સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૪) 3


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૪)

મૂળ પુસ્તક – પુરાતન જ્યોત

પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૩ થી આગળ…

Courtesy Jhaverchandmeghani.com

Courtesy Jhaverchandmeghani.com

શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછાં થોભી જતાં હતાં. એ સવારનો બનાવ એવો હતો કે કોઈનો, ખાસ કરીને સ્ત્રીઓનો રસ તો એકસો વર્ષો સુધીય ન ખૂટે, ઊલટાનો વધે.

એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં જ ચાલી નીકળેલ વે’લડાને લગતો હતો. વે’લડાના લાલ માફાનું ટોપકું દેખાતું બંધ પડ્યું હતું. હવે તો સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડ્યે બાળકો તેડીને ઊભી ઊભી ગ્રામવનિતાઓ તે તરફ તાકતી હતી. મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતી:

‘આજ પહેલો જ બનાવ, કે સાસરે જાનારી દીકરી ધરાર ન રોઈ.’ ‘માવતરના વછા પડ્યે દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે?’

‘અરે બાઈ, એટલું અલેણું. આટલી માયામમતા સુકાઈ ગઈ.’

‘હા જ તો. નવાણે નીર સૂક્યાં ને દલડાના નેહ સૂક્યા, એવો કળિકાળ આવ્યો હવે તો.’

‘કોણ જાણે, અમરબાઈને સાસરે તે કેવુંય સુખ મળવાનું હશે!’

‘સુખસા’યબી છે એ વાત તો સાચી. અમારી જાણની જ વાત છે. એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી ને જુવાન ભારી રંગીલો.’

‘અમે દીઠેલો ને! આંહી આવેલો ત્યારે આંખોમાંથી શાં અમી ઝરે ઈ તો!’

‘બસ બાઈ, કે’નારા કહી રિયા તો પછી અમરબાઈ સાસરે જતાં શા સારુ રોવે?’

‘રોવે નહીં! શું બોલો છો તમે!’

‘પણ રોવું આવે નહીં ને!’

‘તોય રોવું જોવે. ગલઢાંએ કરી મૂક્યું છે. કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના સહિયરનું પાદર છોડે છે કે દી?’

‘અરે, મારા અમરબાઈ ગઈ ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રોઈ’તી! જાણો છો ને, ફુઈજી?’

‘અરે બાઈ! અમારાં ટાણાંમાં અમારાં રોણાં કેવાં હતાં એની શી વાત કરીએ? ઈ તો ટાણાં જ ગયાં ને! ઈ વેળાયું ને ઈ વાતું!’

એવા વાર્તાલાપના ધ્વનિ-પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરનાં ઝાડવાંની ઘટા નીચેથી વિલય પામી ગયા, ત્યારે અમરબાઈનું ઓઝતું બેક કોસને પંથ કાપી ચૂક્યું હતું. ગ્રામવધૂઓની ફરિયાદ સોએ સો ટકા સાચી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી. સાચું કે જુઠું એકેય જાતનું એ નહોતી રડી શકી. ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું. પોતાની દીકરી સ્વર્ગની સુખસમૃદ્ધિ વાંછનારી માતા પણ એટલી ઈર્ષ્યાળુ તો બેલાશક હોય છે કે પુત્રી તરફના માતૃનેહના એકાદ આંસુ ઊભરાની અને ગામ ભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ રાખે જ રાખે.

માવતરને સંભારી સંભારી આંસુ વહાવવાને બદલે ઓગણીસ વીસ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી. એનું અંત:કરણ વે’લડાના વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાંખી શકતું. એની ભરાવદાર છાતી વે’લડાની ગતિને તાલ દેતી ઉછાળા મારતી હતી. એના જોબનમાં કેવડાની ફોરમ હતી. નઘેરનાં સભર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય તો તમે અમરબાઈના એ દિવસના યૌવનનો મર્મ બરાબર પારખી શકો.

‘કેમ તું મારા સામે તાકી રહી છો, બેટા?’ વે’લડામાં બેઠેલી બીજી આઘેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈના સાસુ હતાં.

‘હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી ફુઈ!’ અમરબાઈએ જવાબ દીધો.

સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પિછાની શકનાર અનેક આત્મલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઊર્મીઓની ખબર ન પડી હોય. પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરા મોહરામાંથી પોતાના સ્વામીની મુખ મુદ્રાને મીંડાવતી હતી. સાસુની એક્કેક રેખા ઉઠાવીને પતિની અણસાર ઘડતી હતી.

એમ કરતાં અમરબાઈ જોલાં ખાવા લાગી. સાસુએ તેને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું : ‘અહીં આવ, મારાં ફૂલ! આંહી આવ. મારાં ખોળામાં એક નીંદર કરી લે ત્યાં હમણાં જ આપણે દત્તાત્રયને ધૂણે પોગી જશું.’

અમરબાઈએ અતિ ઉલ્લાસભેર સાસુના ખોળા પર માથુ ઢાળી દીધું. સાસુના શરીરમાંથી એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવતી રહી.

એનાં પોપચાં હજુ અરધાં ઉઘાડાં જ હતાં. સાસુએ તેને ટાપલી લગાવી ને કહ્યું : ‘સુઈ જા, પાછું જાગરણ ભારી પડી જશે, ડાહી!’

એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમારબાઈની આંખો પૂરેપૂરી ઢાળી દીધી.

પારણાના હિચોલાટ બંધ પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની નીંદ પણ ઊડી ગઈ. વે’લડું ઊભું રહ્યું હતું.

આખે માર્ગે વગડાની ગરમ લૂ વાતી હતી, તેને બદલે વે’લડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટી ફેરવી. વે’લડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંઝણો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર મીઠી ફોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરોનીં પાંદ ઘીમાં જબોળ્યા જેવાં ચમકતાં હતાં. એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી. એક નાની કૂઈ અને અવેડો હતાં. અવેડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા ‘સંત દત્તાત્રય’ બોલતો હતો.

છાંયડામાં અમરબાઈની સાસુ ઊભાં ઊભાં એક-બે જણાઓની સાથે વાતો કરતાં હતાં. સાસુના કદાવર ઘાટીલા આહીરદેહ ઉપર ગૂઢા રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નીરખ્યા જ કરીએ છતાં ન ધરાઈએ એવી મીઠાશે નીતરતું હતું.

સાસુની વાતોના બોલ અમરબાઈએ ભાંગ્યા તૂટ્યા પકડ્યા:

‘આવ્યો છે? ભાઈ અહીં સુધી સામો અવ્યો છે?’

‘હા, આઈ. કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે આંહી સુધી પહોંચવાની જરૂર પડી છે.’

‘શેની ચેતવણી? ભાઈ ક્યાં છે? આંહીં બોલાવોને!’

‘આંહી તો નહીં આવે, શરમાય છે. કેમ કે અમરબાઈ બોન ભેગાં છે.’

‘દુત્તો ! આવ્યો તો હશે એટલા જ માટે, ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે !’ આઈએ રમૂજ કરી, ‘ને ચેતવણી શેની?’

‘કે જગ્યાની અંદર આઈયે ન જાય. અમરબાઈ બે’નનેય ન જાવા દે.’

‘કાં?’

‘દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે.’

‘શાથી?’

‘પતિયાંને ભેગાં કરવા મંડેલ છે. પોતે હાથે જ નવરાવે-ધોવરાવે છે, ને હાથે જ ખવરાવે છે, હમણાં તો એક પતણી ડોશીને ઝોળીએ નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે.’

એ જ વખતે એક ઝાડ-ઘટાની નીચે એક ચોગાનની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી.’

‘આ કોણ ગોકીરા કરે છે?’ આઈએ પૂછ્યું.

‘એ જ – એ પતણી ડોશી જ. દેવીદાસ મા’રાજ એનાં સડેલાં આંગળા ધોવા બેઠાં છે.’

આહીરાણી થોડી વાર ઉંડા વિચારમાં પડી ગયાં, પછી એમણે કહ્યું, ‘ભાઈ ગાડાખેડુ, ઝટઝટ ઢાંઢાને નીરણ કરાવી લે. ત્યાં હું આંહી કૂઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતોડિયામાંથી ઢેબરાં પહોંચઆડે જ્યાં બેઠા હોય ત્યાં, ને અમરબાઈ, બચ્ચા, તારે જંગલ પાણી જઈ આવવું હોય તો જઈ આવ. આપણે આંહી ઝાઝું રોકાવું નથી. અરેરે, આવી દેવી જગ્યા ! આવું થાનક ! થાક્યા પાક્યાનો વિસામો ! એની જ હવા બગડી હવે તો !’

એટલું કહીને સાસુ સ્નાનાદિકમાં પરોવાયાં. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક ઝગાવીને ભૂંગળી પીવામાં સહુ મસ્ત બન્યા. તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી.

પોતાનો સ્વામી સામે લેવા આવેલ છે, એ પોતે જાણ્યું હતું. એની આંખો દૂરદૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓશીકું કરી પડેલા જુવાન આહીરને શોધતી હતી પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા. પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી.

ખેંચાતી ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. ઓરડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે એ ફરવા લાગી. બૂમો વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દ્રશ્ય હતું, રત્નેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાનાં પાંદ નાખીને એ દરદીને નવરાવતા હતા.

દુખાવાને લીધે બૂમો પાડતી ડોશીને દેવીદાસ દિલાસા દેતા હતા – ‘નહિં, નહિં મારી માં, અમ પુરુષોના ગર્ભ વેઠનારી ને અનોધાં દુઃખો સહેનારી જનની ! નહિં દુખાવું તમને, તમમાં તો હું જોગમાયાનું, અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું, મા !’

ડોશીનું અર્ધમૃત્યુ પામેલું ક્લેવર એક જ ઉચ્ચાર કરતું હતું, મારો કેદાર ! મારો લાલીયો !’

‘અરેરે ! કેવાં સ્વાર્થી છો, મા!’ કહીને દેવીદાસ હસતા હતા – ‘મને તમારો કેદાર નહીં કરો શું ? ને હું તમારા ખોળામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાઉં, હેં મા? જોજે, તમે સાજાં થાવ કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજે ને પછી લાલિયાની જ માફક તોતડી બોલી કરીશ. પછી કાંઈ કહેવું છે મા?’

ધાસ્તી અને ગભરાટનાં વાદળાં અમરબાઈના હ્રદય ઉપરથી ઊડી ગયાં, આગના ભડકાં કરતાંયે વધુ વિકરાળ એક રોગની સામે અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો.

ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી, ‘અરે દીકરા ! તારી ફૂલેલ કાયાનું શું થશે?’

‘હેં મા ! કહો જોઉં, તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી?’

‘અરે બેટા, બબે હેલ્યે હું વાવના પાણી ભરતી, મને ગામલોકો હોથલ પદમણીનો અવતાર માનતા.’

‘ત્યારે બસ ! મા ! તમામ દેહીના એ જ હવાલ છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ ઉઠશે એની કોને ખબર છે ? માનવદેહને તો રોમે રોમ રોગ ભર્યા છે; એને હું ક્યાં સુધી દાટી રાખીશ ?’ કહેતા કહેતા દેવીદાસ ડોશીના શરીરને લૂછતા હતા. લૂછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઊઠતા હતા.

‘ને હું તો એ જ વિચારી રહ્યો છું મા, કે સ્ત્રીનો દેહ શી શી નરકવેદના સહે છે ! સ્ત્રીના શરીરને ચૂંથાવાનું – ચૂંથાવાનું – અરે ભોગની ભરપૂર મોજ મંડાતાની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે, મા, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષજાતનાં પાપ ધોઉં છું.’

એવા એવા બોલનું વશીકરણ અનુભવતી અમરબાઈને બહારનાં જગતનું કંઈક એવું વિસ્મરણ થયું, કે પોતે એ જગ્યાના ચોગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી, ને ત્યાંથી પાછલી પરસાળમાં.

પોતાના પગનો સંચળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું.

દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાના પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા – ‘હવે જુઓ માં, હું ઝોળી લઈને જઉં છું રામરોટી માંગવા, સાંજે પાછો આવીશ. પડખેના ઓરડામાં વાઘરીની દસ વરસની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને આંહીં સૂતાં સૂતાં છાની રાખજો, હો મા ! એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ નથી.’

ઝોળી લઈને સન્મુખ બનતાં જ દેવીદાસે અમરબાઈને ઊભેલી, બે હાથ જોડીને પગે લાગતી દેખી.

‘અરે, અરે, આંહીં નહીં બોન ! આંહીં નહીં, બહાર, બહાર…’ કહેતાં ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર જવા ચેષ્ટા કરી.

અમરબાઈ ન બોલી કે ન હલીચલી.

(ક્રમશઃ)

– ઝવેરચંદ મેઘાણી

આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પરથી પણ, જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૪)

  • ashvin desai

    સાતમા વરસમા અક્ષરનાદ્નિ મોતામા મોતિ ઉપલબ્ધિ
    ઈતલે સન્ત દેવિદાસનુ પુનહ પ્રસારન .
    નવોદિતોને મેઘાનિ સાહેબ્ના શબ્દ વૈભવ્નો પરિચય કરાવવો ઈનાથિ મોતિ કઈ કલાત્મક પ્રવ્રુત્તિ ?
    સાભાર ભન્યવાદ . – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા .