ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13


૧. અસર તો પડે…

સવારે નહિં તો સાંજે એની ખબર પડે,
સૂરજની હાજરીની અસર તો પડે.

મોસમનો પહેલો વરસાદ, કોને વળી નડે?
ઘટના છે સાવ સાદી પણ, અસર તો પડે.

ભીની થશે પણ તોય આંખો નહીં રડે,
બે આંખની શરમ નડે, અસર તો પડે.

વરસાદ નહીં તો છેવટે, ઝાકળ બની પડે,
એ ભીનાશનીય થોડી અસર તો પડે.

વર્તન ગુલાબનું મને, અચરજ નહીં કરે,
છે સંગ કાંટાનો એને, અસર તો પડે.

દૂરથી નજર કરું ત્યાં તો ડમરી ચડે,
મારા વતનની ધૂળ છે, અસર તો પડે.

માણસ છે હોય જ્યારે, કાયમ સહુને નડે,
પણ જાય ત્યારે એની અસર તો પડે.

તારાની ગણત્રીમાં થોડી ભૂલ તો પડે,
ઉજાગરા ખૂબ થયા છે, અસર તો પડે.

નિર્ગુણ નિરાકારને નિર્લેપ ભલે ગણે,
પૂજા કરો જો રોજ, અસર તો પડે.

અર્જુન થવું નથી, નાહક એને ધક્કો પડે,
જાતે જ વાંચુ છું ગીતા, અસર તો પડે.

હું તો સમયસર હોઉં, પણ ઘડીયાળ છે નડે
ફર્યા કરે છે ગોળ ગોળ, અસર તો પડે.

લાખો રચાઈ છે ગઝલ, ને કેટલીય સડે,
એકાદ તાજી છો રચાય, અસર તો પડે.

૨. ખ્યાલ ના રહ્યો

પાસા પોબાર પાડતાં શીખી તો હું ગયો,
રમત રમાણી ચેસની એ ખ્યાલ ના રહ્યો.

હું દિવસભર કામમાં રચ્યો પચ્યો રહ્યો,
ક્યારે નિશા આવી ગઈ એ ખ્યાલ ના રહ્યો.

જે યુવાનીને રીઝવવા કાયમ હું મથતો રહ્યો,
ક્યારે એ ચાલી ગઈ, એ ખ્યાલ ના રહ્યો.

પોતાના જાણી હું જરાક પાછળ જ્યાં ફર્યો
ઘા થશે ત્યાં પીઠ પર, એ ખ્યાલ ના રહ્યો.

લોકો કહે છે ઔરંગઝેબ ને હું પણ માની ગયો
નબળાઈ ગઝલની હશે, એ ખ્યાલ ના રહ્યો.

દવા ગણીને ઝેર હું કાયમ પીતો રહ્યો,
ખૂટી જશે તો શું થશે એ ખ્યાલ ના રહ્યો.

મળ્યું આમંત્રણ એટલે હું તો પહોંચી ગયો,
મહેફીલમાં એ પણ હશે, એ ખ્યાલ ના રહ્યો.

ઈશ્વરને પામવા બધે મંદિર જતો રહ્યો
એ પણ મને શોધી શકે, ખ્યાલ ના રહ્યો.

અધ્યાય અઢારે અઢાર હું તો વાંચી ગયો,
સારથી પણ જોઈશે મને, ખ્યાલ ના રહ્યો.

તાળીની ગુંજ સાંભળી હું તો રાજી થયો,
એકાદ ઓછી પણ હશે, એ ખ્યાલ ના રહ્યો.

૩. મળ્યો હતો

મહેફીલમાં એકવાર હું ઈશ્વરને મળ્યો હતો,
સહુને મળું છું એમ જ બસ એને મળ્યો હતો.

ખાસ કંઈ હતું નહીં, એમ જ નીકળ્યો હતો,
આવી સુગંધ ગઝલની તેથી વળ્યો હતો.

છત્રી નહોતી હાથમાં, પણ વરસાદ ક્યાં હતો
કોને ખબર કે શી રીતે હું પલળ્યો હતો.

કોઈ કહી ગયું’તું કાનમાં, હું સળવળ્યો હતો,
એણે કહ્યું ‘ઈર્ષાદ’ ને એ શબ્દ ફળ્યો હતો.

મત્લાનો હોય કે પછી મક્તાનો હોઈ શકે,
છે યાદ એટલું જ કે શેર બહુ ગળ્યો હતો.

એને જોયા પછી કોઈ મૂર્તિ એની ગમી નથી,
લાગે છે ઘડનારો તો બસ પેટીયું રળ્યો હતો.

