ચાર સુંદર ગઝલો – રાકેશ હાંસલિયા 18


૧. છે..

કૈંક જાણે કે થવામાં છે,
આજ મૂંઝારો હવામાં છે.

કેમ લંબાશે મદદ માટે?
હાથ પંડિતના પૂજામાં છે.

સાંભળે છે વાત બસ મનની,
કોઈના ક્યાં એ કહ્યામાં છે!

ઊંચકાવે તું જ ગોવર્ધન
જોર ક્યાં મારી ભુજામાં છે!

શૂન્યથી મનને ભરી દેતું,
કૈંક એવું આ જગામાં છે.

મૌન બેઠાં છે બધાં સાથી,
ખોફ કોનો આ સભામાં છે?

પ્રાર્થના ? ‘રાકેશ’ના હોઠે?
આજ નક્કી એ નશામાં છે!

૨. પ્રાર્થના કરો…

સાવ છેલ્લા શ્વાસ હો તો પ્રાર્થના કરો,
સહેજ પણ અવકાશ હો તો પ્રાર્થના કરો.

પ્રાણ જો ઉદાસ હો તો પ્રાર્થના કરો
શૂન્યતા ચોપાસ હો તો પ્રાર્થના કરો.

આંસુના ઉદગાર નિષ્ફળ જાય ના કદી
એટલો વિશ્વાસ હો તો પ્રાર્થના કરો.

નભ વરસતું હોય અનરાધાર ને છતાં,
સાવ કોરી ચાસ હો તો પ્રાર્થના કરો.

કોઈનીયે આંખના આકાશમાં કદી,
સહેજ પણ ભીનાશ હો તો પ્રાર્થના કરો.

રોશનીના શહેરમાં ઘર હોય તે છતાં
ઘન તિમિર ચોપાસ હો તો પ્રાર્થના કરો.

૩. અસર

તું કે’ છે ખુદાની અસર છે,
મને તો નશાની અસર છે.

વરસવા અધીરું રહે છે
હ્રદય પર ઘટાની અસર છે.

હજી ક્યાં સૂકાયો છે તડકો
હજી માવઠાની અસર છે!

સરી જાય છે મન ગહનમાં
હજી પણ ગુફાની અસર છે.

વધારો થયો છે પીડામાં,
અજબ આ દવાની અસર છે!

રહે છે અટૂલો અટૂલો
હ્રદય પર સભાની અસર છે.

૪. ધુમાડો

ભલે આજ છે આ ચલમનો ધુમાડો
કદી એ જ બનશે અગમનો ધુમાડો

નથી આયનામાં ચહેરો કળાતો
નડે છે બધાને અહમનો ધુમાડો.

હ્રદયમાં ગલીમાં નગરમાં જગતમાં
સકળમાં ભમે છે ભરમનો ધુમાડો.

થશે કેમ ઝાંખી પ્રભુની ભગતને
નડે છે નજરને ધરમનો ધુમાડો.

નહીં સાથ છોડે ભવોભવ બધાંનો
સદા સંગ રહેશે કરમનો ધુમાડો.

હવામાં ભળ્યું છે કશું તો સુગંધી,
હશે ધૂપ જેવો પરમનો ધુમાડો.

કશું સિદ્ધ થાતું નથી અંત લગ પણ
અહીં સૌ કરે છે જનમનો ધુમાડો.

મહેકે છે તેથી જ લોબાન જેવું,
નથી આ ગઝલ કૈં કલમનો ધુમાડો.

– રાકેશ હાંસલિયા

શ્રી રાકેશભાઈ હાંસલિયાની કૃતિઓ અક્ષરનાદને નિયમિત મળે છે અને પ્રસિદ્ધ થતી રહી છે, સાથે સાથે વાચકોનો પણ સુંદર પ્રતિભાવ તેમને સાંપડ્યો છે. આ જ શ્રેણીમાં તેમની વધુ ચાર સુંદર ગઝલો આજે પ્રસ્તુત છે. અગ્રગણ્ય સાહિત્ય સામયિકોમાં તેમની ગઝલો હવે પ્રસ્તુત થઈ રહી છે એ આનંદની વાત છે તો તેમની આ યાત્રામાં અક્ષરનાદ સાથે છે એ વાતનો હર્ષ પણ ખરો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર ગઝલો. આ ગઝલો સર્જકના મનોવિશ્વની વાત વાચક સુધી સરળતાથી પહોંચાડી શકે એવી અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


18 thoughts on “ચાર સુંદર ગઝલો – રાકેશ હાંસલિયા

 • ojas.guj.nic.in

  ખુબ જ સરસ લખ્યું છે તમે.

  હવે તમે દરેક સરકારી નોકરી માટે અહી અપ્લાય કરી શકો છો ojas.guj.nic.in

 • Nirav

  પ્રથમ ગઝલ’ની પ્રથમ બે કડીઓ જ અદભુત લખાઈ છે . . .

  કૈક જાણે કે થવામાં છે ,
  આજ મૂંઝારો હવામાં છે .

  . . ચારે ચાર ગઝલો ખુબ જ સુંદર ( જેટલી મારી ચાંચ ડુબે છે , ગઝલોમાં . . . તે મુજબ તો આ ગઝલો ખુબ જ સુંદર રચાઈ છે . )

 • JAYESHKUMAR.R.SHUKLA.

  SHRI RAKESHKUMAR;
  નમસ્તે॰
  ** તમારી 4રે કવિતા મને ગમી॰તેમાં” પ્રાર્થાનાકરો”..સૌથી વધારે ગમી॰તમારી કલમમાં દમ છે॰લખવાનું ચાલુ રાખજો॰વ્યવસાયે શિક્ષકઅને સ્વભાવેસર્જક એટલે સરળતા રહેશે॰ આભાર॰**જયેશ શુક્લ॰વડોદરા॰01.10.2013.મંગળવાર॰

 • Hemant Merchant

  Dear Jigneshbhai,
  All these four gazals have something mystical in them, He seems to be a man of deep contemplation .
  I have suggestion that if possible,pl give contact nos and email id of the writers, poets if they have no objection . Thnx again for posting such nice articles, poems, gazals etc.

 • Ashok Bhatt

  વધારે લખો તે પહેલા વધારે મહેનત છન્દ અને બાધણી સમઝવા મા કરો તો તમને તો ફાયદો થશે જ પણ તેથી વધારે ફાયદો ગુજરાતી ભાષા ને થશે.

 • ashvin desai

  ભાઈ રાકેશ ખુબ ઉન્ચિ કક્ષાના શાયર તરિકે પ્રસ્થાપિત થઈ ગયા ચ્હે
  ખુબ જ સહજ રિતે એમનિ ગઝલોનુ સર્જન રદયના ઉન્દાનમાથિ થતુ હોય એવુ ભાવક અનુભવિ શકે એતલિ બલકત એમનિ રચનાઓ હોય ચ્હે .
  તુન્કિ બેરનિ ગઝલો પન એતલિ જ અર્થસભર હોય ચ્હે .
  રાકેશને બઆદબ સલામ કરવાનુ મન થાય ચ્હે . ધન્યવાદ
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા