લઘુકથાઓ… – ડૉ. નિલેશ ત્રિવેદી, ગુણવંત વૈદ્ય 12


૧. સમાધાન

ખૂબ જ ગહન વિચાર કર્યા પછી, તેજસે આ નિર્ણય લીધો હતો. ને તેના મતે તો, આમ કર્યા વગર છૂટકો જ ન હતો. લગ્નના ચાર વર્ષ દરમ્યાન તેણે ઘણી જ બાંધછોડ કરી હતી. પણ હવે તે શક્ય જ ન હતું. કેસરને તેની વાતો સંભળાતી તો સમજાતી નહીં, સમજાતી તો સાંભળતિ નહીં. આવી સ્થિતિ પહેલેથી નહોતી. દેવોને પણ ઈર્ષા આવે એવું તેમનું લગ્નજીવન હતું. પણ ધૈર્યના જન્મ બાદ તેજસ ધીરે ધીરે ધીરજ ગુમાવતો હતો. કેસારની સવાર – બપોર – સાંજ – રાત ધૈર્યની આસપાસ પસાર થતી. ધૈર્ય સિવાય તેની દુનિયામાં જાણે કાંઈ હતું જ નહીં. એકાદ બે વર્ષ તો બરાબર પણ આજે ધૈર્ય અઢી વર્ષનો થયો. કેસરને જાણે બીજી વાતમાં રસ જ ન હતો. યંત્રવત રસોઈ કરે, ઑફિસબેગ તૈયાર કરે, ને આવજો કહેવાય ન રોકાય. રાત્રે જમે પણ યંત્રવત્ તેજસ બાપ હતો પણ સાથે પતિ પણ હતો. છેવટે પપ્પા અને પતિ વચ્ચે પતિ જીતી ગયો. ભલે ધૈર્યને તે લઈ જાય, પણ આમ ને આમ હું ગાંડો થઈ જઈશ, ને એક દિવસ તેણે કેસરને પિયર મોકલી દેવાનું નક્કી કર્યું.

બસ, આજે બપોરે ગાડીમાં મૂકી આવશે, ને પછી પાછી બોલાવવી જ નથી. ઑફિસબેગ લઈ તેજસે બાઈક સ્ટાર્ટ કર્યું. ત્યારે જ ધૈર્ય દોડતો દોડતો પપ્પાને વળગી પડતા બોલ્યો, પપ્પા, આજે એક આંટો મરાવો ને… ને સાંજે મારા માટે ચોકેટ લાવજો હોં ને… હું તમે ને મમ્મી ‘હપ્પુકા..’ કરશું.

ને પછી

પતિ હાર્યો ને પપ્પા જ જીત્યા.

– ડૉ. નિલેશ ત્રિવેદી

૨. કાંચીડો

‘આજે દાળ કેમ આટલી બધી પાતળી બનાવી ?’ પંચમના ઊંચા સૂરમાં પુત્રે વૃદ્ધ માંને ત્રાડ જ નાખી.

‘શિલ્પાવહુએ બનાવી છે આજે …’ વૃદ્ધાના અવાજમાં કંપન સાથે ડર પણ ડોકાયો.

‘…. જો કે બની છે ખૂબ જ સ્વાદિષ્ટ’ પુત્રનો સૂર છેક સરગમના નીચલા ‘સા’ પર પછડાયો હતો.

તત્કાળપૂરતો વૃદ્ધાએ નિરાંતનો દમ લીધો અને મનોમન બબડી ‘કાંચીડો ..’

૩. દાનવ

એણે ચણ ચણી લીધું.. ચાચમાં દાણા ભર્યા, સર સર સર પવન કાપતો પછી એ ચકલો ઉડ્યો. ઘર નજીક આવતું જતું હતું, થોડી જ વારમાં ઘરનું આંગણ ઝાડ દેખાયું, ઝડપ વઘી.

‘ભૂખ્યા થયા હશે ને બાળકો…’ એને થયું. પણ …. અરે …..

‘મારો માળો ક્યાં ? મારાં બચ્ચાં ક્યાં ?’

‘…..ચીં ચીં ચીં ચીં…’ ભોંય પરથી કણસવાનો અવાજ આવતો હતો.

‘અરે અ શું થયું… કોણ આવ્યું હતું અહી, વાયરો ?’

‘…..ચીં ચીં ચીં ચીં …’

‘મેહુલો ..?’

‘…..ચીં ચીં ચીં ચીં …’

‘ચોપગું ..?’

‘…..ચીં ચીં ચીં ચીં …’

‘કોઈ દાનવ …?’

‘…..ચીં ચીં ચીં ચીં …’

‘.. નક્કી પેલો બે પગો ..?’

બચ્ચાં શાંત થઇ ગયા હતાં, ચકલો ગમગીન હતો, પછી…

‘પારંગત છે એ તો તોડવામાં… ઘરમાં ફોટો ગાંધીનો અને કામ ગોડસેના, સફેદ લેબાશધારી..’ એમ બબડતો ચકલો ફરી ઉડ્યો તણખલા લેવા.

પણ પહેલા એણે ચાંચમાંના દાણા ભોંયે ફેંક્યા, થૂ થૂ થૂ થૂ ….

– ગુણવંત વૈદ્ય (gunvantvaidya@outlook.com)

પ્રથમ લઘુવાર્તા ડૉ. નિલેશ ત્રિવેદીની કલમે નિપજેલી સંબંધોની સરસ વાત કહે છે, તો આ લઘુકથા સાથેસાથે આજે પ્રસ્તુત છે શ્રી ગુણવંતભાઈ વૈદ્યની બે લઘુકથાઓ… ગુણવંતભાઈની કૃતિ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આશા છે આપને ગમશે. કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો અને ડૉ. નિલેશ ત્રિવેદીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


12 thoughts on “લઘુકથાઓ… – ડૉ. નિલેશ ત્રિવેદી, ગુણવંત વૈદ્ય

  • Dharmesh

    બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

    ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

    ધર્મેશ વ્યાસ

  • dhaval soni

    અક્ષરનાદ પર આટલી સરસ રચનાઓ વાંચવા મળી તે માટે બન્ને લેખકોનો આભાર.. ખુબ જ સુન્દર રચનાઓ … પહેલી વાર્તા તો અદભુત છે સાથે સાથે બીજી બન્ને વાર્તાઓ પણ એને એવો જ સાથ આપે છે..આ રીતે જ લખતા રહેશો.. આભાર..