ગોરખપુરનો કલાકાર.. – ગુણવંત વૈદ્ય 14


ગોરખપુર સ્ટેશને ઉતરનાર એ એકમાત્ર મુસાફર હતો. એણે ગામ જવાની વાટ પકડી. જરાય ઉતાવળ કર્યા વિના એ સીધો ગામ તરફ ચાલ્યો જતો હતો. ગામ આશરે દોઢેક માઈલ દૂર હતું. નાનકડું જ ગામ એટલે બસની સગવડ ક્યાંથી હોય? ચાલતા જ જવું પડે. વર્દી હોય તો ગાડાવાળો લેવા આવે. પણ આજે એકે ય ગાડું સ્ટેશન બહાર ન હતું એટલે મુસાફરે સીધા ચાલવા જ માંડયું. ઘટાદાર વૃક્ષો અને તેની વચ્ચેથી પસાર થતી કાચી સડક જાણે કે મુસાફરને ઊંડાણમાં ઘસડી જશે એમ લાગે. બપોરનો સમય હતો. દૂરના ખેતરોમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા. ફૂવા પર ચાલતા કોસનો કિચુડ કિચુડ અવાજ શાંતિભંગ કરવા છતાં માંનવમગજને એક પુરાણા ગામડાની યાદ અપાવતો હતો.

ગોરખપુરની આવી હરિયાળી વરસાદથી ભીની બનેલી માટીમાંથી આવતી મીઠી સુગંધ મુસાફરના હૈયાને ઠંડક આપતી રહી. ગોરખપુર હવે નજીક જ હતું. ગામના પાદરે આવેલ ઘટાદાર વડ્વૃક્ષની નીચે આવી મુસાફરે પોતાનો બોજ ઉતાર્યો. ગજવામાંથી રુમાલ કાઢી મોં પરના પ્રસ્વેદ બિંદુઓ તેના પર લીધા. પરબડીમાંથી પાણી લઇ મો ધોયું અને પાણી પીને જરા સ્વસ્થ થયો.

વડ નીચે બેઠેલું ચોપાગાનું વૃંદ આરામ કરતુ હતું. શાંતિ તો હતી જ, છતાં થોડી થોડી વારે દુરથી ખેડૂતોના અસ્પષ્ટ અવાજો સંભળાતા હતા. વડ નીચે ગોવાળીયાઓના રમવાના પ્રયોગો ચાલુ હતા. તૃપ્ત થયેલો મુસાફર પોતાનો બગલથેલો ખભે ચડાવી ગામમાં પ્રવેશ્યો. પરબડીમાં બેઠેલી વૃદ્ધ બાઈ ચાલી જતા મુસાફરને જોઈ રહી.

મુખીજીના ઘર આગળ જઈ એણે આંગણામાંથી જ મુખીજીના નામની બૂમ પાડી. ઘરમાંથી એક બાઈ માથે સાડલો ખેચીને આવી અને આ અજાણ્યા મહેમાનને માટે આંગણામાં ખાટલો ઢાળી ઉપર એક ગોદડું બિછાવી દીધું. કૂવેથી ઠંડુ તાજું પાણી કાઢી લાવી મુસાફર આગળ લોટો-પવાલું મૂક્યા. થોડીવારે મુખીજી ઘરમાંથી બહાર આવ્યા. આ અજાણ્યા મુસાફરના કુશળ પૂછ્યા અને એમ મુખીજીએ ગામડાની ઢબે એમનો સત્કાર કર્યો.

મુસાફરે ગામડામાં રહેલા છુપા આત્માને જોયો – ઓળખ્યો. એને થયું, ‘પોતે અજાણ્યો છતાં ત્યાના માણસો અજાણ્યા પ્રત્યે પણ કેટલો આદરભાવ રાખે છે ?’ સ્વાગતમાં આધુનિક ઢબ કે સાધનો ન હોવા છતાં સાચી લાગણી અને આત્મીયતાના દર્શન થતા હતાં. આ જોઈ મુસાફરનું મન ખૂબ જ પ્રફુલ્લિત થયું. પોતે પસંદ કરેલ ગામડું એને ખરેખર જ ઘણું રૂડું લાગ્યું.

પાણી પી ને પછી મુખીજી સાથે વાતો શરુ કરી.

આપણા આ અજાણ્યા મુસાફર તે બીજું કોઈ નહિ પણ રવિન્દરદાસજી. મુખી તરફથી એમને પૂરો સાથ, સહકાર અને પરવાનગી મળી એટલે રવિએ એ ગામમાં જ નદી કિનારે આવેલા એક ખંડિયેર જેવા મકાનમાં આશ્રય મેળવ્યો. વર્ષો જૂનું અને ઐતિહાસિક ઈમારતની યાદ અપાવતું ખખડધજ થતું આ ખંડિયેર રવિને ખુબ ગમ્યું. પોતે એકલે હાથે આ ખંડિયેરની શોભા વધારી અને વખત જતાં એ સરસ્વતિ દેવીનું ધામ બની ચૂક્યું.

