રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ 17


ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે. જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદ્રશ્ય થઇ જાય છે. એક વખત ચોમાસું હતું. રૂપેણ બેય કાંઠામાં આવી હતી, ખેતર છલક્યાં હતાં, નદીનાળાં તૂટ્યાં હતાં, અને બારે મેઘ ખાંગા થઇને આજ ને આજ આકાશ-પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતાં; તે વખતે ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઇને ત્યાંથી નીકળ્યો.

પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી. ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી. પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી પાણીમાં ગોથાં લેતાં, ઘૂમરી ખાતાં, ધરામાં જઇને પડ્યાં.

ગરાસિયાની બધી મહેનત નકામી ગઇ અને થોડી વારમાં જ એ સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયાં.

રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે, બહુ રળિયામણો ને સુંદર વનરાજિથી ભરપૂર છે, તેમજ ગાડાં વિસામો લે એઈ એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે. એ સુંદર વડલા નીચે કૈંક મુસાફરોએ આરામ લીધો હશે, અને કૈંક થાકેલાં પશુઓ આનંદ પામ્યાં હશે. રૂપેણ નદી, આવો સુંદર વડલો, રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર ન લાગે તેવું વન – એ બધાંને લીધે પોચામાં પોચો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે.

પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જડ પડતો ગયો. ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા.

ચારેતરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહીસલામત જઈ શક્તો નથી. એટલે રળીયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા, અને છોડી દીધેલો માર્ગ ધીમેધીમે ભયંકર બનવા લાગ્યો.

એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો. ગામમાં સોંસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો, ત્યારે કેટલાકે વણમાગી સલાહ આપી : ‘ભાઈ, એ રસ્તે જવા જેવું નથી; એ રસ્તે જનારાનું માથું ધડ ઉપર રહેતું નથી.’

‘કેમ, એવું શું છે?’

‘પાંચ વરસ પહેલાંની વાત છે. એક ગરાસિયો અવગતે ગયો છે ત્યારથી એ રસ્તો ઉજ્જડ બન્યો છે. ગરાસિયો ચોમાસામાં નદી ઊતરતાં તણાયો ને આશાભર્યો ગયો. એને જાવું હતું નદી ઊતરીને સામે પાર, પોતાના સાસરાનાં ગામમાં ઠકરાણાંને તેડવા, પણ અધવચાળે રહી ગયો, ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યું નથી.’

‘જોઈ લેશું.’ કહીને ચારણે તો ઘોડી મારી મૂકી. ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ પર હસીને છૂટા પડી ગયા. ચારણે એ પંથ લીધો.

બપોર જરાક નમતા હતા. પશુપંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતાં. આખી સીમમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી. તે વખતે પેલો ચારણ, રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખલાખ ઊર્મિઓથી ઘેલોઘેલો થઈ ગયો; એ…ય ને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે; બીજી તરફ ખાખરાનાં વન ઊભાં છે; ઘાટી છાયામાં પારેવાં, તેતર ને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યાં છે. ચારણ તો આ સ્થળ ને આવી રચના જોઈને ‘ભલે રૂપેણ! ભલે રૂપેણ!’ બોલતો આગળ વધવા લાગ્યો. વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ, એ જોઈને તો આડો આંક વળી ગયો.

વડલાની નીચે કોઈ પચીસપચાસ દેવાંશી રાજપૂતોની સભા ભરાઈ હતી. રૂડી જાજમ ઉપર, બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી. ધોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા અને વચ્ચોવચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો. વડલાની પાસે કચ્છી ને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા. ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો. એક તરફ કસૂંબો ઘૂંટાઈ રહ્યો હતો; બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતાં. બાર ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઊતર્યો હોય તેવો સમૃદ્ધિભરેલો, પણ જૂનવટ ને શૌર્યની રેખાએ રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઊતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો.

એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો. તેણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનારા પચીસપચાસ સાદ એકસાથે થઈ રહ્યા – ‘આવો, આવો, બાપ આવો, ટાણાસર છો. ક્યાંથી આવો છો?’

ચારણ બેઠો, પણ આખી સભામાં કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં, તે જવાબ દેતા ખંચાયો; પણ વડલાની નીચે હણહણાટ કરતાં જાતવંત ઘોડાં જોઈને ઠંડે પેટે સામે બેઠો. ડાયરામાં ફરતો ફરતો રૂપેરી હુક્કો આવ્યો. તેની બેચાર ફૂંક લીધી. ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો. સ્વપ્નસૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાતજાતની વાતો કરવા લાગ્યો.

‘દેવીપુતર છો કે?’ પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું, ‘એક સવાલનો જવાબ દેજો.’

ચારણ તેની સામે જોઈ રહ્યો.

‘એવું છે કે ઈશ્વરે આટલા આટલા દી ને આટલી આટલી ઋતુ ઘડી છે, પણ એક રતની મીઠાશ બિજી રતમાં મળે નહિ, પણ બધી રતમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રત કઈ?’

ચારણ જાણે વાત કળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો.

‘દરબાર, રતું બધી સારી, પણ દીનાનાથે જોબનવંતા નર-નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાંખ્યા છે. શિયાળો, બાપ ! કાંઈ શિયાળો થવો છે? એ… ને રૂડાં ભાતભાતનાં પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપી તપીને રસરસ થઈ જાય, અને પોંખ ને ઓળાં ને જાદરિયાં ને મીઠાં ગોરસ ને ગોરી નાર…. ને બાપ, શિયાળો ઈ શિયાળો. શિયાઓ કાંઈ થવો છે ! શંકર પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે.’

રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો.

‘પણ માણસમાત્રને જીવન દેનાર વરખાઋતુ કાંઈ થાય?’ તેણે ફરી ચારણને પૂછ્યું. ચારણે માથું ધુણાવ્યું, ‘ના બાપ ના, જ્યાં ત્યાં ડોળાં પાણી હાલે ને કાદવ થાય, ને વીજળી ચમકે, ઢોર ખેંચાય, માણસ તણાય…’

રજપૂત વધારે ટટ્ટાર થયો. તેની ચમકતી આંખમાં ઉંડી વેદના ને નિરાશા દેખાવા લાગ્યાં. ચારણે જોયું – ન જોયું કરીને આગળ વધ્યો – ‘એવી ચોમાસાની રાત તો બાપ કણબી માતે હોય, એમાં કાંઈ પિયુ ને કામની મલકાતે મોંએ રસની વાતો માંડે? બાપ, રતમાં રત શિયાળો, તે પછી તો આવે ઉનાળો. ને ચોમાસું તો કાંઈ રત કહેવાય? ઈ તો કરત – કરત.’

‘ભારે કરી ચારણ ! બહુ કરી, દેવીપુતર ખરો.’ કહીને રાજપૂત બેઠો થયો ને ઊઠીને ચારણની પાસે આવ્યો, ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો.

‘દેવીપુતર ! હું ગરાશ્યો છું.’ રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિહ્વળતાથી આસપાસ જોયું ત્યાં ડાયરો ગેબ થયેલો લાગ્યો. ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાસિયો બે જ જણા વડ નીચે ઊભા હતાં.

‘અને, ભડકતો નહીં હોં -‘

ચારણ હસ્યો, ‘હું ભડકું? બોલ બોલ રજપૂત, તારે કહેવું હોય ઈ કહી દે.’

જુવાન રજપૂતના મોં પર આશાના કિરણ ફૂટવા લાગ્યાં. તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ દાબ્યો, ‘પાંચ વરસ ઉપર ભરચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ બેય કાંઠામાં આવી હતી, અને પેલો ધૂનો -‘ તેણે વેદનાથી હાથ ઊંચો કરીને ધૂના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી.

‘ધૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ.’

નિરાશાના ડુંગરા દાબવા યત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો.

‘અને દેવીપુતર ! બે માણસના વજોગ જેવી વસમી વાત કઈ છે?’

‘હા, બાપ હા, તું તારે તારી વાત પૂરી કરી જા.’

‘સાતસાત જનમારાનો ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યાં છે. તું મારું એક કામ કરે તો આ અવગતિયો દેહ ગતે જાય. તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે, ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે.’

‘હા’

આત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા. પાંચ ગાઉં ઉપર દાંતાસર ગામ છે ત્યાં નરી કંકુમાંથી ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત આંહી દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે. તારા વિના આ કામ બીજું કોણ કરશે?’

આજીજીભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ વાળ્યો, ‘રજપૂત ! મારો કોલ છે કે જો સાચો દેવીપુતર હોઉં તો રજપૂતાણીને એક વખત આંહી લાવું, પણ તું જો અણિશુદ્ધ ગરાસિયો હો તો વેણ દે કે આ રાજમારગ જેવા મુસાફરીના મારગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું.’

‘કોલ છે – જા, કોલ છે, કે પછી આ મારગ છોડી દેવો. અને ચારણ ! હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કઈ રત સારી એમ જ હું પૂછું છું, હેબતથી કે ભેથી, માણસ બીજે-ત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો આ રીતે મરે છે એમાં મારો વાંક નથી, ચારણ !’

‘બહું સારું, બાપ ! ત્યારે આજથી આઠમે દિવસે રજપૂતાણી આંહીં આવશે.’

ચારણે ડોકું ધુણાવ્યું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી. તેણે ફરીવાર જોયું ત્યારે માત્ર વડલાંનાં પાન ખખડતાં હતાં; તીવ્ર વેદના ભોગવતો તે એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો.

રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાંતાસર આવ્યો. ચારણ તો જુદ્ધરમણે ચડેલા રજપૂતનો આનંદ છે; અને રાજદરબારે, જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કાંઈ નેકાંઈ આળપંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજકવિ જ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો.

‘ગરાસણી, જોજે બાપ! પાછું ડગલું ભરતી ! એક કામ સાટું સંભારી છે.’

કાઠિયાણી બોલવે જરાક જાડી લાગે છે પણ ગરાસણી તો એના શરીર જેવી જ બોલવે મીઠી હોય છે. સોનરેખ દાંત દેખાતા હોય અને ઘાટીલાં નાનાં ઠોળિયાં કાનમાં લટકતાં હોય, એવી ગરાસણી જ્યારે બોલે છે, ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે. ગરાસણીએ જવાબ વાળ્યો, ‘બોલો મારા જેવું શું કામ પડ્યું ?’

‘બાપ ! જીવતાં નેહ તો માનવીમાતર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે.’

ગરાસણી ચમકી; ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની.

‘દરબાર ગામતરે ગયાં કેટલાં વરસ થયાં?’

‘પાંચ વરસ.’

‘ભલે બાપ ! સાચું બોલજે, તી પછી તને દરબાર સપનેય ચડેલ ખરાં કે?’

‘ના, ક્યારેય નહીં, જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે.’

‘ના બાપ ના. સાચો અણિશુદ્ધ ગરાસિયો કાંઈ સતીને ભૂલે ? શંકર પારવતીના જોગમાં કંઈ મણા હોય ? ભૂલ્યો નથી, હજી ગરાસિયો તને ભૂલ્યો નથી. અને સાંભળજે બાપ, ભડકતી નહિ હોં, સાચી ગરાસણી છો કે?’

રજપૂતાણી ટટ્ટાર થઈ, ચારણ ધૂજે એટલી દ્રઢતાથી બોલી – ‘આજ પરીક્ષા કરવી છે?.. શું ગરાસિયાએ ભૂત થઈને મારી ખબર કઢાવી છે નાં?’

ચારણ હેબતાઈ ગયો, ‘રજપૂતાણી ! ગજબ કરી, તને ખબર ક્યાંથી?’

‘ખબર ક્યાંથી ? રણસંગ્રામમાં મરે નહિ, એ રજપૂત માત્ર ભૂત અને એવા ભૂતને વાસના સહિત જડમૂળથી ઉખેડી નાંખવા માટે જ હું ગરાસણી છતાં સતી નથી થઈ. બોલ, ચારણ હવે કાંઈ કહેવું છે?’

‘ગરાસિયો તને મળવા આવતાં રૂપેણમાં ડૂબ્યો છે એ નેહ કાંઈ જેવોતેવો કહેવાય?’

‘ના, ના, નેહ કાંઈ જેવોતેવો કહેવાય?’ ગરાસણ કરડાકીથી બોલી, ‘અને એટલે જ રૂપાળો સોને મઢ્યો હોય એવો રાજમારગ ગરાસિયો ઉજ્જડ કરી રહ્યો છે, સાચું કે?’

‘સાચું બાપ, સાચું, પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભડ થવાય? ઈ તો એવાની વાસના હોય એને કટકું બટકું નાખો એટલે જાય ભાગ્યાં. લે, સાંભળ બાપ, ગરાશ્યાની વાસના છે તને જોવાની. મને બે દી પહેલાં વડ હેઠળ મળ્યો’તો – ધોળે દીએ કેસરી સિંહ જેવો, કચેરી ભરીને બેઠો’તો. અને જુઓ, તો દેવાંશી રજપૂતોનો ડાયરો જામી ગ્યેલો. જાણે મરતલોકમાં ફરીવાર અવતર્યો હોય ! મારી પાસેથી વેણ લીધું કે ગરાસણીને એકવાર દેખાડ. મેં, બાપ, વેણ આપ્યું છે અને તારે વેણ પાળ્યે છૂટકો છે. અને પછી ગરાશ્યો ઈ મારગે કોઈ દી દેખા નહિ દિયે એવું વેણ લીધું છે.’

‘વેણ પાળીશ, એકવાર નહીં – હજાર વાર, પણ હું તો ગરાસણી છું. એણે વટેમાર્ગુને માર્યા છે, ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે, રૂપેણનો ઘેઘૂર વડલો ઉજ્જડ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવો રાજમારગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસિયો મારો ધણી હોય તો ધણીનેય સોંસરવો વાઢી નાખું. આવીશ, મળવા આવીશ, પણ ચારણ ! એને કહી આવજે કે રજપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરી લગન કરવાના એને કોડ જાગ્યા છે.’

‘રજપૂતાણી, બાપ ! આ તો અવગતિયો દેહ ! એની હારે કાંઈ ખાંડાની ધારે ધિંગાણાં થાશે ? ઈ તે મનખા દેહ છે કે કબજે રિએ? ઊડી જાશે.. જાણે વંટોળિયો હાલ્યો ગયો !’ …કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ. એની પાતળી દેહલત્તા નાગણની જેમ જાણે ફૂંફાડા દેતી ઊભી થઈ ગઈ. મરદનાં પણ હાડેહાડ ધ્રૂજે એટલી કડકાઈથી તે ચારણ સામે જોઈ રહી, ‘દેવીપુતર છો ? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયણ હારે?’

અને ઝડપ દ્તીક ને એક ફલાંગે તેણે ખીંટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી કરીને મ્યાન ફેંકી દીધું, ‘ચાલો! દેવીપુતર ! મોઢા આગળ થાઓ. આજ એ મારગને નરભે કરી મૂકવો છે.’

બોલ્યાચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય એમ રજપૂતાણી ચાલી.

બપોરના બાર વાગ્યાની તક સાધીને જ રજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યા. વડલાનાં પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યાં હતાં કે કાચુંપોચું હ્રદય તો ત્યાં જ ગેબ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું. વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો અને આવી ભયાનક એકલતામાં ચારણ ને રજપૂતાણી બે જ જણાં ઊભાં રહ્યાં.

‘ક્યાં છે રજપૂત?’ રજપૂતાણી બોલી, અને એના અવાજથી જાણે ધ્રૂજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો, ‘આંહીં કોઈ નથી!’

‘હવે ઘડી-બે ઘડીમાં તમને આવ્યા દેખાડું.’ થોડીવાર સુધી બન્નેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી.

અચાનક એક ઘોડેસવાર દેખાયો. રજપૂત પોતાની પાણીપંથી ઘોડી લઈને જાણે ચાલ્યો આવે છે. નજર તો રૂપેણની સામે મંડાઈ રહી છે.

ચારણે વિહ્વળતાથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણીના ચહેરા પર ભયનું નામોનિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી, અને ચારણને પડકાર્યો, ‘જોજે, મરદ થાજે હોં!’ થોડી વારમાં ઘોડેસવાર છેક પાસે આવ્યો. અઠ્ઠાવીસ-ઓગણત્રીસ વર્ષનો ભરજુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેખાયો.

‘બસ, એ જ, આવવા દે.’

‘જોજે હોં, જોગમાયા ! ઘા ન કરતી.’

રજપૂત તદ્દન નજીક આવ્યો. તેનું રૂપાળું મોં દેખાયું, તે રજપૂતાણી સામે જોઈ રહ્યો. રજપૂતાણી તેની સામે જોઈ રહી.

‘ઓળખાણ પડે છે કે?’

‘હા, હા’ રજપૂતાણીએ જવાબ આપ્યો, ‘ઓળખાણ કેમ ન પડે? જેણે બાયડીને મળવા નિર્દોષ વટેમાર્ગુ માર્યા, રાજમાર્ગ અભડાવ્યો, ને ભિખારીની પેઠે ચારણને જાચ્યો અને…’

‘હં, હં બાપ!’ ચારણે રાજપૂતાણીને વારી, રજપૂત ખસિયાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિથી રજપૂતાણી સામે જોયું, ‘રજપૂતાણી!’

‘મારા ગામનાં મારાં આશ્રિત માણસોને માર્યાં એનું શું?’

‘મેં? મેં નથી માર્યા, રજપૂતાણી!’

‘ખરો અણિશુદ્ધ ગરાસિયો હો, તો તૈયાર થઈ જા.’

ગરાસિયાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રૂજતો હોય તેમ લાગ્યું. પણ જેમ ભયંકર વીજળી પડે તેમ ગરાસણીના હાથની તલવાર ચમકીને જનોઈવઢ કાપી નાંખવો હોય એવા જોસથી તેણે ગરાસિયા પર ઘા કર્યો.

‘માર્યા બાપ ! ભારે કરીને’ ચારણ વચ્ચે કૂદ્યો, પણ ગરાસિયો ત્યાં હતો નહીં અને રજપૂતાણી, તલવારનો જોસ ભર્યો ઘા ખાલી જવાથી ગોઠણભર નીચે નમી ગઈ હતી. તલવારના ઘાથી ઉડેલ થોડીક ધૂળ જ માત્ર દેખાણી.’

‘ભારે થઈ, બાપ!’

‘વાંધો નહીં, દેવીપુતર ! તેં તારું વેણ પાળ્યું છે!’ હવામાં ખાલી શબ્દો જ સંભળાયા!

રજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. ગરાસિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તે તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વારતો ચારણ પાછળ પડ્યો.

રૂપેણનાં ચોખ્ખાં પાણી ચાલ્યાં જતાં હતાં. ગરાસિયો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી.

‘ગરાશ્યો હો તો ઊભો રે!’ રજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો.

રજપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં…. પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો, અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રજપૂતાણીએ નીચું જોયું, ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં, બે તરસ્યા હાથનો ખોબો વાળીને, આ પડતું પાણી ભારે વિહ્વળતાથી પી રહ્યું છે.. ઘટક.. ઘટક.. ઘટક ઘૂંટડા લે છે.

રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોયું, પણ આહ ! કેટલી વેદના ! કેવું દુઃખ ! કેવી નિરાશા ! કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત. રજપૂતાણીથી અત્યંત માયાભર્યા અવાજે બોલાઈ જવાયું, ‘રજપૂત, આ શું?’

‘બસ, હવે તૃપ્તિ – અતિતૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે, રજપૂતાણી ! એ બીજા મૃત્યુની કંઈ વળી ઓર મજા આવશે.’

રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો.

રજપૂતે તે એક વખત છોડાવ્યો. રજપૂતાણીએ એને ફરી ફરી પકડ્યો, ‘તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે?’

રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડુ હતું ત્યાં તેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ.

‘હવે તને નહીં જાવા દઉં!’ રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો.

પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો.

ચારણે કાંઠા પરથી બૂમ પાડી, ‘ગરાસણી ! પાછાં વળો ! હવે પાણી ઊંડું છે, એ તો ઊડી ગ્યો બાપ ! પાછાં વળો!’

મોં મલકાવીને રજપૂતાણી મીઠાસથી બોલી ‘જા, જા, દેવીપુતર, હવે સુખેથી ઘેર જા. મારે તો આ દુઃખી ગરાશ્યાનું ઘર ફરીને વસાવવું છે.’

– ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’

આપણી કેટલીક પ્રશિષ્ટ નવલિકાઓ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન બનાવીને અચળ ઊભી છે, ઝવેરચંદ મેઘાણીની ‘જી’બા’ હોય, રામનારાયણ વિ. પાઠકની ‘જક્ષણી’ હોય કે ધૂમકેતુની ‘પોસ્ટઑફીસ’ આ બધી નવલિકાઓ એક આગવું ભાવનાવિશ્વ રચે છે, વાચકને એ ક્યાંક પોતાની સાથે એક અતૂટ ધાગે બાંધે છે. ધૂમકેતુની પ્રસ્તુત વાર્તા ‘રજપૂતાણી’ આવી જ એક અનોખી નવલિકા છે. ફક્ત ત્રણ પાત્રો – રજપૂત, રજપૂતાણી અને ચારણ, એક અસહજ વાર્તા તંતુ જેમાં રજપૂત પોતાની પત્નીને મળવા જતાં માર્ગમાં મૃત્યુ પામે છે અને અવગતે જાય છે અને એથીય નિરાળો અંત… ઝવેરચંદ મેઘાણીની છાપ ધરાવતી આ એક અનોખી વાર્તા છે, પણ શું આ પ્રેતવાર્તા છે? શું આ લૌકિક-લોકવાર્તાના સ્વરૂપની આછેરી ઝલક છે? શું આ વાયકાનું વાર્તાસ્વરૂપ છે? ના, પણ ક્યાંક એ ત્રણેયનો સમરસ સ્વાદ છે. ધૂમકેતુની કલમ અહીં પોતાનો રુઆબ અનોખી રીતે પ્રસરાવે છે અને વાર્તાને તેના તત્વ સાથે સાંકળી રાખે છે. રજપૂતાણીના સ્વભાવનો, ચારણની નિર્ભિકતાનો અને રજપૂતના પ્રેમનો એ અનોખો પૂરાવો છે, અને એ જ કારણે એ માણવાલાયક આસ્વાદ્ય કૃતિ છે.

બિલિપત્ર

ભાલ ચૂમો તો છે શ્રદ્ધા, પગ ચૂમો તો છે સમર્પણ,
ને ધરા ચૂમો તો ચુંબન એક સજદો થાય છે!
– ‘કાયમ’ હઝારી


Leave a Reply to Anjana RatadiyaCancel reply

17 thoughts on “રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ

  • Harishchandra N.Joshi

    રજપૂતાણી એ આજથી લગભગ ૬૩ વર્ષ પહેલા અમારા હાઈસ્કૂલના અભ્યાસક્રમમાં આવતી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે ધૂમકેતુ સાહેબ મારા પિતાશ્રીના શિક્ષક હતા. ગોંડલના ભોજપરા મા એમના ભાઈ અમારા પાડોશમાં ભાડે રહેતા હતા. મારા વિકાસથી ને ખબર પડી ધૂમકેતુ એમને ત્યાં આવ્યા છે એટલે ધૂમકેતુ સાહેબના દર્શન કરવા મને લઈ ગયેલા તે મને બરાબર યાદ છે. ધૂમકેતુ સાહેબ ની બધી કૃતિઓ તણખા મંડળ માં જે છે એ બધી નવલિકાઓ ખુબ ખુબ સુંદર છે. પોસ્ટ ઓફિસ તે તેમની સર્વોત્તમ કૃતિ છે અને ઉત્તમ કૃતિ છે. તેમની વાર્તાઓ ખૂબ જ હૃદયસ્પર્શી લાગણી સભર હોય છે. સમાજમાં બનતા એવા બનાવો ની નોંધ લઇ અને વાચકો સમક્ષ મૂકવી એ જ જાણે એમના જીવનનું કર્તવ્ય હતું. ધૂમકેતુ સાહેબના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. તેઓ મિતભાષી તથા ઋજુ હૃદયના હતા.

  • Sanjaykumar Magra

    Avi prem ni hajaro vato saurashtra ane gujrat ni dhara man dhrabayeli padi che….aa varta thi veer mangda vala ni varta ni yaad aavi gayi meghani ane dhumketu banne ne mara sallamaavi varta ane sahitya thi gujrati bhasha ne trabatar kari didhi che….jay jay garvi Gujarat

  • Arvind Patel

    આ વાર્તા અમને ૧૯૮૬-૮૭ ના એસ એસ સીના અભ્યાસક્રમમા હતી. બહુ જ સરસ ધન્યવાદ્

  • R.M.Amodwal

    what is love …? by this story Author proved .read with interest. May people belive or not belive but i feel true because after death/ Accident also love always remain ………..enjoyed.
    R.M.Amodwala

  • HEMAL VAISHNAV

    it has been a while since i read this one..we used to study this story in 11th grade…that time it was just for study,but this time enjoyed it we real feel.
    one of my all time favorite is “venu”..story about jumo bhisti and his “pado”..named “venu”.

    thanks jignesh bhai for publishing this.

  • અલી અસગરી

    પાત્રિસ વર્સ પહેલા આ વારતા અમારા અભયાસક્રમ મા હતેી. ત્યાર થેી ફરેી વાચવા નેી વાસના આજે પોૂરેી થાઈ. ખુબજ સરસ વાર્તા.

  • Valibhai Musa

    ‘વેબગુર્જરી’ દ્વારા પ્રકાશિત ‘વર્ષાવૈભવ’ ઈ-બુક્માંના મારા લેખ ‘ભાવવૈવિધ્યે વર્ષાવૈભવ’માંનો એક અંશ : –

    …મારે કમોતે મરવું નથી બાપલિયા !’

    ગુજરાતીના અધ્યાપકે એક વિદ્યાર્થીને પૂછ્યું, ‘અલ્ય, કઈ ઋતુ તને ગમે – શિયાળો, ઉનાળો કે ચોમાસુ ?’

    પેલાએ કહ્યું, ‘પછી જવાબ આપું; પહેલાં કહો કે તમે મારા સાહેબ છો કે પછી ધૂમકેતુની ટૂંકી વાર્તા ‘રજપૂતાણી’ના નાયક ‘રજપૂત’નું ભૂત છો ? મારે કમોતે મરવું નથી, મારા બાપલિયા !’

  • ASHVIN DESAI

    ધુમકેતુ સાહેબને સાદર પ્રનામ
    એઓ તુન્કિ વાર્તાના તેન્દુલકર .
    મારા જેવા દરેક નવા વાર્તાકાર એમનિ વાર્તાઓ પચાવિને પોતાનિ વાર્તા કાગલ ઉપર માન્દે એવિ મારિ મૈત્રિ પુર્ન – દિલિ ભલામન
    તેન્દુલકરનિ નિવ્રુત્તિ તાને જિગ્નેશનિ યોગ્ય ઉજવનિ માતે દિલિ ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • ASHVIN DESAI

    ધુમકેતુ સાહેબ એતલે તુન્કિ વાર્તાના તેન્દુલકર
    મારા જેવો દરેક નવો વાર્તાકાર એમને સાદર પ્રનામ કરિને – એમનિ વાર્તાઓ પચાવિને પચ્હિ જ પોતાનિ વાર્તા માન્દે ,

    એવિ મારિ સરદય ભલામન ચ્હે -અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા