Polyandry Vs Monogamy – ભવસુખ શિલુ 9


હિન્દુ ધર્મસાહિત્યમાં રામાયણ – મહાભારત મુખ્ય ગ્રંથો છે, ભાગવત અને શિવપુરાણ પ્રચલિત પુરાણો છે. અઢાર પુરાણ – અઢાર ઉપપુરાણ છે. જે ઘણીવાર સંદર્ભ ગ્રંથો તરીકે ઉપયોગી છે. સામાન્ય જનસમાજ મહાભારત આધારિત નાટકો આખ્યાનો કરે છે, પણ રામાયણ ભાગવતની જેમ કથા પારાયણ થતા નથી. શ્રીમદ ભગવદગીતા મહાભારતનો જ એક ભાગ છે જેનો ઉપયોગ રોજના સ્વાધ્યાયમાં ચોક્કસપણે થાય છે. ગીતા ઉપર શંકરાચાર્યથી માંડી તિલક સુધી અનેક વિદ્વાનોએ ભાષ્ય લખ્યાં છે. આધુનિક યુગમાં વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ ભારતની ઘણી ભાષામાં પ્રસાર પામ્યા છે. ગીતાનું અસંખ્ય વિદેશી ભાષાઓમાં ભાષાંતર થયું છે. ગીતા-મહાભારત-ભાગવત આદિ સાંખ્ય ગ્રંથો માની શકાય. યાન-તત્વજ્ઞાન અને સંસારના વ્યવહારિક ઉપદેશ માટે મહાભારતમાંથી ગીતા અને શાંતિપર્વ, દર્શનોમાંથી સાંખ્યદર્શન અને યોગદર્શન પૂરતા છે. જો કે આમાંથી ગીતા સિવાય અન્ય ગ્રંથો લોકોમાં પ્રચલિત નથી.

રામાયણની સૌપ્રથમ આદિકવિ વાલ્મિકીએ રચના કરી છે અને મહાભારત કરતા પહેલાં તેની રચના થઈ છે એવું માનવામાં આવે છે પરંતુ પુરાતત્વીય અવલોકનો આ સ્વીકારવા તૈયાર નથી.

હાલ પ્રાપ્ય રામાયણની રચના સંશોધનકારોની ચિકિત્સક દ્રષ્ટિએ ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ઈ.સ. ૪૩૮ દરમ્યાન સંપૂર્ણ વિકસિત થઈ છે, જ્યારે રામાયણનું કથાબીજ ઈ.સ. પૂર્વે ૧૩૦૦થી ૧૦૦૦ દરમ્યાન ઘડાયું હોય પરંતુ આ ઘટનાભાભારતની રચના પછીની છે એ નિર્વિવાદ છે. મહાભારતની રચના ત્રણ તબક્કે થઈ છે. વ્યાસ વૈશંપાયન અને લોમહર્ષણનો પુત્ર સૌતી. વ્યાસજીએ ૧૦૦ પર્વો વાળું જયસંહિતા રચ્યું. વૈશંપાયને જન્મેજયના સર્પયજ્ઞમાં ભારત સંભળાવ્યું, પછી સૌતીએ ૧૦૦ પર્વમાંથી અઢાર પર્વ બનાવી નૈમિષારણ્યમાં ઋષિઓને સંભળાવ્યું. જયમાં ૮૮૦૦ શ્લોક હતા, ભારતમાં ૨૪૦૦૦ અને સૌતીના મહાભારતમાં લગભગ એક લાખ શ્લોક છે. આ રચનાકાળ ઈ.સ. પૂર્વે ૩૦૦થી ઈ.સ. ૨૦૦ દરમ્યાન માનવામાં આવે છે. મહાભારતના કથાબીજ ઈ.સ. પૂર્વે ૧૪૦૦ થી ઈ.સ. ૨૦૦ સુધીની કેટલીક ઘટનાઓનું કાવ્યમય સંપાદન હોઈ શકે પણ રામાયણ મહાભારતની રચના થયા બાદ સોએક વર્ષ બાદ થયેલી પ્રતિક્રિયા છે તેમ માનવાને ઘણાં કારણો છે.

વાલ્મીકીને આદિકવિ માનવામાં આવે છે પણ તેઓ પૂર્વજીવનમાં વાલિયો લૂંટારો હતા, નારદજીના ઉપદેશથી તપ શરૂ કર્યું, શરીર પર રાફડા (સંસ્કૃતમાં વલ્મીક) બંધાઈ ગયા ત્યાં સુધી, આથી વાલ્મીકી નામ પડ્યું. હવે આ વાલીયા લૂંટારાને ત્રીસ વર્ષની ઉંમરે નારદજી મળ્યા હોય અને દસેક વર્ષ તપ શરૂ કર્યું હોય, પછી સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરૂ કર્યો હોય અને કવિતાની રચના કરી શકે તેટલી વિદ્વત્તા પ્રાપ્ત કરી હોય, તો સાઠેક વર્ષે ક્રૌંચવધની ઘટના બાદ લખવાનું શરૂ કર્યું હોય, વળી જ્યારે રામની આજ્ઞાથી લક્ષ્મણ સીતાને વનમાં મૂકવા જાય ત્યારે વાલ્મીકી સીતાને મળે છે. આ વખતે વાલ્મીકી વૃદ્ધાવસ્થાને શિખરે હશે અને થોડા જ સમયમાં લવના જન્મ સમય સુધીમાં દ્રષ્ટિ ગુમાવી દીધી હોય તેવી વાત રામાયણમાં જ છે. બાલ્યાવસ્થામાં લવ પારણામાંથી ગુમ થયો જાણી કુશની રચના વાલ્મીકી મંત્રશક્તિથી કરે છે. ત્યારબાદ રામ – લવ – કુશનું યુદ્ધ અને લવકુશના અયોધ્યા પ્રવેશની વાત બીજા પાસે લખાવવી પડી હોય તેવી કલ્પના અસ્થાને નથી. ઉપરાંત મહાભારતના વેદવ્યાસ પોતાની રચનામાં જ એક પાત્રની ભૂમિકા બજાવે છે. પોતાની માતાની વિનંતિથી તેના (સત્યવતીના) ત્રણેય પુત્રોના અકાળે અવસાન બાદ, ત્રણેય વિધવા પત્નીઓને દિવ્ય પુત્રો મેળવી આપવામાં મદદરૂપ થાય છે. યુદ્ધના અંત પછી પણ ધૃતરાષ્ટ્ર-ગાંધારીને પોતાના આશ્રમમાં આશ્રય આપે છે. આમ મહાભારતના રચનાકાર પોતાની રચનામાં પોતાનું જ પાત્ર રાખી વાર્તાપ્રવાહ જીવંત બનાવે છે. આવો જ તર્ક વાલ્મિકીએ પોતાની રચના રામાયણમાં પોતાનું જ પાત્ર મૂકી જીવંત કાવ્ય બનાવ્યું છે. ઘણા આધુનિક લેખકો પણ પોતાની કાલ્પનિક નવલકથાને વધુ જીવંત બનાવવા વાર્તામાં પોતાનું પાત્ર મૂકી દે છે. આપણે એમ કહી શકીએ કે વાલ્મીકીએ વ્યાસનું અનુકરણ કર્યું છે અને વાલ્મીકી પણ કદાચ કાલ્પનિક પાત્ર હોય, માત્ર પછાત જાતિઓ રામાયણના આદર્શને અનુસરે એવો ઉદ્દેશ્ય હોય.

વ્યાસ અને વાલ્મીકી બંને કવિઓ જ છે અને પોતાની રચનાને કાવ્ય કહે છે. ઘણી વાર ઈતિહાસ પણ કહેવાય છે પરંતુ કાવ્ય વધારે સ્પષ્ટ છે. કવિ શબ્દમાં ક=કલ્પના અને વિ=વિદ્વત્તા. જે વિદ્વત્તામય કલ્પના કરી શકે તે કવિ. ગીતા અઢારમા અધ્યાયમાં કવિ-મનીષિ અને વિચક્ષણો પાસે સંન્યાસના જુદા જુદા અર્થઘટન કરાવે છે. ત્રણેય વિદ્વાનના પ્રકારો છે.

જાણીતા પુરાતત્વવિદ્દ શ્રી હસમુખ સાંકળિયાની ‘પુરાતત્વ અને રામાયણ’ ની પુસ્તિકા ગુજરાત વિદ્યાપીઠે પ્રકાશિત કરી છે તે રામાયણ ના સમયની ઘણી બાબતો પર પ્રકાશ ફેંકે છે. રામાયણના સાહિત્યના આધારે તે સમયની ભૂગોળ, શહેરો, જંગલોમ રીતરિવાજો, રહેણી-કરણી, રાજ્ય વ્યવસ્થા, યુદ્ધના હથિયારોના પુરાતત્વીય અવલોકનો નોંધે છે જે ઘણા માર્ગદર્શક છે.

આપણી મુખ્યવાત આર્યોએ સિંધુ સભ્યતાનો ઈ.સ. પૂર્વે ૧૭૦૦માં ધ્વંસ કર્યા પછી પરાજિત અનાર્યો સાથે સમન્વય સાધ્યો તેમ છતાં અનાર્ય રીતરિવાજો અને શ્યામવર્ણ સામે જે ૩૨૦૦ વર્ષ સુધી દ્વેષપૂર્ણ વ્યવહાર કર્યો તેના અવલોકનો નોંધવાના છે.

અનાર્યો ગણતંત્ર શાસન, નિરીશ્વરવાદી સાંખ્ય અને યોગ, અને બહુપતિત્વ પ્રથાવાળા સમાજમાં માનનારો હતો, જ્યારે આર્યો સામ્રાજ્યવાદ, ઈશ્વર, પરલોક અને પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં માનનારા હતા, વળી શાસનધુરા તેમના હાથમાં હતી આથી આર્ય બનેલા શ્યામવર્ણ અનાર્યો પર અમાનવીય નિયંત્રણોની ભરમાર ચલાવી ૩૨૦૦ વર્ષ સુધી પરપીડન કર્યું. ઉચ્ચનીચના વર્ગભેદવાળો વર્ણાશ્રમધર્મ બનાવી સ્ત્રીઓ અને શૂદ્રોનું અમાનવીય શોષણ કર્યું. નીરિશ્વરવાદીઓને ઉતારી પાડ્યા, તેમના શાસ્ત્રોનો નાશ કર્યો અને ઘણુંય! અ બધા વિઘ્નોમાંથી હવે અનાર્યોમાંથી બનેલા શ્યામવર્ણ આર્યોએ રસ્તો કાઢી, પોતાના સાંખ્યયોગના જ્ઞાનને ઈશ્વરવાદ અને પરલોકવાદમાં ઝબોળી, મહાભારતની રચના કરી અનાર્ય-સાંખ્ય પ્રણાલીઓને પરોક્ષ સમર્થન આપ્યું જેની પ્રતિક્રિયારૂપે શ્વેત આર્ય શાશકોએ રામાયણની રચના કરી.

રામાયણ સ્પષ્ટપણે Polyandry Versus Monogamy – દ્રૌપદીપ્રથા વિરુદ્ધ સીતાપ્રથાનો ગ્રંથ છે જેના વાર્તાપ્રવાહના કેટલાક દિવ્ય અંશો તપાસીએ –

વાલ્મીકિ વાલિયો લૂંટારામાંથી એક તપસ્વી બની ગયા. એક દિવસ તેમણે જોયું – ક્રૌંચ પક્ષીની જોડીમાંથી એકને પારધીએ તીરથી વીંધી નાખ્યું, આ જોઈ બીજું પક્ષી ખૂબ જ કલ્પાંત કરતું હતું, તરત જ વાલ્મીકીનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેમણે રામના ચરિત્રની આદર્શ કથા લખી પછી જ શાંત થયું. અહીં ક્રૌંચ પક્ષીઓ જો જીવનભર એક નર અને એક માદા રહી શક્તા હોય તો માનવજાત શા માટે એક પતિ-પત્ની ન રહી શકે? એવો સૂચિતાર્થ છે.

ગૌતમઋષિની પત્ની અહલ્યા પાસે ઈન્દ્ર ગૌતમનું જ સ્વરૂપ લઈને આવે છે અને અહલ્યાને ભોળવે છે, એટલામાં ગૌતમઋષિ સ્નાન કરી પાછા ફરે છે અને અહલ્યાનો વ્યભિચાર જોઈ….. અહલ્યાને શિલા થઈ જવાનો શ્રાપ આપે છે, જે રામના સ્પર્શથી ફરી સ્ત્રી બને છે અને રામ અહલ્યાને પત્ની તરીકે ફરી સ્વીકારી લેવા ગૌતમઋષિને સમજાવે છે. અહીં જ્યારે Polyandry માંથી Monogamyનું પરિવર્તન ચાલતું હોય ત્યારે થોડીઘણી ભૂલો જતી કરવી અને જીવન એક પુરુષ અને એક જ પત્નીએ વીતાવવું.

શૂર્પણખા Polyandry સમાજમાંથી આવે છે (તેને મોટા કાન અને લાંબા નખ વાળી કુરુપ સ્ત્રી તરીકે વર્ણવી છે, જૈન રામાયણમાં શુર્પણખાનું નામ ચંદ્રણખા છે જે ખૂબ સુંદર છે.) તેણી રામ કે લક્ષ્મણને પોતાના પતિ થવાની દરખાસ્ત કરે છે. Monogamyના નેતૃત્વ પાસે આવું કહેવાથી નાક કાન કાપવાની શિક્ષા મળે છે.

વાનર પ્રજાના કપિમુખ દેવ (વાનર માનવ અનાર્ય જાતિ છે, કપિના અર્થમાં નહીં) આણમણ્ડિ (પૂજ્ય દેવ – પંચમુખી હનુમાન) ને રામના સેવક દર્શાવ્યા છે, તે માત્ર આખી પ્રજાના આરાધ્ય દેવ અને જો રામના સેવક હોય તો વાનર પ્રજાએ રામની વાત (Monogamy) સ્વીકારવી જ જોઈએ તેવો ગર્ભિત હેતુ છે.

આજે પણ હનુમાનજી રામના સેવક ઉપરાંત એક સ્વતંત્ર દેવ તરીકે પણ પૂજાય છે, ભૂત પિશાચ દૂર કરનારા, વિદ્યા અને વ્યાયામના નિષ્ણાંત, ઉદ્ધિ અને બળમાં આગેવાન – સુરક્ષાના દેવ, જ્યોતિષિ તરીકે પૂજાય છે. આંદામાન ટાપુનું નામ હનુમાનજીના મૂળ નામ આણમણ્ડિ પરથી પડ્યું છે.

હનુમાનજી પંચમુખ કપિ સ્વરૂપ છે, બીજા ચાર મુખ અન્ય પશુઓના છે પરંતુ ઉત્તર ભારતમાં એક કપિમુખ જ પ્રચલિત છે.

હવે જે બહુમુખ દેવો છે તે બધા Polyandry સમર્થક દેવો છે. સિંધુ સભ્યતાની મુદ્રામાં ત્રિમુખ-પશુપતિ યોગાસનમાં મળી આવે છે. રાવણના દસ મસ્તક માત્ર Polyandry ના સમર્થન માટે જ છે. સ્કન્દ કાર્તિકેય ષણ્મુખ છે જેને છ મસ્તકો છે. બ્રહ્માને ચાર મસ્તક છે પણ અહીં ભૂલ થઈ ગઈ, ચાર વેદને બ્રહ્માના ચાર મુખ તરીકે વર્ણવવા જતા Monogamy સમર્થકોની ભૂલ થઈ ગઈ એટલે બ્રહ્માની મૂર્તિપૂજા ન થાય અને મંદિરો ન બની શકે એવો શ્રાપ આપી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં બહુમુખ દેવો અને તેમના મંદિરો જવલ્લે જ જોવા મળશે, જ્યારે દક્ષિણ ભારતમાં બહુમુખ દેવતાઓ સામે અણગમો નથી. શિવજીના પંચમુખ, ત્રિનેત્ર, ત્રિશૂળ, ત્રિપુડ, ત્રિદલ બિલ્વપત્ર, બહુમુખી રૂદ્રાક્ષો બધા Polyandry નું સમર્થન સૂચવે છે. Polyandry સમાજે બહુમુખ દેવો સ્વીકાર્યા એ જ્યારે Monogamy સમર્થકોએ દિવ્ય સ્વરૂપમાં બે થી વધુ હાથ સ્વીકાર્યા છે જેમ કે વિષ્ણુના ચાર હાથ.

રામ વાલીના યુદ્ધમાં રામે છુપાઈને તીર માર્યું તે વિવાદાસ્પદ છે, વાલીનો કોઈ દેખીતો ગુન્હો કે પાપાચરણ નહોતું, પોતાના સમાજની વ્યવસ્થા પ્રમાણે બે ભાઈઓ વચ્ચે એક પત્ની હોય તે સ્વીકાર્ય હતું (દ્રૌપદી પ્રથા) વાલીનો આગ્રહ સુગ્રીવની પત્ની તારા છીનવી લેવાનો નહોતો પરંતુ આ Polyandry Systemના નાશ માટે જ આ કથા લખાઈ હતી.

સીતાની અગ્નિપરીક્ષાનો પ્રસંગ, સ્ત્રીએ જેને પતિ તરીકે સ્વીકાર્યો છે તેને કપરા સંજોગોમાં પણ વફાદાર રહેવાની જાહેર ખાત્રી સ્વરૂપે છે, જે સ્ત્રી પરના પુરુષના માલિકી હક્ક અને Monogamy ની દ્રઢતા પ્રસ્થાપિત કરવા જરૂરી હતો.

અયોધ્યાના ધોબીની પત્ની કેટલોક સમય બહાર રહી આવ્યા પછી ફરી પતિઘરે આવી ત્યારે હોબી પતિએ કહ્યું, “હું કાંઈ રાજા રામ નથી કે બીજા ઘરે રહી આવેલી સ્ત્રીને પાછી સંઘરું.” બસમ આ વાત રામના કાને પડી ગઈ! ધોબી જેવો સામાન્ય માણસ પણ Monogamy નો આટલો સમર્થક હોય તો રામે રાજા તરીકે આદર્શ પ્રસ્થાપિત કરવો જોઈએ, એટલે રામ લક્ષ્મણને આજ્ઞા કરે છે કે મારે સીતાનો ત્યાગ કરવાનો છે, તમે તેને જંગલમાં છોડી આવો. ખરેખર અહીં સીતાનો સગર્ભાવસ્થામાં ત્યાગ કરી દેવો અત્યંત કરુણ સ્થિતિ છે, જો કે જંગલમાં રામકથાના રચયિતા વાલ્મીકી પોતે સીતાના બચાવ માટે હાજર થઈ જાય છે. અહીં પ્રશ્ન થાય છે કે સીતા સ્વયંવર પછી જનકરાજા કે તેમના પુત્રોનો ઉલ્લેખ ક્યારેય નથી આવતો. ખરેખર તો સીતાને જંગલમાં છોડી દેવાને બદલે જનકરાજા પાસે મૂકી દેવા જોઈએ પણ સીતાને ભાઈ નથી અને રામને બેન નથી તે પૂર્વયોજિત છે.

વિશ્વામિત્ર બાળ રાજકુમારોને (દશરથના પુત્રોને) હવનમાં હાડકાં નાખનાર રાક્ષસોને દૂર કરવા લઈ જાય છે. રામ તાડકા રાક્ષસી અને બીજા રાક્ષસોનો સંહાર, યજ્ઞનું કાર્ય નિર્વિઘ્ને પૂરું કરાવે છે. અહીં રામના કુલગુરૂ તો વસિષ્ઠ છે, છતાં વિશ્વામિત્ર આવે છે. વસિષ્ઠ – વિશ્વામિત્ર પરસ્પર ભિન્ન વિચારશ્રેણી ધરાવતા, એકબીજાના દુશ્મન સમાન છે. વેદકાળમાં વસિષ્ઠ વિશ્વામિત્ર સામે દાશરાજ્ઞ યુદ્ધ કરેલું જેનું કારણ વસિષ્ઠ જીતાયેલા અનાર્ય શરણાર્થીઓનો સામુહિક સંહાર જ કરવા ઈચ્છતા, જ્યારે વિશ્વામિત્ર ગાયત્રી મંત્ર વડે આર્ય સંસ્કારો આપી આર્ય બનાવવાનો વિચાર આગળ કરી સામુહિક સંહાર અટકાવવાની ઈચ્છા ધરાવતા. અહીં રામ અને વિશ્વામિત્ર અનાર્ય રાક્ષસોનો નાશ કરવાની તત્પરતા દેખાડે છે.

રામ રાજ્યમાં એક બ્રાહ્મણનો પુત્ર મરી ગયો, તે રામની રાજ્યસભામાં આવી કઠોર વચનો કહેવા માંડ્યો – ‘અગાઊના સૂર્યવંશી રાજાઓના સમયમાં ક્યારેય પિતાની હયાતિમાં પુત્રના મરણ થયા નથી, આપના રામરાજ્યમાં આમ શા માટે થયું?’ રામ પણ આ બ્રાહ્મણનું દુઃખ સાંભળી વ્યાકુળ થયા, તે સમયે આકાશવાણી થઈ – ‘વિંધ્યાચળ પર્વતના વનની ઝાડીઓમાં એક સૂદ્ર તપશ્ચર્યા કરે છે તે આ બ્રાહ્મણપુત્રના મરણનું કારણ છે.’ તરત જ રામે તે શૂદ્રને શોધી કાઢ્યો અને એક જ તીરથી તેનું મસ્તક છેદી નાખ્યું અને આ બાજુ બ્રાહ્મણનો મૃત પુત્ર સજીવન થયો. આ માત્ર સૂદ્રઓએ વેદ ન ભણવા, તપસ્યા ન કરવી, શાસ્ત્રો ન વાંચવા તેવી આર્યાજ્ઞાઓનું પાલન કરાવવા માટે છે.

અન્ય શાસ્ત્રોમાં સીતાની અગ્નિપરીક્ષા કરતાંય કઠોર પ્રસંગ ‘પરશુરામ દ્વારા માતાના શિરચ્છેદ’નો છે.