આ ખંડિયેરમાં નવીન રંગો પુરી એણે ગુલશન બનાવવા માંડ્યું. વિચારોની ભૂમિકા પર એણે અરમાનોનો બાગ બનાવ્યો. આ મકાનમાં એણે માણસ જેટલા ઊંચા કદની સરસ્વતિની મૂર્તિને ઊંચા આસન પર બેસાડી. હાથમાં વિણા લઇ, એ વિણાનો મધુર સ્વાદ ચખાડતી, પોતાનામાં મશગુલ બનાવવા પ્રેરતી ઉત્સાહપ્રેરક દેવી – એના સહારે જ તો એણે હવે જીવન વિતાવવું હતું ને ? અત્યારસુધીમાં મેળવેલી બધી સિધ્ધિઓ પણ દેવીની કૃપાથી જ મળી હતી ને ? એની આરાધનામાં કલાકોના કલાકો સુધી બેસી રહેવાનું એને ફાવતું. દેવી સરસ્વતિની ગોદમાં જ તો એ આજે સગીતકારની ચરમસીમાએ પહોચ્યો હતો. પોતાને કલાકાર બનાવનાર સૌન્દર્યમૂર્તિનો એ બહિષ્કાર શેં કરી શકે ? પોતાની કલાને વધુ ફાલવા માટે એને શાંત જીવન જોઈતું હતું. શાંતિના વાતાવરણમાં કળા વધુ વિકાસ પામે – સંગીત સારું ખીલે. અને પરિણામે આજે એ ગોરખપુરની ધરતી પર હતો. સરસ્વતિ દેવીનું મંદિર એણે અહી પણ સ્થાપી દીધું. મૂર્તિની સામે મખમલની ચાદર બિછાવી એણે તેના પર પોતાની વિણા ગોઠવી. ગામના લોકો પણ અહી આવતા. આ ધામમાં એણે ચિત્રો લટકાવ્યાં. દેવી સરસ્વતિ, ગુરુ વલ્લભદાસજી અને ઉસ્તાદ જનાર્દનનું ચિત્ર પણ. પરંતુ એક ચિત્ર બધા ચિત્રોથી અલગ જ પડી જતું હતું . એમાં પોતાના વ્હાલસોયા ભાઈને રક્ષા બાંધી, કુમકુમ તિલક કરી, એક બહેન મો ગળ્યું કરાવતી હતી. આ ચિત્ર બતાવતાં, સમજાવતાં રવિના હાવભાવમાં ફેર વર્તાતો. અને આંખના ખૂણે ભરાયેલા પાણીના ટીપાંને રવિ સિફતથી સાફ કરી નાખતો.

સમય અને દુનિયા માનવીને ઘણીવાર પોતે સાચો હોવા છતાં ડરપોક બનાવી દે છે, મૂક બનાવી દે છે. દુનિયા સામે ઝઝૂમી લેવાનાં લીધેલા પણો નિષ્ફળ નીવડે છે અને કેટલીયે વાર દુનિયામાં એવું બનતું જોવામાં આવ્યું છે કે જ્યાં સત્ય પર અસત્યનો વિજય થાય છે, ધર્મ પર પાપનો વિજય થાય છે અને રહી જાય છે નરી શૂન્યતા, સાચાના મનની અને ગુંજી ઉઠે છે શેતાનના અધર્મથી મેળવેલા વિજયનાદ અને અટ્ટહાસ્ય …. એ સમયે નથી ધ્રુજતી ધર્મની દિવાલો કે સત્યના પાયાઓ ….!

માણસનું મન પણ સાચે જ ખુબ વિચિત્ર હોય છે. જીવનમાં ક્યારે અને કેવો ચમત્કાર થશે એ ન કહી શકાય. આજનું સુખ કદાચ માનવીને ચિરંજીવ દુખ પણ દઈ દે કે પછી ભવિષ્યમાં મળનાર સુખનું કારણ આજનું દુખ પણ હોય ! જયારે આવો સાક્ષાત્કાર માનવીને થાય છે ત્યારે તો એનું આખું ય જીવન જાણે પલટાઈ જાય છે, સાવ ઊંધું થઇ જાય છે. જીન્દગી પ્રત્યે સુગ ચડે છે. દુનિયાની પરવાહ વિસરીને મન કેવળ શાંતિ ઈચ્છે છે અને તેમાંથી જ કેટલીક વાર સાચા કલાકારનો જન્મ થાય છે.

જિંદગીથી ત્રાસેલા રવીન્દરદાસજી ગોરખપુર આવીને વસ્યા પછી એમના આત્મ। સાથે એટલું તો કબુલ કરે છે કે સ્થળે સ્થળે શેતાનિયત નથી હોતી કે પગલે પગલે પિશાચોના દર્શન નથી થતાં. ગોરખપુર જેવા સ્થળો પણ છે કે જ્યાં આપણને દેવાંશી માણસોના દર્શન થાય છે. માનવતાની મોંઘી ભાવના જોવા મળે છે. સંસારમાં આવા લોકો જ સાચા સુખના દેનાર છે અને દુઃખમાં ભાગીદાર બની દુઃખનો ભાર દિલ પરથી ઓછો કરાવે છે.

ગોરખપુર આવ્યા પછી રવીન્દરદાસજી પોતાના અંતરનો ભાર હળવો તો જરૂર કરી શક્યl પરંતુ દુનિયા પ્રત્યેની સુગ એમની ઓછી ન હતી થઇ.આજથી બે વર્ષ પહેલા જ જયારે પહેલી વાર એની સામે બે આંખો મંડાણી ત્યારે એને ખ્યાલ પણ ન હતો કે એ જ બે આંખો પોતાની સાથે બે વર્ષનું સાન્નિધ્ય ભોગવીને પછી વિરહમાં પરિણમશે.

આજે પણ રવિને એ બે આંખો સાંભરે છે … ઘણીવાર … વારે વારે …. અને તેઓ એ આંખને સ્મૃતિપટ પરથી ભૂંસી નાખવા માટે વિણા ઉઠાવે છે અને સરસ્વતિની આરાધનામાં ખોવાઈ જાય છે. તે વખતે એમને વાસ્તવિકતાનું ભાન જ નથી રહેતું. એમની આંગળીઓ વિણા ઉપર એવો કસબ જમાવે છે કે એમની એકલતાએ પેદા કરેલી વેરાનતા ક્યાંની ક્યાં ચાલી જાય છે. એમના હાથનો એ કસબ જયારે પૂરબહારમાં ખીલે છે ત્યારે એમને નથી રહેતું સમય અને કાળનું ભાન. શ્રોતાજનોના દિલ અને દિમાગને ભીંજવીને વહેતું ઝરણું બસ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે …..

રાગ ફરે છે, રંગ જામે છે અને એકરસતા કેળવાય છે. કલાકાર મસ્ત બને છે અને દેવીની આરાધનામાં ખોવાય છે. કલાકો પછી એ રંગમસ્તી ધીમી પડે છે. રવિના કંઠમાંથી અને વિણામાંથી ગળાઈ ગળાઈને નીકળતા સુરો બંધ પડે છે ત્યારે એના રંગમાં રંગાયેલાઓ ને ખબર પણ પડતી નથી કે ગાયકના આત્મ।માં પણ કઈક દર્દ છે .

….અને એ બે આંખોને પોતાની આંખો સામેથી ભુસવા માં રવિ સફળ થાય છે. છતાં આ શું …? પાછા એ જ બે નયનો ..ફરીવાર આંખ સામે આવીને ઉભા જ છે. રવિનું હૃદય કકળી ઉઠે છે. આંખોમાંથી આંસુ વહે છે. અને ઘુંટણીયે પડીને એ પ્રાર્થે છે, ‘દેવી, એ આંખોને ભૂલવા મેં તારો સહારો લીધો, તારી પાસે વિદ્યા લીધી, તારી જ આરાધનામાં રહું છું છતાં એ આંખોને હું ભૂલી કેમ નથી શકતો?’ ..અને રવિ એક બાળકની જેમ જ રડી પડે છે. એમની આ અકથ્ય વેદના કોઈ જ સમજી શકતું નથી. પછી એ વિણા ઉઠાવે છે અને તે વખતે તો એક ઉચ્ચતમ કક્ષાની ગાયકી જ સાંભળવા મળે છે.

રવિન્દરજીને હવે ગોરખપુરમાં બધા જ ઓળખે છે પણ ‘માસ્તરજી’ના નામે . છતાં કોઈએ એમના પુર્વવૃતાંત વિષે કશી પુછતાછ કરી નથી . લોકોને મન માસ્તરજી એક સારા સંગીતકાર છે. મુખીના ઘરેથી પટલાણી પુષ્પોની સુંદર માળા ગુંથી લાવીને ભાવથી દેવીના ગળામાં પહેરાવે છે. પ્રાત:કર્મથી પરવારી રોજ સવારે માસ્તરજી વિણા લઇ દેવીની આરાધના સૂરોથી કરે છે – અને તે વખતે ગામના લોકો એમને સાંભળી જ રહે છે – મસ્ત બનીને.

માસ્તરજી ક્યારેક મુખીજીના ખેતરે જોવા મળતા. તેઓ ક્યારીઓ ગોડતા કે પછી નીકોમાં પાણી વહેતું કરતા. રંગબેરંગી ઉડતા પક્ષીઓનો કલરવ એમને ખુબ જ ગમતો. તેઓ કદીક મુખીજીને પ્રશ્ન કરી બેસતા, ‘મુખીજી, આપણું જીવન આવું હોત તો?’ ‘શા માટે લોકો સત્યને અસત્ય કહેતા હશે ? જૂઠનું સાચું શા માટે બનાવતા હશે?’ તો વળી કોઈવાર પૂછી બેસતા, ‘મનુષ્ય સ્વાર્થને શા માટે પોષે છે?’ મુખીજી એમને ટૂંકો જવાબ આપતા, ‘ઈ તો માસ્તરજી દુનિયા સે, ઇવું જ હોય, ઈ તો ઈ મ જ હાલ્યા કરે.’ માંસ્તરજીને આથી સાચો જવાબ જડતો નહિ. ક્યારેક ક્યારીઓ ગોડતા ગોડતા માસ્તરજી પૂછે, ‘દુનિયાને અને કોઈ બે નિર્દોષ વ્યક્તિના પ્રેમને શો સંબંધ?’ મુખીજી કહે, ‘આંગળી સીંધવા જેટલો, લ્યો વળી ..’..અને આ જવાબથી માસ્તરજી વધુ નિરાશ થતા. ‘પણ અમ કેમ? લોકો શા માટે આંગળી ચીંધે ?’ અનો જવાબ મુખીજી ખુબ જ લંબાણથી આપતાં છતાં રવિને સંતોષ ન જ થતો.

તેઓ ક્યારેક નદી પર ફરવા જતા. લટાર મારતા મારતા તેઓ નદીના વહેતા પાણીને જોઈ જ રહેતા અને સામે પર આવેલા નન્દનપુર ગામને ઓળખવાનો પ્રયાસ કરતા. એમના ભૂતકાળને ઓળખવા ગામના લોકો ફોગટ ફાંફા ન મારતાં.

માસ્તરજી ક્યારેક રાગ વસંત છેડતા. આજે પણ એમણે એ રાગ લીધો અને બધે જ વસંત આવી ગઈ. ઋતુની એ રાણીએ પોતાની કળા આરંભી. આકાશ રક્તરંગી બન્યા. બાગમાં ઉગેલી ચંપાકલી ખીલી જ ઊઠી. મુક્ત હાસ્યથી પુષ્પો ડોલી ઉઠ્યા. બાગમાંના વૃક્ષ પર બેઠેલી કોયલ ટહુકી ઉઠી. મયુર નર્તન કરી ઊઠ્યો. વસતના આવતાંની સાથે જ જાણે આમ્ર મંજરીઓ ખીલી. વસંત જામ્યો, ખરેખરો જામ્યો અને રસ બહેક્યો. વસંતના આરોહ અને અવરોહે ઠંડો મીઠો પવન ફુકાયો. એ વાયરાએ પ્રત્યેક સાંભળનારને મદમસ્ત બનાવી વસંતના ઘેનમાં તરબોળ કર્યા . રાગ રેલાઈ રહ્યો હતો, ‘…આઈ વસંત બહાર ……’

વિણાનાં સુરો આલાપ સાથે તાલબધ્ધ ગતિ કરતા હતા. પ્રણયીપક્ષી સમા માસ્તરજીએ સૌને પોતાના સંગીતમાં તરબોળ કરી રાગને પાછો ખેચવા માંડ્યો. અડધા કલાકની વસંતની એ રંગમસ્તી બાદ રાગણીનું ગુંજન, કંઠનું માધુર્ય બધું જ ગયું. છતાં એ ઘેનમાં મસ્ત બનેલા હજી પણ ડોલતા હતા અને એ વાતાવરણને છેડવાની કોઈની તાકાત પણ ન હતી.

આવી હતી માસ્તરજીની આરાધના. બસ ખીલી ઉઠે ત્યારે એવા કે સમય અને કાળનું ભાન ખોઈ સાંભળનાર બસ સાંભળ્યા જ કરે. માસ્તરજી પણ આવું વાતાવરણ જમાવે ત્યારે જ જંપે. આવું થતું ત્યારે એમને પેલી બે આંખો સાંભરતી. દેવી સમી નારીની એ પ્રતિકૃતિ એની આંખ સામે આવી રહેતી અને માસ્તરજીથી દુનિયાને દોષ દેવાઈ જતો. ગામઠી ન્યાયતંત્ર એમનો વિશુધ્ધ પ્રેમ સમજવામાં અક્ષમ રહ્યું અને કલ્પિત તર્કને હકીકત ઠેરવી બંનેને અલગ કર્યા. એમેને થયેલા ઘોર અન્યાયથી બંને ફફડી ઉઠ્યા પરંતુ અણીશુદ્ધ પ્રેમ એક દિવસ જરૂર આવી મળશે એ આશાએ એમણે સંજોગો અને દુનિયાને માન્ય કર્યા. રડતી કકળતી બહેન ગામ છોડી જતા ભાઈને જોતી રહી. જીવન પ્રત્યેનું માસ્તરજીનું મન જ ત્યારથી ઉઠી ગયું. એમણે સરસ્વતિ દેવીનો આશરો લીધો અને બની ગયા સંગીતકાર. પોતાના રાગમાં એમણે દિલનું દર્દ ભર્યું. સરસ્વતિની આરાધનામાં ખોવાયા.

ગોરખપુર આવ્યા પછી રવિન્દરજી લોકોના ‘માસ્તરજી’ બન્યા. લાંબો અંગરખો, એની ઉપર ગળાથી ઘૂંટણ સુધીની બટનોની હારમાળા, દૂધ જેવો ડાઘ વિનાનો સ્વચ્છ સુરવાળ અને પગમાંની મોજડીનો ચમચમાટ માસ્તરજીને સંગીતકારના લીબાશમાં લાવી દેતા. વળી હાથમાં કડાં અને ગાળામાં લોકેટ – બેનની રાખડીનું તાવીજ – એમના વ્યક્તિત્વને શોભાવતાં. ગોરખપુર જેવા નાના અલ્પવિકસિત ગામડાને માસ્તરજી જેવા સંગીતકારની ભેટ મળી હતી. અહીં આવ્યાને એમને પુરા દશ મહિના થયા હતા.

આજનો દિવસ માસ્તરજી માટે કંઈક નવીન ઉગ્યો હતો. સૂરજ ઉગતાંની સાથે જ આજે એમણે વિણા છેડી હતી. એમણે વિણા વગાડયે જ રાખી. તેઓ મસ્તીમાં જ ડૂબેલા રહ્યાં, સમયનું ભાન ના રહ્યું. આંગળીઓ દુખી ગઈ, રાગો ખોટા પાડવા માંડ્યા. હાથમાંથી વિણા સુધ્ધાં પડી ગઈ, તારો ઝણઝણી ઉઠ્યા અને માસ્તરજી પણ દેવીના ચરણોમાં ઢળી પડયા.
સાજે સ્વસ્થ થઇ તેઓ ખેતરે ફરવા નીકળ્યા. પક્ષીઓને ગેલ કરતા જોઈ તેઓ રાજી થયા. વાડને એક ખૂણે ખીલેલી સોહામણી ચંપાકલી જોઈ તેઓ પણ હસી પડયા. બીજી જ ક્ષ્ણે એમનું એ હાસ્ય કરુણતાની રેખાઓથી રહેંસાઈ ગયું. તેઓ દયામણા બન્યા અને ખોવાઈ ગયા વિચારોમાં.

ત્યાંથી નીકળી તેઓ નદી કિનારે ગયા. નદીને સામે પાર તેમની આંખો મંડાઈ હતી. નદીના તટ પર તેઓ તેઓ ઘણી વાર બેઠા. સુર્યાસ્ત પછી તેઓ ઘર તરફ ગયા. ધીમો ધીમો છાંટી રૂપે વરસાદ શરુ થયો હતો. વાતાવરણ ભીનું હતું. આવા સંજોગોમાં માસ્તરજીએ મલ્હાર છેડ્યો. સ્વરૂપવાન દેહછટા ધરાવતી જોબનવંતીના લહેરાતા સાડલાની જેમ મલ્હાર રેલાવા લાગ્યો. રંગત જામી અને મલ્હારના સંગીતે સવરૂપ ધારણ કર્યું. છમ છમ અને ટપ ટપાક કરતી વર્ષાદેવી પણ પધારી. સોનેરી, રૂપેરી અને શ્યામ વાદળીઓ રૂપી ચુંદડી એણે પહેરી હતી. વાદળીઓની નૃત્યછટાએ મૃદંગનો તાલ આપ્યો. અને વીજની સાથે આનંદવિભોર બની વર્ષાદેવી ધરતીની પ્યાસ બુઝાવતી રહી. છમ છમ ટપ ટપાક… છમ છમ ટપ ટપાક…

શું થયું એનો ખ્યાલ ના રહ્યો. મંડપમાં બેઠેલાનું વૃંદ વધતું હતું. રાગના આરોહ અને અવરોહ મનને રસાર્દ્ર બનાવી રહ્યા. સ્વરની અમીરીએ મનને ડોલાવ્યા, ભાન ખેચી લીધું અને મસ્ત કર્યા. વર્ષારાણીએ ઘણી કૃપા કરી. પુષ્પોની મીઠી સુગંધ ભીની માટીમાં મળીને બધ્ધે ફેલાઈ ગઈ.

માસ્તરજી આંખો બંધ કરીને મલ્હાર રેલાવતા જતા હતા. વાતાવરણ ખરેખરું જામ્યું હતું હતું. બધા મસ્તીમાં ડોલતા હતા. સમય વીતતો જતો હતો. કલાક થયો પણ મલ્હારનો અંત ન આવ્યો. આજે માસ્તરજીએ મલ્હારમાં પોતાની તમામ શક્તિ ખર્ચી નાખવાનું જ વિચાર્યું હોય લાગતું હતું. એમના દુખતા હાથની આંગળીઓ વણઅટકી વિણા ઉપર દોડી રહી હતી. આવા ઠંડા વાતાવરણમાં પણ એમનો ચહેરો પ્રસ્વેદ બિંદુઓથી ચમકી રહ્યો હતો. તેઓ થાકી ગયા હતા છતાં રાગની ગૂંથણી, ઘૂંટાતા સૂર અને વિણાનું માધુર્ય એકતાલ સાધી રહ્યા હતા.

નદીમાં રેલ આવી હતી. બહાર મુશળધાર વરસાદ વરસતો હતો. એવા સાંજના સમયે નંદનપુર ગામની એક બાઈએ દેવીનું નામ દઈ નદીના પાણીમાં ઝંપલાવ્યું. પાણીમાં ‘ધબ્બ ..’ દઈને કોઈના પાડવાનો અવાજ સંભળાયો. રાગની સાથે નદી પણ રમણે ચડી હતી એટલે એ અવાજ વાતાવરણમાં સમાઈ ગયો અને નદીના પાણીએ કોઈને આ વાતની ચlડી ન કરી.

પૂરની કલ્પના કર્યા વગર જાનને જોખમે એણે નદીમાં ઝંપલાવ્યું. પૂરપાટ વેગવાળા પ્રવાહમાં એ સામે કાંઠે જવાનો પ્રયાસ કરવા માંડી. દીવાબત્તીનો સમય, અંધારું થવા માંડેલું એવા સંજોગોમાં મહેનત કરીને પાણીના જોરદાર પ્રવાહમાં માર્ગ કાઢતી એ આગળ વધવા માંડી. કેટલીયે પછડાટો ખાધી છતાં જાણે આજે એનામાં પ્રભુએ દુનિયાની સર્વશક્તિ જ જાણે ઠાલવી દીધી હતી. સામા પ્રવાહમાં એ આગળ વધતી જતી હતી. નદીના તોફાની પાણી સાથે બાથ ભીડીને એ હિંમતથી થોડે સુધી આવી તો ખરી પણ એ ખુબ જ થાકી ગઈ હતી. ભલભલો જવાંમર્દ તરવૈયો આવી તોફાની નદી સામે પાર કરવાની હિંમત જ ન કરે. જાનના જોખમે એણે નદીમાં ઝંપલાવ્યું હતું. અજબની સ્ફૂર્તિ અને તાકાત એનામાં આવી ગયા હતાં. પાણીના તળિયે એ ધકેલાઈ, પછડાટ ખાધી પણ ફરીથી હિંમત એકઠી કરી પ્રવાહનો સામનો કરી એ ફરી આગળ વધી. હજી તો માંડ અડધું અંતર જ કપાયું હતું. અત્યંત થાકેલી હોવા છતાં એ મરણીયો પ્રયાસ કરતી હતી. જાણે હમણાં જ એના હાથ છુટા પડી જશે, શરીર ટુકડા ટુકડા થઇ જશે, તરવાનું જ છૂટી જશે અને પોતે ઘડીકમાં જ હતી ન હતી થઇ જશે એમ એને લાગ્યું. છતાંય દ્રઢપણે એણે એનો પ્રયાસ ચાલુ જ રાખ્યો. હવે થોડું જ અંતર બાકી હતું. મદદ માટે બુમ પડી શકે એટલી તાકાત પણ હવે તો એનામાં રહી જ ન હતી. ગોરખપુરના ઘરોના દીવાઓ રાત્રીના સામ્રાજ્યની જાણ કરતા હતા. દેવીને સ્મરીને એણે આગળ વધવાનો પ્રયાસ ચાલુ જ રાખ્યો. એ અત્યંત થાકી ગઈ હતી. થોડું અંતર કાપવાની પણ હવે તો એનામાં શક્તિ જ ન રહી. એ ભાંગી પડી …એણે કાબૂ ગુમાવ્યો અને ..પાણીમાં તળિયે ધકેલાવવા માંડી …

સદનશીબે પાછળથી આવતા પાણીના જોરદાર પ્રવાહે અને આવતા વળાંકે એ રણચન્ડીને સામેના કિનારા પર ઉછાળીને ફેકી જ દીધી. કાદવમાં એક ધબાકો થયો. એની આંખે અંધારા આવી ગયા. શ્વાસ પણ એના જોરજોરથી ચાલતા હતા. કેટલીયે વાર એમને એમ પડી રહી એ. પછી એણે આંખો ખોલી. એના હાથની મુઠી હજી ય બંધ જ હતી. અને એ જોઈ આવી કફોડી સ્થિતિમાં પણ એના ચહેરે એક આનંદની રેખા અંકાઈ ગઈ. મહેનત કરીને એ ઉભી થઇ અને ધીમે ધીમે ચાલવા માંડી. ઝાડી ઝાંખરામાંથી મારગ કાઢતી પડતી આખડતી ખંડીયેર તરફ આગળ વધી. પગથીયા ચડી જ્યાં એ દ્વારે પહોચી ત્યાં એને સુર સંભળાયા મલ્હારના ….

અહી હજી રાગની મહેફિલ પૂરી થઇ ન હતી. માસ્તરજીના કંઠમાં ય હવે શક્તિ રહી ન હતી. ફક્ત વિણાના સુરો જ સંભળાતા હતા. ખુબ ઝડપથી વિણા ઉપર એમની આંગળીઓ ચાલતી હતી. શ્રોતાઓ મસ્તીમાં ડોલતા હતા. એવા સમયે બારણામાં એક સ્ત્રીનો પ્રવેશ થયો. અંદરનું દ્રશ્ય જોતાં જ એનામાં એક ઝણઝણાટી આવી ગઈ …

માસ્તરજીએ આજે કમાલ કરી હતી. વિણા પર ચાલતી એમની આંગળીઓમાંથી લોહીના ટીપાં પડતા દેખાયાં. સંગીતની એટલી હદ પણ હોઈ શકે? વિણા વગાડનાર તેમજ સાંભળનાર સહુ કોઈ આ દ્રશ્યથી અજાણ હતા. એમને ખબર જ ન હતી. લોહીના ટીપાઓ ધારા બની કાળા અંગરખા ઉપર વહેવા માંડી.

આ જોતા જ એક ચીસ એ નારીના મુખમાંથી નીકળી ગઈ અને હતું એટલું બધું જ જોર એકઠું કરી એ ત્યાં દોડી જ ગઈ. હાથમાંથી વિણા ખેંચી લઇ દૂર ફગાવી દીધી અને માંસ્તરજીના હાથને સાડુના ચીરાથી લપેટી દીધો.

રાગ તૂટ્યો, રંગત તૂટી, માસ્તરજી ઢળી પડ્યા. ઘેનભંગ થતાં જ સ્તબ્ધ શ્રોતાજનોએ આંખો ખોલી.

થોડીવારે માસ્તરજીએ પણ શુદ્ધિમાં આવતાં જ આંખો ખોલી.

આ શું? સ્વપ્ન કે સત્ય? એમણે આંખો સાફ કરી. હા, સામે પેલી જ બે આંખો હતી !!! ચાર આંખોના કમાડોએ આંસુઓને ભરપેટ વહાવ્યા. મુઠ્ઠીમાંની રાખડી હેતથી બહેને ભીના હાથે ભાઈને બાંધી, ખેંચીને મજબુતાઈથી, જાણે કદિ ય તૂટશે જ નહિ. સાચો પ્રેમ અને તમન્નાની જીત થઇ હતી.જાણે એટલું જ જોવા માગતી હોય તેમ માસ્તરજીની આંખો પછી બંધ જ થઇ ગઈ. કલાકારનો આત્મા દુખની અવધિ વિતાવી બહેનની રાખડીનું અંતિમ સુખ મેળવી દેવીના ચરણમાં પડ્યો. ‘ભાઈઈ …’ ની એક કારમી ચીસ વાતાવરણમાં પછી સંભળાઈ અને બહેન પણ ત્યાં જ ઢાળી પડી. વાતાવરણમાં નિસ્તબ્ધતા હતી .વસંત અને મલ્હારના સુરો ગોરખપુરના એ ધામમાંથી જાણે હજીય ઘુંટાઈ ઘૂંટાઈને નીકળતા હતા. કલાકારના અણચીન્તવ્યા ગમનથી ગોરખપુર ધ્રૂજી ઉઠ્યું.

મુખીજીની ઊંડી ઊંડી ઉતરી ગયેલી આંખો નંદનપુર અને ગોરખપુર વચ્ચેનું અંતર માપતી હતી. એમને એક સવાલના જવાબમાં છુપાયેલો મંત્ર જડ્યો હતો, ‘ગામડાઓની ગ્રામ્ય સંસ્કૃતિ જાળવેલી રાખીને ગ્રામ્ય સમાજને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બાબતે વૈચારિક ક્રાંતિ દ્વારા શિક્ષિત કરીએ તો ? અને વિકસિત શહેરીસમાજમાં એજ વૈચારિક ક્રાંતિ દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિ લાવીએ તો? ..તો જ કદાચ માનવ વસાહત ફરી ઉભી થાય … તો જ કોઈ પણ નિર્મળ પ્રેમ કલંકિત ના થાય.’

– ગુણવંત વૈદ્ય


Leave a Reply to Harsha vaidyaCancel reply

14 thoughts on “ગોરખપુરનો કલાકાર.. – ગુણવંત વૈદ્ય

  • Ansuya Desai

    ભાઈ બહેન ના પવિત્ર સંબધ ની સુંદર રસમય લઘુ કથા
    ગુણવંતભાઈ ..પત્ર પ્રતીક્ષા ને કારણે સુંદર હ્રદય સ્પર્શી રચના વાંચવા મળી…. અભિનંદન

  • Harsha vaidya

    ગામડાના પવિત્ર પશ્ચાદભૂમાં, ભાઈ બહેન ના પવિત્ર સંબંધની કથા,અને શારદા સરસ્વતિ ના ખોળામાં જીવન ની સમાપ્તિ,આ સઘળું શાળા સમય દરમિયાન ની નાની ઉંમરમાં લખાયું હોય તો તે સાચે જ કલ્પના શક્તિ નો પ્રભાવ છે અને તે માટે લેખક ધન્યવાદ ને પાત્ર છે.

  • Harsha vaidya

    પહેલી જ વાર્તા પ્રમાણે ઘણી જ સરી કલ્પના શક્તિ છે.અને ભાઈ બહેન ના અતૂટ પ્રેમને પવિત્ર ગામડાના વાતાવરણમાં મૂકી અને શારદા સરસ્વતિ ના ખોળામાં સમાપ્તિ ….એ ઉંમરે આવી કલ્પના?ધન્યવાદ ને પાત્ર છે.

  • Amee

    આ વાર્તામાં જે લાગણીઓ અને જે ભાવ છે એ બહુ જ ઊંડાણપૂર્વક ના છે………બહુ વખત પછી બહુ જ સુંદર વાર્તા વાંચી……પોતાનું દુખ સાધના રૂપી બહાર લાવવું ………..જો આ સત્ય ઘટના હોઈ તો ગોરખપુર ના નિવાસીઓ ઘણા નસીબદાર કહેવાઈ કે જેમને માસ્ટરજીની વીણા નો લાભ લીધો……….

    દરેક માનવી એ કોઈક શોખ તો વિકસાવવા જ જોઈએ જિંદગી માં તો એકલા પડીએ છીએ એવા વિહારો ના આવે..કે આત્મહત્યા જે અત્યારના સમય નો સૌથી મોટો પ્રશ્ન છે એ ઘણી સરળતા થી ઉકેલાઈ…………

  • gunvant Vaidya

    ગુજરાતીમાં સરળતાથી કોઈને પણ લખવામાં મદદરૂપ થઇ શકે કેવળ એ જ હેતુસર એક વાત કહેવી છે.
    કોઈપણ વ્યક્તિ ગુજરાતી સહિતની કોઈપણ ભાષામાં વેબ ઉપર લખી શકે છે. એ માટે ગુજરાતી સોફ્ટવેર હોવું જરૂરી નથી. ઈગ્લીશ સ્ક્રિપ્ટમાં ગુજરાતી લખવાથી તે ગુજરાતીમાં લખાય છે અને આ રીતે જેમને ગુજરાતી ફક્ત બોલતા જ ફાવે છે અને લખતા આવડતું ન હોય એવા પરદેશમાં જન્મેલા આપણા બાળકોને ગુજરાતી લખવા બાબતે તો આ એક વરદાન સમાન જ છે. આપના મિત્રોમાં જો આની જાણ ન હોય તો દરેક જરૂર કરશો .
    1. ગુગલ સર્ચમાં પ્રથમ ‘ગુગલ ત્રાન્સ્લીટરેશન ગુજરાતી ‘ એમ લખો. પછી enter કરો .
    2. બીજા આવેલા વેબ સ્ક્રીનમાંથી ‘ઈનપુટ સાધનો ઓન લાઈન અજમાવો’ એમ લખેલી વેબ સાઈટ ક્લિક કરી તે ખોલો
    3. હવે અંગ્રેજીમાં ગુજરાતી લખવાનું શરુ કરો . દા. ત. MARU NAM GUNVANT CHHE. એમ અંગ્રેજીમાં લખો .
    4. જેમ જેમ લખતા જશો તેમ તેમ સ્ક્રીન પર ગુજરાતી સ્ક્રિપ્ટમાં લખાતું જશે .
    5. પછી એને copy and paste જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે .

  • gunvant Vaidya

    ભાઈશ્રી અશ્વિનભાઈ અને પુષ્પકાન્તભાઈનો આભારી છું. આ એક સત્ય ઘટના આધારિત ટુકી વાર્તા છે . આપને ગમી એ મને ગમ્યું.

  • Pushpakant Talati

    બહુજ સરસ,
    ઘણીજ સુંદર રીતે રજુઆત થવા પામી છે આપની આ રચનાં – મજાનાં શ્રેણીબધ્ધ શબ્દોથી શુંગારીત થયેલ આપની લેખનશૈલી થી આખી વાતની રજુઆત વાંચનારાઓને તથા તેના દિલ ને પકડી રાખે છે.
    આ રચનાં બદલ હું પુષ્પકાન્ત તલાટી આપને ઘણા જ હાર્દિક અભિનંદન પાઠવું છું .

  • ashvin desai

    આ લઘુ – નવલ ચ્હે .
    ગુનવન્ત્ભઐ જો મુગ્ધાવસ્થામા આત્લિ સરલ , સોસરવિ , ધારદાર , રદયસ્પર્શિ શૈલિ કન્દારિ શક્યા હોય તો કાબિલે
    દાદ ચ્હે . મધ્હુમતિ ફિલ્મ્નો દિલિપકુમાર મને યાદ આવિ
    ગયો . એમ્નો ઉપાદ સ્વાભાવિક , ગુથનિ ચિવતથિ કરિ ,
    એઓ ધારતતો આખિ સમ્પુર્ન નવલકથા કરિ શક્યા હોત
    ધન્યવાદ . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Rajesh Vyas "JAM"

    એક લેખક તરીકે તમારે કશી જ સ્પષ્ટતા કરવાની આવશ્યકતા નથી કારણકે વાર્તાનું આલેખન જ એટલું અદભુત છે કે જેવી રીતે ગોરખપુર વાસીઓ માસ્તરજી ની સુરાવલિ માં તલ્લિન થઈ ગયા હતા તેવી જ રીતે આ અક્ષરનાદ વાસી તમારી શબ્દાવલિમાં લીન થઈ ગયો. ખરેખર લાજવાબ વાર્તા છે.

  • gunvant Vaidya

    એક સ્પષ્ટતા કરવી છે. આ વાર્તા લઘુવાર્તા હોવાનું મેં ક્યાંય જણાવ્યું નથી. કોઈક ટેકનીકલ કારણોસર પ્રેસમાં આમ થયું હોય એમ બની શકે છે. બાકી હું તો આ વાર્તાને અહી શામેલ કરવા બાબતે ભાઈશ્રી જીગ્નેશભાઈ અને અક્ષરનાદનો ખુબ આભારી છું.