સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૬) 5


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૬)

મૂળ પુસ્તક – પુરાતન જ્યોત

પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૫ થી આગળ…

Courtesy Jhaverchandmeghani.com

Courtesy Jhaverchandmeghani.com

લાંબી વાર સુધી બેઉ જણા ચુપચાપ બેસી રહ્યાં.દેવીદાસે જોયું કે અમરબાઈની દૃષ્ટિ ધરતી સામે સ્થિરતાથી મંડાઈ ગઈ હતી. ભયનું તો એના રૂંવાડામાં પણ કોઈ નામ-નિશાન નહોતું.

આખરે દેવીદાસ ઊઠ્યા ને એમણે ઝોળી લઈ જોડા પહેર્યા.

“મને કાંઈ સતવચન સંભળાવશો?” અમરબાઈએ પહેલી વાર પ્રશ્ન કર્યો.

જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી: “શું સંભળાવું બાઈ ! શાસ્તર હું ભણ્યો નથી. હું ય રઝળતો રખડતો આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરો ને રબારી આદુ કાળથી ગોધન ચારતાં આવેલ છે. તાજા જણેલા વાછરુને, થાક્યાપાક્યા વાછરુને અને રોગી વાછરુને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે. એ જ ધંધો હું આંહીં કરી રહેલ છું. રબારીનો એ ભગવાને ભળાવ્યો કસબ છે બાઈ ! મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું? મેં જ કદી સતવચન સાંભળ્યા નથી ને!”

ઝોળી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભર્યું. પાછા ફરીને એણે અમરબાઈને કહ્યું: “બેન, એક વચન માગી લઉં છું.”

“શું?”

“સાંજે હું રામરોટલા ભીખીને પાછો આવું, ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે, ગા દોજે, પાણી ભરજે, વાસીદું કરજે, પણ કોઈ રોગીને અડીશ નહીં. ”

“કારણ ?”

“કારણ હું તને આવીને સમજાવીશ.”

મોટી ડાંફો ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્ન ની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણો ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણો કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ ફૂંકતાં હતાં.ચારે દિશાનાં ગામડાં ફરતી લૂ વીંટળાઈ વળી હતી. એક બિન્દુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર ઝાંઝવાનાં મોટાં સરોવરો લહેરાતાં હતાં, ને સરોવરોમાં મહાન અલકાનગરીઓના મિનારા, ઘુમ્મટો ને અટારીઓ કોણ જાણે ક્યા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતાં હતાં.

ગરમ લૂની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું. બીજું ગામ ભીખ્યું. ત્રીજું ગામ ભીખ્યું. પણ ગામડાં નાનકડાં, વસ્તી ખેતરોમાં, ઉપરાંત દેવીદાસનો ઓછાયો લેતાંય હવે તો લોક ડરતાં, એટલે એની ઝોળી હજુ વધુ ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ બારેક ગાઉનો પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એણે ‘જગ્યા’માં પગ મૂકી ‘સત્ દત્તાત્રેય’ નો સખુન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી. દીવો કરનારા હાથ અમરબાઈના હતા.

“આજ તો સરખી જ્યોતે જગ્યાનો દીવો જલે છે.”દેવીદાસે હાથપગની ધૂળ ધોતાં ને મોં પર ઝીંકાયેલી લૂને ટાઢક કરતાં કરતાં કહ્યું :

“અમરબાઈ ! દીકરી !” દેવીદાસે પંગત બિછાવતાં બિછાવતાં કહ્યું: “બહાર ત્રણ વાર સાદ નાખીશ? કોઈ મુસાફર, વટેમાર્ગુ, અભ્યાગત, ભૂખ્યુંદુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ ભાઈ રામરોટી જમવા.”

