શાશ્વતની શોધ.. – કર્દમ આચાર્ય 2


Astitvadarshan Title Pageઆ વિશ્વ કયા મૂળભૂત સિદ્ધાંત પર ચાલે છે? શું તે અવ્યવસ્થિત તથા અનિયમિત છે? વિજ્ઞાનો, મનોવિજ્ઞાનો, સમાજશાસ્ત્રો કે ધર્મશાસ્ત્રોએ વર્ણવેલા અનેક સિદ્ધાંત પૈકીના કોઇ એક સિદ્ધાંતથી આ વિશ્વ સંચાલિત હોઇ શકે? દર્શનશાસ્ત્રમાં એક એવો મત છે કે જીવન તદ્દન અસંગત છે અને તે ન સમજી શકાય તેવો કોયડો છે. આવા અસંગત જીવનનો કોઇ કર્તા ન હોઇ શકે વળી, એક મત એવો પણ છે કે જીવન કોઇ કોયડો નથી. તે એક વ્યવસ્થિત શક્તિ દ્વારા સંચાલિત છે, પરંતુ ત્યાં પણ તેના કર્તાનો નિષેધ કરવામાં આવ્યો છે. એક એવું અર્થઘટન પણ છે કે જીવનને કોઈ સમજી શક્યું નથી કારણ કે તેનો કર્તા મનુષ્યની સમજની મર્યાદાઓથી પર છે. તે કર્તા – ઈશ્વરની જ આ લીલા છે અને જીવન ન્યારું છે. આવા અનેક તાત્વિક મતો કુતૂહલોને શાંત કરવા સમર્થ હોઈ શકે, પરંતુ બુભુક્ષિતો માટે સક્ષમ નથી.

જો આપણે જીવનનો મૂળભૂત નિયમ જાણી લઈએ તો જીવન સુખમય રીતે વીતી શકે, પરંતુ જીવનનો તે નિયમ પરિમિત એવું મન શોધી શકે તેમ નથી. જીવન અનોખું છે. અને આપણે તેને નિશ્ચિત હોય તો આપણે નિશ્ચિંત થઈ જીવન જીવી શકીએ. આપણે ચિંતનવિહોણા, પ્રમાદી તથા મૂઢ બની જવા માંગીએ છીએ કારણ કે જાગૃતિ ચિંતન તથા સજ્જતામાં રહેલા ઉત્તરદાયિત્વને આપણે નકારવું છે. વિવેક તથા સમજની જાગૃતિના પ્રાથમિક તબક્કામાં આવી જતાં, આપણે જે ભાવિ જવાબદારીઓ નિહાળી છે તેને ટાળવા માટે કોઈ સામાજિક, ધાર્મિક કે તત્વજ્ઞાન પ્રેરિત ખ્યાલ સાથે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે અથવા જીવનના સ્તરહીન પાસાં સાથે આપણી જાતનું સમાયોજન કરી દીધું છે. આ રીતે આપણે વિચારવિહીન માનસમાં જીવન વિશે આપવામાં આવેલાં અનેક ખ્યાલોમાંથી ગમે તેને મૂળભૂત સિદ્ધાંત માની લીધો છે.

ત્યારે શું વિશ્વના મોટા ભાગના લોકો જે કરી રહ્યા છે તેવું આ લોકમાન્ય વર્તન ભ્રાંતિ છે? વિશ્વના પ્રસિદ્ધ તત્વજ્ઞાનીઓ, રાજકીય પુરુષો, આધ્યાત્મિક ગુરુઓ તથા મનોવૈજ્ઞાનિકોથી માંડીને સામાન્ય જનસમુદાય સુધી બધાં જ એક યા બીજી કોઈ ને કોઈ સિદ્ધાંતને સ્થાયી તથા મૂળભૂત જ માને છે અને તે રીતે જ પોતાનું જીવન આયોજન ગોઠવે છે ત્યારે શું તે બધાં સંભ્રાત છે? ના, તેઓ સાવ ખોટાં તો નથી જ. તેઓ જે સિદ્ધાંતને માને છે તે સિદ્ધાંત તેઓને પોતાને સાચો લાગતો હોય છે. મૂળભૂત રીતે તે સિદ્ધાંત સાચો હોતો નથી, પરંતુ તે બધા મૂળભૂત રીતે તો જીવતા પણ નથી. ઉચ્છૃંખલ તથા છીછરું વિચાર્યું કે ના વિચાર્યું અને સિદ્ધાંત મેળવી લીધો. આ જ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ. જેમ જેમ તે સિદ્ધાંત દ્રઢ થતો જાય છે કે કરવામાં આવે છે તેમ તેમ આપણને પોતાનું જિવન તેવું જ લાગતું જાય છે. મનને અમુક નિશ્ચિત અનુભવો તથા ઘટનાઓમાંથી જ આપણે પસાર થવા દઈએ છીએ ત્યારે જે તે સિદ્ધાંત દ્રઢ બનતો જાય છે. આ રીતે આપણે અન્યને પણ આપણો સિદ્ધાંત માનવા પ્રેરીએ છીએ તથા તે પ્રમાણે બધું વિસ્તાર પામતું જાય છે.

હવે તેની વિચારણા એવી રીતે કેળવાઈ જતાં તેને જીવન જે સિદ્ધાંત પ્રમાણે જ ચાલતું દેખાય છે. આ રીતે સિદ્ધાંત સાથેનું તેનુ તાદાત્મ્ય ગહન બનતું જાય છે ત્યારે તે દ્રઢતાથી તેને માનવા લાગે છે અને સઘળું તે પ્રમાણે જ તેને લાગે છે તેથી તેના માટે તે સિદ્ધાંત સાચો લાગવા માંડતો હોય છે. આવી રીતે માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાચાં છે તથા તે શાસ્ત્રોમાં પ્રગટ થયેલા એકબીજાથી વિપરીત સિદ્ધાંતોને માનતા શાસ્ત્રીઓ તથા લોકો પણ એક જ સમયે સમાનપણે સરખાં સાચા છે! જ્યોતિષશાસ્ત્ર કે માનસશાસ્ત્ર અથવા કોઈ સાધના કે ધ્યાનપ્રયોગ, તત્વજ્ઞાન કે ગમે તે સિદ્ધાંતોને આપણે જીવનને નિશ્ચિંત બનાવવા માટે ગળે વળગાડીએ છીએ. આ રીતે જોતાં ઓઝાઓ, તાંત્રિકો તથા એક્ઝોસીસ્ત એટલા જ સાચા છે જેટલા વૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો તથા બુદ્ધિજીવીઓ. સાચા અર્થમાં તમારે જીવનનો મર્મ સમજવો હોય તો પોતાની જાત પ્રત્યે પૂર્ણ પ્રામાણિક બનવું પડશે. સુખ-દુઃખની પરવા કર્યા વગર વિવેક તથા વિચારને સાધન બનાવી તમારે બધાંમાં તપાસ કરવી જોઈએ.

જ્યારે આપણે પ્રામાણિકતા, સાહસ તથા વિશુદ્ધ બુદ્ધિના આ માર્ગ પર પ્રસ્થાન કરીએ છીએ ત્યારે પ્રારંભે મનનું માળખું તૂટવા માંડે છે. તેથી ભ્રમિત ન થતાં અદ્વિતિય ક્ષમતા સાથે પથ પર સ્થિર રહેવાથી આ સર્વના સ્પષ્ટ સ્વરૂપથી આપણે વાકેફ થઈશું તથા આ ગૂંચવાડામાંથી આપણે બહાર આવી શકીશું.

અદ્વૈત-વેદાંતદર્શન બ્રહ્મ સિવાયની તમામ બાબતોને મિથ્યા ગણાવે છે અને છતાં ત્યાં ઘણાં સિદ્ધાંતોનું નિરુપણ કરવામાં આવ્યું છે તેનો શો અર્થ છે? સિદ્ધાંત નિરુપણની આ બાબતને સમજવા માટે આપણે સૌપ્રથમ પ્રસિદ્ધ જર્મન વિચારક ઈમેન્યુઅલ કેન્ટને સમજીએ. પોતાના પુસ્તક ‘ક્રિટિક ઓવ્ પ્રેક્ટિકલ રીઝન’ તથા ‘ક્રિટીક ઓવ્ પ્યોર રીઝન’માં તેઓ વેદાંતદર્શનની આ બાબતને વ્યાપક પરીપ્રેક્ષ્યમાં વર્ણવે છે. તેઓ જણાવે છે કે સિદ્ધાંતોનું વ્યાવહારિક રીતે અસ્તિત્વ તપાસતાં તે સત્ય હોઈ શકે છે, પરંતુ મૂળભૂટ રીતે તે એવું નથી. અદ્વૈતનું દર્શન આ તથ્યથી ઘણું આગળ છે તથા વિશદ પણ છે. ઈમેન્યુઅલ કેન્ટ વ્યાવહારિક રીતે ઈશ્વરનો સ્વીકાર કરે છે, પરંતુ પારમાર્થિક રીતે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી. વેદાંત પણ તેમ જ કહે છે કે પારમાર્થિક દ્રષ્ટિની પૂર્ણ ખીલવણી બાદ જીવ, જગત, ઈશ્વર, માયા, વિદ્યા, અવિદ્યા વગેરે તમામ દ્વંદ્વો તથા જોડકાં મિથ્યા છે તે જણાય છે; પરંતુ વ્યવહારિક રીતે જગત છે, માનવ છે, તત્વજ્ઞાનો છે, તેમાં વિવિધ સિદ્ધાંતો નિરુપિત છે. તેને સ્વીકારવા માટે મનુષ્ય સ્વતંત્ર છે તથા જે તે સિદ્ધાંત સત્ય પણ છે.

મહત્વની બાબત અહીં એ છે કે તમે કેવી રીતે વિચાર કરો છો. જો તે વ્યવહારિક હશે તો તમારી વાત સાચી છે, પરંતુ પારમાર્થિક રીતે આ બધું સાચું નથી. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પ્રમાણે વિચારતાં વિશ્વના બે સિદ્ધાંતો છે તેમ આપણને જણાય છે. શું વ્યવહારિક તથા પારમાર્થિક એમ બે સત્યો હોઈ શકે? ઈમેન્યુઅલ કેન્ટ વ્યાવહારિક તથા પારમાર્થિક સત્તાઓની વ્યપક છણાવટ કરે છે. પરંતુ અદ્વૈત વેદાંત એને બીજી દિશા આપે છે. આધ્યાત્મિક રીતે નહીં પરંતુ દાર્શનિક રીતે જોઈએ તો જો આપણે ગહન તથા મૂળભૂત રીતે વિચારણામાં પ્રવૃત નથી થતા તો વ્યાવહારિક રીતે વિશ્વના તમામ સિદ્ધાંતો અગ્રતાક્રમ અનુસાર સાચા હોઈ શકે તથા તે વિચારણા જો ગહન તથા વિશદ અને મૂળભૂત રીતે કરવામાં આએ તો ત્યારે સર્વ સિદ્ધાંતોનું મિથ્યાત્વ સિદ્ધ થાય છે. વેદાંત જે રીતે પારમાર્થિક સત્તાની અપેક્ષાએ વ્યાવહારિક સત્તાને મહત્વહીન માની લે છે એ રીતે નહીં, પણ વ્યાવહારિક સત્તામાં નિર્ણાયક વિચારણા કરી એના સત્ય અસત્યનો વિવેક મનુષ્ય માટે જરૂરી બની જાય છે. ‘પ્યોર રીઝન’ અને ‘પ્રેક્ટિકલ રીઝન’ના ખ્યાલને સમજવા માટે એમાં ત્રીજું સત્ય ઉમેરાય છે અને તે છે ‘પ્રાતિભાસિક સત્ય.’

એ સત્ય મુજબ જગત પ્રાતિભાસિક સત્તા વાળું છે. પારમાર્થિક રીતે જોતાં વિશ્વ તેના સર્વ સિદ્ધાંતો સાથે નિરર્થક છે, વ્યાવહારિક રીતે જોતાં તે સર્વ સિદ્ધાંતોનો વિવેક કરતા તેમાંના ઘણા સાચા તથા અન્ય ખોટાં છે. આ પ્રતિભાસ વિચારણા બહુમૂલ્ય બની શકી હોત, જો તેને પારમાર્થિક અને વ્યાવહારિક પૃથક હસ્તી આપવામાં આવી હોત. એક બ્રહ્મનિષ્ઠ મુક્તાત્મા માટે અમૂર્ત આત્માની અનુભૂતિ જેટલી સાચી છે એટલો જ એક ભૌતિકવાદી વિજ્ઞાની માટે તેના અબ્યાસનો વિષય એવો પદાર્થ સાચો છે! અને આ ઉભય વચ્ચે એક કવિ છે, એક પ્રેમી છે અને અસંખ્ય સાધારણ મનુષ્યો છે જે પોતાની કલ્પનાના જગતો સાથે વિનિમય સાતત્યમાં તન્મય છે. જગતની હસ્તી પ્રતિભાસમાં વધુ સારી પેઠે સમજી શકાય છે. અલબત્ત એ શબ્દનો પારંપારિક અર્થ તો કંઈક ઓર જ ચે પરંતુ આપણે અહીં એનો નવો અર્થ સમજીએ છીએ.

મૂળ મુદ્દો એ છે કે જીવનનો શાશ્વત સિદ્ધાંત જણાઈ જાય તો જીવન સરળતાથી જીવી શકાય? શાશ્વતની શોધયાત્રામાં ગૌતમ બુદ્ધને જે કાંઈ મળ્યું એની તપાસ કરતાં બધું જ ક્ષણિક જણાયું, અનિત્ય જણાયું, કશું જ એવું હતું નહીં જેને શાશ્વત કહી શકાય. હવે વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો કાળબદ્ધ એવા અનેક સિદ્ધાંતો મનુષ્ય જીવનનો આધાર બની ચૂકયા છે. અંતતઃ પરિવર્તનશીલ એવા એ સિદ્ધાંતો દેશ-કાળમાં જે તે સ્તરના માનવજીવનનો આધાર હતા. પ્રાતિભાસિક વિચારણા જગતને ભૌતિક પદાર્થના સ્થૂળરૂપમાં જોવાની વાત નથી કરતી. પ્રતિભાસવિચાર વિશ્વને ગહનતમ દ્રષ્ટિથી અવલોકે છે અને મનુષ્યને પ્રશ્ન કરે છે. એ કોઈ આધ્યાત્મિક નિરપેક્ષતાના ખ્યાલમાં નીતિ અને અનીતિને આશ્ચર્યથી જુએ છે. તે અનંતની અપેક્ષાએ ચાલી રહેલી ક્ષણોને નિહાળી શકે છે. પણ ચાલી રહેલી ક્ષણોની સાપેક્ષે અનંતની વ્યર્થતાને પણ જોઈ શકે છે. શાશ્વતની શોધ ઠગારી નિવડે અને ભલે સરવાળે શૂન્ય જ સાબિત થાય, પણ જીવન જીવવા માટે પ્રાતિભાસિક સત્તા તરીકે જગતને નિહાળવાની ચાવી સાંપડે એ જ મનુષ્યનું સદભાગ્ય.

પારમાર્થિક દ્રષ્ટિએ અતિશય આદર્શવાદમાં મગ્ન એવા મનની કલ્પનાની ઉત્તુંગ શિખા છે તો વ્યાવહારિક દ્રષ્ટિ ક્યારેકતો વધુ પડતા વાસ્તવવાદના ડૉળમાંથી વ્યક્ત થતી નિરસતા અને શુષ્કતાની પ્રતીતિ કરાવનારી વિચારણા જણાય છે. પ્રતિભાસવિચાર થકી આપણે જીવનના એ ઉભય અત્યંતબિંદુઓને સમજીને એના મધ્યકમાં સ્થિતિ કરી શકીએ એ માટે સહાયક વિચારણા બની શકે. એમાં વાસ્તવિક આદર્શવાદ અથવા કહો કે આદર્શ વાસ્તવવાદનું અમૂર્ત સ્વરૂપ પ્રગટ થાય છે.

– કર્દમ આચાર્ય
(‘અસ્તિત્વદર્શન’ સામયિકના ડિસેમ્બર ૨૦૧૩ના અંકમાંથી સાભાર. સામયિકની વધુ વિગતો ‘આપણા સામયિકો‘ એ પૃષ્ઠ પર ઉપલબ્ધ છે.)

અસ્તિત્વદર્શન એક વિચારપત્ર છે, ચિંતનાત્મક દાર્શનિક પત્રિકા. પ્રાચીન – અર્વાચીન એવા તત્વજ્ઞાનોને એક આગવી રીતે જોવાની દ્રષ્ટિ તો અહીં અભિપ્રેત છે જ, ઉપરાંત જીવનને સ્પર્શતી બાબતોને એક દાર્શનિકના દ્રષ્ટિકોણથી જોવાની કલા હસ્તગત કરવાનો એક પ્રયત્ન છે. આદર્શવાદ અને વ્યવહારવાદની સમજ સાથે આદર્શ વાસ્તવવાદ તરફ ઈંગિત કરતી કર્દમ આચાર્યની પ્રતિભાસ વિચારણા આજે અહીં પ્રસ્તુત કરી છે. આદર્શવાદ – idealism અને વ્યવહારવાદ – practicalism એ બંને શબ્દોના અર્થમાં ઉંડા ઉતરીને ideal practicalism અથવા આદર્શની શક્ય એટલું નજીક રહેલી વાસ્તવિકતા વિશેના વિચારની તાત્વિક વિચારસરણી અહીં પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ‘અસ્તિત્વદર્શન’ નો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

બિલિપત્ર

कितना आसान है एक कविके लिए लिख देना, जिस्मके अत्याधिक दोहनसे मर गई वैश्याओंके बारेमें, कुत्तों द्वारा चाटी गई रोटीयोंको देखवे देखते मर गए ईन्सानोंके बारेमें,और उन इश्वरोंके बारेमें जिनकी स्त्रिलिंग संतानें असुरोंके भयसे गर्भमें ही छुपी रही. लेकीन जब चुननेका वक्त आता है, कवि नहीं चुनता बदसूरत औरतें शादी के लिए, दरअसल कविता वैश्याओंके मंगलसूत्रकी तरह है, और कवि वीर्यकी तरह, एक माध्यमसे ज्यादा कुछ नहीं, और अपने ईस अर्थमें कोई भी कवि विश्वसनीय नहीं है. बेशक स्याहीका रंग कैसा भी हो, अक्षरोंके बीच खडा कवि उतना ही काला है जितना बारिश रूकने के ईंतजारमें कोठे के बाहर खडा संन्यासी…

Manaash Grewal


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “શાશ્વતની શોધ.. – કર્દમ આચાર્ય