સાધુ તેરો સંગડો ન છોડું.. – ગોરખનાથ, આસ્વાદ : દુર્લભદાસ ભગત 10


સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ,
એ લાલ મેરે દિલમેં સંતો.

લાગી વેરાગી રામા,
જોયું મેં તો જાગી હો જી.
કપરાં ધોયા ભી મેરે લાલ
અંચરા ભી ધોયા હો જી.

જબ લગ અપનો મનડો ન ધોયો મેરે લાલ,
એ લાલ મેરે દિલમેં સંતો
લાગી વેરાગી રામા,
જોયું મેં તો જાગી હો જી
કપરાં ભી રંગ્યા સંતો,
અંથરા ભી રંગ્યા હો જી.

જબ લગ અપનો મનડો ન રંગ્યો મેરે લાલ,
એ લાલ મેરે દિલમેં સંતો
લાગી વેરાગી રામા,
જોયું મેં તો જાગી હો જી
વસ્તીમેં રહેના મેરે ભાઈ
માગીને ખાના હો જી.

ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ,
એ લાલ મેરે દિલમેં સંતો,
લાગી વેરાગી રામા,
જોયું મેં તો જાગી હોજી.
ઈંદરીકા બાંધ્યા અબધૂત,
જોગી ના કહેના જી.

જબ લગ મનવા ન બાંધ્યા રે મેરે લાલ,
એ લાલ મેરે દિલમેં સંતો,
લાગી વેરાગી રામા
જોયું મેં તો તખત પર જાગી હોજી,
મછંદરનો ચેલો જતી,
ગોરખ બોલ્યા હો જી.

બોલ્યા છે કંઈ અમરત વાણી મેરે લાલ
એ લાલ મેરે દિલમેં સંતો
લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી.

– ગોરખનાથ

મત્સ્યેન્દ્રનાથ હઠયોગના આદિ પ્રવર્તક, કહે છે કે ભગવાન શંકરે તેમને યોગવિદ્યા શીખવી હતી. કાનફટા જોગીના એ અગ્રણી.

એક વખત મત્સ્યેન્દ્રનાથ જયશ્રી નામના નગરમાં ભિક્ષા માગવા નીકળ્યા. એક બ્રાહ્મણના ઘર પાસે આવી ભિક્ષાં દેહીની હાક મારી. બ્રાહ્મણીએ પ્રેમપૂર્વક ભિક્ષા આપી. મત્સ્યેન્દ્રનાથને તે ઉદાસ લાગી, ઉદાસીનતાનું કારણ પૂછ્યું, બ્રાહ્મણીએ કહ્યું કે બાપુ બધું સુખ છે પણ મારો ખોળો ખાલી છે. મસ્ત્યેન્દ્રનાથે કહ્યું કે તું ચિંતા ન કર, તારે ત્યાં પુત્ર થશે એમ કહી ઝોળીમાંથી ભસ્મ કાઢીને આપી. આ પ્રસાદી ભસ્મ લેજે એમ કહી તેઓ વિદાય થયા.

બ્રાહ્મણીએ આ વાત પડોશણને કહી, પડોશણે ડર બતાવ્યો, આવા બાવાનો ભરોસો કરાય નહીં, કાંઈક ઉંધુ થયું તો? ભસ્મ ખાવાની મનાઈ કરી, બ્રાહ્મણીએ તે ભસ્મ ઘર પાસે ખાડામાં ઉકરડામાં નાખી દીધી.

આ વાતને બાર વર્ષ થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથ ફરી તે ગામમાં બ્રાહ્મણીને ઘેર આવ્યા. પૂછ્યું, બાઈ તારો છોકરો ક્યાં છે? તે બાર વર્ષનો થયો હશે? બાઈએ બધી વાત કહી. મત્સ્યેન્દ્રનાથે ખાડા પાસે જઈ પોકાર કર્યો. અલખ નિરંજન, ખાડામાંથી બાર વર્ષનો બાળક બહાર આવ્યો. આ બાળક આગળ જતાં ગોરખનાથ થયાં. બાળક મત્સ્યેન્દ્રનાથની પાછળ પાછળ ચાલવા લાગ્યો. બંને ગાઢ જંગલમાં આવ્યા. મત્સ્યેન્દ્રનાથે બાળકને ઉદ્દેશીને કહ્યું, ‘બેટા ગોરખ, આ મારો મુકામ.’ ગોરખનાથે પૂછ્યું, ‘અહીં ખાશું શું?’ મત્સ્યેન્દ્રનાથે કહ્યું, ‘આ ડુંગરની તળેટીમાં ગામ વસેલું છે. ત્યાંથી ભિક્ષા માંગી લાવવાની.’ ગોરખે કહ્યું કે ‘જંગલમાં રાની પશુઓ સિંહ-વાઘ-દિપડા મને ફાડી જ ખાય.’

ગોરખનાથને થયું કે આ બાવાના સેવક મારે નથી થવું. અહીં તો મારો જીવ પણ જોખમમાં છે. મત્સ્યેન્દ્રનાથ ગોરખનાથનો વિચાર જાણી ગયા. કહ્યું ‘બેટા, આ હિંસક પશુઓથી તું ડરી ગયો? અરે તમે તેની સાથે પ્રેમ કરો તો તેઓ તમને કાંઈ કરશે નહીં. ચાલ બધા સાથે તારી ઓળખાણ કરાવી દઉં, એમ કહી મત્સ્યેન્દ્રનાથે પોતાની ઝોળીમાંથી ચપટી રાખ કાઢી. મંત્ર ભણી તે હવામાં ઉડાવી એવામાં તો સિંહ, વાઘ, દિપડાના ટોળેટોળા ગુફા પાસે આવી ગયા. મત્સ્યેન્દ્રનાથે તેઓની વચ્ચે જઈ તેઓને પંપાળવા લાગ્યા. ગોરખનાથને કહ્યું ‘બેટા, આ પશુઓથી તારે ડરવાનું નથી, તેઓ તારા મિત્ર છે. અહીં આવ..’ ગોરખનાથ ડરતાં ડરતાં ત્યાં ગયા. ગુરુના પગમાં પડ્યા, થોડીવારે આંખ ઉઘાડીને જોયું તો સિંહનો પંજો તેના હાથમાં અને ગુરુ તો અલોપ.

ગોરખનાથને ખાત્રી થઈ ગઈ કે ગુરુ તો સિદ્ધ પુરુષ છે, તેને છોડવા જ નહીં. તેઓ પાસેથી જ્ઞાન સંપાદન કરવું છે. પરંતુ મત્સ્યેન્દ્રનાથ એમ કાંઈ જલદી શિષ્ય ન બનાવે. અનેક કસોટી કરી, ગોરખનાથ તે કસોટીઓમાંથી પાર ઉતર્યા, લાયક શિષ્ય જાણી મત્સ્યેન્દ્રનાથે ગોરખનાથને અમોઘ યોગવિદ્યા શીખવાડી. આગળ જતાં ગોરખનાથે યોગબળથી ચિરંજીવ સ્થિતિ પ્રાપ્ત કરી, ગોરખનાથ અમર છે, શિષ્ય ગુરુ કરતા સવાયો થયો.

એક દિવસ મત્સ્યેન્દ્રનાથ ફરતાં ફરતાં કામરૂ દેશમાં આવી પહોંચ્યા. ત્યાંની રૂપાળી લલનાઓને જોઈને મોહમાં ફસાયા, તેઓ સ્ત્રીઓ સાથે રંગરેલીઓ મનાવવા લાગ્યા. ગોરખનાથને આ વાતની ખબર પડી. તેઓ કામરૂ દેશ તરફ આવ્યા, મત્સ્યેન્દ્રનાથને ખૂબ ખખડાવ્યા, ‘ગુરુજી તમારું આવું પતન !’ કહેવાય છે કે મત્સ્યેન્દ્રનાથ શિષ્ય ગોરખનાથથી ગભરાતા તેથી કહેવત પડી કે ચેત મચ્છન્દર ગોરખ આયા.

ગોરખનાથ કાંઈ સાધારણ નથી, ભર્તુહરી રાજાને વૈરાગ્યમાં પ્રેરનાર ગોરખનાથ છે. ગોરખનાથે અનેક યુક્તિ પ્રયુક્તિ અને બોધથી ભર્તુહરીનો મોહ દૂર કર્યો.

ગોરખનાથે સંસ્કૃત ભાષામાં ગોરક્ષ ગીતા, ગોરક્ષ શતક, ગોરખ સંહિતા વગેરે અનેક ગ્રંથોની રચના કરી.

નેપાળના લોકો તેને પશુપતિનાથનો અવતાર માને છે. નેપાળમાં તેના અનેક યોગાશ્રમો છે. ગોરખનાથના શિષ્યો હોવાથી નેપાળીઓ ગોરખા કહેવાયા. ગોરખપુરમાં તેમણે તપશ્ચર્યા કરેલી. તેથી ત્યાં તેમનું મોટું મંદિર બાંધવામાં આવ્યું છે. ત્યાં તેમનો ધૂણો છે, આ ઈ.સ. ૧૨૦૦ની સાલની વાત છે.

આપણું ગુજરાત પણ ભાગ્યશાળી છે. ગિરનારની જાત્રા કરી હશે તેમને ખબર હશે કે ત્યાં ગોરખનાથની ટૂંક આવે છે. ત્યાં તેમની પાદુકા અને ધૂણો છે. આ પ્રમાણે ગિરનારમાં તેમના બેસણા હતાં તેથી ગુજરાતીમાં તેમના ભજનો મળી આવે છે. પરંતુ તેમની ભજનવાણી ઘણી આગમ છે. સાદા શબ્દમાં ગૂઢ જ્ઞાન ભરી દીધું છે. ગોરખવાણી અવળવાણી કહેવાય છે. તે સમજવી સહેલી નથી. કોઈ ગુરુ મળી જાય તો ગોરખવાણી સમજાય.

સમજવું સહેલું પડે એથી મેં તેઓનું સાદું ભજન પસંદ કર્યું છે. આ ભજનના પણ અનેક પાઠો જુદા જુદા ભજનસંગ્રહમાં જોવામાં આવ્યા. મેં તે બધાનો સમન્વય કરીને પાઠ આપ્યો છે.

ઉપરના ભજનમાં ગોરખનાથ કહે છે કે મેં મારા ગુરુને પકડી રાખ્યા તેથી મારા દિલમાં વૈરાગ્ય આવ્યો અને હું જાગી ગયો. તમે લોકો પણ સાચા સાધુઓનો સત્સંગ કરશો તો તમે જાગી જશો.

જાનિયે તબ જીવ જગ જાગા,
જબ સબ બિષય વિલાસ વિરાગા (રામચરિતમાનસ)

મેં કપડાં ધોઈને સ્વચ્છ કર્યા, શરીરને પણ ચોખ્ખું ચણાક કર્યું પણ તેથી શુ વળ્યું? જ્યાં સુધી આ મન દર્પણ જેવું શુદ્ધ થતું નથી ત્યાં સુધી બધું ફોગટ છે. મેં ગેરુના રંગમાં કપડાં રંગ્યા, શરીરે ભભૂત લગાવી, તેને પણ રંગ્યું, હું બ્રાહ્યવેશથી સાધુ થયો પણ જેને રંગવાની ખાસ જરૂર હતી તે મનને મેં ના રંગ્યુ. મન શ્રીકૃષ્ણ રંગમાં રંગાય તો બેડો પાર થાય. માટે તમારા મનનું પરિવર્તન કરજો. તે જ જરૂરનું છે. કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટમેં ગંગા.

મન રંગાઈ જાય પછી તમે શું કરશો? તે પાછું મેલું ન થાય એટલે વસ્તીમાં રહેવું નહીં, અને દીનતા આવે એટલે ભિક્ષા માગીને ખાવું, ટુકડામાંથી ટુકડો કરીને બીજાને આપવો, પરોપકારમાં શરીરને ઘસાવવું, તો તમે દિલથી સાચા વૈરાગી થાશો.

જેઓએ કેવળ ઈંદ્રિયોને જ વશમાં કરી છે તેઓને યોગી ના કહેશો, તેઓને સ્થિતપ્રજ્ઞ ના કહેશો. તેથી તો શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે,

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् |
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ||३- ६||

આથી જો મૂઢબુદ્ધિ પુરુષ કર્મેન્દ્રિયોને હઠથી વિષયો તરફ જતી રોકી રાખે છે પરંતુ ઈન્દ્રિયોના ભોગોનું મનથી ચિંતન કરતો રહે છે તે દંભી કહેવાય છે.

ગિરિપ્રવચનમાં ઈશુએ કહ્યું છે કે તમને કહેવામાં આવ્યું છે કે શરીરથી વ્યભિચાર ન કરવો, પણ હું તેથી આગળ વધીને કહું છું કે કોઈ પણ સ્ત્રી તરફ તમે વિકારી દ્રષ્ટિથી જુઓ તો પણ તમે વ્યભિચાર કર્યો કહેવાય..

કબીર સાહેબે કહ્યું છે,

મન ગોરખ મન ગોવિંદૌ, મન હી ઔઘડ હોઈ;
જે મન રાખે જતન કરિ, તૌ આપે કરતા સોઈ.
તન કો જોગી સબ કરૈ, મન કો કરે ન કોઈ,
સબ વિધિ સહજૈ પાઈએ, જો મન જોગી હોઈ.
મન એસો નિરમલ ભયો, જૈસો ગંગા નીર,
પીછે પીછે હરી ફિરૈ, કહત કબીર કબીર.

પૂ. ડોંગરે મહારાજ કહેતા કે તનને સાચવે તે સંસારી, અને મનને સાચવે તે સંત. જેનું મન બગડ્યું તેનું જીવન બગડ્યું.

મનનું બહુ મહત્વ છે તેથી ગોરખનાથજી મનને બાંધવાની – વશ કરવાની વાત કહે છે. જેણે મનને જીત્યું એ સાચો વૈરાગી.

મત્સ્યેન્દ્રનાથના ચેલા ગોરખનાથની આ અમૃતવાણી છે, તે તમે દિલમાં ઉતારશો તો તમે સાચા યોગી બનશો.

તમે જાગશો, વૈરાગી થાશો તો ભગવાનને જોશો.

– આસ્વાદ : દુર્લભદાસ ભગત

અક્ષરનાદ પર કાવ્ય અને ગઝલના આસ્વાદ તો આપણે અનેક માણ્યા છે, પરંતુ એક અનોખા ભજનનો એવો જ અનોખો પરંતુ સરળ આસ્વાદ આજે પ્રસ્તુત કર્યો છે. મૂળ ભજન છે ગોરખનાથનું, ‘સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ..’ અને તેનો આસ્વાદ – ભજનના પશ્ચાદભૂ, ગોરખનાથની આખીય વાત, તેમના ગુરુ મત્સ્યેન્દ્રનાથની વાત અને આ ભજન સાથે એ વાતોનો તંતુ સાધીને આસ્વાદ કરાવનાર શ્રી દુર્લભદાસ છગનલાલ ભગત અનોખી કેડી કંડારે છે. તેમના પુસ્તક ‘પીઓને પ્રેમ રસ પ્યાલા’ ભજનસંગ્રહ અને ૩૪૦થી પણ વધુ એવા એ ભજનોનો આસ્વાદ એક અનોખી પ્રસાદી છે. તેમાંથી જ ઉપરોક્ત એક ભજન અને તેનો આસ્વાદ અત્રે પ્રસ્તુત કર્યો છે.

બિલિપત્ર

લઈ હયાત આયે, કજા લે ચલી ચલે,
અપની ખુશી ન આયે, ન અપની ખુશી ચલે.
– જૌક
(જિંદગી લઈ આવી એટલે દુનિયામાં આવ્યા અને મૃત્યુ લઈ ચાલ્યું તો આ ચાલ્યા, ન આપણી ખુશીથી આવ્યા હતા કે ન આપણી ખુશીથી છોડીને જવાનું છે.)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “સાધુ તેરો સંગડો ન છોડું.. – ગોરખનાથ, આસ્વાદ : દુર્લભદાસ ભગત