‘ઋચિક ઋષિના આત્મજ જમદગ્નિ સાત્વિક વૃત્તિના હતા. પિતા દેવલોક પામ્યા, તે વખતે ઈક્ષ્વાકુ વંશની રાજકન્યા રેણુકા સાથે લગ્ન કરી સંસ્કારી જીવન વીતાવતા હતા. તેમને ચાર કે પાંચ પુત્રો થયા, સૌથી નાના તે પરશુરામ, આ યુવકની પ્રથમ કસોટી બાપે કરી. માના લોહીમાં ઈક્ષ્વાકુઓનો સ્વચ્છંદ હતો. આર્યોએ નિર્મેલા નીતિના પંથનો તેણે ત્યાગ કર્યો, મૃત્તિકાવતીના રાજા ચિત્રરથનો તેને મોહ થયો. આ કૃત્ય તે સમયના આર્યાવર્તના પુરુષોની જેમ શિષ્ટ જમદગ્નિને અક્ષમ્ય જણાયું, તેણે પુત્રોને શાસન કર્યું કે માતાનો વધ કરો. મોટાભાઈઓએ તે શાસન સ્વીકાર્યું નહીં, પરશુરામના હ્રદયમાં પિતાની આજ્ઞા અને માતાની શુદ્ધિ માતૃસ્નેહ કરતાં વધારે હતાં, તેણે પિતાનુ શાસન સ્વીકાર્યું, માતાનું માથું ધડથી જુદું કર્યું. (‘ભગવાન પરશુરામ’ની પ્રસ્તાવના, ક. મા. મુનશી – ૧૯૪૬) Monogamy ના સમર્થકોએ માતૃપ્રેમની ય દરકાર ન કરવી એટલો જ ઉપદેશ આ વાતમાંથી ફલિત થાય છે.

એક વાત ખૂબ સ્પષ્ટ છે કે આર્યોનો Monogamy તરફનો લગાવ અને Polyandry તરફની ઘૃણા આર્ય-ાનાર્ય સમન્વય પઈ ઘનિષ્ઠ બન્યા છે. (અનાર્ય) શ્યામવર્ણ સ્ત્રીઓનો આર્ય સ્ત્રી તરીકેનો દરજ્જો રૂઢિચુસ્ત આર્યો માટે અસહ્ય થઈ પડ્યો. વળી આ જ લોકો પાસે શાસહધૂરા હોઈ સ્ત્રીઓ માટે ક્રૂર નિયંત્રણો લાદી દીધા.
આર્યોને અગાઊ ભાઈ-બહેન (યમ-યમી) પિતા-પુત્રી (બ્રહ્મા-સરસ્વતી) સાથે દાંપત્યજીવન ગાળવામાં છોછ નહોતો. ઈજીપ્તના ફેરોહ તો સાવકી બહેન સાથે જ લગ્ન કરતા. આજે પણ મુસ્લિમોમાં કાકાની દીકરી અને હિન્દુઓમાં મામાની દીકરી સાથે દાંપત્યજીવન ગાળવામાં વાંધા સરખું હોતું નથી.

આજે વિશ્વભરના સભ્ય સંસ્કૃત સમાજે Monogamy ને સમર્થન આપ્યું છે, આમાં સ્ત્રી પરનો માલિકી હક્ક સહેલાઈથી પ્રસ્થાપિત થઈ શકે છે. આ સમાજવ્યવસ્થાને મોટાભાગના દેશોએ કાયદાકીય સમર્થન આપ્યું છે, તેથી ઘડીભર એમ લાગે કે સુખી સમાજ, વિદ્વાન અને નિરોગી પ્રજોત્પતિ માટે આ પ્રથા જ એકદમ યોગ્ય છે, શાસ્ત્રીય છે. વાસ્તવમાં એક પતિ-પત્ની સાથે જીવનભર ટકી રહેવાનો ઉદ્દેશ્ય ૩૦% દંપત્તિઓમાં શક્ય હશે. વળી જેને આપણે વ્યભિચાર કહીએ છીએ તેની વ્યાપકતા સ્ત્રી-પુરુષ બંનેમાં છે, જો આ સ્થિતિ ધ્યાનમાં લઈએ તો આપણી તંદુરસ્ત ટકાવારી હજુ પણ નીચે જવાની સંભાવના છે. વિકસિત દેશોમાં લગ્ન, સંપત્તિના વિભાજન અને માલિકીપણા સાથે રૂઢ થયેલું છે એટલે કે આર્થિક હિતો સાથે સંકળાયેલું છે અને કાયદો તેને સમર્થન આપે છે. લાલચુ અને સ્વાર્થી તત્વો આનો લાભ ઉઠાવી દુઃખમય પરિસ્થિતિ સર્જતા હોય છે. ભારતમાં દહેજ અને પુત્રપ્રાપ્તિની પ્રબળ કામનાઓ સ્ત્રીઓના દુઃખોનું કારણ છે. ભૂણ પરીક્ષણની ટેકનોલોજીએ ભારતમાં વધુમાં વધુ માદા ભૃણહત્યાને તક આપી છે અને તેવા પરીક્ષણો અટકાવવા સરકારે કાયદા વડે દખલગીરી કરવી પડી છે. નવાઈની વાત એ છે કે માદાભૃણહત્યા માટે ઘણીવાર સ્ત્રીઓએ પણ સામે ચાલીને સહકાર આપ્યો છે.

સાંપ્રતસમાજ Polyandry સ્વીકારે તેવી કલ્પના અસ્થાને છે, પુરુષો સ્ત્રીઓ પરનો માલિકી હક્ક જતો કરવા માંગતા નથી અને સ્ત્રીઓ આ વાતની તરફેણ કરવા જાય તો તાત્કાલિક અસરથી વ્યભિચારિણી સાબિત થઈ શકે છે! વળી માતૃપ્રધાન સમાજરચના આવે તો સ્ત્રી સ્વાતંત્ર્યની ચળવળો બંધ થાય પછી આટલા બધા નેતાઓને રાખવા ક્યાં! બિલાડીને મરચું ખાવું નથી પણ કોઈએ પૂંછડીએ મરચું લગાડી દીધું છે. હવે પૂંછડી ચાટવાના કાર્યક્રમમાંથી નવરાશ નથી. બાપે આંબલી ખાધી અને છોકરાઓના દાંત અંબાઈ ગયા છે!

– ભવસુખ શિલુ

Monogamy – મનૉગમી – એકપત્નીત્વ કે એકપતિત્વની પ્રથા
Polyandry – પૉલીઍન્ડ્રી – બહુપતિત્વ પ્રથા

સાહિત્ય સંગમ, ગોપીપુરા, સૂરત દ્વારા પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે તેવા ભવસુખભાઈ શિલુના પુસ્તક “સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા…. – એક અલગ દ્રષ્ટિકોણ” માંથી ઉપરોક્ત લેખ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધિ અર્થે પાઠવ્યો છે. લેખના મૂળ શિર્ષક “રામાયણ.. નવી નજરે..” ને બદલે મેં Polyandry Vs Monogamy એવું શિર્ષક આપ્યું છે કારણ કે આ લેખમાં ફક્ત રામાયણ, મહાભારત કે અન્ય ગ્રંથવિશેષની વાત નથી પરંતુ આર્યો – અનાર્યોની સંસ્કૃતિ વચ્ચેના મૂળભૂત તફાવતમાંના એક એવા Polyandry Vs Monogamy વિશે વાત થઈ છે. લેખનો વિષય વિષદ ગહન વિચાર, ચિંતન અને ચર્ચા માંગી લે છે. આર્ય અનાર્ય સંસ્કૃતિઓના તફાવત અને ભેદ છતાં તેમના સમન્વયથી બનેલી સંસ્કૃતિમાં આર્ય મૂલ્યોનો ફાળો અને પ્રભાવ વધુ જોવા મળે છે. આશા છે આ લેખ જેવી જ અનેક વિગતો સહિતનું ચિંતન ભવસુખભાઈના પુસ્તકમાંથી આપણને મળશે. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ભવસુખભાઈનો આભાર. તેમનો સંપર્ક bdshilu@gmail.com પર કરી શકાશે.


Leave a Reply to shirish daveCancel reply

9 thoughts on “Polyandry Vs Monogamy – ભવસુખ શિલુ

  • B D Shilu.

    શ્રી શિરિષભાઇ દવે સાહેબ, નમસ્તે, આપની કોમેન્ટથી ખૂબ આનંદ, આપ વડીલ-અનુભવી છો, મારો વિષય જ વિવાદાસ્પદ છે.આપે કશું ય અજુગતું નથી લખ્યું, મને ક્યાંય ખોટું નથી લાગ્યું. ધન્યવાદ……ભવસુખ શિલુ.

  • shirish dave

    પુરુષે કેટલી સ્ત્રી રાખવી અને સ્ત્રીએ કેટલા પુરુષો રાખવા તે જે તે સમાજ અને તે સમયની સ્વિકૃતિને આધારે છે. બાઈબલમાં એક જગ્યાએ દિકરીઓ બાપને સંભોગ માટે ઉશ્કેરે છે. પણ આને સામાજીક પ્રકૃતિ સાથે કશો સંબંધ નથી. એવું જ દ્રૌપદી, કૃષ્ણ, દશરથ, રામ, સીતા, અર્જુન, વિક્રમાદિત્ય … વિષે સમજવું. આર્ય – અનાર્યને તે સાથે કશો સંબંધ નથી.

  • shirish dave

    પ્રિય શ્રી ભવસુખભાઈ, જોકે હું ઇતિહાસકાર નથી, કે નથી કોઈ વિદ્વાન. પણ જે બીજાઓ દ્વારા વંચાયું, તેમના દ્વારા વિચારાયું અને તે પછી તેમના દ્વારા જે સ્વિકારાયું અને લખાયું, તે મારાથી વંચાયું, તે તર્ક દ્વારા વિચારાયું. જો તુક્કાઓ લડાવીએ તો તીબેટીયનો સ્થળાંતર કરીને આફ્રિકા ગયા તેમ પણ સિદ્ધ કરી શકાય. લાંબા વર્ણનોને આધારે ટિળકે આર્યો ઉત્તર ધ્રુવમાંથી આવેલ એમ વિચાર્યું. ઋગ્વેદમાં અશ્વિની નક્ષત્રને પૂર્વ દિશામાં ઉગતું વર્ણવાયું છે. પૃથ્વીની ધરી વૉબ્લીંગ કરે છે તે કારણે અવકાશમાં ઉત્તર ધૃવ નો તારો બદલાયા કરે છે. જો તે ધરીની દિશામાં કોઈ તારો જ ન હોય તો ધૃવના તારાવગરની ઉત્તરદિશા હોય. ઉત્તરદિશા બદલાય એટલે આકાશના તારાઓના સ્થાન પણ પૂર્વ દિશાની સાપેક્ષે રહેલી દિશાઓમાં બદલાય. જો અશ્વિની નક્ષત્ર પૂર્વમાં ઉગે તો આ ઘટના ૫૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતી હોય.
    તત્વજ્ઞાન અને કોણ પૂજ્ય એ વિષે મનુષ્યોમાં ભેદ હોઈ શકે. વેદો વિશ્વને દેવ માને છે અને તેઓએ તેની શક્તિઓની પાછળ એક દેવને કલ્પી તેને પ્રતિકાત્મક રુપનામ આપ્યું અને પૂજ્યભાવ આપ્યો. આ દેવો અદૃષ્ય હતા.

    કૃષ્ણે કહ્યું “ઈંદ્ર તો દેખાતો નથી. ગોવર્ધન તો દેખાય છે. માટે ઈંદ્રની પૂજા ને બદલે ગોવર્ધનની પૂજા કરો.” એવું લાગે છે કે આ એક તત્કાલિન વાદવિવાદ છે જે એક ઉમેરણ રુપે છે. કારણ કે ભાગવત અને ગીતા એટલા જુના નથી કે જેટલા કેટલાક ઉપનિષદો અને વેદ જુના છે.

    જે પુરાણોના શ્લોકો પાણીનીયન સંસ્કૃતમાં લખાયેલા છે તેને વૈદિક સમયના તત્વજ્ઞાન સાથે સંબંધ નથી. પણ પાણીનીયન સંસ્કૃતમાં લખાયેલા શ્લોકોને ઈ.પૂર્વે ૪૦૦ થી ઈ. ૮૦૦ ના સમયમાં પ્રવર્તતી વિચાર ધારાઓ સાથે સાંકળી શકાય. જોકે ગીતા અતિ પ્રાચીન ન હોવા છતાં તેણે ઘણાજ મહદ્‌ અંશે વેદોમાં ગર્ભિત વૈદિક તત્વજ્ઞાનને પુરષ્કૃત કર્યું છે. ૨-૪૬ પણ આમતો વિશ્વ પ્રત્યે આદરભાવનું સૂચન કરેછે.

    એમ ચોક્કસ કહી શકાય કે ગોવર્ધનના બનાવને અને ગીતાને કશો સંબંધ નથી. દૃષ્ટની પૂજા કરવી કે અદૃષ્ટની તે વિવાદને ગોવર્ધન અને દક્ષ-યજ્ઞના ધ્વંસ સાથે સાંકળવો હોય તો સાંકળી શકાય.

    એવું પણ શક્ય છે કે કૃષ્ણે પશુધન અને ગ્રામજનોને બચાવી લીધા તે બનાવને ચમત્કારિક સ્વરુપ આપી દીધું. અને જ્યારે કૃષ્ણને ભગવાનનો અવતાર બનાવી દીધા એટલે એમાં ઈન્દ્ર-કૃષ્ણ વિવાદ જોડીને શ્રી કૃષ્ણને ગ્લોરીફાય કર્યા.

    દક્ષ યજ્ઞ ધ્વંસના બનાવને અગ્નિ (શિવ)ના ઉપાસકો અને સૂર્ય (વિષ્ણુ) ના ઉપાસકો વચ્ચેનો પરંપરાગત તાત્વિક વિવાદ તરીકે કે દૃષ્ટ અને અદૃષ્ટ વચ્ચેનો તાત્વિક વિવાદ તરીકે ગણી શકાય. આ બાબતને આર્ય અને અનાર્ય સાથે કશીજ લેવા દેવા નથી.

    પણ જ્યારે જે વિદ્વાનો રામના લંકા ગમનને આર્યોના અનાર્ય ઉપરના વિજય તરીકે ખપાવે તેઓ માટે દરેક ઘર્ષણમાં કહેવાતો આર્ય-અનાર્યનો સંઘર્ષ જોડવો જરુરી બને છે.

    શિવ શ્વેતવર્ણીય છે. વિષ્ણુ શ્યામ વર્ણીય છે. આર્યો ગોરા હતા અને અનાર્યો કાળા હતા. કાળા લોકો શ્વેત ઈશ્વરને પૂજે પણ શ્વેત લોકોના ઈશ્વર કદી કાળા ન હોય. આવા તો હજાર વિરોધાભાસ છે. ટૂંકમાં આર્ય અને અનાર્યનો વિવાદ એક વિભાજનવાદી પ્રપંચ છે જેનો ભોગ ભારતીયો બન્યા છે.
    આ બધો શૈક્ષણિક વિવાદ છે અને વિચાર શક્તિને ખિલવવા માટે છે. તેથી જો મારાથી અજુગતું લખાયું હોય તો ભવસુખભાઈ ખોટું ન લગાડશો.

  • shirish dave

    જો આપણે વધુ માથાઓ અનાર્યોની સંસ્કૃતિમાં હતા એમ માનીએ તો સમજો ઋગ્વેદ પણ અનાર્યોના દેવોનો જ ગ્રંથ છે.

    ચત્વારીશૃંગા ત્રયોઃ અસ્યપાદાઃ દ્વેશિર્ષે સપ્તહસ્તાસ્તો અસ્ય
    ત્રીધાબદ્ધો વૃષભો રોરવિતિ, સો મહોદેવો મર્ત્યાં આવિવેશઃ

    ચાર શીંગડાવાળા, બે માથા વાળા, ત્રણ પગવાળા અને સાત હાથવાળા આ મહાન દેવે (અગ્નિએ), જાણે ત્રણ રીતે બંધાયેલો વૃષભ જેમ રુરવાટ કરતો હોય તેમ આ મૃત્યુલોકમાં પ્રવેશ કર્યો.

    વધુ માટે વાંચો અદ્વૈતની માયા જાળ ભાગ-૧ થી ૫. http://treenetram.wordpress.com

  • shirish dave

    આર્યન ઇન્વેઝન થીએરી તો મરી ગઈ છે અને તે સિદ્ધ થઈ ચૂક્યું છે. આ બાબતમાં પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે. પણ લાગે છે કે હજુ આ સાહિત્ય કેટલાક વિદ્વાનો સુધી પહોંચી શક્યું નથી.