માણસ છું નાનો એટલે દોષ તો નીકળી શકે,
ીને જોવામાં હાથ, નરસિંહનો પણ બળ્યો હતો.

તાળીની તો મેં જ પહેલેથી ના પાડી હતી,
હાથ જમણો એનો, ઉપર તરફ વળ્યો હતો.

– ડૉ. મુકેશ જોષી

અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષી એક અદના ગઝલકાર છે અને તેમની થોડીક ગઝલો તેમણે અક્ષરનાદના ભાવકો સાથે વહેંચવા માટે પાઠવી છે. એ કૃતિઓમાંથી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. સુંદર, પૂરતા શેર ધરાવતી અને ગઝલની શિસ્તને વરેલી કૃતિઓ તેમની વિશેષતા જણાય છે. અક્ષરનાદ પરની આ પ્રથમ કૃતિ બદલ ડૉ. મુકેશ જોશીને શુભેચ્છાઓ અને આવી જ અનેકવિધ સબળ રચનાઓ બદલ હાર્દિક શુભકામનાઓ સાથે આભાર.


Leave a Reply to Hemal VaishnavCancel reply

13 thoughts on “ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી

  • Ashok Jani 'Anand'

    ઉપરના અભિપ્રાય વાંચ્યા પછી મારો મત વ્યક્ત કરતાં થોડો ખચકાટ અનુભવું છું પણ જે છે એ લખીશ…
    રચનાઓ સુંદર રીતે અભિવ્યક્ત થઇ છે. ઘણા વિચારો પણ નવાં છે પણ ત્રણેમાંથી એક પણ રચના ગઝલ કહી શકાય એવી નથી. હા, ગઝલની નજીક જરૂર છે.
    છંદની તુટ ફુટ જેવી ક્ષતિ ઉપરાંત રદિફ કાફિયા ની સમજમાં કશુંક ખુટતું જણાય છે.

    મારા અભિપ્રાયથી કવિને દુઃખી કરવાનો મારો ઇરાદો સહેજ પણ નથી એ વાતની નોંધ જરૂર લેશો.

  • Muni J Bhatt

    “મલ્યો હતો” નો “ખ્યાલ ના રહ્યો” તો પન મુકેશભાય નિ ગઝલ નિ “અસર તો પદે”…મજા પદિ ગૈ.

  • Rajesh Vyas "JAM"

    ત્રણે ગઝલ વાંચીને ભાવુક થઈ ગયો જેને લખીને
    કદાચ મુકેશભાઈ પણ થઈ ગયા હશે એ ખ્યાલ ન રહ્યો.
    ખુબજ મર્મ સભર રચનાઓ રજુ કરી છે. લાગે છે કે ડો. મુકેશભાઈએ એક કરતાં વધારે વખત “ગીતા” વાંચી છે.

  • perpoto

    અભિનંદન,લાગે છે અધિકારી ને નેતા(નમો) એકબીજાને પ્રેરણારુપ થયાં છે.

  • જયેન્દ્ર પંડ્યા

    ખુબજ સુંદર ગઝલની રચનાઓ.
    ત્રણ રચનાઓમાં મોસમ, છત્રી, રોજબરોજની ક્રિયાઓ આવરી લઇ તેમાં દર્શનશાસ્ત્ર પણ ઉમેરી દેવું તે આ ગઝલોની વિશેષતા છે.
    ડોક્ટર મુકેશ જોશીને અભિનંદન અને આવીજ ગઝલો રહે…

    (કદાચ આ રચના સરદાર સરોવર ડેમ બનાવતી વખતે લખાઈ હશે…)

  • Harshad Dave

    સુંદર રચનાઓ…અર્થસભર..અભિનંદન. …નાહક એને ધક્કો પડે! (ભલે ને પડે પણ આપણે તો ન્યાલ થઇ જવાય ને!) – હર્ષદ દવે.

  • ashvin desai

    ગુજરાતિ ગઝલ કેતલિ નસિબદાર કે એને ‘ મરિઝ્ ‘ સાહેબ જેવા ૨ ચોપદિ ભનેલા ધુરન્ધરથિ માન્દિ મુકેશ જોશિ જેવા દિગ્ગજ પ્રેમિ મલ્યા ચ્હે . ભઐ મુકેશ વધારામા દિવન્ગત મનમોજિ શાયર કૈલાસ પન્દિત સાહેબનિ પન યાદ અપાવે ચ્હે – જેમને પન બોલચાલનિ જ હલવિ ભાશામા કેતલિક અદભુત ગઝલ લખિ ચ્હે . દ્ધન્યવાદ અને દિલિ શુભેચ્ચાઓ ,
    – અશ્વિન દેસાઈ , મેલબર્ન , ઓસ્ત્રેલિયા