દસબાર રઝળુ બાવાસાધુઓ અમરબાઈને બોલે હાજર થયા, ‘જયરામજીકી’ની ઘોષણા થઈ રહી. ‘બડા ભગત હે દેવીદાસ! બડા સાધુસેવક હે! ભેખમેં તલ્લીન હો ગયા હે!’ એવા એવા ધન્યવાદો તેઓ બોલતા હતા ત્યાં તો પાછલી પરસાળમાંથી દેવીદાસ દેખાયા. એમની જોડે પાંચેક બીજાં અતિથિઓ હતાં. કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી, કોઈના પગ લંગડા, કોઈની આંખોને સ્થાને ખાડા જ રહ્યા હતા. પાંચેયને દેવીદાસે એક જ પંગતમાં સૌની જોડે બેસાર્યાં.

“અમરબાઈ ! બાપ, તું બહાર બેસીને રામરોટીના ટુકડા નોખાનોખા પાડી નાખીશ?”

એમ કહીને એણે બહાર જઈ, એક વસ્ત્ર ઉપર ઝોળી ઠાલવી નાખી. બન્ને જણાએ રોટલીનાં બટકાં, રોટલાનાં બટકાં, ખીચડીના લોંદા, શાકનાં ફોડવા વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી.”

“પીરસો હવે સર્વેને” સંતે હસીને કહ્યું. અમરબાઈ પીરસવા ઊઠ્યાં.

“બાવાજી, તમારામાંથી કોઇક ઊઠશો પીરસવા?” દેવીદાસે મુસાફરોને પૂછ્યું.

કોઈ ઊઠ્યું નહીં. સહુની દૃષ્ટિ દીવાની ઝાંખી જ્યોતમાં ભૂતાવળ-શાં દેખાતાં પેલા રોગિષ્ટો ઉપર હતી. દીવાલ ઉપર એ રોગિષ્ટોની કાળી છાયાઓ ભમતી હતી. મનુષ્યો ને એના પડછાયા બેઉ એકબીજાની ભયાનકતામાં પુરવણી કરતાં હતાં. સાચા કોણ, પેલા પડછાયા કે આ અર્ધજીવિત રોગીઓ, તે ત્યાં એક સમસ્યા હતી. મુસાફર સાધુ બાવાઓને શંકા પડી હતી કે આ રોગિષ્ટો અમારી સામે તીણી આંખે તાકે છે.

“ત્યારે હરિનાં બાળુડાં !” દેવીદાસે એ રોગિયલ મંડળી તરફ હસીને કહ્યું: “તમારામાંથી કોઈ ઊઠશો? આ લોંદો લોંદો ખીચડી વહેંચી દેશો?”

પતિયાંઓએ એકબીજાની સામે જોયું. સંત દેવીદાસ સાચે જ શું આપણને પીરસવા કહે છે? કોઈને શ્રદ્ધા નહોતી પડતી.

“ઊઠ ત્યારે શેખા !” સંતે વાઘરીના છોકરાને સંબોધીને કહ્યું: “તું પીરસીશ બચ્ચા?”

શેખો આઠેક વર્ષનો બાળ હતો. જગતે, સગાં માવતરે એને મૂએલો ગણી ફેંકી દીધો હતો. એને નિર્દોષને સંતના બોલમાં વ્યંગ ન લાગ્યો. એ ઊઠ્યો. પણ એનો પગ ખવાઈ ગયો હતો. ખોડંગાતો ખોડંગાતો એ ઊઠ્યો. પણ જે ક્ષણે એણે ખીચડીનો પહેલો લોંદો પીરસવા લીધો તે જ ક્ષણે પેલા મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ. ઊઠીને એ ચાલ્યાં ગયાં હતાં. બહારથી શબ્દો સંભળાતા હતા: “કમજાત ! દેવ કે ધામ કો ભ્રષ્ટ કરનેવાલા !”

પંગત પર બાકી રહ્યાં આટલાં જ જણાં: દેવીદાસ અને પાંચ પતિયાં. અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી, પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું: “બેન, તારું ભાણું મેં પરસાળમાં પીરસી રાખ્યું છે.” અમરબાઈ પરસાળમાં ચાલી ગઈ.

આરોગીને સહુ ઊઠ્યાં; રોગિષ્ઠોને પાછાં પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા. સામે અમરબાઈ બેઠાં.

“બે’ન !” ધીરે સ્વરે સંતે સમજ પાડી : “પુરુષનો દેહ સડે તે એક વાત થઈ. પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ છે. તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે. કોને ખબર, પહેલી ફાળ દેતાં પગ મચકાણો ! કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા ! માટે બાઈ, વધુ નહીં, છ જ મહિના ઠેરી જા. અડધી સાલ તારી શુદ્ધિ સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ જાય તો ખુશીથી રોગિયાંને ખોળામાં રમાડજે. પણ હમણાં તો છ મહિના ઠહેરી જા.”

“ત્યાં સુધી શું કરું?”

“ઝોળી લઈ ટે’લ કરીશ?”

થોડી ઘડી અમરબાઈને થડકો લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલ હતી. ગામોગામ ભિક્ષા માગવા ભટકવું કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે: આયરની દીકરી, આયરની કુલવહુવારુ, બાવણ બની ગઈ ! અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમ જ સાસરિયાંનો ભય તો તોળાઇ જ રહ્યો છે. પણ બાવળનું લાકડું તો છીણીના જ ઘા માગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે. અમરબાઈને પણ ત્રાજવામાં તોળાવાની ઘડી આવી પહોંચી. ઘડીકના વૈરાગ્યે તો મને રોકી નથી રાખીને? વૈરાગ્યના પણ શોખ હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરે પોતાના આત્માનું તળિયું, દીવો ઝાલીને તપાસ્યું. ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં રસાકસી ચાલી. હારજીતની અનેક ઘડીઓ આવી અને ગઈ. મનમાં મોજાં ચડી ચડીને નીચે પછડાયાં. આ તો અગ્નિસોંસરા નીકળવાનું હતું. ‘જોગમાયા’કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતાં આવવાનાં.

“અમરબાઈ બેટા” સંતે પૂછી જોયું: “કેટલી અવસ્થા થઈ?”

“વરસ વીશની.”

“કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે?”

“કદી નહીં. અમારું ખોરડું પૂજાતું.”

“એ જ વિપદની વાત બની છે દીકરી ! ઘણના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફતકિયું? ને દુનિયાએ જેને એકલી સારપ જ દીધી છે તેના જેવું કોઈ દુ:ખી નથી. જગતના બોલ એની ચોગમ કાળમીંઢની દીવાલો ચણી વાળે છે. દુનિયાની ઇજ્જત-આબરૂ એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત.”

મોડી રાત સુધી સંતે આ તરુણીને ટીપી ટીપી ઘડ્યા કરી.

મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠો બેઠો પૃથ્વી પર સૂતેલીને એકીટશે નીરખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં: એક ધેનુ ને બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા.

અક્ષરો ન ઉકેલી શકાયા.

સંતે ખીંટીએથી એકતારો ઉપાડ્યો. તાર ઉપર ટેરવાં ફર્યાં તે ક્ષણે પહેલું જ પદ એને ‘શબદનાં બાણ’ નું સ્ફુર્યું:

લાગ્યાં શબદનાં બાણ
હાં રે એના પ્રેમે વીંધાયેલ પ્રાણ હો!
હો… હો લાગ્યાં શબદનાં બાણ જી !

સૂતેલીનો પ્રારબ્ધલેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો.

સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાબીની વીરતા હતી. એ અવાજના વચગાળામાં મક્કમ પગલાંના ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમનાં લોકો દોટ કાઢતાં, રીડિયા મચી જતા કે, ‘બાવણ નીકળી, જુવાન બાવણ નીકળી.’ નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પણ પછવાડે ઠ્ઠઠાના બોલ છૂટતા: ‘મીરાંબાઈ બનવા નીકળી છે ! ધણીધોરી વગરની પાટકે છે ! જુવાની જોઈ એની જુવાની !’