    આર્યોનું આગમન, આ લેખમાં ૩૭૦૦ વર્ષ પૂર્વે સિંધુ સંસ્કૃતિના ધ્વંષક તરીકે કરવામાં આવ્યું છે. તે સત્ય નથી. કારણકે ત્યાં યુદ્ધભૂમિમાંથી જે રીતે શબના હાડકાંઓ મળે તે રીતે મળ્યા નથી. જો આર્યો બહારથી આવ્યા હોય તો વેદનો સમય તે તેમનો નજીકનો ભૂતકાળ ગણાય અને તે તેમને યાદ હોવો જ જોઇએ. તમે જુનામાં જુના પુરાણ વાયુપુરાણમાં જુઓ જેનો મુખ્ય ભાગ અનપાણીનીયન છે તેમાં ભારતની બહારના પ્રદેશોનું વર્ણન મળે છે. પણ વેદોમાં મળતું નથી.

    ઋગ્વેદમાં સરસ્વતી નદીને સાગર જેવી વર્ણવવામાં આવી છે. આ નદીને લુપ્ત થતાં સમય તો લાગે જ. ભૂસ્તર શાસ્ત્રીઓના મંતવ્ય પ્રમાણે લુપ્તતાનો સમય ૫૦૦૦ વર્ષ થી વધુ નજીક તો ન જ હોઈ શકે.

    હવે જો આર્યોના આગમનને ૫૦૦૦ વર્ષ પહેલાં થયું એમ કહેવા જઈએ તો ઈરાન અને ગ્રીસના અવશેષોના જુનાપણા ની માન્યતાઓ ધ્વસ્ત થાય છે.

    આર્યો અનાર્યો અને બનાવોના અર્થઘટનો આર્યન ઈન્વેઝન થીયેરીને પુરસ્કૃત કરવા માટેના અને તેને સ્વથાપિત કરવા માટેના તૂક્કાઓ છે.

    વેદના કેટલાક પ્રાકૃતિક વર્ણનોને કથાનું સ્વરુપ આપીને ક્યારેક પુરાણોમાં તો ક્યારેક મહાકાવ્યોમાં દંતકથાના સ્વરુપમાં વર્ણિત કરવામાં આવ્યા છે.

    “અહો! આ ઉષા શું નવયૌવના છે. અરે તે શા માટે શરમથી લાલ લાલ થઈને ભાગી રહી છે. અરે એની પાછળ તો આ ઉગતો સૂર્ય (પ્રજાપતિ) તેને પકડવા આવી રહ્યો છે. ” આ ઉષઃકાળના પ્રાકૃતિક વર્ણનને બ્રહ્માજી (ઉગતો સૂર્ય), પોતાની પુત્રી (ઊષા) પાછળ કામાતુર થઈને દોડ્યો એવી કથા કરવામાં આવી.

    આ (વર્ષાના દેવ) ઈન્દ્રે આ ડુંગર જે અશૈલ્ય [અહૈલ્યા] (જે વનસ્પતિઓને કારણે ઢંકાયેલો હતો), તેને પોતાની ભારે વર્ષાને કારણે (વનસ્પતીઓને ઉખેડી નાખીને) વસ્ત્રહિન કરી દીધો. અહી ઉત્તમ ગાયો (ગૌતમા ચરતી) હતી. આ ઉત્તમ ગાયો પછી તેને છોડીને બીજે જતી રહી.

    આ પ્રાકૃતિક ઘટનાને ઈન્દ્રે અહલ્યા ઉપર રેપ કર્યો એવી રીતે કવિત્વની જેમ જોવામાં આવી.

    જે વિદ્વાનો સુધી વેદો પહોંચી શક્યા ન હોય ત્યાં આવા અનેક પ્રાકૃતિક અને અથવા પ્રતિકાત્મક વર્ણનોને આર્યો અનાર્યોના અર્થઘટનોને ઈતિહાસને લગતી ધારણાઓ સાથે જોડવી સ્વાભાવિક બને છે. પણ સત્ય તો અલગ જ હોય છે.

    • B D Shilu.

      દવે સાહેબ, નમસ્તે, આપની ટિપ્પણી બદલ ખૂબ ખૂબ આભાર.
      AIT=Aryn invasion theory અને AMT= Aryn migression theory ઇન્ટરનેટ પર છવાઇ ગઈ છે, ટિળકે આર્યો ઉત્તર ધ્રૂવના પ્રદેશો રહેતા તેવું પુસ્તક પણ લખ્યુ છે. વેદમાં હું વિશ્વામિત્રની તરફેણ કરું છું, વસિષ્ઠનો વિરોધ, શાસ્ત્રોમાં દ્રૌપદીની તરફેણ કરું છું, ગીતા અધ્યાય ૨-૪૬-ગોવર્ધનધારી કૃષ્ણ, દક્ષના યજ્ઞનો નાશ, વેદવિરોધના પ્રકરણો છે. મારા પુસ્તકમાં દરેક નોંધ લીધી છે. સાંખ્ય-યોગ વેદમાં નથી…… ઇતિ શ્રેયમ્ ભૂયાત્ ………. ભવસુખ શિલુ.

  • Bharat Trivedi

    માહિતી સભર ઘણો જ રસપ્રદ લેખ આપવા બદલ સુજ્ઞ લેખક તેમજ અક્ષરનાદને સાભાર અભિનંદન .

  • Nikita

    I think sir you should re-read what you have written and before dt you should read ramayan mahabharat and shrimad bhagvat gita once again …

  • jacob davis

    Great. Anary culture was far better then the aryans. Had anary won the bettle, the history of persecution and opperation of anary by the aaryans would have been different. India would be far prosperous and leader of the world in every aspect of life.