ચાર ગઝલો – યાકૂબ પરમાર 2


ગઝલ – ૧

કરી ના કસર હિમશીલા આ૫વામાં,
ગયાં છે વરસ આ બરફ કાપવામાં.

તરસ બેવડી થાય ઓછું પીવામાં,
બને એક સહરા શરમ રાખવામાં.

સુકાતી રહી નેજવાની પ્રતીક્ષા,
નથી કોઇ કૂંપળ હવે લાગવામાં.

ગયા કયાંય તૂટી બની એક સપનું,
થયા એમ કાતિલ તમે જાગવામાં.

સુકાતાં જતાં લાગણીનાં સરોવર,
કરે કોઇ જલ્દી હવે આવવામાં.

ગઝલ – ૨

આપી હતી અમાનત ના સાચવી શકાતી,
એવી જ તા કયામત ના સાચવી શકાતી.

બેસી રહું ભરોષે એવા નથી ભરોષા,
મારી જ શુધ્ધ દાનત ના સાચવી શકાતી.

લુણો લગાડવાની હું પેરવી કરું છું,
મારી જ આ ઇમારત ના સાચવી શકાતી.

વીંટેલ જીવતરના ફાટેલ ચીંથરામાં,
મૂડી બઘી અનાહત ના સાચવી શકાતી.

આવી મને સતાવે આ લાગણીનાં ટોળાં,
તેથી કરી ઇબારત ના સાચવી શકાતી.

ગઝલ – ૩

ઉડાડવા અલકલટ જાતો કબુલ છે,
વ્હેતા પવનની સાથે નાતો કબુલ છે.

સુનકારના નહોરો પીંખે ઘડી ઘડી,
બોલો તમે ગમે તે વાતો કબુલ છે.

અંદર જરાક ઝાંખી આપો જવાબ કે-
યા તો કશી ખબર ના, યા તો કબુલ છે.

ઘેઘૂર વૃક્ષ જેવા દિવસો ભલે જતા,
નાજુક ફૂલ જેવી રાતો કબુલ છે.

યાકૂબને ગતાગમ પડતી નથી હજી,
લાચાર એટલે તો થાતો કબુલ છે.

ગઝલ – ૪

ભલે હોય સાગર તૂફાની તરીકે.
ભરી પીશું એને સુકાની તરીકે.

ચહેરા ઘણાયે નજાકત ભરેલા,
ઘણા વાપરે છે બુકાની તરીકે.

હતી આંખમાં જે ચમક એક ક્ષણની,
ગણી છે અમે તે જુબાની તરીકે.

શરમમાં રહી પાઠવી ના સલામી,
ભલા ના ગણો બદગુમાની તરીકે.

કશી વેદનામાં લખી શાયરી આ,
છતાં છાપ ઉઠી રૂમાની તરીકે.

– યાકૂબ પરમાર

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિઓ છે. ચાર સુંદર ગઝલો આજે તેમણે પ્રસ્તુત કરી છે. આ સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


Leave a Reply to Hemal VaishnavCancel reply

2 thoughts on “ચાર ગઝલો – યાકૂબ પરમાર

  • ashvin desai

    યાકુબ સાહેબ્ને સલામ સાથે ઈર્શાદ
    આ શાયર કુદરતિ બક્ષિસ લૈને આવેલા કવિરદય ચ્ચ્હે , તો જ એમ્ને વજન
    અને મિતર આતલા સહજ – સ્વાભાવિક હોય
    એમ્ના મત્લા રદય્ને – ભાવકના – ઘેરિ ચોત પહોચાદેચ્ચ્હે , ધન્યવાદ
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા