ગિરનારની પરિક્રમા… – હરેશ દવે 6


પ્રકૃતિના સાનિધ્યમાં પરમતત્વને પામવાનો પુરુષાર્થ : ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
આલેખન : હરેશ દવે [જુનાગઢ]

આવતીકાલ, તા ૧૩ નવેમ્બર થી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા શરૂ થઇ રહી છે. ગીરનાર પર્વતના જંગલ માં ૩૬ કી.મી. ની આ પરિક્રમા તા ૧૭ નવેમ્બરના રોજ પૂરી થશે. આ ચાર દિવસો દરમ્યાન જંગલનું શાંત વાતાવરણ માનવીઓના પદરવ અને કોલાહલથી ગૂંજી ઉઠશે. ગીરનારનું જંગલ, જુનાગઢના સીમાડે આવેલું છે. ગત ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાથી, જંગલની રમણીયતા ખીલી ઉઠી છે. ચારે તરફ હરિયાળી ફેલાયેલી છે.

આ પરિક્રમાનો કોઈ ચોક્કસ ઈતિહાસ ઉપલબ્ધ નથી, વિવિધ વાતોનો સાર એવો છે કે મહાભારતના સમયકાળ એટલે કે દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ એ પરિવારજનો સાથે પરિક્રમા કરી હતી, આ પછી સાધુ-સંતો પરિક્રમા કરતા અને જંગલમાં ભજન, ભક્તિ કરતા. પરિક્રમાનો હેતુ ભજન, ભક્તિ અને પરમાત્માની ઉપાસનાનો છે. જો કે આજના યુગમાં તેનું સ્વરૂપ બદલાયેલુ જોવા મળે છે.

આમ આદી-અનાદી કાળથી પરિક્રમા થતી આવી છે. પરિક્રમા દર વર્ષે દીવાળી-પર્વ બાદ વિક્રમ સંવતમાં કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી અગીરસથી થાય છે. તારીખ ગમે તે આવતી હોય, અહીં તિથિનું મહત્વ છે, એટલા માટે કે ભગવાન વિષ્ણુ આ દિવશે સાડાચાર માસ બાદ ઉઠે છે. ક્ષીર સાગરમાં તેઓ અસાદ્ધમાસની શુક્લ પક્ષની એકાદશીએ પોદ્ધી જાય છે અને કારતક માસની શુકલ પક્ષની એકાદશીએ જાગે છે જે દેવઉઠી એકાદશી કે પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. તેથી આ પરિક્રમા ત્યારે શરૂ કરવાનું ધાર્મિક રીતે મહત્વ રહેલું છે.

ચોમાસાના દિવસો એટલે કે ચાતુર્માસ ના સમાપન બાદ જંગલની રમણીય વનરાજીના સંગાથે પ્રભુ-ભક્તિ નિજાનંદ માણવા લોકો ઉમટી પડે છે. અગિયારસની સાંજ સુધીમાં ભાવિકો ગિરનારની તળેટીમાં આવી જાય છે. રાત અહી પસાર કરીને બારસની વહેલી સવારે તળેટીમાંથી દૂધેશ્વરના મંદિર પાસેથી ચાલવાનું શરૂ કરે છે. ગીરનાર ના જંગલમાં પ્રથમ રાત રોકાણ જીના બાવાની મઢી ના વિસ્તારમાં કરે છે. તળેટીથી આ જગ્યાનું અંતર ૧૨ કી.મી. નું છે. રસ્તામાં ઈંટવાની ઘોડી નું કપરું ચઢાણ આવે છે.

જીના બાવાની મઢી વિસ્તારમાં ભગવાન શિવજીનું મંદિર અને જીનાબાવાની સમાધિ આવેલ છે. અહીંથી વહેલી સવારે યાત્રિકો ચાલવાનું શરુ કરે છે અને માળવેલાની અતિ કપરી ઘોડી ચડીને માળવેલા પહોચે છે. જંગલનો આ મધ્ય ભાગ છે. તેરસની રાત અહી રોકાયા બાદ તે પછીની સવારે ફરી ચાલવાનું શરુ કરી નળ-પાણી ની સાંકડી ઘોડી ચડીને બોરદેવી પહોંચે છે. અંતિમ રાત અહી રોકાય છે અને પૂનમ ની પ્રભાતે ત્યાંથી નીકળીને તળેટીમાં પરત ફરે છે. આ સાથે પરિક્રમા પૂરી થાય છે.

જંગલના કાચા અને ધૂળીયા રસ્તે માત્ર ચાલીને જ આ પરિક્રમા કરવાની હોય છે. શહેરી જીવનની કોઈ સુવિધાઓ અહી મળતી નથી. યાત્રિકો ચાર દિવસની રસોઈનો સામાન સાથે લાવે છે. રોકાણ દરમ્યાન રસોઈ કરે છે, બાકી દરેક વિરામ સ્થાનોએ સેવાભાવીઓ અન્ન-શેત્રો ચલાવે છે જેમાં ભોજન-પ્રસાદ અને ચા-પાણી આપે છે. આ ભંડારાઓ પરિક્રમા પૂર્વે જ શરૂ થઇ જાય છે. મોટાભાગના ભાવિકો તેનો લાભ લ્યે છે. રસ્તામાં ચાલતા ચાલતા અને રાત્રી વિરામ સ્થળે, ભજન-ધૂનની રમઝટ બોલતી હોય છે. આમ આ પરિક્રમા ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણીસંગમ સમી બની રહે છે. પ્રકૃતિના સાંનિધ્યમાં પરમ તત્વને પામવાનો આ માનવીય પ્રયાસ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના જીવંત દસ્તાવેજ સમો છે.

– હરેશ દવે (જુનાગઢ)


Leave a Reply to R.M.AmodwalCancel reply

6 thoughts on “ગિરનારની પરિક્રમા… – હરેશ દવે