવ નખશીખ સીધસાદા (આજની દુનિયામાં “ભોટ રાજકારણી”) કહેવાય….!!! આજતો “કાબા”ઓની બોલબાલા છે. ૧૯૫૧માં તેઓ જે વોર્ડમાંથી ઉભા હતાં ત્યાં તેમના ટેન્ટમાં કે ઓફીસમાં કોઈ પણ કાર્યકર્તાઓને ચા-નાસ્તો પણ કરાવતાં નહીં, ખર્ચો કરતાં નહીં અને કહેતાં કે દરેકે ઘરેથી જમીનેજ આવવું…..હવે આજના જમાનામાં કે પછી ૨૦ વરસ પહેલાના જમાનામાં પણ કયો કાર્યકર તેમના માટે કામ કરવા તૈયાર થાય…???? અને આમજ તેઓ વગર કાર્યકરે અને કાર્યકરોના પ્રચાર વગર હારી ગયાં હતાં…જોકે નુકસાન ઓ દેશનેજ થયું અને રાજા-કલમાડી-વગેરે ફાવી ગયાં……….

  • Dhiru Shah

    Very correct analysis and wake up call for urban educated class to be active in national politics for national interest and economic development.

  • Maheshchandra Naik (Canada)

    અભ્યાસપુર્ણ લેખ,સમય ઉપયોગી, વિચાર માગી લેતી વાતો પરતુ આજના સદર્ભ મા કદાચ મુલ્યનો જ્યારે હ્રાશ થઈ રહ્યો છે ત્યારે સ્વિકાર્ય ઓછો બને છે……