ખેતરના પાકમાંથી વૈયાં ઉરાડવા માટે જુવાનો ગોફણો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેક પથ્થરોની ચણચણાટી અમરબાઈએ પોતાના કાનની લગોલગ સાંભળી હતી. કોઈ કોઈ વાર પથ્થર વાગતો ત્યારે પછવાડે પણ જોયા વિના આગળ પગલાં માંડતી એ ‘શબદ’ બોલતી: ‘સત દેવીદાસ’ ‘સ…ત દેવીદાસ.’

દિવસો ગયા. હાંસી શમવા માંડી. લોકો નજીક આવતાં થયાં. લોકોની જીભ પણ ઊઘડી: “સત દેવીદાસ, મા !”

“સત દેવીદાસ, બાપુ !” અમરબાઈ સૌને જવાબ દેતાં.

“મા, દુ:ખની વાત સાંભળતાં જશો?”

“કહોને બાપુ !”

“આ મારી વહુને પેટ શેર માટીની ખોટ છે. ઘોડિયું બંધાવોને !”

“આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપોને!”

“અમારા જમાઈને ધનુડી ભંગડી વળગી છે, છોડાવોને મા !”

સહુના જવાબમાં અમરબાઈ એક જ બોલ સંભળાવતાં: “દોરા-ધાગા ને મંતર તો મારી કને એક જ છે બાપુ, કે ઇશ્વર સહુનું સારું કરજો !”

‘બાવણ મતલબી હશે, ભાઈ !’ એવું વિચારી લોકો શ્રીફળ લાવતાં, કોરી ધરતાં, દાણાની સૂંડલી ભરી રસ્તામાં ઊભાં રહેતાં.

“ન ખપે, કશુંય ન ખપે ભાઈ લોક !” એટલું કહીને અમરબાઈ મોં મલકાવતાં.

એના મલકાટમાં ગજબ વશીકરણ હતું.

થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું. એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી: “જગ્યાનો વરો વધ્યો છે. રોગિયાં અને અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળો ને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમ જ જગ્યામાં ગાયો બાંધવા માગે છે. જગ્યાને ખાતર સ્વીકારી લઉં?”

થોડી ઘડી તો સંતે કશું કહ્યું નહીં; રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે, રખે અમરબાઈને હું મારી ચેલકી સમજી બેશીશ, રખેને મારા ડહાપણનું હું પદ મારા હૈયામાંથી અંકુર કાઢશે, એ બીકે પોતે ચૂપ રહી ગયા. પછી હસીને જવાબ આપ્યો: “આપણો સંઘરો આપણને જ દાટી દેશે, બે’ન ! તારા પગ થાક્યા છે?”

“રામરોટી પૂરી થતી નથી.”

“કેને કેને માગો છો તમે? ”

“તમામ હિંદુ વરણને.”

“મુસલમાન કાં નહીં? રક્તપીતિયાને જાત નથી બે’ન ! એ તો જાત બહારનાં, જગતની બહાર કાઢી મૂકેલાં છે. એ ન અભડાય. આપણેય જાત તજી છે.”

થોડી વાર પછી સંતે સંભારી આપ્યું: “ઢેડોના વાસમાં જાઓ છો? ”

“ના રે !”

“કેમ નહીં? શીદ તારવો છો એને? પ્રભુનાં તો એ તારવેલાં નથી ને? ”

“ના.”

“આપણે પ્રભુથીયે ચોખ્ખેરા?” સંત હસ્યા. અમરબાઈનું મોં લજ્જાથી નીચે ઢળ્યું.

(ક્રમશઃ)

– ઝવેરચંદ મેઘાણી

આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પર ઉપલબ્ધ છે અને આવનાર ભાગ પણ જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ અહીંથી વાંચી શકાશે.

{અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.}


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૬)