મિઠડી – રાજુ કોટક 14


ફેસબુક પર સંજનાનો પ્રોફાઈલ ફોટો ઝુમ ઇન કરી આજે હું તેની સાથે વાત કરતો કરતો બબડી રહ્યો હતો

એય… મિઠડી… તારી એ મસ્તીખોર મજાક મારે મન સંવેદનાનું ભાથું બની ગઈ! ખબર છે તે દિવસે તેં મને મોબાઈલ પર કહેલું “રાજી….આવો ઘરે હું ઘેર જ છું” હા, ફોન પર પ્રેમ થી તું મને રાજી કહેતી અને હું તને મિઠડી. પણ આપણે કદી રુબરુ મળ્યા નોહતા. આ અણધાર્યુ આમંત્રણ મન માનવા કે શરીર ઝીલવા તૈયાર નહોતું. મનમાં આનંદ મિશ્રીત ખળભળાટ ક્યાંય સુધી ગૂંજતો રહ્યો!

વિચારોનું ચકડોળ ફરવા માંડ્યુ…!

સંજના….. આપણી ફેસબુકી મુલાકાતને હજુ તો માંડ છ મહિના જેવો સમય વિત્યો હશે. એકબીજાને સમજવા આપણે રોજ ફેસબુકના ચેટ બોક્ષને સ્પંદનો, સવાલો, અપેક્ષાઓ અને ફરીયાદોથી ભરી દેતાં! યાદ છે એક વખત હું બિઝી હોવાના લીધે બે દિવસ સુધી તારા સંપર્કમાં રહી નહોતો શક્યો, પછી તો તારી જિદ, ગુસ્સો, શંકા બધા મને એક સમટાં ફરી વળેલાં અને તેં બે દિવસની સામે ચાર દિવસ મારી સાથે અબોલા લીધેલાં. બસ, ત્યારે મને આપણા સબંધનાં ઊંડાણનું ભાન થયેલું, અને હું સમજી ગયો હતો કે તને પણ મારી જેમ…

મારા વગર તને ચાલતું નથી, ચાલે છે પણ તને સાલતું નથી.

આવા તો કેટલાંય સ્પંદનોએ આપણાં જીવનના છ મહિનાને આનંદથી છલકાવી દીધા છે. મીઠડી… મળ્યાં વિના પણ લાગણીનો આ અહેસાસ આપણી વિચારશૃંખલાને સપનાઓથી ભરી દેવા પર્યાપ્ત હતો. પણ આજે તો તારા આમંત્રણે મારામા અનેરા ઉત્સાહનો સંચાર કર્યો. તને રૂબરૂ મળવાના વિચારથી મન અગણિત લાગણીઓથી અંકુરિત થયું.

તેં કહેલું, તું તારા મમ્મી સાથે રહે છે અને તારા મમ્મી તારી વાતે ખૂબ પઝેસીવ છે. સતત તારી જ ચિંતા અને તારા જ વિચારોમાં રહે છે. તેથી હું મારી જાતને તારા મમ્મી સમક્ષ કેવી રીતે પેશ આવવું એની તૈયારી કરવાનું મનોમંથન કરવા લાગ્યો. અને તું……. મિઠડી તું તો આટલાં વખતમાં મારી સાથે એટલી તો હળી ગઇ હતી કે મારે તારી સાથે વર્તવા કે વાત કરવા, શબ્દો કે શરારત ગોતવાની જરૂર નહોતી.

બસ, હવે બાકી શું હતું – નક્કી કરેલાં સમયે અને સ્થળે હું પહોચ્યો અને તારા ઘરની કોલબેલ રણકાવી. મને થયું દરવાજો ખોલતાં જ આપણાં બન્નેની આંખોમાં પ્રથમ વખત રૂબરૂ થયાનું ચમકીલું તારક રચાશે… સાથે સાથે ઉમટતી લાગણીઓને રોકવાની જવબદારી પણ નિભાવવી પડશે…. પણ ત્યાં તો મારા વિચારોને ધક્કો લગાવી હડસેલતો દરવાજો ખૂલ્યો! મને સમજતાં સહેજ પણ વાર ન લાગી કે દરવાજો ખોલનાર આ જાજરમાન સ્ત્રી એ તારા મમ્મી જ છે. મેં ‘જયશ્રી કૃષ્ણ’ કહી અભિવાદન કર્યું! પછી તરત જ બોલાઈ ગયું ‘સંજના…..’

તારા મમ્મીએ કહ્યું ‘હા..હા…આવો ને. અંદર આવો ભાઇ.’

વાહ! મિઠડી તારા મમ્મીનો અવાજ જાણે તને વારસામાં મળ્યો છે. અવાજમાં તારા જેવો જ મીઠો રણકો.

સોફા પર બેસવાનો ઈશારો કરતાં મમ્મીએ કહ્યું, ‘ભાઇ, મારી સંજુમાં કોઇ વાતે કમી નથી, ભણવામાં કાયમ અવ્વલ જ હોય, રમતગમતનો, ગરબા ગાવાનોય એટલો શોખ, કોલેજની હરિફાઇ હોય કે સોસાયટીના ગરબાની કોમ્પીટીશન – મારી સંજુ ઈનામ લાવે જ……..’

મારી નજર તારી મમ્મીની બાજુમાં ગોઠવેલ કોર્નર ટેબલ પર સુંદર ફ્રેમમાં સજાવેલા તારા ફોટા પર ગઇ…. એ જ ફેસબુકની પ્રોફાઇલ પિક્ચર જે રોજ જોઈ હું મનોમન તને ચાહવા લાગેલો! આજે મને તારા ફોટાની નહી તને રૂબરૂ જોવાની ઉત્કટતા હતી, મારા વિચારોની સાથે સાથે પશ્ચાદભૂમાં તારી મમ્મીની વાતો તો ચાલતી જ હતી પણ મિઠડી, મારું મન અને આંખો તો તને જ શોધતાં હતા. તારી મમ્મીની વાત પરથી એવું લાગતું હતું કે હું તને લગ્ન માટે જોવા આવ્યો છું. હું તને શોધવા અંદરની બાજુએ ફાંફા મારી રહ્યો હતો ત્યાં જ…..

એક રૂમમાંથી વ્હિલચેર હંકારી ખૂબસૂરત યુવતિ ડ્રોઈંગરૂમમાં પ્રવેશતાં જ સીધી તારા મમ્મી પાસે જઈ સત્તવાહી અવાજમાં તેમને કહેવા લાગી, ‘મમ્મી, તું મહેમાન સાથે વાતો જ કરતી રહીશ કે એમને ચા-નાસ્તાનું પણ પૂછીશ?’

મમ્મી, યુવતિની વાતને અનુસરી રસોડા તરફ ગયાં.

હવે હું કંઇ પુછું એ પહેલાં જ પેલી યુવતિએ ઓળખાણ આપતાં કહ્યું, ‘ હું મેઘના, સંજનાની નાની બહેન…..આપ રાજુજી ને?’

મેં હકારમાં માથું હલાવતાં પુછ્યું ‘સંજના….?’

મેઘના ખિલખિલાટ હસીને બોલી, ‘રાજુજી, દીદીને મળવાની બહુ ઉતાવળ છે ને કંઇ!’

મેં ક્ષોભમાં થોડું માથું ઝુકાવ્યું, ચંચળ ને ચાલાક મેઘના મારા ક્ષોભને પામી ગઈ મને જરા હળવો કરવા બોલી, ‘તમે દીદીને મિઠડી કહો છો અને એ તમને રાજી રાઇટ?’ પછીનું એનું મોહક સ્મિત, મિઠડી… તારી ગેરહાજરીમાં મને મોહી ગયું.

મૌન તોડતાં, ‘પણ મેઘનાજી.. તમને આ બધી વાત….’

‘દીદી એ જ કરેલી સ્તો! અને કવિશ્રી… મને ‘જી’ નહિ મેઘા કહેશો તો ચાલશે. હું પણ તમારી કવિતાઓની ફેન છું’

‘મારી ફેવરિટ કઈ કહું?’ મેં હકારમાં માથું હલાવ્યું.

મેઘનાએ સીદ્ધો પ્રહાર કર્યો, ‘તમે કવિતા લખવામાં તો શરમાળ નથી, અહીં કેમ?’

હું કઈ બોલવા જઉ એ પહેલાં કહે ‘લિવ ઈટ, આઈ વોન્ટ ટુ સે માય ફેવરિટ.’

તારામાં એવું તે શું છે જે મારા જેવું છે,
જો ને પ્યાર જેવું કઈંક આપણા જેવું છે.

‘તમને ખબર છે આ રચના મેં વાંચી, એ દિવસે હું દસ વાર વાંચી ગયેલી. આઈ વોઝ મેડ ઓફ ઇટ રાજી….!!!!’

સાશ્ચર્ય મેં પુછ્યું, ‘રાજી….!!??’ અને તેની આંખોમાં ઉત્તર શોધવા લાગ્યો.

પહેલીવાર મેં મેઘનાની નજરથી નજર મેળવી તો મને લાગ્યું કે ‘શું આ એ જ આંખોનું ઊંડાણ છે જે વાતોમાં છત્તું થતું હતુ?’ એની આંખોની વિહવળતા રીતસર એની લાચારીની ચાડી ખાતી હતી. હવે મેઘનાની બે અણીદાર આંખો પર આંસુઓના પડ બાઝ્યાં! તો ય મારા થી બોલ્યા વગર ન રહેવાયું…..

‘તું જ મિઠડી…..’

‘પણ શા માટે તેં આવું કર્યું?’ મારે એને ઘણાં પ્રશ્નો પૂછવા હતાં પણ ત્યાં તો મેઘનાની આંખોમાં રોકાયેલો અશ્રુપ્રવાહ દડદડ વહેવા લાગ્યો. હું સ્તબ્ધ બની આ લાચાર, અપંગ યુવતિની વ્યથાને જોઈ રહ્યો. મિઠડી…. તારી જ બહેનથી છેતરાયાનો વસવસો મને કોરી ખાતો હતો… મન તો થયું ઊભો થઈ સડસડાટ ઘરની બહાર નીકળી જાઉં. પણ તને મળવાની… તને જોવાની લાલસા મનમાં અક્બંધ હતી.

આંસુ લૂછી સજ્જડ નયને એનામાં હતી એટલી બધી જ હિંમત એકઠી કરી મેઘના આખી વાતની કેફિયત કરવા લાગી, એક વર્ષ પહેલાં કાર અકસ્માતમાં મિઠડી તેં જાન ગુમાવેલો અને મેઘનાએ પગ…! અને ત્યારથી તારા મમ્મી આઘાતના કારણે સતત તારું રટણ કરવા માંડ્યા. તારી મમ્મી તું નથી એ વાત માનવા જ તૈયાર નથી! એને તો તારા લગ્ન કરવાના કોડ છે એટલે તો તારા ફોટા પર હાર પણ ચડાવવા દેતા નથી !

મિઠડી તારા મ્રૃત્યુના સમાચાર મારા અસ્તિત્વને હચમચાવી ગયાં. પણ તેં ક્યાં મને પ્રેમ કર્યો હતો ? પ્રેમતો તારી બહેને છળ કરી મિઠડી બનીને કર્યો હતો… આ વાતે મને ખળભળાવી મૂક્યો ! હું સફાળો ઊભો થઈ, દરવાજા તરફ ચાલવા લાગ્યો.

મારા મનોમંથનને પામી ગઈ હોય તેમ સ્વસ્થ અવાજે મેઘના બોલી, ‘રાજી…’ મેં ડોકું એના તરફ સહેજ ફેરવ્યું.

‘હું જાણું છું હું તમને રાજી કહેવાનો હક ગુમાવી ચૂકી છું, પણ મેં તો તમને હમેંશ આ નામથી જ બોલાવ્યા છે, ભલે મેં મારી દીદીના ફેસબુક આઈ.ડી. પરથી તમારી સાથે સંબંધ બાંધ્યો હોય અને આજે તમને છળ પણ લાગતો હોય. પણ આપણી વચ્ચે વિકસેલ એ લાગણીઓ…. સંવેદનાઓ…. અપેક્ષાઓનું શું? શું એ જેમની તેમ ન રહી શકે? રાજી… દિલમાંથી નીકળીને તમારા સુધી પહોંચેલા શબ્દોને હવે હું પાછા નહીં વાળી શકું, અને તમારી જ કવિતાના શબ્દોમાં કહું તો……..

લાગણી વહાવી છે મેં હવે સંકેલું કેમ?
પાણીની પેઠે છે એ હવે વાળું કેમ?

રાજી…. હું મારી ચાલી નહીં શકવાની લાચારીને આગળ ધરી તમને કોઈ બંધનમાં બાંધવા નથી માંગતી. ન તો તમારી પાસે કોઈ દયાની ભીખ માંગતી. બની શકે તો એટલું કરજો રાજી….. પાગલ ‘માં’ ના દુખને વેંઢારતી અને વહાલસોયી બેનડીના વિરહમાં રાચતી તમારી આ અપંગ મિઠડીને હુંફાળા શબ્દોનો સહારો આપજો, હું જીવી જઈશ.’

ફેસબુકના પ્રોફાઈલ પીકમાં દેખાતી સંજના આજીજી ભર્યા સ્વરમાં જાણે મને વિનવી રહી હતી.

“રાજુજી, ભલે અજાણતામાં તમે મને પ્રેમ કરી બેઠાં, પણ તમારી સાચી મિઠડી તો મારી છુટકી મેઘના જ છે. એને સાચવી લેજો પ્લીઝ.”

– રાજુ કોટક

આજકાલ સોશિયલ મીડીયાનો જમાનો છે, ફેસબુક, ટ્વિટર અને એવી કાંઈ કેટલીય સાઈટ્સ માધ્યમ બનીને લોકોને એકબીજા સાથે જોડે છે. વર્ચ્યુઅલ વિશ્વનો આ સંબંધ ક્યારેક બે હૈયાંને નજીક લાવવામાં પણ કારણભૂત બનતો હોય છે. પરંતુ આ આભાસી વિશ્વના સંબંધો અને ઓળખાણ પર કેટલો વિશ્વાસ રાખી શકાય? શક્ય છે કે કોઈ તમારી સાથે છળ કરવા ન માંગતુ હોય પરંતુ એ તમને ગુમાવવા પણ ન ઈચ્છતું હોય, એવા સંજોગોનું શું ? રાજુભાઈ કોટકની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, અને છતાંય તેમના લેખનમાં ક્યાંય નવોદિત હોવાને લીધે કોઈ પણ ઉણપ વર્તાતી નથી. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


14 thoughts on “મિઠડી – રાજુ કોટક

  • La' Kant

    અઠવાડિયા પહેલાંની ,શ્રી સુધાકર શાહ ની વાત સાચી છે! પૂરું વંચાઈ સમજમાં ઉતરે ,તે પહેલા બદલાઈ જાય છે લખાણ…, એટલે “સ્ટેટિક” ૧૨-૧૫ સેકંન્ડ “સેટ કરો” તો ખરેખર મઝા આવે…જીગ્નેઃશ આટલો ફેરબદલ કરો રો તો સારું.
    -લા,કાન્ત / ૫-૭-૧૩

  • Raju Kotak

    માનનિય કિરણભાઇ
    નમસ્કાર સાથે ક્ષમા…. આપના પ્રતિભાવો એ વખતે કદાચ ઈન્ટરનેટ ના આવા સશક્ત માધ્યમ ના અભાવે કદાચ નિરુત્તર રહયા હશે. પણ હવેથી જરુર આપણે સંપર્કમાં રહિશું. અહિ સુંદર પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર.
    pl. visit my blog : http://www.rajukotak.wordpress.com
    Facebook id : રાજુ કોટક

  • Amee

    તમારી આ વાર્તા ઘણી જ સુંદર અને ભાવવાહી છે…આવું લખતા રહો એવી હાર્દિક સુભેચ્છા.

  • લા'કાન્ત

    રાજુ કોટક ,
    જય હો.
    યાદ આવે છે… ગાંધીધામના “ગેનોડર્માવાળા કિરણ તુલસીદાસ ઠક્કર” દ્વારા મોકલાયેલી તમારી કંઈક કાવ્ય-કૃતિઓ … એના રીસ્પોન્સમાં તમને સંદેશ પણ મોકલેલો ..અનુત્તરિત…હોઈ,ઉત્સાહ ઓગળી ગયો..
    પણ….તમારી રજૂઆતની શૈલી ગમી હતી, ત્યારે પણ, અને આજે પણ…
    અભિનંદન .
    -લા ‘ કાન્ત / ૨૬-૬-૧૩

  • sudhakar Shah

    ઉપર મથાળે રંગિન ફોટો અને કવિતા બેત્રણ પંક્તિ ને
    ૫-૬ સેકંડ આપો એ પૂરતી નથી સમય ૧૫ કરી આપૉ તૉ મજા પડૅ

  • ashvin desai

    ભાઈ રાજુ કોતક સિધ્ધહસ્ત વાર્તાકારનિ સજ્જતા ધરાવે ચ્હે .
    આ જો એમનિ પ્રથમ ક્રુતિ હોય , તો એમનિ હવે પચ્હિનિ વાર્તાઓ વિશે પ્રોત્સાહનજનક અન્દાજ લગાવિ શકાય એમ ચ્હે . એમનિ શૈલિ સરલ , સોસરવિ , અસરકારક ચ્હે , અને રરજુઆત સહજ , આગવિ અને આકર્શક ચ્હે . એક જબરજસ્ત પ્રતિભાને દિલિ આવકાર , અને અભિનન્દન
    અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા