વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 5


૧. અવતરી ગઝલ ત્યારે..

લાગણીઓની અભિવ્યક્તિ ખૂટી જ્યારે,
હ્રદયની ભાષા બની અવતરી ગઝલ ત્યારે.

જીંદગી ભીડભરી એકલતા બની જ્યારે,
અસહ્ય પીડમાંથી અવતરી ગઝલ ત્યારે.

સફળતાની દોડમાં નિષ્ફળતા મળી જ્યારે,
ગઝલ અવતરણમાં સફળતાની મળી ત્યારે.

સઘળાં ધર્મ ગ્રંથો બન્યા અઘરા જ્યારે,
સરળ બંદગી રુપે અવતરી ગઝલ ત્યારે.

જીવન બન્યુ ઘોર અંધારી રાત જ્યારે,
ખરતો તારો બની અવતરી ગઝલ ત્યારે.

ગદ્ય અને પદ્યનો થયો અતિરેક જ્યારે,
ભાષા સમૃદ્ધ કરવા અવતરી ગઝલ ત્યારે.

આપને મળવાનું આંગળીના ટેરવે હતું જ્યારે,
‘નીરજ’ને મળવા અવતરી ગઝલ ત્યારે.

— નિરજ માકડિયા

૨. પ્રભુ ને….

જીવનનાં પથમાં પુષ્પ આપો કે કંટક,
તમને સાથે રાખી એ પથ પાર કરી શકું હું, પ્રભુ..

તરસ્યાને જળ ને ભૂખ્યા ને અન્ન,
આટલું ધરી શકવા સક્ષમ બની શકું હું, પ્રભુ..

વ્યથા હ્વદયની કહેવી સરળ નથી જ્યારે,
જીવનની જાળમા વ્યથીત કોઇ જીવનો સહારો બની શકું હું, પ્રભુ..

ભરતી ને ઓટ તો આવ્યા કરે સાગરમાં,
પ્રસન્ન મનનાં દરિયામાં એને સમાવી શકું હું, પ્રભુ..

વેરાન રણ હોય કે ઉજ્જવળ આકાશ,
તમામ રચનામા મહિમા તમારો ગાઇ શકું હું, પ્રભુ..

હર પળ માંગુ સાથ તમારો, બસ તમારા આશીર્વાદ કે,
દુઃખોની વચ્ચે પણ સુખ ને પારખી શકું હું, પ્રભુ..

મસ્તક હંમેશા રહે આપના ચરણમા,
અંતિમ એક જ યાચના મારી,
સદાય આપતા જ રહ્યા ચ્હો અમને,
જીવનના અંત સુધી આભાર આપનો માની શકું હું, પ્રભુ..

– અંજલી જાદવ

૩. વ્યથા – પી. યુ. ઠક્કર

ના કોઇ બંધન, તોય વળગણ મજબૂત,
આમ તો મુક્ત, તો ય
જકડાયેલા હરપળ મજબૂત બંધનથી.

ના વિધિપૂર્વકનો સંબંધ,
તોય અનેરો, અને, વધુ કંઇક વિધિઓથી.

બસ, જકડાયેલા, સંકળાયેલા,
વિસ્મયકારક કોઇ ઋણાનુબંધના બંધને,

ચેષ્ટા વગરનો, સ્વયંસ્ફૂરીત આ સ્નેહસંબંધ,
હૃદય મન અને આત્માને જોડતો,
જાણે કે, યુગો જુનો,
સમાન સ્નેહથી સંકંળાયેલો આ સ્નેહ.

ભલે દૂર અંતરે,
પણ ના કોઇ દૂરી અંતરમાં.

બસ, એ જ એક વ્યથા,
ઇંતેજાર બસ, હરપળ મિલનનો,

વિહ્વળતા મિલનની !
મિલન અને વિયોગ સવાર અને સાંઝ,

સાંજનો વિયોગ સહી જવાતો,
પછીની સવારના મિલનની આશે
સવારનો વિયોગ સહી જવાતો,
સાંજના મિલનની આશે

મિલન અને જુદાઇનો, બસ, એ જ સીલસીલો,
છુપ્પા-છૂપ્પી જેવી આ રમત,
કઠતી હૃદયે નસીબની આ મૂંઝવણ,
જન્મો જન્મના જાણે ભવબંધન,
તો કેમ ના બને ? હરપળ નો સહવાસ,
બસ, શ્વસુ પ્રેમને ખુલ્લી હવામાં !

– પી. યુ. ઠક્કર

વાચકોની અસંખ્ય પદ્યરચનાઓ અક્ષરનાદને મળતી રહે છે, રોજ લગભગ એક કૃતિ મળે છે, અને તેમાંથી પ્રસ્તુત – પ્રસિદ્ધ કરવા યોગ્ય ભલે “અમૅચ્યોર” પરંતુ શરૂઆતનું બ્યૂગલ વગાડતી નવોદિત રચનાકારોની આ કૃતિઓને સૌપ્રથમ મંચ આપવાનો આનંદ અક્ષરનાદ શરૂઆતથી જ લેતું – વહેંચતુ આવ્યું છે. જે રચનાઓ અહીં પ્રસ્તુત નથી થતી તેમાંથી આશાસ્પદ રચનાકારોને તેમની રચનાઓમાં ભૂલસુધાર વિશે તેમને સૂચવવાનો પ્રયત્ન રહે છે. આજે બે વાચકમિત્રો, અંજલીબેન જાદવ અને નિરજભાઈ માકડિયાની પદ્યરચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. ઉપરાંત શ્રી પી. યુ. ઠક્કરની એક પદ્યરચના પણ અહિં પ્રસ્તુત કરી છે, જેમની કૃતિ આ પહેલા પણ અહીં પ્રસ્તુત થઈ છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવા યોગ્ય ગણવા બદલ સર્વેનો આભાર.


Leave a Reply to bhavnaCancel reply

5 thoughts on “વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત

  • ashvin desai

    ભાઈ જિગ્નેશ ,
    નવોદિત કવિઓને પ્રોત્સાહન એ પ્રસસ્ય કામગિરિ દિલિ ધન્યવાદને પાત્ર થઈ . એક સુચન કરુ ? કોઇ અધિક્રુત ઉસ્તાદ પાસે જો નવોદિતોને ચ્હન્દ – વજન – મિતરનિ યોગ્ય દોરવનિ આપવામા આવે તો આમાથિ જ આપનને આવતિ કાલના તેજસ્વિ કવિ – શાયરો મલિ રહેવાના . આભાર – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Rajesh Vyas "JAM"

    પ્રત્યેક રચના દીલથી રચાઈ છે. વાંચકોને પોતાની ક્રૂતિઓની રજુઆત કરવા માટે મોકો આપવા બદલ અક્ષરનાદ નો હ્રદય પૂર્વક આભાર. મે પણ એક રચના મોકલાવેલી પણ કદાચ ટૂંકી હોવાને કારણે સ્થાન નહીં મળી શક્યુ હોય.