આયુની ઋતુ – ઉત્સવ તલાટી 19


ઋતુ,

તને વહાલી કહું, પ્રિય કહું, જીવનસંગિની કહું કે મારું મન કહું. તને મારી આત્મા કહું, હૃદય કહું કે લોહીથી સંબોધું. કહેવા માટે તો અપાર શબ્દો છે પણ તારો ચહેરો મનમાં આવતાં જ બધું ભૂલાઈ જવાય છે, શબ્દકોશની મર્યાદા જાણે પૂર્ણ થઇ ગઈ હોય. વર્ષો થયા હશે મને તારા દિદાર થયે, એ વર્ષો યાદ કરીને મન ભીંજાઈ જાય છે. મારી અને દરેક માનવીની મજબૂરી એ છે કે દુકાળના સમયમાં જેમ પાણી વહી જાય એમ સમય વહી જાય છે. પણ ખેર ! સમય સમયનું કામ કરે અને શરીર શરીરનું. પથારીવશ થયો છું અને પરમ કૃપાળુ મને એમના દ્વારે તેડવા આવ્યા છે. જતાં જતાં આ દુનિયા જેને લીધે હું જીરવી શક્યો, લડી શક્યો, જીતી શક્યો એને છેલ્લા રામ-રામ કહેવા પરમ કૃપાળુએ થોડો સમય આપ્યો છે. કાયમ માટે છૂટા પડ્યા એ પહેલા તારો એક સવાલ “આયુ વગર ઋતુ અધૂરી છે ?” નો જવાબ અધૂરો રહી ગયો હતો. જીંદગીની છેલ્લી મિનીટો જીવી રહ્યો છું ત્યારે આ જવાબ તને તારી જીજ્ઞાસા પૂર્ણ કરી દેશે એવી મને અપેક્ષા છે.

વર્ષોના વર્ષો વીતી ગયા છતાં આપણે ન મળી શક્યા એના મારા શમણા અધૂરા રહી જવાના. વર્ષો પહેલા નંદગોપાલ ના મંદીરના ટેકરા ઉપર તને પહેલી વાર જોયેલી. જાણે કામદેવની વિશેષ કૃપાએ તને રચી હોય એવું તારું રૂપ હતું. અપ્સરા અને કામિનીની રાણીના દર્શન થયા હોય એવો અહેસાસ થયો હતો. આશ્ચર્ય અને મોહિત જેવા શબ્દોને પણ પાછળ પાડી દેતો હોય એવો શબ્દ જો શોધાયો હોત તો એ શબ્દોનો સ્વામી બની ગયો હોત તને જોઈ ને. તેં મને જોઇને જે મર્માળુ સ્મિત આપ્યુ હતું એ હજુ મારા મનમાં આનંદનો મેળો ભરી દે છે.

કહેવા માટે તો તું નગર સરપંચની દીકરી અને હું ગરીબ કિસાનનો દીકરો. આપણું મિલન તો ક્વચિત, શક્ય જ નહોતું. પરમ કૃપાળુ એ આપણે બંનેને ભેગા રહેવા માટેનો જે સમય આપ્યો, એના માટે હું મારી જાતને નસીબદાર ગણું છું. ગામથી દૂર ભાગી જવાનો આપણો નિર્ધાર તારી બીમાર માતાના નિસાસાને લીધે પૂરો ન કરી શક્યા, અને છેવટે જે થવું હતું એ જ થયું. ગામમાં મારા બાપુની આબરૂ જમીનદોસ્ત કરતી તારા પિતાની આકરી વાણીએ તો જાણે અમારું બધું છીનવી લીધું. બાપુજી આ દુખ ન જીરવી શક્યા અને સ્વર્ગવાસ પામ્યા, મારી માં પણ બહુ લાંબા સમય સુધી બાપુજીના અચાનક અવસાનને સહન ન કરી શકી અને એમણે પણ બાપુજીના માર્ગે વાટ પકડી. આ બધું થતું રહ્યું ત્યારે તું પણ ભીની આંખે જોતી રહી. આમાં તો તારો વાંક પણ ન કાઢી શકું. વાંક કાઢી શકું તો ફક્ત કુદરતનો જેણે પ્રેમ નામનો શબ્દ બનાવ્યો, પ્રેમ નામની લાગણી બનાવી, જે જીવનમાં ઋતુની જેમ બદલાતી રહે છે. ગામ છોડી ને ચાલ્યો ગયો, એ આશા સાથે કે એક દિવસ શહેરથી પાછો ફરીશ તારો હાથ માંગવા, જ્યારે પાનખર ઋતુ શમી ને વર્ષાની ઋતુ આવશે.

હા, હું પાછો ફર્યો પાંચ વર્ષે – મોટી ગાડીમાં, નોકર ચાકર સાથે. પણ જોયું તો તું ત્યાં નહોતી. પૂછપરછ કરતા સાંભળવા મળ્યું કે તારા પિતાજીએ તને શહેરના કોઈ મિલમાલિકના દીકરા સાથે પરણાવી દીધી છે. મારું મન માનતું ન હતું. ઋતુ આયુને કદી છોડી ને ન જાય. મારા જૂના ખેતરની ઓરડીમાં તારા લખેલા પત્રો વાંચીને તો જાણે મારું મન વિચલિત જ થઇ ગયું. પાછો આવ્યો હું તારે શહેર – તને જોવા અને મળવા, મારા મનને ઠંડક આપવા. જોયું તો તું હાથમાં એક નાની પરી ને લઈને હસીખુશીથી જઈ રહી હતી, અને હું સમજી ગયો – આ જન્મમાંતો ઋતુ આયુની ન થઈ શકી. હું પાછો ફરી ગયો.

વર્ષો વીતતા ગયા અને મેં મારું લોહી રેડી ને જે કારખાનું ચાલુ કર્યું હતું એને મહેનત અને લગનથી પ્રગતિના પંથે સારથી બનીને આગળ વધારતો ગયો, આપણે બંનેએ ભેગા મળીને નિર્ણય લીધો હતો કે એકબીજાના ન થઇ શક્યા તો જીવનમાં એકલા જ જીવીશું, એનું મેં તન અને મનથી પાલન કર્યું. દિવસો વીતતા ગયા એમ સમયનો સાદ ઠંડો પડતો ગયો, પણ તારી આશા મને એકલો મૂકે એમ ન હતી. ત્રીસની ઉમરે પહોંચ્યો ત્યારે મને મારા ખોળામાં હસતા રમતા બાળકની તમન્ના થવા માંડી, પણ તારી સાથે લીધેલું એક અડીખમ વચન મને રોકી રહ્યું હતું. રૂપિયા, શાન, નામ, બધું હોવા છતા એકલો રહી ગયો હતો.

અને એક દિવસ જાણે સમય ની ઋતુ બદલાય એમ મારો પણ દિવસ બદલાયો. મારા નવા કારખાના ને નવી જગ્યાએ સ્થાપિત કરવા જગ્યાની શોધમાં આપણા શહેરના છેવાડે આવી પહોંચ્યો. ત્યાં જઈ ને જોયું તો જે જગ્યા પર હું મારા નવા કારખાનું સ્થાપવા નવા શમણા જોઈ રહ્યો હતો, એ જ શમણાં બીજી ત્રીસ કોમળ પાંખડીઓ માટે માથા પરથી છાયા લઈ લેવા સમાન હતા. હું જે જગ્યા લેવા નીકળ્યો હતો એ જગ્યા એક ફડચામાં ગયેલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘પ્રેમની ઋતુ’ નામનો અનાથ આશ્રમ હતો જેમાં માતૃપ્રેમથી વંચિત, પિતૃછાયાથી વેગળા એવા ત્રીસ બાળકો સહારો લેતા હતા. મારાથી એ દિવસે અજાણે એવું એક પાપ થઇ જાત જે હું ક્યારેય ઉતારી ન શક્યો હોત. હું એ દિવસે શું કરવા જઈ રહ્યો હતો ! એ નાના કુમળા બાળકો પરથી એક માત્ર રહેઠાણનું સ્થળ લઇ લેત.

મેં એ કર્યું જે વિચારવાનો કે કરવાનો પણ સપને ખ્યાલ ન હતો. હા, મેં એ આખી જમીન ખરીદી લીધી, કારખાનુ બાંધવા નહી પરંતુ એ અનાથ આશ્રમ કાયમ પેલા નાના ભૂલકાઓને ખુશી અને સહારો આપી શકે એ માટે. ટ્રસ્ટનું કામ મેં મારા હાથમાં લઈ લીધું. ઋતુને ખોળે મારા નાના ભૂલકાને રમતા જોવાનું ભલે મારું શમણું અધૂરું રહી ગયું પરંતુ ભગવાને મને એક નહી, ત્રીસ નાનાં ભૂલકાં આપી દીધા.

પછી તો કારખાનું ધમધોકાર દોડતું રહ્યું, ઓર્ડેરથી કામ અને રૂપિયાનો વરસાદ થતો હતો. એ જ રૂપિયા મેં પેલા અનાથઆશ્રમ માટે વાપરવાનું શરૂ કરી દીધું. અનાથઆશ્રમ નું નામ પણ કેવું અજીબ ! ‘પ્રેમની ઋતુ’. જાણે ભગવાને ઋતુ અને એના ત્રીસ ટેણીયા મને કાયમ માટે સાચવવા આપી દીધા. પછી જીવનમાં બીજું શું જોઈએ? દિવસ કારખાને અને સાંજ આશ્રમ પર વીતાવવા લાગ્યો. ધીમે ધીમે એ મારા ત્રીસ દીકરા-દીકરીઓનું નિવાસસ્થાન અત્યારે પચાસ ઉપર દીકરા-દીકરીઓનું ઘર બની ગયું છે. સાચવું છુ બધા ને, જાણે આપણા પ્રેમની નિશાની હોય. આયુપપ્પાના નામથી જ્યારે પણ એ લોકો મને સંબોધે ત્યરે ત્યારે તો જીવનમાં મોક્ષ પ્રાપ્ત થઇ ગયો હોય એવો એહસાસ થતો.

આજથી બે મહીના પહેલા અચાનક ખુરશી પરથી ફસડાઈ પડ્યો. મારા કામદારો મને હોસ્પિટલ લઈ ગયા. બધા ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે મને કેન્સર છે અને બહુ સમય પણ હાથમાં ન હતો. એટલે બાકીનો જે સમય મારી પાસે હતો એમાં મારું બધુંય મારા સર્વ કામદારોને હસ્તગત કરવાનો મેં નિર્ણય લીધો. એવામાં એક દિવસ મારા અનાથઆશ્રમના કાગળ વાંચતા તારી પરીનું ચિત્ર જોયું. હું સ્તબ્ધ થઇને સુનમુન બેઠો રહ્યો. વધારે તપાસ કરતા ખબર પડી દે કે તે અને તારા પતિ એ આ ગુડિયા ને દત્તક લીધી હતી, એ પણ આજ અનાથઆશ્રમમાંથી. કુદરતનું કેવું ચક્ર કે એ પરીનું નામ પણ ઋતુ હતું. ઋતુ, એની જ ઋતુ જેની સાથે મેં મારી સાત જીંદગી જોડે રહેવાના શમણાં જોયા હતાં. આજે એજ ઋતુ પોતાનો પ્રેમ એની નાની ઋતુ પર છલકાવી રહી છે.

તું આ જીંદગીમાં મારી અર્ધાંગીની તો ન બની શકી પણ હું પરમ દયાળુને પ્રાર્થના કરું છું કે બીજા જીવનના અવતારમાં તું જ મારી બને. આ પત્ર જોડે મે તારી ઋતુના નામનો કાગળ મૂક્યો છે જેમાં બાકીની મારી સર્વ સંપતિ તારી લાડલી ઋતુના નામે કરી ને જઉં છું. જેના માટે હું આખી જીંદગી કમાયો એના માટે તો કંઈ ન મૂકી શક્યો, તને એ નાની પરી ચોક્કસ સવાલો પૂછશે, પણ બધા સવાલો ના જવાબ તું ખુશીથી આપજે.

આયુ.

– ઉત્સવ તલાટી

અમેરીકાની ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહેલા ઉત્સવભાઈ તલાટીની આ પ્રથમ રચના છે. આયુ ઋતુને પ્રેમ હ્રદયથી કરે છે, બંને મળી શક્યા નથી – મળી શકવાના નથી એ હકીકત છે. અણધારી રીતે યુવાનીમાં જ જીવનના અંતિમ પડાવ પર ઊભેલા આયુને એ હકીકતની ખબર છે અને એ વાતને લઈને તેનો ઋતુને સંબોધીને લખાયેલ આ પત્ર વિશેષ બની રહે છે. પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવા તેમણે અક્ષરનાદને પાઠવી છે. પ્રથમ સર્જન વિશેષ હોય છે અને અનેક મિત્રોએ એ માટે અક્ષરનાદને તક આપી છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ ઉત્સવભાઈનો આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.


Leave a Reply to Gopal ParekhCancel reply

19 thoughts on “આયુની ઋતુ – ઉત્સવ તલાટી