સાંખ્યદર્શન અને હિગ્ઝ બોઝોન – ભવસુખ શિલુ 1


હમણાં દુનિયામાં હિગ્ઝ બોઝોનની અસરો નોંધવાની સફળતા મળી. બ્રહ્માંડના સર્જન પાછળનું રહસ્ય શોધવા જતાં એક સ્ટાન્ડર્ડ મૉડલ તરીકે ઓળખાતી બિગ-બેંગ થિયરીને મોટાભાગના વિજ્ઞાનીઓએ માન્યતા આપી જેમાં…

બ્રહ્માંડ એક વખત અત્યંત સૂક્ષ્મ, ઘટ્ટ અને ગરમ હતું, ત્યારે એક અત્યંત વૈશ્વિક મહાવિસ્ફોટ (Cosmic Explosion) થયો જેને બિગ-બેંગ કહેવામાં આવે છે. આ ઘટના ૧૩.૭ અબજ (અબજ એટલે એકડા પર નવ મીંડા સમજવા) વર્ષ પહેલા બની હોવાનું અનુમાન છે. ત્યાર પછી બ્રહ્માંડ સતત વિકસતું રહ્યું છે અને ઠંડુ પડતું રહ્યું છે. આ વિકસતુ વિશ્વ જાણે કાળા ફુગ્ગા પર આકાશગંગાઓ દોરી વધુ ને વધુ ફુલાવતા જઈએ અને ફુગ્ગા પર દોરેલી આકાશગંગાઓ (Galaxy) એકબીજાથી દૂર થતી જાય તે રીતે સતત અને નિયમિત રીતે વિકસી રહ્યું છે અને ઠંડુ પડતું રહ્યું છે. આ થિયરી આઈન્સ્ટાઈને શોધેલી General Theory of relativity ના Field Equation તરીકે ઓળખાતા ગણિતનાં સમીકરણો પર આધારિત છે. ૧૯૨૨માં રશિયન ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિ ફ્રીડમેને કેટલાક Field Equation ઉકેલ્યા અને અમેરિકન અવકાશ વિજ્ઞાની હબલે આ સમીકરણોના પુરાવા ૧૯૨૯માં શોધી આપ્યા. આમ બ્રહ્માંડ એક મહાવિસ્ફોટથી સતત નિયમિત રીતે વિકસતું રહે છે. તારામંડળો એકબીજાથી દૂર જતાં જાય છે (એટલે તારામંડળો કે પદાર્થો એકબીજા સાથે અથડાઈ પડતાં નથી.) આવી બધી માન્યતાને વૈજ્ઞાનિક આધારો હોવા છતાં બ્રહ્માંડની પ્રાથમિક સ્થિતિ વિશે જાણી શકાયું નથી.

હજી બિગ બેંગ થિયરી એ શોધવા પ્રયત્નશીલ છે કે બ્રહ્માંડની શરૂઆત થઈ પછી તરત જ કેવી ઘટનાઓ ઘટી કે જેના કારણે પ્રકાશ, તરંગ, ઉર્જા, ઉષ્ણતા, ગતિ, રુરુત્વાકર્ષણ અને વૈશ્વિક પદાર્થો (Cosmic Material) અસ્તિત્વમાં આવ્યા.

બિગબેંગ વિસ્ફોટ પછી બ્રહ્માંડ આશરે ૪ લાખથી ૧૦ લાખ વર્ષો દરમ્યાન ૩૦૦૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ ઠંડુ થયું અને પ્રોટોન, ઈલેક્ટ્રોન ભેગા થઈ હાઈડ્રોજનનો અણુ બનાવવા પ્રયત્ન કર્યો. આ પ્રોટોન અથડાવવાથી સેકન્ડના અબજમાં ભાગમાં (તેથીય ઓછા સમયમાં હિગ્ઝ બોઝોનનું અસ્તિત્વ દેખાયું અને તુરંત રૂપાંતરિત થયું. આ ઘટનાથી Proton Electron Neutronની વજનરહિત સ્થિતિ વજનવાળી થઈ અને વિશ્વના તમામ (અણુ પરમાણુયુક્ત) પદાર્થોની રચના થવાનું સરળ થયું. (પ્રયોગશાળામાં આવી પરિસ્થિતિ ઉભી કરી હિગ્ઝ બોઝોન ગોડ પાર્ટિકલની થિયરી અસ્તિત્વમાં આવી છે.) આ પ્રયોગો દરમ્યાન સમય, વજન, વિદ્યુત ચાર્જ, ગતિ, લંબાઈ, પહોળાઈ એટલા સૂક્ષ્મ અને ખાસ પ્રકારના સાધનો દ્વારા નક્કી થતાં હોઈ તેના ઉલ્લેખો ટાળ્યા છે, છતાં પ્રોટોનમાં ૧.૬૦૨ x ૧૦Λ૯ કુલંબનો વિદ્યુતચાર્જ હોય છે અને વજન ૧.૬૭/૧૦Λ૨૭ કિલોગ્રામ જેટલું હોય છે. અભ્યાસુ, સંશોધકો અને વિજ્ઞાનીઓ માટે આ બધું જરૂરી છે.

આપણી બિગબેંગ થિયરીનું સ્ટાન્ડર્ડ મૉડેલ અને હમણાં જેનું અસ્તિત્વ શોધાયું તેને હિગ્ઝબોઝોન એટલે કે God’s particle કહે છે. આપણે બ્રહ્માંડની રચનાના આ રહસ્યને સાંખ્યદર્શનમાં વર્ણવેલી થિયરી સાથે તપાસીશું. સાંખ્યદર્શનની રચના સમયે અદ્યતન ટૅલિસ્કોપ કે માઈક્રોસ્કોપ જેવા સાધનો કે વાતાનુકૂલિત પ્રયોગશાળાઓ નહોતી છતાં ઘણાં રહસ્યો ઉકેલ્યા હોવાનું માનવામાં વાંધાસરખું નથી. વળી અહીં ભારતીય જ્ઞાનની મહાનતા કે Pseudo Scientific Theory આપવાનો પ્રયત્ન નથી પણ એક જ દિશામાં સમાંતર વિચારો સરળતાથી જાણી શકાય એવો પ્રયાસ છે.

૨૫ તત્વોનું બનેલું સાંખ્ય માનવશરીરના અનુસંધાને બ્રહ્માંડનો પરિચય કરાવે એ તેમ સાંખ્ય માને છે. શાસ્ત્રમાં તેને પ્રકૃતિપુરુષ કહ્યા છે, જે નીચેના કોઠા પરથી સરળતાથી સમજાઈ જશે.

પ્રકૃતિ – મુખ્યત્વે ત્રણ ગુણો ધરાવે છે, સ્તવ, રજસ અને તમસ જે સૂક્ષ્મ અને સ્થૂળ પ્રભાવો મારફત પ્રગટ થાય છે.

Table

સત્વગુણના સૂક્ષ્મ પ્રભાવ પ્રકાશ, તરંગ અને ઉષ્મા છે (પ્રકાશ) રજોગુણનો સૂક્ષ્મ પ્રભાવ પ્રકાશહીન તરંગો એટલે ચુંબકીય તરંગો – વિદ્યુત તરંગો (માઈક્રોવેવ આ બંને તરંગોની ઉપપેદાશ માની શકાય છે) અને ઉષ્મા (ક્રિયા) તમોગુણનો સૂક્ષ્મ પ્રભાવ ગતિ – ગુરુત્વાકર્ષણ અને સ્થિરતા – સ્થિતિ.

અહીં ગતિ અને સ્થિતિ વિરોધાભાસ જેવું લાગે પણ ભમરડૉ – સાયકલ જેમ ફરતા રહે ત્યારે જ સ્થિર રહે છે (વિજ્ઞાન આને Gyroscopic motion કહે છે જે વિમાન – સબમરીનને સ્થિરતા આપવા વપરાય છે.) તમોગુણમાં પ્રકાશ – તરંગ કે ઉષ્મા નથી તે દર્શનીય છે અને એટલે જ ગતિ – ગુરુત્વાકર્ષણમાં તરંગ કે ઉષ્મા પ્રદર્શિત થતા નથી. હવે સત્વ – રજસ – તમસનું સ્થૂળ પ્રદર્શન રંગો મારફત થાય છે. પીળો, લાલ અને વાદળી જે મૂળ રંગો કહેવાય છે તે સત્વ, રજસ અને તમસના પ્રતીક છે. વિશ્વના તમામ પદાર્થોની વિશેષતા તેમાં રહેલા સત્વ – રજસ – તમસનાં અસમાન – વિવિધ પરિમાણો દ્વારા સૂચિત થાય છે. જેમ રંગોના વિવિધ Shades અને Tones રંગોના મિશ્રણ અને પરિચયનું શાસ્ત્ર છે. આંખ ૧૦ લાખ દ્રશ્યો જુદા પાડી શકે છે. Munsell System રંગોની વિવિધતાનો અભ્યાસ દર્શાવે છે. માનવદેહ પણ પ્રકૃતિનાં તત્વોથી બન્યો હોઈ સત્વ – રજસ – તમસના જથ્થા પ્રમાણે સ્વભાવ – બુદ્ધિ – આકૃતિ પ્રદર્શિત થાય છે. આમ સત્વપ્રધાન મિશ્રણો પીળા રંગની પ્રધાનતા રજૂ કરશે. તેવી રીતે રજસમાં લાલ અને ત્તમસમાં વાદળી રંગની પ્રધાનતા પ્રદર્શિત થશે. (સત્વ જ્ઞાનરૂપ છે, રજસ ચંચળ છે અને તમસ સ્થિર, આળસુ છે.) વિજ્ઞાનમાં જ્યાં પ્રકાશ, ઉર્જા, તરંગ, ગતિ, ગુરુત્વાકર્ષણની વાત આવે તે પ્રકૃતિના ત્રણ ગુણો, સત્વ – રજસ – તમસની સાપેક્ષમાં સમજવામાં આવે તેવું સૂચિત કરવાનો આશય છે.

હવે વિશ્વના તમામ પદાર્થો પંચમહાભૂતમાં સમાઈ જાય છે. સાંખ્યમાં પાંચેય મહાભૂતનો ક્રમ સૂક્ષ્મથી સ્થૂળ તરફ ગોઠવેલો છે. જેની સૂક્ષ્મતા વધારે તેની વ્યાપકતા વધારે જેમ કે ૧ કિલોગ્રામ રૂ ને ૧ કિલોગ્રામ લોખંડ કરતા વધુ જગ્યા જોઈએ. જે પદાર્થની ઘનતા વધારે તે સ્થૂળ અને જગ્યાનું રોકાણ થોડું. જેની ઘનતા ઓછી તે સૂક્ષ્મ અને જગ્યાનું રોકાણ વધારે. આ પંચમહાભૂતના ક્રમ સાથે જોઈએ તો, સૌથી સૂક્ષ્મ આકાશ, તેથી વધારે સ્થૂળ વાયુ, વાયુથી વધારે સ્થૂળ અગ્નિ, અગ્નિથી વધારે સ્થુળ જળ અને સૌથી સ્થૂળ પૃથ્વી. કપિલ મુનિ રચિત ‘તત્વસમાસ’ માં સાંખ્યના એકવીસ સૂત્રો છે, તેમાંથી પહેલાં છ સૂત્રો અહીં વર્ણવ્યા છે. છઠ્ઠું સૂત્ર બ્રહ્માંડના અનુસંધાને ખૂબ મહત્વનું છે, अथातस्तत्त्वसमासः ।

હવે તત્વો વિષે સંક્ષેપમાં વિચાર કરીએ. अष्टौ प्रकृतयः । આઠ પ્રકૃતિ છે (મૂળ પ્રકૃતિ, મહતત્વ અહંકાર અને પાંચ તન્માત્રા – શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) षोडश विकाराः । સોળ વિકારો છે પાંચ મહાભૂત, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને સોળમું મન. पुरुषः । પુરૂષ – ચેતનત્વ – અવિકારી – અપરિણામી છે. त्रैगुण्यं । પ્રકૃતિ ત્રિગુણી છે. सञ्चरः प्रतिसञ्चरः । સૃષ્ટિ અને પ્રલય ત્રણેય ગુણોની અવસ્થાવિશેષ સ્થિતિ છે. સૂક્ષ્મથી સ્થૂળ સૃષ્ટિ અને સ્થૂળથી સૂક્ષ્મ પ્રલય થાય છે, આ ક્રમ સતત ચાલ્યા કરે છે.

બ્રહ્માંડમાં અટક્યા વગર सञ्चरः प्रतिसञ्चरः । સતત ચાલુ રહે છે. સૂક્ષ્મથી સ્થૂળ – આકાશથી પૃથ્વી તરફના આવર્તનથી સૂષ્ટિની રચના થાય છે. સૃષ્ટિની રચના પછી પ્રલય થાય છે ત્યારે ફરી સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ગતિ થાય છે. અહીં પ્રકૃતિના ગુણોના પ્રભાવ શાંત થઈ જાય છે. આને શાસ્ત્ર ગુણોની સામ્યાવસ્થા કહે છે. સાંખ્ય કાળ અને દિશાને તત્વો ગણતું નથી છતાં, શાસ્ત્રોમાં સૃષ્ટિના આવર્તનને બ્રહ્માનો દિવસ ગણવામાં આવ્યો છે. પ્રલયના આવર્તનને બ્રહ્માની રાત્રી ગણી છે. ૪૩૨ x ૧૦Λ૭ માનવવર્ષ = બ્રહ્માનો એક દિવસ = એક સૃષ્ટિનું આવર્તન ગણ્યું છે જે ૧૩.૭ અબજ વર્ષની સરખામણીએ ત્રીજા ભાગનું છે, એટલે સમયની કલ્પના વિજ્ઞાન કરતાં ઓછા સમયની છે છતાં સાંખ્ય સૃષ્ટિના આવર્તનની જેમ પ્રલયનું આવર્તન પણ કલ્પે છે. એટલે હિગ્ઝ બોઝોન અસરથી વજનરહીત પ્રોટોન ઈલેક્ટ્રોનને વજનવાળા બનાવ્યા તેવી ઉલટી અસર (કેટલાક અબજ વર્ષો પછી) પણ થવા સંભવ છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફ પ્રલય જે Proton Electron ને પાછા સેકન્ડના અબજમાં ભાગમાં વજનરહિત દશામાં ધકેલી દઈ Materialistic Univese નાશ કરી કે સૂક્ષ્મમાં પરિવર્તિત કરી પ્રલય સર્જશે. આ પ્રકૃતિના ગુણોની સામ્યાવસ્થા છે. ફરી સૂક્ષ્મમાંથી સ્થૂળ.. સૃષ્ટિ ! सञ्चरः प्रतिसञ्चरः । વળી સૃષ્ટિનું (૩૦ અબજ વર્ષો પછી) આવર્તન, નવો આઈન્સ્ટાઈન, નવો હિગ્ઝ બોઝોન !

– ભવસુખ શિલુ


Leave a Reply to BhagavatiCancel reply

One thought on “સાંખ્યદર્શન અને હિગ્ઝ બોઝોન – ભવસુખ શિલુ

  • Bhagavati

    નમસ્કાર……. Thanking U… I can not type in Gujarati…on this Pro. why u can’t give facilities to Save/DownLoad/Paste facilities…..as we save these all articals….. Jay Jay Garavi Gujarat… Jay Hind!!