વાચકોની પદ્યરચનાઓ… – સંકલિત 9


૧. આ શું થયું… – વિજય પ્રિયદર્શી

ન મને ખબર પડી કે ન તને ખબર પડી,
સમયની ચોટ ક્યારે અને કેવી ગોઝારી પડી?

જો એમાં નથી તારો દોષ તો નથી મારો પણ દોષ,
તો પછી કેમ અરીસામાં તિરાડો પડી?
આખુય આયખું સાથે વીતાવવાનો વાયદો હતો,
શું થયું કે અચાનક એ વાયદો ગયો ઉડી?

નિરંતર વહેતી લાગણીઓ હતી રોજે તાજી,
બંધિયાર પાણીની જેમ કેમ તે ગઈ સડી?
તેમને જોઈને સદાય ચડતો ઉર્મિઓનો ઉભરો,
શા માટે રહે છે હવે માત્ર ઘડી બે ઘડી?

ઘડીભર જેના સાથ વગર ચાલતું ન હતું,
વગર કારણે તેની જ સાથે શા માટે પડ્યા લડી?
સંબંધની મજબૂત સાંકળ તૂટી ગઈ,
લાખ ઉપાય છતાં જોડાતી નથી શા માટે હવે એ કડી?

બોલ્યા વગર સમજાતી આંખોની ભાષા,
તે સમજવા કેમ દુભાષિયાની જરૂર પડવા માંડી?
ખિલખિલાતુ હાસ્ય વેરતી હતી જે જીવંત આંખો,
નિસ્તેજ લઈને શા માટે હવે પડી રડી

રહેતી હતી ભીનાશ જે રાતા હોટ પર,
સૂકાભઠ થયા એ હોઠ; ભીનાશ ક્યાં ગઈ ઉડી
સદાય તપતો રહેતો હતો મારા પ્રેમનો સૂરજ,
કેમ અચાનક ભર બપોરે રાત ગઈ પડી

એ ચુસ્ત આલિંગન અને રહેતી ન હતી
હવા પણ જાય તેટલી જગ્યા બે હૈયાઓ વચ્ચે,
આ શું થઈ ગયું કે તે જ બે હ્રદયો વચ્ચે
આજે અનેક જોજનોનું અંતર ગયું પડી?

૨. માયાજાળ – ચંદ્રકાંત લોઢવિયા

શિખરે બેટાં નાથ ભોળા, ઘટમાં વસે ભક્તો ભોળા,
ઉપર ભોળા, નીચે ભોળા, વચ્ચે બિરાજે સંતો ધોળા,
ધોળા સંતો સંગાથે, થોડા ભગવા મહંતો મળે ભોળા,
સંતો મહંતો, પ્રભુ નામે કરે, નાના મોટા કાળા ધોળા.

સંત મહંતો જાણે પ્રભુ નામે મળે ઘણા ભક્તો ભોળા
સ્થાપી પંથ, પાડે સાદ, આપે પ્રસાદ પહેરાવી માળા
ગામેગામ ભરાય છે, નાનામોટાં ભક્તોના મેળા,
મેળા છે કે ટોળાં, ન જાણે શાને મળ્યા સૌ ભેળાં.

જોઈ જાણી રાજકારણી કહે શાને રહીએ અમે મોળા
સમાજસેવકોના નામે અમે પણ ભરશું કાર્યશાળા
જનતા છે જનાર્દન આપે અભય વચનો સુંવાળા
આપનો વોટ અમને, અમે આપશું તમને નાણાં.

વોટ લઈ ખુરશી લીધી, કીધો મોટો નાણાંનો ગોટાળોમ્
વર્ષોવર્ષ કર્યા નાણાં કાળા, ને કહે અમે છીએ શાણાં.
કીધી થાપણ મોટી, સાચવીએ અમે સૌ ભેગા મળી
જનતા ન જાણે, નાણાં વળી શું ધોળા કે કાળા?

પરદેશમાં છે જે નાણાં તેમાં છે ભ્રષ્ટાચારના મૂળ,
મૂળિયાનું થાય જતન, વળી કરી બીજા કામો કાળા.
ભરી સભા દેવોએ, બન્યા સભાપતિ લક્ષ્મી નારાયણ,
સાંભળી નારદ વદે, કાળા માથાની આ માયાજાળ.

ખરા ખોટાની શા માટે, આપણે ભાંગીએ તે જંજાળ
અંતે નક્કી થયું પાથરી દઈએ મોંઘવારીની જાળ
ખાદી ને ટોપી પહેરવી, બચવા મોંઘવારીની જાળે
કાળનાણાં, લોકપાલ લાવી, સુખે ભજો નાથ ભોળાને.

– ચંદ્રકાન્ત લોઢવિયા

૩. તકેદારી…

યંત્રવત આ યુગમાં સ્વરક્ષાની તકેદારી.
ચોવીસ કલાકનો સમય અને સુરક્ષાની તકેદારી.

બળ અને બુદ્ધિ જુઓ મહેનતે લાગી,
ફળ અને પરિણામ સાથે સમીક્ષાની તકેદારી.

યોજનાઓ પાર પાડવા દિન-રાત મથી મથી,
છતા રાખવી પડે છે અહીં પરીક્ષાની તકેદારી.

તોતિંગ એવા સાધનો અને લોખંડી આ માયાજાળ,
વચ્ચે વચ્ચે ફસાયેલી અપેક્ષાની તકેદારી.

– ધર્મેશ ઉનાગર

૪. માળો…

હજુ ગઈ કાલે તો
પારેવડાંએ મારા માળીયે માળો બાંધેલો,
એટલો સરસ તો નહોતો…
બે ચાર સાંઠીકડા અને પાંચેક સળીઓ..
આજે તેના બચ્ચા
ઉડતા શીખ્યા,
અને પછી
ઉડી પણ ગયા…
તે બંને રહી ગયા
અમારી જેમ એકલા
ઝૂરતા…
કદાચ તે પણ હવે ઉડી જશે.
બે ચાર સાંઠીકડા અને પાંચેક સળીઓનુંં
શુંં મૂલ્ય હોય
એને ક્યાં લોન ચૂકવવી પડે છે
કે દસ્તાવેજ બનાવવા પડે છે…
મેં આજે બોલાવ્યો છે મારા વકીલને,
મારા દીકરાને શહેરમાં મકાન લેવું છે
આ મારા ઘરને વેચી ને…
હજુ તો હમણાં જ હપ્તા પૂરા થયા
અને મારા નામે દસ્તાવેજ થયો છે
કાશ, આપણે પણ…
બે ચાર સાંઠીકડા અને પાંચેક સળીઓથી
ચલાવી લેતા હોત !

– મિતુલ ઠાકર

૫. તો વાંક કોનો ?

નિર્દોષ પંખી
ડાળ પર આવી બેસે
અને કોઈ પાન ખરે
તો વાંક કોનો ?
ઝાડનો કે જે પર્ણની જવાબદારી ઝીરવી ન શક્યું
કે પછી..
તે નિર્દોષ પંખીનો
જે સંભળાવવા આવેલું
તેનું સુંદર ગાન
નવી ફૂટેલી કુંપળો ને !

– મિતુલ ઠાકર

આજે ઘણા લાંબા સમયે વાચકોની પદ્યરચનાઓનું સંકલન પ્રસ્તુત કરી રહ્યો છું. ‘આ શું થયું…’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સિટી એન્જીનીયર તરીકે કાર્ય કરતા વિજયભાઈ પ્રિયદર્શીની રચના છે. તો બીજી કૃતિ ચંદ્રકાન્તભાઈ લોઢવિયાની છે. તો ધર્મેશભાઈ ઉનાગરની રચના ઔદ્યોગિક કામદારોને માટે ‘સુરક્ષા સહિત સેવા’ના આદર્શની વાત સમજાવે છે, ઉદ્યોગોમાં થતા જીવલેણ અને ગંભીર અકસ્માતોથી બચીને કામ કરવાનો સંદેશ તેમાં છે. અક્ષરનાદ પર આ ત્રણેય મિત્રોની પ્રથમ રચનાઓ છે, તો મિતુલભાઈની બે કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે જેમની આ પહેલા પણ એક રચના અહીં પ્રસ્તુત થઈ ચૂકી છે. સૌ મિત્રોને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર.


Leave a Reply to Maheshchandra Naik (Canada) Cancel reply

9 thoughts on “વાચકોની પદ્યરચનાઓ… – સંકલિત