ચાર ગઝલરચનાઓ… – રાકેશ હાંસલિયા 11


૧. એવું બને…

બુંદના ભારે નમે એવું બને,
પાંદડું હેલી ખમે એવું બને.

કોઈ એકાકી રમે આરંભમાં,
એ રમત દુનિયા રમે એવું બને.

ખીણની સાથે શિખર વાતો કરે,
પહાડ મનમાં સમસમે એવું બને.

મૌનમાં ડૂબી ગઈ હો વાત જે,
એના પડઘા ના શમે એવું બને.

સૂર્ય જેવો સૂર્ય પણ સંજોગવશ
ભરબપોરે આથમે એવું બને.

કોઈ શેરી સાંજ લગ સુમસામ હોય,
રાત આખી ધમધમે એવું બને.

૨. ચાલ્યો ગયો

શબ્દને છોડી અરથ ચાલ્યો ગયો,
રામ જાણે કઈ તરફ ચાલ્યો ગયો.

કોણ જાણે કેવું ફાટ્યું આ ખમીસ
ટેભાં લેવામાં જનમ ચાલ્યો ગયો.

હાથનું પૂછો તો એ ના એ જ છે,
ટેરવામાંથી કસબ ચાલ્યો ગયો.

ફૂલની ચર્ચા જગત કરતું રહ્યું,
મ્હેકથી મ્હેંકી પવન ચાલ્યો ગયો.

લો, હવે તો ફૂલ ડૂબી જાય છે,
તરતા પથ્થર એ વખત ચાલ્યો ગયો.

હમસફર સમજી હતી પરછાઈને
સાંજ ઢળતા એ ભરમ ચાલ્યો ગયો.

કાં હજી ‘રાકેશ’ બેઠો છે અહીં,
ઘેર જા, તારો સમય ચાલ્યો ગયો.

૩. એક કિસ્સો…

એક કિસ્સો હાથમાં આવી ગયો,
ગામ આખાને બહેલાવી ગયો.

એ જ કારણ એના ટકવાનું હતું,
પાન સાથે એ ઘણું ચાવી ગયો.

નામ જેનું હોઠ પર રમતું હતું,
એ જ માણસ રૂબરૂ આવી ગયો.

ઠેસ લાગી એ નજીવી વાતમાં,
આખે આખો માર્ગ ખોદાવી ગયો.

વાત ઈશ્વરની બધે કરતો હતો,
માણસોને એ જ બહેકાવી ગયો.

છોડ તુલસીનો લઈ ફરતો હતો,
આખરે એ બોરડી વાવી ગયો.

પ્યાસ તો ‘રાકેશ’ની અકબંધ રહી
એ ભલે ગંગા સુધી આવી ગયો.

૪. થાય છે…

Rakesh Hansaliya Gujarati Ghazal

– રાકેશ હાંસલિયા

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો હતો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આ પહેલા ‘જીવા’ રદીફ ધરાવતી ચાર ગઝલો અક્ષરનાદ પર આપણે માણી હતી, આજે પ્રસ્તુત છે તેમની ત્રણ ગઝલો સાથે એક હસ્તાક્ષર ગઝલ. આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ દ્વિતિય પ્રસ્તુતિ છે, અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


11 thoughts on “ચાર ગઝલરચનાઓ… – રાકેશ હાંસલિયા

  • laxmi dobariya

    ખૂબ સરસ રચનાઓ… રાકેશભાઈ સાથે મારો સંયુક્ત ગઝલ સંગ્રહ ”તત્વ” થયો છે..એટલે સર્જક તરીકે અને વ્યક્તિ તરીકે પણ રાકેશભાઈ કેટલા ઉત્તમ છે એ જાણું છું. એમની રચનાઓમાં એમનું આંતર સત્વ ભાવકને સ્પર્શે છે. સહજ અને સરળ શૈલીમાં ખૂબ માર્મિક વાત કરવાનો કસબ રાકેશભાઈને હાથવગો છે.

  • ડૉ.મહેશ રાવલ

    કવિ મિત્રશ્રી રાકેશ હાંસલીયાની ચારેય ગઝલો બહુ જ ગમી.
    ખાસ તો, હસ્તાક્ષર ગઝલ અને એમાંય એ ગઝલનો મક્તા….વાહ.
    -અભિનંદન.

  • Rajesh Vyas "JAM"

    ગઝલ આખી ના સમજાય એવું બને
    એક જ શેર સોંસરવો ઉતરી જાય એવું બને.

    હવે તો તારો જ આશરો છે “રાકેશ”
    સૌનો લાડીલો “રમેશ” (ર.પા.) ચાલ્યો ગયો.

    હવે છીપાઈ જશે ત્રુશ્ણા સાહીત્ય રસની
    વરસાદનો પર્યાય રાકેશ આવી ગયો.

    બસ આમ જ ક્રુતિઓ રજુ કરતાં રહેજો “રાકેશ”
    વાંચી ને રોમ-રોમ રાજી થાય છે.

  • PRIYAVADAN P. MANKAD

    All the four ghazals are very good and worth noting down. Congrats to Shri Rakeshbhai and thanks to, no, thanks A LOT to Aksharnaad for sharing such ghazals.

  • Suresh Shah

    આસ્વાદ કરાવવા બદલ આભાર.
    રાકેશભાઈ ની મનની વાતો સાંભળી મઝા આવી ગઈ.

    – સુરેશ શાહ, સિંગાપોર

  • ashvin desai

    ભાઈ રાકેશનિ ૪ ગઝલ સમ્પુર્ન કલાક્રુતિ ચ્હે , તેનિ નોન્ધ લેતા અનોખો આનન્દ થાય ચ્હે .
    સરલ , આધુનિક , ચોતદાર શૈલિ , અતિસરલ , ક્ષતિમુક્ત વજન્મા શેરો એત્લિ સહજતાથિ ગોથવાઈ ગયા ચ્હે કે , ગઝલ સિધિ શાયરના રદયમાથિ જ ઉતરિ આવિ હોય એવિ પ્રતિતિ યથાય ચ્હે . હસ્તાક્ષર પન કવિના મરોદદાર વ્યક્તિત્વને ઉજાગર કરે વચ્હે . ધન્યવાદ . અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા